આ ગાતાં ગાતાં ઠાકુર વિભોર બની જતા, આ વિભોર અવસ્થા જેમણે જોઈ છે, તેઓ જ જાણી શકે કે નામનો મહિમા શું છે. ચૈતન્યલીલામાં ગિરીશબાબુએ રચેલા નામ-માહાત્મ્ય ગીત તો તમે બધા ગાઓ છો – (ભાવાર્થ)

મધુર છે, હરિનામ. હરિ હરિ બોલો ને,
સાધના પથ પર તુ હરિ ખરીદે,
સાધના તારી થઈ કેમ નહીં?
પાપી તાપીનો નહીં કર વિચાર,
હરિ બોલ રે ભાઈ એકવાર
અતુલ કરુણા એની, એ જ છે સાર
નામમાં થઈ મતવાલા
મિથ્યા કાજ ભૂલીને.

ભાઈ, વિચાર-તર્ક કશાયની જરૂર નથી. ઠાકુર રામકૃષ્ણદેવે બતાવેલા માર્ગ પર ફક્ત નામનો આશ્રય લઈને ચાલવા માંડો. જોશો કે સમય આવ્યે બરાબર યોગ્ય સ્થાને જ પહોંચી ગયા છો. તમારે ન તો આખી ગીતા વાંચવી પડશે કે ન તો વેદાંત-સાંખ્ય દર્શન જોવાં પડશે. પંચતપા તપ નહીં કરવું પડે ને ચારધામની યાત્રા પણ નહીં કરવી પડે. ન તો જપધ્યાન કરવાં પડશે કે ન તો સંન્યાસ લેવો પડશે કે ન સ્ત્રી-પુત્ર છોડવાં પડશે કે ન ઘરબાર ત્યજવાં પડશે. કોઈપણ જાતની કઠોરતા આચરવી નહીં પડે. દયાના સાગર, ભવપાર ઉતારનાર શ્રીરામકૃષ્ણદેવને પકડી રાખો. ખૂબ જ જલદીથી કામ થઈ જશે. દયામય રામકૃષ્ણે પોતે ઘણા સમય સુધી કઠોર સાધના કરી. તેમાં સિદ્ધિ પ્રાપ્ત થતાં તેઓ એ સાધના દ્વારા પ્રાપ્ત થયેલ સમસ્ત ફળ પોતાના ભજનવિહોણા, નિરાધાર, દીન-શરણાગત લોકો માટે મૂકી ગયા છે. પિતાની શ્રમસાધ્ય વિપુલ સંપત્તિ જેમ તેનાં પ્રમાદી અને આળસુ સંતાનોના ભોગ માટે હોય છે, એ જ રીતે રામકૃષ્ણદેવના શરણાગત લોકો ભલેને તેઓ પછી ગમે તેટલા હીન હોય તો પણ તેઓ તેમની સંપત્તિના અધિકારી છે. રામકૃષ્ણદેવને પોતાનાથી પણ વધારે પોતાના માનીને દુનિયાની મઝા લૂંટો. કોઈ જ ચિંતા નહીં. સમય આવ્યે જોશો કે ઠાકુર બંધનની પેલે પાર લઈ ગયા છે. સાવધાન! રમતમાં ડોશીને ક્યારેય છોડશો નહીં, પછી જે ઇચ્છા હોય તે કરો. ઠાકુર રામકૃષ્ણ એવા તો દયાળુ છે કે એકવાર જે કોઈપણ એમના શરણે આવે છે, તેઓ તેમને પછી ક્યાંય પણ કેમ ન લઈ જાય, પછી તે સ્મશાન હોય કે કસાઈખાનું હોય, તેઓ પરમ પ્રેમથી તેની સાથે જાય છે અને તેની રક્ષા કરે છે પણ સાવધાન, ફરી ફરી સાવધાન. રામકૃષ્ણદેવને છોડવા નહીં. જો તમે એમ કહો કે