(બ્રહ્મલીન સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બારમા પરમાધ્યક્ષ હતા. ‘પ્રબુદ્ધ ભારત’ ઓગસ્ટ, ૨૦૦૮માં પ્રકાશિત થયેલ તેમના અંગ્રેજી લેખનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.)
ભારતની ધાર્મિક અને દાર્શનિક પરંપરામાં પુરાણોમાં શ્રીમદ્ ભાગવતનું આગવું અને વિશિષ્ટ સ્થાન છે. શ્રીમદ્ ભાગવતની વિશિષ્ટતા તેની વિશાળતા, ગહનતા અને પરમ સત્ય પ્રત્યેના વિવિધ દૃષ્ટિકોણમાં રહેલી છે, તેમજ એક આદર્શ પુરાણમાં જે દસ વિષયો હોવા જોઈએ તે તમામની ચર્ચા તેમાં કરવામાં આવી છે. એવું કહેવાય છે કે આ પુરાણ વિદ્વત્તાની સીમા નક્કી કરે છે—વિદ્યા શ્રીમદ્ ભાગવતાવધિઃ. વિદ્વાનોના મતે, આ પુરાણ ઈ.સ. છઠ્ઠી અને આઠમી સદી વચ્ચે વર્તમાન સ્વરૂપે લખાયું હતું. તેના સર્જન કાળથી જ આ પુરાણ ભારતમાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે.
શ્રીમદ્ ભાગવત પુરાણ શ્રીકૃષ્ણના વ્યક્તિત્વની આસપાસ કેન્દ્રિત છે. મહાભારત અને વિષ્ણુ પુરાણ અનુસાર, શ્રીકૃષ્ણ એ વિષ્ણુના ઘણા અવતારોમાંના એક છે. પરંતુ આ પવિત્ર ગ્રંથની દૃષ્ટિએ તેઓ સ્વયં ભગવાન છે અર્થાત્ ‘કૃષ્ણસ્તુ ભગવાન સ્વયમ્’ (૧.૩.૨૮). આ પુરાણ બાર પ્રકરણોમાં વહેંચાયેલું છે, જેને સ્કંધ કહેવામાં આવે છે. તે ઉત્કૃષ્ટ અભિવ્યક્તિઓ, મધુર કાવ્યાત્મકતા અને ભવ્ય ભાવોથી ભરેલું છે. જો કે, જ્યારે કોઈ શ્રીમદ્ ભાગવત વાંચે છે, ત્યારે તેને એવો સંદેહ થયા વિના રહેતો નથી કે તેઓ કોઈ વિશાળ ઉપનિષદ વાંચી રહ્યા છે. આ પુરાણના શ્લોકોમાં અર્થની સંક્ષિપ્તતા અને ગહનતા અત્યંત અદ્ભુત છે.
ભક્તિ: મુખ્ય સૂર
ભાગવતની મુખ્ય વિભાવના ભક્તિ, ભક્તિ એટલે કે શ્રીકૃષ્ણ પ્રત્યેનું સમર્પણ છે. અસંખ્ય ઉદાહરણો, દૃષ્ટાંત કથાઓ અને વિચારશીલ કથનો દ્વારા આ પુરાણ ભક્તિનાં તમામ પાસાંનું વિગતવાર વિવેચન કરે છે. પ્રારંભિક ધાર્મિક ભક્તિ, જેને વૈધી ભક્તિ કહેવામાં આવે છે, ત્યાંથી લઈને પ્રેમ ભક્તિ એટલે કે પ્રેમના સર્વોચ્ચ શિખર સુધીના દરેક તબક્કાને પુષ્કળ દૃષ્ટાંતો અને ઉદાહરણો સાથે સમજાવવામાં આવ્યા છે.
ભાગવત અનુસાર, ભક્તિ એ પરમ તત્ત્વ પ્રત્યેનો એવો નિઃસ્વાર્થ પ્રેમ અને અસીમ સમર્પણ છે જે મુક્તિ જેવાં અંતિમ લક્ષ્યોની પણ ઝંખના કરતું નથી. શ્રીમદ્ ભાગવત ભગવાન પ્રત્યેની ભક્તિના કોઈ ચોક્કસ ભાવ કે પદ્ધતિનો આગ્રહ રાખતું નથી. અસંખ્ય રીતો છે, જેના દ્વારા ભક્ત ભગવાનમાં લીન થઈને આનંદ મેળવી શકે છે. તેમાંથી કેટલીક રીતો લૌકિક સંબંધોના રૂપમાં વ્યક્ત કરવામાં આવી છે. ક્યારેક આપણે તેમને આપણા પિતા તરીકે, ક્યારેક ભાઈ તરીકે તો ક્યારેક પ્રિયતમ તરીકે ભજીએ છીએ. ભગવાન પ્રત્યેના આ તમામ અને અન્ય વિવિધ ભાવો શક્ય છે, અને આપણે એમ ન કહી શકીએ કે કોઈ એક ભાવ બીજા કરતાં શ્રેષ્ઠ છે; આ બધું આપણે તેમને કયા ભાવે જોઈએ છીએ તેના પર નિર્ભર કરે છે. કોઈ પણ વ્યક્તિ પોતાની પસંદગીના કોઈ પણ સ્વરૂપમાં તેમને પ્રેમ કરી શકે છે.