હું મલિન છું, મન દ્વારા ચાલી રહ્યો છું, કામ-ક્રોધ વગેરેને આધીન છું અને તેના પરિણામે કોણ જાણે કેટલાંય પાપકર્મો આચર્યાં છે, આથી મારા માટે ભલા શું ઉપાય હોઈ શકે? તો પછી હું કહીશ કે હજુ પણ તમે રામકૃષ્ણદેવને જોયા નથી, તેમનો અપાર મહિમા જાણ્યો નથી. શ્રીરામકૃષ્ણ લીલાનો આભાસ પણ તમે મેળવ્યો નથી. ભગવાનના ભંડારમાં દયા નામની જે અદ્‌ભુત વસ્તુ છે, એનાથી શ્રીરામકૃષ્ણદેવનું શ્રીઅંગ ઘડાયું છે. દયામય ઠાકુરના શ્રીઅંગમાં દયા સિવાય બીજી કોઈ વસ્તુ નથી. એ દયાની શક્તિ અને ગુણથી જગત્‌ નિયંતા પરમેશ્વર પોતે રામકૃષ્ણ દેવધારી કેમ બન્યા તે તમે જાણો છો? – તમારા, મારા જેવા ઘૃણિત, અસ્પૃશ્ય, પામર મનુષ્યોના ઉદ્ધાર માટે રામકૃષ્ણનું રૂપ છે, પતિતપાવન, કંગાલ-શરણ, દીનબંધુ. જે સ્વરૂપમાં આવા ગુણ, આવું માધુર્ય હોય, એની પાસે તમે પોતાને મલિન, દીન, હીન, ષડ્‌રિપુને આધીન એવું માનીને ભવસિંધુ પાર થવાનો કોઈ ઉપાય નથી, એમ સ્વીકારીને હતાશ કેમ થઈ રહ્યા છો? ધન્ય છે, તમારી બુદ્ધિને. જુઓ – પોલીસ જેમ ચોરને એના સાથીદારોની સાથે પકડી લે છે, તેમ દયાનિધિ શ્રીરામકૃષ્ણદેવ પણ ષડ્‌રિપુઓથી ઘેરાયેલા ઈંદ્રિયોના રાજા એવા મનને તમે કરેલાં સઘળાં દુષ્કૃત્યો સાથે પકડીને લઈ જશે. પોલીસના ન્યાયાલયમાં જેમ ગુનેગારને જેલ અને દંડની જોગવાઈ છે, એમ દયાસાગર રામકૃષ્ણદેવના ન્યાયાલયમાં ભવ-કારાવાસમાંથી મુક્તિની, અપરાધમાંથી નિર્દોષ છુટકારાની જોગવાઈ છે. પોલીસ ન્યાયને આધીન છે. શ્રીપ્રભુ દયાને આધીન છે. એમના હૃદયમાં દયાની ભરતી એટલી પ્રબળ છે કે એમની પાસે જે કોઈ આવે – હિમાલય જેવો વિશાળ મનુષ્ય, તો પણ તેને એવો ખેંચીને લઈ જાય છે કે તેનો કોઈ પત્તો મળતો નથી. રામકૃષ્ણના શરણમાં જવાથી તેઓ તુરત જ પોતાની પાસે ખેંચી લે છે, કેમકે તેઓ પોતાના એ નિયમથી બંધાયેલા છે. કચેરીમાં એકવાર એ દયામય મૂર્તિનાં દર્શન કરવા માત્રથી તે મુક્ત બની જાય છે. તેનું મન મુક્ત બની જાય છે અને તેણે કરેલાં સઘળાં કર્મોનું ફળ નષ્ટ થઈ જાય છે. હવે નામના મહિમામાં પ્રભુનો મહિમા જાણ્યો તો? ખૂબ સાવધાન બનો. દયાનિધિ ‘શ્રીરામકૃષ્ણ’ નામને છોડશો નહીં.