ભક્તિના સર્વોચ્ચ શિખરને કોઈ ચોક્કસ ભાવ સાથે જોડવાની જરૂર નથી; તે દરેક સ્વરૂપ સાથે જોડાઈ શકે છે, જેનો ભક્ત આનંદ માણે છે. પરંતુ જ્યારે પણ સૌથી ઉચ્ચ પ્રકારના પ્રેમ—વિરહની વ્યાકુળતાભર્યા પ્રેમ—ની વાત આવે છે, ત્યારે તે વૃંદાવનની ગોપીઓના પ્રેમ સંદર્ભે જ હોય છે. શ્રીમદ્ ભાગવત કહે છે કે ભક્ત સંસારનાં અન્ય સુખોની તો વાત જ શું કરવી, મુક્તિની પણ કામના કરતો નથી. શ્રીમદ્ ભાગવતમાં ભગવાન કપિલ કહે છે કે જો ભક્તોને મુક્તિનાં પાંચ સ્વરૂપો આપવામાં આવે તોપણ તેઓ તેનો સ્વીકાર કરશે નહીં; તેના બદલે, તેઓ સદાકાળ પ્રભુનાં ચરણકમળની સેવા કરવાની ઇચ્છા રાખે છે. મુક્તિનાં વિવિધ સ્વરૂપો આ પ્રમાણે છે:
સાલોક્ય: ભગવાનના ધામમાં (તે જ લોકમાં) નિવાસ કરવો.
સાર્ષ્ટિ: ભગવાન જેવી જ શક્તિઓ (ઐશ્વર્ય) પ્રાપ્ત કરવી.
સામીપ્ય: ભગવાનની નજીક હોવું.
સારૂપ્ય: ભગવાન જેવું જ સ્વરૂપ કે દેખાવ હોવો.
એકત્વ: ભગવાન સાથે જોડાઈ જવું.
હવે, આશ્ચર્યની વાત એ છે કે આ ‘એકત્વ’નો અર્થ અદ્વૈત વિચારધારાની જેમ એક થઈ જવું (અભેદ થવું) એવો નથી થતો. તેનો અર્થ ભગવાનનો અંશ બનવું એવો થાય છે. તેમની સાથે એક થવાનો અર્થ એ છે કે તેઓ જે વિવિધ શસ્ત્રો ધારણ કરે છે તેના જેવા બનવું, જેઓ તેમની સાથે અતૂટ રીતે જોડાયેલાં છે, અને તેમ છતાં પોતાનું અલગ અસ્તિત્વ પણ ધરાવે છે. આવો સંબંધ અંશ અને પૂર્ણ વચ્ચેના સંબંધ જેવો હશે.
ભક્ત ક્યારેય પોતાના પ્રિય ભગવાન સિવાય કશાની કામના રાખતો નથી. ભક્તો ભગવાનને કોઈ સ્વાર્થ માટે નહીં પરંતુ માત્ર તેમના પ્રત્યેના પ્રેમ ખાતર પ્રેમ કરે છે. ભક્તિ એ માત્ર સાધન નથી પરંતુ પોતે જ સાધ્ય (અંતિમ લક્ષ્ય) પણ છે. વૃંદાવનની ગોપીઓ કોઈ લાભ માટે શ્રીકૃષ્ણને પ્રેમ કરતી નહોતી. તેમણે પોતાનું સર્વસ્વ તેમને અર્પણ કરી દીધું હતું અને બદલામાં ક્યારેય કશાની અપેક્ષા રાખી નહોતી.
ગોપીઓની શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ અજોડ છે અને શ્રીમદ્ ભાગવતમાં તેને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. ‘ગોપીગીત’માં ગોપીઓ ગાય છે: ‘હે સખા શ્રીકૃષ્ણ, તમે માત્ર ગોપી યશોદાના પુત્ર નથી; તમે તમામ દેહધારી જીવોના આત્માના સાક્ષી (અંતરાત્મ-દૃક્) પણ છો.’ ગોપીઓએ શ્રીકૃષ્ણને ‘અંતર્યામી’ તરીકે વિચાર્યા નહોતા અથવા તે રીતે તેમનું ધ્યાન ધર્યું નહોતું; તેમણે શ્રીકૃષ્ણને અંતરાત્મ-દૃક્ માત્ર એટલા માટે કહ્યા કે જેથી તેઓ તેમને યાદ અપાવી શકે કે તેઓ જાણે છે કે તેમના હૃદયમાં શું ચાલી રહ્યું છે, અને તેમના વિરહને કારણે તેઓ કેવી વેદના ભોગવી રહી છે. તેમણે કહ્યું, ‘કૃપા કરો અને અમને તમારું દિવ્ય મુખારવિંદ બતાવો; તમને જોયા વિના, ક્ષણ પણ યુગો જેવી લાગે છે.’ ગોપીઓ હંમેશાં શ્રીકૃષ્ણ સાથે એકાકાર થવા ઝંખતી હતી, અને શ્રીમદ્ ભાગવતમાં વ્યક્ત થયેલો ભક્તિનો આ જ આદર્શ છે. જો કે કેટલીક વાર આ એકાત્મ ભાવને શારીરિક મિલનના શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યો છે, પરંતુ આ ઉપમાને હંમેશાં તેના આધ્યાત્મિક ભાવના સંદર્ભમાં જ સમજવી જોઈએ.
ભાગવત અનુસાર ભક્તોમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે? ‘ભક્તોમાં તે સૌથી શ્રેષ્ઠ છે જેનું મન ભગવાનના ચરણોમાંથી એક ક્ષણ માટે પણ વિચલિત થતું નથી, ભલે તેને ત્રણેય લોકની સંપત્તિ કેમ ન આપવામાં આવે!’ ભગવાન માટે વ્યક્તિમાં આવી ભક્તિ હોવી જોઈએ. આવા ભક્તને પ્રભુ અપાર પ્રેમ કરે છે. તેમણે વારંવાર કહ્યું છે કે તેઓ આવા ભક્તોને આધીન રહે છે. ‘હું ભક્તને આધીન છું, તેથી જાણે અસ્વતંત્ર હોઉં તેવો છું. મારા સીધાસાદા સરળ ભક્તોએ મારા હૃદયને વિવશ કર્યું છે, કેમ કે ભક્તજનો મને પ્રિય છે.’ શ્રીમદ્ ભાગવત ભક્તિની આવી ઘણી સુંદર અભિવ્યક્તિઓથી સભર છે. પરંતુ, શ્રીમદ્ ભાગવતનું એક બીજું પાસું પણ છે જેને હું સ્પર્શવા માગું છું.
ભાગવતનાં અન્ય પાસાં
જો કે, શ્રીમદ્ ભાગવતમાં શ્રીકૃષ્ણ પરમ તત્ત્વ છે અને શ્રીકૃષ્ણ-ભક્તિને જીવનના ધ્યેય તરીકે રજૂ કરવામાં આવી છે, પરંતુ ત્યાં માત્ર આ એક જ વાત કહેવામાં આવી નથી. સત્યની વ્યાખ્યા કરતી વખતે, શ્રીમદ્ ભાગવત કહે છે: ‘જેમણે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે તેઓ કહે છે કે પરમ સત્ય એ અદ્વૈત ચેતના છે.’ એવા ઘણા શ્લોકો છે જે અદ્વૈત સત્યને સર્વોચ્ચ તરીકે રજૂ કરે છે. શ્રીમદ્ ભાગવતનો પ્રથમ શ્લોક પોતે જ અદ્વૈત ભાવથી શરૂ થાય છે: ‘જેમાંથી આ વિશ્વની સૃષ્ટિ, સ્થિતિ, લય થાય છે; જેની સત્તાથી જગતની સઘળી વસ્તુ સત્તાવાન જણાય છે; જે સર્વજ્ઞ, જે દેવતાઓ માટે અકળ (દુર્બોધ); જેમણે અંતર્યામીરૂપે આદિકવિ બ્રહ્માના હૃદયમાં વેદને સંચારિત કર્યા છે; મૃગજળની ભ્રમણાની જેમ જેમાં રહેલી માયિક સૃષ્ટિ સાચી લાગે તે માયાને દૂર કરનાર; સત્ય સ્વરૂપ પરમેશ્વરનું ધ્યાન ધરીએ.’