વિચાર-બુદ્ધિ દ્વારા ભગવાનના સાકાર સ્વરૂપનું ખંડન કરવું એ ઠાકુર રામકૃષ્ણના મત પ્રમાણે ઘોર અજ્ઞાનતા છે. રામકૃષ્ણદેવે બધા જ ધર્મોની બધા પ્રકારે સાધના કરી ભગવાનનો જુદી જુદી રીતે જુદાં જુદાં રૂપોમાં સાક્ષાત્કાર કરીને પરસ્પર ઝગડા કરી રહેલા વિવિધ ધર્મોના અનુયાયીઓનો વિરોધ દૂર કરવા માટે કહ્યું હતું કે તમે લોકો, જે જેવું કહો છો તે બધું સત્ય છે. પોતાના ભાવમાં રત રહીેને સરળ હૃદયે પોતાને રસ્તે ચાલતા રહો. એક દિવસ જરૂર ભગવાનને મેળવશો. આવો વિશાળ, સર્વ પ્રત્યે ઉદાર ભાવ એકમાત્ર શ્રીરામકૃષ્ણદેવની અંદર જ પ્રગટ્યો હતો. હવે એમના ચરણાશ્રિત ભક્તોની અંદર પણ આ ભાવ પ્રગટ થઈ રહ્યો છે. જ્યાં એમની કૃપા છે, ત્યાં કોઈપણ ધર્મ કે મત પ્રત્યે વિરોધભાવ ટકી શકતો નથી. રામકૃષ્ણને માનવાવાળા લોકો ભગવાનનાં બધાં જ ભાવો અને રૂપોને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક સ્વીકારે છે. કોઈ પથની સાથે  તેમનો પૂરેપૂરો મેળ ખાતો ન હોય તો પણ તેમનો કોઈ ધર્મ કે મત પ્રત્યે જરા સરખો પણ દ્વેષભાવ હોતો નથી. એ સ્પષ્ટરૂપે જોઈ શકાય છે, અને એ જ તો છે રામકૃષ્ણના ભક્તોનું એક વિશેષ લક્ષણ. માતાપિતાના સ્વભાવનાં લક્ષણો જે રીતે તેનાં સંતાનો આપોઆપ ગ્રહણ કરી લે છે, એ જ રીતે રામકૃષ્ણના ભક્તોએ પણ આ ઉદાર ભાવ પોતાના ઠાકુર પાસેથી ગ્રહણ કરી લીધો છે. ઠાકુર રામકૃષ્ણદેવના ભાવની વાત મેં અનેકવાર કરી છે. તેમની અંદર આ વિશ્વ સ્વીકૃત, જગત પ્રશંસિત, સર્વ પ્રત્યે વહેતો આ વિશાળ ભાવ હોવાને લઈને એકમાત્ર તેઓને જ જગદ્‌ગુરુના નામે પોકારવા યોગ્ય છે. વળી જેટલા પણ પથ અને મત છે, એ બધાના તેઓ અધિષ્ઠાતા દેવ છે. આ એમની વિશિષ્ટ ઓળખ છે. જગતને અજવાળનારાં સૂર્યકિરણોમાં જેમ બધા જ રંગો પ્રકાશિત થાય છે, એ જ રીતે બધાં જ ગૂઢ ઈશ્વરીય તત્ત્વોનો પ્રકાશ શ્રીરામકૃષ્ણમાં પ્રકાશિત થાય છે. આ રામકૃષ્ણ-લીલામાં બધા જ ધર્મો, મતો અને પંથોનાં સરળ, જ્વલંત અને મૂર્તિમંત લક્ષણો સ્પષ્ટ રૂપે પ્રગટ થાય છે. આવું અસાધારણ, સર્વસંમત, ધર્મતત્ત્વનું સ્ફુરણ ભગવાન સિવાય બીજા કોઈમાં થવું શક્ય જ નથી અને બીજા કોઈની એ શક્તિ પણ નથી. કામ-કાંચનમાં ફસાયેલા, માયાથી આવૃત્ત, અંધકારથી ઘેરાયેલા, ઈંદ્રિયભોગોમાં ગળાબૂડ રહેલા, જડભાવથી સંપન્ન જીવનને ચૈતન્યની બંસી બજાવીને જગાડી દેવું – એ કરવાની ભગવાન સિવાય બીજા કોઈની શક્તિ નથી. અભણ હોવાને લઈને શાસ્ત્રોનો સ્વાધ્યાય ન કર્યો