ભાગવતમાં આવા ઘણા સમાન અંશો છે જે કહે છે કે પરમ સત્ય અથવા બ્રહ્મ અતીત છે, નામ અને રૂપ રહિત છે, ગુણરહિત છે, અપરિવર્તનશીલ છે, અને માત્ર સત્-સ્વરૂપ છે. તો પછી, આપણે આ વિવિધતાસભર બ્રહ્માંડને કેવી રીતે જોઈએ છીએ અને આ વિવિધતાને કેવી રીતે સમજવી? તેના જવાબમાં કહેવાયું છે: ‘બહુરૂપમ્ ઇવાભાતિ માયયા બહુરૂપયા’; આ માયાને કારણે જ આપણે એકમાં અનેક જોઈએ છીએ. તેથી, આ માયા જ છે જે પરમ સત્યને વિવિધતામાં પરિવર્તિત કરે છે.
ભાગવત યોગ અને કર્મ જેવા અન્ય માર્ગોની પણ વાત કરે છે. તે વિવિધ માર્ગોનો સંગ્રહ છે. તેથી શ્રીમદ્ ભાગવતની ફિલસૂફી શું છે તે ચોક્કસપણે જણાવવું મુશ્કેલ છે. પુરાણોનું અર્થઘટન જુદી જુદી વિચારધારાઓ ધરાવતા આચાર્યો દ્વારા અલગ અલગ દાર્શનિક રીતે કરવામાં આવે છે. શ્રીમદ્ ભાગવતને દ્વૈતવાદી વિચારધારાની મોટા ભાગની શાખાઓ દ્વારા સૌથી અધિકૃત ગ્રંથ માનવામાં આવે છે. આમ, શ્રીચૈતન્ય, મધ્વાચાર્ય, વલ્લભાચાર્ય અને કેટલાક વિશિષ્ટાદ્વૈતવાદીઓ તથા વિવિધ ઉપ-સંપ્રદાયો શ્રીમદ્ ભાગવતને પોતાનો આધાર માને છે. જો કે, આપણે અગાઉ જોયું તેમ ત્યાં અદ્વૈતનું ચિંતન પણ વિપુલ પ્રમાણમાં છે. ઉપર જણાવેલી વિવિધ વિચારધારાઓના કેટલાક મતાવલંબીઓ જાણે કે અમુક પ્રકારના આગ્રહ સાથે એ વાત પર ભાર મૂકે છે કે માત્ર તેમની વિચારધારા જ શ્રીમદ્ ભાગવત દ્વારા સમર્થિત છે.
પરસ્પર વિરોધાભાસી અંશોનો સમન્વય કરવા માટે કેટલીક વાર આ આચાર્યો જે સિદ્ધાંતમાં માને છે તે મુજબ લખાણનું અર્થઘટન કરવું પડે છે. પરંતુ એ તો મારીમચડીને મરજી મુજબનું અર્થઘટન કરવા જેવું છે. આવું કેમ થાય છે, તે એક રહસ્ય છે.
પોતાના દૃષ્ટિકોણથી પર જોવું
આ એક આશ્ચર્યની વાત છે કે મહાન વિદ્વાનો, જેઓ પોતાના અર્થઘટનમાં ખૂબ જ પ્રામાણિક હોય છે, તેઓ પણ નિષ્ઠાપૂર્વક એવું માને છે કે આ પુરાણ ચોક્કસપણે માત્ર તે જ વિચારધારા વિશે વાત કરે છે જેના તેઓ પોતે અનુયાયી છે! આનું એક કારણ એ હોઈ શકે છે કે આપણે જે સંપ્રદાય પ્રત્યે વફાદાર હોઈએ છીએ તેનાથી પર, અને આપણી પરિચિત વિચારસરણીની મર્યાદાઓથી બહાર ભાગ્યે જ જઈ શકીએ છીએ. આપણે આપણી પોતાની માન્યતાઓ અને પૂર્વાગ્રહોથી દોરાઈએ છીએ, અને આ બાબત આપણી દૃષ્ટિને વિકૃત કરે છે તેમજ વસ્તુઓને જોવાની આપણી શક્તિને મર્યાદિત કરે છે. આપણી મુશ્કેલી એ છે કે આપણે હંમેશાં તાર્કિક રીતે સુસંગત દૃષ્ટિકોણ રાખવા માગીએ છીએ. આ દૃષ્ટિકોણ મુજબ ‘હશે’ અને ‘નહીં હોય’ એકબીજાની વિરુદ્ધ હોવા જોઈએ. આ વિરોધાભાસી તત્ત્વો ક્યારેય એક થઈ શકતાં નથી, જેમ કે પ્રકાશ અને અંધકાર. જ્યારે આપણે અન્ય વિવિધ ભાષ્યો જોઈએ છીએ—માત્ર આ પુરાણનાં જ નહીં પરંતુ ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદો જેવા અન્ય ગ્રંથોનાં પણ—ત્યારે આપણને આ જ સમસ્યા જોવા મળે છે. ઉપનિષદો એકંદરે અદ્વૈતના વિચારના પક્ષમાં છે. તે અર્થમાં પુષ્કળ અંશો ટાંકી શકાય તેમ છે. છતાં, દ્વૈતવાદી વિચારધારાના એવા વિવેચકો છે જેમણે શુદ્ધ અદ્વૈતના અંશોનું પણ પોતાના સાંપ્રદાયિક મત અનુસાર અર્થઘટન કરવાનો પ્રયત્ન કર્યો છે.
તેથી, એમાં કોઈ આશ્ચર્ય નથી કે શ્રીમદ્ ભાગવતમાં, જે ભક્તિની મધુર અભિવ્યક્તિઓથી સભર છે, ત્યાં દ્વૈતવાદી વિવેચકોને અદ્વૈતનો સૂર ખટકે છે. તેઓ કાં તો આવા શ્લોકોના મહત્ત્વને વિકૃત કરીને તેનું ખોટું અર્થઘટન કરે છે અથવા તો એમ કહે છે કે આવા શ્લોકો એવા લોકો માટે છે જેઓ હજી ભક્તિના માર્ગ પર અગ્રસર થવા માટે લાયક નથી બન્યા. આવાં અર્થઘટનો ત્યાં અસ્તિત્વ ધરાવે છે. એટલા માટે જ આપણને એવા વિવેચકની જરૂર છે જે કોઈ પણ પક્ષપાત, પૂર્વધારણા કે પૂર્વગ્રહ વિના અર્થઘટન કરે. આ પુરાણમાં એવા શ્લોકો છે જેનું અર્થઘટન ભક્તિમાર્ગની માન્યતાઓ અનુસાર કરવાનું હોય છે અને એવા પણ શ્લોકો છે જે ફક્ત પરમ તત્ત્વમાં માનનારાઓ દ્વારા જ સ્વીકારી શકાય છે.
હું તમને એક પ્રસંગ કહું. એક વાર, અમારા એક આશ્રમના વાર્ષિક ઉત્સવ દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે વિદ્વાન પુરાણ પર પ્રવચન આપવાના હતા તેઓ હાજર હતા. પરંતુ, બરાબર કથા શરૂ થવાના સમયે જ તેઓ ક્યાંય મળ્યા નહીં. પરિસ્થિતિ એવી આવી ગઈ કે આ કાર્યક્રમ જ પડતો મૂકવો પડે તેમ હતો. ત્યારે મને તે પંડિતની જગ્યાએ બેસવા માટે કહેવામાં આવ્યું. મારે સંમત થવું પડ્યું અને હું શાસ્ત્રનું અર્થઘટન કરવા બેસી ગયો. જેવું મેં શરૂ જ કર્યું હતું, ત્યાં જ પંડિતજી જાણે ક્યાંકથી પ્રગટ થયા. તેમને જોઈને મેં કહ્યું, ‘કૃપા કરીને આવો અને તમારું આસન ગ્રહણ કરો. અમે તમારી રાહ જોતા હતા. તમે ક્યાંય ન મળતાં, લોકો ઇચ્છતા હતા કે હું આ સ્થાને બેસું.’ પરંતુ પંડિતજીએ કહ્યું: ‘ના, સ્વામીજી, કૃપા કરીને તમે જ બેસો; હું તમને સાંભળવા આવ્યો છું. મારે તમને હટાવવાની જરૂર નથી.’ તેથી મેં પ્રવચન ચાલુ રાખ્યું અને શ્રીમદ્ ભાગવતના પસંદગીના એક ભાગનું મને જે યોગ્ય લાગ્યું તે મુજબ અર્થઘટન કર્યું. પંડિતજી આખા પ્રવચન દરમિયાન બેઠા રહ્યા અને પછી વિદાય લીધી.