હોવા છતાં પણ બધાં જ શાસ્ત્રોનાં ગૂઢ તત્ત્વોને સરળ ભાષામાં, ઉપમા-દૃષ્ટાંત કથાઓ દ્વારા સમજાવીને મોટા મોટા પંડિતો અને વિદ્વાનોને મુગ્ધ અને મૂક કરી દેવા; એ ભગવાન સિવાય અન્ય કોઈ દ્વારા શક્ય નથી. જે આધારમાં ભગવત્‌-શક્તિનો વિકાસ છે, એ આધાર પછી કોઈપણ કેમ ન હોય, એ આધારને ધારણ કરનારને ભગવાન જ કહેવા પડશે. જ્યાં કૃષ્ણના ભાવનું પ્રાગટ્ય છે, એ આધારનાં દર્શનમાં કૃષ્ણદર્શન છે. એ વાતને દરેક ભક્તો સ્વીકારે છે. કોઈ કોઈ યોગમતના અનુયાયીઓ તો એમ પણ કહે છે કે દરેક મનુષ્ય સાધના દ્વારા કૃષ્ણ બની શકે છે. પરંતુ આ વાત વિશ્વાસ યોગ્ય નથી કેમકે રામકૃષ્ણદેવે આ વાતનું સમર્થન કર્યું નથી. ભગવાનની કૃપાથી મનુષ્ય કેટલી ઊંચી ભૂમિકાએ પહોંચી શકે છે, એ વિશે ઠાકુરે કહ્યું હતું : એક ભક્ત ભગવાનની સેવા કર્યા કરતો હતો. એક દિવસ ભગવાન પોતાના બિછાનામાં સૂતા હતા અને ભક્ત એમની ચરણસેવા કરી રહ્યો હતો. એ વખતે એને ઝોકું આવી ગયું. ભગવાને ભક્તને કહ્યું; ‘તને ઊંઘ આવે છે, તો તું મારી પથારીમાં મારી બાજુમાં સૂઈ જા.’ ભક્ત પ્રભુની આજ્ઞાથી તેમની પથારીમાં સૂઈ ગયો. આનાથી સારી રીતે જાણી શકાય છે કે જીવ ક્યારેય ભગવાન બની શકતો નથી. અજ્ઞાનને લઈને કોઈ માને કે ન માને, કોઈ બોલે કે ન બોલે પણ જે આધારમાં ભગવદ્‌-શક્તિનો વિકાસ છે, એ આધાર ધારણ કરનારને જ ભગવાન માનવા પડશે. એ ન થતાં વેદ, પુરાણ, તંત્ર, ગીતા બધું જ મિથ્યા બની જશે. પુરાણ વગેરે ગ્રંથો ભગવાનનાં જે બધાં લક્ષણો બતાવે છે, એ બધાં રામકૃષ્ણદેવમાં જોવા મળે છે. મહામાયાનો એવો ખેલ છે કે તે દેહધારી ભગવાનને ઓળખવા દેતી નથી. આ વાત કેવી છે, એ મેં તમને એકવાર જણાવી છે. ફરીથી એકવાર સ્પષ્ટતા કરીને જણાવું છું, સાંભળો; ‘ઠાકુરની સાધના-લીલામાં એક સ્ત્રી એમની પાસે આવી પહોંચી. તે જેટલી વિદ્વાન હતી, તેટલી જ ભક્તિમતી પણ હતી જ. શાસ્ત્રાર્થમાં તો કોઈ પંડિત તેને પરાજિત કરી શકતા નહીં. પ્રભુની લીલામાં તે બ્રાહ્મણી તરીકે જાણીતી છે. મથુરબાબુએ એ સમયના બધા પંડિતોને બોલાવ્યા અને બ્રાહ્મણી સાથે તેમનો શાસ્ત્રાર્થ યોજ્યો હતો. પરંતુ કોઈ પંડિત બ્રાહ્મણીને હરાવી શક્યા નહીં. બ્રાહ્મણીએ પોતાની વિદ્યા અને ભક્તિને સહારે રામકૃષ્ણને ભગવાનના અવતાર સાબિત કરી દીધા અને વિદ્વાન પંડિતોની મંડળી સમક્ષ પોતાની આ વાત મૂકી. જ્યારે પંડિતોએ બ્રાહ્મણીની વાત ઉપર વિશ્વાસ ન મૂક્યો, ત્યારે બ્રાહ્મણીએ એમને સ્પષ્ટરૂપે