બીજા દિવસે, તેઓ તેમના ઘણા અનુયાયીઓ સાથે આવ્યા. મેં અંદાજ લગાવ્યો કે આની પાછળ કંઈક કારણ છે. તેમણે કહ્યું કે મારું અર્થઘટન સરસ હતું. પરંતુ, શું તે સાંપ્રદાયિક નહોતું? હું આ પ્રકારની ટિપ્પણીની અપેક્ષા રાખતો જ હતો. મેં જવાબ આપ્યો: ‘હું નથી જાણતો. હું જાણું છું કે જુદી જુદી વિચારધારાઓનાં વિવિધ અર્થઘટનો છે અને મને ખાતરી નથી કે મારું ભાષ્ય જ સાચું છે. મારામાં એવું કહેવાની ધૃષ્ટતા નથી કે માત્ર આ એક જ અર્થઘટન શક્ય છે. જો કે, મારે તમને પૂરી નમ્રતા સાથે કહેવું જોઈએ કે મેં શ્રીધર સ્વામીની ‘ભાવાર્થ દીપિકા’નું ચુસ્તપણે પાલન કર્યું છે.’ તે સજ્જન કટ્ટર વૈષ્ણવ હતા. તેમને મારું અર્થઘટન ખૂબ અદ્વૈતવાદી લાગ્યું હતું અને તેથી તે શ્રીમદ્ ભાગવતની મૂળ વિભાવના સાથે સુસંગત નહોતું લાગ્યું. પરંતુ, જ્યારે મેં ઉલ્લેખ કર્યો કે મેં શ્રીધર સ્વામીનું અનુસરણ કર્યું છે, ત્યારે તેઓ શાંત થઈ ગયા. આનું કારણ એ હતું કે બંગાળની વૈષ્ણવ વિચારધારાના પ્રણેતા શ્રીચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે કે વૈષ્ણવ માટે શ્રીધર સ્વામીનું અનુસરણ કરવું અનિવાર્ય છે; જે શ્રીધરના અર્થઘટનને માનતો નથી, તે સ્વામી (પોતાના ગુરુ કે પ્રભુ) પ્રત્યે વફાદાર નથી. પ્રસંગાનુસાર ‘સ્વામી’નો અર્થ ‘ભગવાન’ પણ થાય છે.
ભગવાન સર્વશક્તિમાન છે. તેઓ પોતાની માયાશક્તિ દ્વારા સૃષ્ટિના સર્જક બ્રહ્માથી લઈને ઘાસના તણખલા સુધી—આબ્રહ્મસ્તંબપર્યંત—પોતાને વિવિધ સ્વરૂપોમાં અભિવ્યક્ત કરે છે. પરંતુ, શ્રીમદ્ ભાગવત અનુસાર માયા બે પ્રકારની છે. એક ‘ગુણ-માયા’ અને બીજી ‘આત્મ-માયા’. ગુણ-માયા ત્રણ ગુણોની બનેલી છે: સત્ત્વ, રજસ અને તમસ; આની મદદથી ભગવાન બ્રહ્માંડની વિવિધ વસ્તુઓનું સર્જન કરે છે. પરંતુ બીજા પ્રકારની માયા છે જેને ‘આત્મ-માયા’ કહે છે, જે તેમની ‘પોતાની માયા’ છે, જેની મદદથી તેઓ ભિન્ન-ભિન્ન સ્વરૂપો ધારણ કરે છે. અને આ સ્વરૂપો કાલ્પનિક કે ભ્રામક નથી. તેઓ બધાં સાચા અર્થમાં દિવ્ય સ્વરૂપો છે. જગત કદાચ એક ભ્રમ (માયા) હોઈ શકે છે પરંતુ ભગવાનનાં વિવિધ સ્વરૂપો ભ્રમ નથી. એક (ગુણ-માયા) ભ્રમિત અને વ્યાકુળ કરે છે, જ્યારે બીજી (આત્મ-માયા) ભક્તોને વિવિધ રીતે ભગવાનના આનંદનો રસ માણવામાં મદદ કરે છે.
ભક્તિ સંપ્રદાય દ્વારા આ ભેદ સ્વીકારવામાં આવ્યો છે. પરંતુ જ્ઞાનમાર્ગનું અનુસરણ કરનાર સાધક ક્યારેય આવા વિચારો સાથે સહમત થશે નહીં. તેના માટે માત્ર એક જ પરમ તત્ત્વ છે, અને તે છે અદ્વૈત. મુશ્કેલી ત્યાં જ છે. આ રીતે આપણે આત્યંતિક દૃષ્ટિકોણ અપનાવીએ છીએ અને આ દેખીતી રીતે વિરોધાભાસી વિચારોમાં જે સુસંગતતા હોઈ શકે છે તેના વિશે ક્યારેય વિચારતા નથી. ભગવાન નિરાકાર છે તે વિચાર, ભગવાન સાકાર છે તે વિચારની વિરુદ્ધ દેખાય છે. જો એક સાચું હોય, તો બીજું ખોટું જ હોવું જોઈએ. આવા વલણ સાથે, આધ્યાત્મિક સાધકો ક્યારેય વિચારોનું આદાનપ્રદાન કરી શકતા નથી અને તેમનો આંતરિક વિકાસ કુંઠિત થઈ જાય છે.
વિરોધાભાસથી પર જવું
તેમ છતાં, આમાં અપવાદો પણ છે. સદ્ભાગ્યે આપણી પાસે શ્રીરામકૃષ્ણના વિચારોનો થોડો પરિચય હોવાના મહાન આશીર્વાદ છે. આપણને એ સમજાવવામાં આવ્યું છે કે અર્થઘટનની વિવિધતા વિચારોની એકતાની સુંદરતાને બગાડતી નથી. આ વિભાવના આપણને ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં પણ જોવા મળે છે. ત્યાં આપણે શ્રીરામકૃષ્ણને તેમના શ્રોતાઓને કહેતા જોઈએ છીએ કે કળિયુગમાં ભક્તિ જ એકમાત્ર એવો માર્ગ છે જેનું અનુસરણ કરી શકાય છે. વળી, કદાચ એ જ બેઠકમાં, તેઓ કંઈક એવું પણ કહે છે જે માત્ર એક સ્થાપિત અદ્વૈતવાદી જ કહી શકે. તેમના મતે આ બે વિચારો અથવા અન્ય વિવિધ વિચારો વચ્ચે કોઈ સંઘર્ષ નથી. આનું કારણ એ છે કે આ બધા પરમ સત્યની પ્રાપ્તિ માટેના વિવિધ દૃષ્ટિકોણ છે. જ્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, ‘સત્યને જુદી જુદી હજાર રીતે કહી શકાય છે, છતાં તે દરેક સાચું હોઈ શકે છે. સત્યનાં તમામ પાસાં જે દેખીતી રીતે વિરોધાભાસી છે, તે પરમ તત્ત્વમાં વિલીન થઈ જાય છે, જે તમામ ભેદભાવોથી પર છે.’ આ કથનમાં સ્વામી વિવેકાનંદ પણ આ જ વિચાર વ્યક્ત કરી રહ્યા છે. વેદ કહે છે, ‘સત્ય એક છે, ઋષિઓ તેને વિવિધ નામે ઓળખાવે છે’; અને આ દરેક ‘વિવિધ નામો’ના અનુયાયીઓ વિપુલ છે!
શ્રીરામકૃષ્ણ કહે છે કે એ શેના જેવું ખબર છે? સચ્ચિદાનંદ જાણે કે અનંત સાગર. ઠંડીને લીધે સાગરનું જળ બરફ થઈને તરે, જુદા જુદા આકાર ધારણ કરીને બરફનાં ચોસલાં થઈને સાગરના જળમાં તરે. તેવી જ રીતે, ભક્તોની ભક્તિ ભગવાનને સ્વરૂપ ધારણ કરવા માટે મજબૂર કરી શકે છે. હું અહીં ‘મજબૂર’ શબ્દ જાણી-જોઈને વાપરું છું, કારણ કે ભગવાન હંમેશાં ભક્તોના પ્રેમથી નિયંત્રિત થાય છે. તેથી, એક ભક્તમાં ભગવાનને સ્વરૂપ ધારણ કરવા માટે વિવશ કરવાની શક્તિ છે. ભક્તિ એવો પ્રભાવ છે જેના દ્વારા ભગવાનને સ્વરૂપો સ્વીકારવા માટે રાજી કરવામાં આવે છે; અને તેઓ કેટલાં બધાં વિવિધ સ્વરૂપો ધારણ કરે છે!