સમજાવી દીધું કે પુરાણ વગેરે ગ્રંથોમાં દેહધારી ઈશ્વરનાં જે બધાં લક્ષણો વર્ણવવામાં આવેલાં છે, એ બધાં જ રામકૃષ્ણદેવમાં છે. પંડિતોએ શાસ્ત્રોનાં વાક્યો સાથે મેળવીને આ લક્ષણોને પોતાની નજરે જોયાં અને સ્વીકાર્યાં પણ ખરાં, તો પણ તેઓ આ લક્ષણધારી રામકૃષ્ણદેવને અવતાર તરીકે જાહેર કરી શક્યા નહીં. આ જોતાં એ સ્પષ્ટરૂપે જણાઈ આવે છે કે શાસ્ત્રવચનો અને શાસ્ત્રો ભગવાનને ઓળખાવી દે છે, તો પણ મનુષ્ય એને ઓળખી શકતો નથી. સામાન્ય સરળ તર્કથી આપણે એમને ઓળખી શકીએ કે ન ઓળખી શકીએ, પણ આખરે આપણે એ તો સ્વીકારવું જ પડશે કે જ્યાં લક્ષણ છે, ત્યાં એ વસ્તુ નિશ્ચિતરૂપે હોવી જ જોઈએ, કેમકે પડછાયાની જેમ લક્ષણ પણ હોય છે જ. અને જ્યાં લક્ષણ છે, ત્યાં જે વસ્તુનાં એ લક્ષણ છે, તે વસ્તુ ચોક્કસ હોવાની જ. ધારો કે, વનસ્પતિ-શાસ્ત્રનો અભ્યાસ કરવામાં તમારે વડલાના વૃક્ષ વિશે જાણવાનું થયું. આ વૃક્ષની વિશેષતા એ છે કે આ વૃક્ષની છાયા ઉનાળામાં ઠંડક આપે છે, અને શિયાળામાં ગરમી. પુસ્તકમાંથી તમે વડલા વિશે જાણ્યું તો ખરું. પણ એ વૃક્ષ કેવું છે, એ તમે નજરે જોયું નથી. એટલે તે વૃક્ષને ક્યારેક તમે અચાનક જુઓ તો ઓળખી નહીં શકો. એક વખત ઉનાળામાં એક થાકી ગયેલો, ભૂખ્યો, તરસ્યો, પરસેવે રેબઝેબ થયેલો મુસાફર એક વૃક્ષની છાયામાં બેસી પડ્યો. તેને ખૂબ ઠંડક અને પરમ તૃપ્તિનો અનુભવ થયો. તેનાં તન-મન અને પ્રાણને શીતળ કરનાર આ વૃક્ષને તે જોવા લાગ્યો. અચાનક તેને પુસ્તકમાં વાંચેલાં વડલાનાં લક્ષણો યાદ આવી ગયાં. પણ તે જાણતો ન હતો કે આ વૃક્ષ વડલાનું છે. એટલે તે નક્કી કરવા માટે તે શિયાળા સુધી રોકાઈ ગયો. શિયાળામાં તેણે જોયું કે વૃક્ષની નીચે તો ભારે ગરમી જણાય છે. તમે ભલે એ વૃક્ષને ઓળખો કે ન ઓળખો પણ તમે તેને વડલાનું વૃક્ષ છે, એમ કહો કે નહીં?

એક ગીત સાંભળો (ભાવાર્થ)

શું કહો છો?
પૂજન કરું છું રામકૃષ્ણનું હૃદયથી મારા,
અનંત ભવસાગરમાં ખેવૈયા
પરમ દયામય, પાર ઉતારનારા,
પરમ સખા છે, મારા એવા
મને શોધીને જાતે મળનારા.
ભૂલ કરું તોય કદી ન ગુસ્સે થાતા
જે કહું તે તત્ક્ષણ કરનારા.
ક્યાંય હું પડી ન જાઉં
એથી સદાય મારી પાછળ ઘૂમનારા
નહીં સમજ પડતી મને કે
ભજું હું તેમને કે તેઓ મને ભજનારા.
તેઓ છે, મારા સાવ પોતાના
મને પ્રાણ સમાન રાખનારા
રામકૃષ્ણ છે જેવા મારા
એવા નથી કોઈ મિત્ર મળનારા.

Total Views: 217

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.