પરંતુ જ્યારે સૂર્ય પ્રકાશે છે, અથવા જ્યારે કોઈ જ્ઞાનનો માર્ગ અપનાવે છે, જેનાથી તેના જીવનના અંધકારમય ખૂણા પ્રકાશિત થાય છે, ત્યારે આ ‘બરફ’ ઓગળી જાય છે અને વિવિધ સ્વરૂપો નિરાકારમાં વિલીન થઈ જાય છે. સ્વરૂપોમાં થતું આ પરિવર્તન કાયમી હોઈ શકતું નથી. તેથી, માત્ર સ્વરૂપો પરમ સત્ય નથી; ફક્ત નિરાકાર સત્ જ વાસ્તવિક છે. જો કે, શ્રીરામકૃષ્ણ તરત જ ઉમેરે છે: ‘તેમ છતાંય, તમે એમ કહી શકો કે કોઈ કોઈ ભક્તની પાસે પ્રભુ નિત્ય-સાકાર. એવી એવી જગા પણ છે કે જ્યાં બરફ કદી ઓગળે જ નહિ. સ્ફટિકનો આકાર ધારણ કરે.’ શ્રીરામકૃષ્ણ કહે છે કે, ‘ઈશ્વર સાકાર તેમજ નિરાકાર, તેમજ સાકાર નિરાકારથીયે પર.’ તે ‘બંનેથી પર’ કેવું છે, તેની કલ્પના કરવી આપણા માટે શક્ય નથી. આપણે તમામ કલ્પનાઓથી પર ઊઠવું પડશે, અને જ્યારે આપણે એવું કરીએ છીએ ત્યારે આપણી પાસે આપણા અનુભવને વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો રહેતા નથી.
શ્રીરામકૃષ્ણનું સ્થાન જ્ઞાનમાર્ગના અનુયાયીઓ અને ભક્તિમાર્ગના અનુયાયીઓ બંને કરતાં અલગ છે. તેઓ કોઈ વિદ્વાન ગણાતા નહોતા. તેમણે આ વિરોધાભાસી વિચારોને ઉકેલવા અને સમન્વય શોધવા માટે ક્યારેય કોઈ પુસ્તક લખવાનો પ્રયત્ન કર્યો નહોતો. પરંતુ, તેમના શબ્દો આ વિષય પર નવો પ્રકાશ ફેંકે છે અને આપણે આ બધા સંઘર્ષોની વચ્ચે અદ્ભુત સંવાદિતા શોધી શકીએ છીએ. હું માનું છું કે જો આપણે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ કે પૂર્વધારણા વિના શ્રીમદ્ ભાગવતના ઉપદેશોનું પાલન કરીએ, તો આપણે શ્રીમદ્ ભાગવતના અધ્યયન પરથી પણ આ જ દૃષ્ટિકોણ પર આવવા માટે બંધાયેલા છીએ. ચાલો, આપણે શ્લોકોને જેવા છે તેવા જ સ્વીકારીએ અને પછી આપણે ચોક્કસપણે આ જ નિષ્કર્ષ પર આવીશું.
ભાગવતના મૂળ ભાવના અનુયાયીઓએ અનિવાર્યપણે એવા તબક્કે પહોંચવું જોઈએ કે જ્યાં તેઓ વિવિધ સ્વરૂપોવાળા ભગવાનનો આનંદ માણી શકે અને ફરી પાછા કોઈ પણ ગુણ વિનાના (નિર્ગુણ) પરમાત્માનો આનંદ માણી શકે. શ્રીરામકૃષ્ણ કહે છે કે પરમ સત્યમાં સ્થિર થયા વિના કોઈ ભગવાનની ‘લીલા’નો આનંદ માણી શકતું નથી. તેમ જ જ્યાં સુધી વ્યક્તિને ભગવાનની વિવિધ લીલાઓનો પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી તેને ભગવદ્-પ્રાપ્તિની પૂર્ણતાનો અહેસાસ થઈ શકતો નથી. બંને એકબીજાના પૂરક છે.
ભાગવત અજોડ ગ્રંથ છે. આના જેટલા સુંદર ભાવો અને વિચારોને આટલા સ્પષ્ટ અને સરળ સ્વરૂપમાં રજૂ કરતા હોય તેવા બહુ ઓછા ગ્રંથો છે. તે ભક્તિ શીખવે છે, પરંતુ તેમાં પરમ તત્ત્વના વિવેચનની પણ કોઈ કમી નથી. તેનું અધ્યયન ભક્તિ, સમન્વય અને સંવાદિતાની ભાવના સાથે થવું જોઈએ. જો આપણે બંને પક્ષોને સમાન મહત્ત્વ, સમાન સહાનુભૂતિ અને સમાન પ્રામાણિકતા સાથે જોઈ શકીએ, તો આપણે આ દેખીતી રીતે વિરોધાભાસી વિચારોમાં અદ્ભુત સંવાદિતા જોઈ શકીશું; કારણ કે શ્રીમદ્ ભાગવત એ સંવાદિતાનો સર્વોચ્ચ ગ્રંથ છે.
Your Content Goes Here




