શિક્ષણવિદ્ હોવા ઉપરાંત એક સાહિત્યકાર તરીકે ખ્યાતિ પામનાર શ્રી પ્રસાદ મૂળજીભાઈ બ્રહ્મભટ્ટનો જન્મ ૧૯૫૧ની સાલમાં આઠમી ઑક્ટોબરે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કડી ગામમાં મેળવીને ૧૯૬૯માં S.S.C.માં ઉત્તીર્ણ થયા. ત્યાર બાદ ગુજરાતી મુખ્ય વિષય અને મનોવિજ્ઞાનના ગૌણ વિષય સાથે ૧૯૭૩માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ.માં તેઓ પ્રથમ વર્ગમાં આવ્યા અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.
ત્યાર બાદ ૧૯૭૫માં ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ ગોલ્ડ મેડલ સાથે એમ.એ. કર્યું અને પછી ૧૯૮૦માં ‘રાજેન્દ્ર-નિરંજન યુગની કવિતા’ વિશે મહાનિબંધ લખી ગુજરાત યુનિ.માંથી જ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.
આ દરમિયાન તેઓ ૧૯૭૫થી ૧૯૭૭ સુધી બાલાસિનોરની આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે, ૧૯૭૭થી ૧૯૮૦ દરમિયાન કડીની ઝવેરી આર.ટી. હાઈસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાર્યરત રહ્યા.
૧૯૮૦થી ૧૯૯૧નાં સમયગાળા દરમિયાન ઈડરની આર્ટ્સ-કોમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે અને પછીથી અધ્યક્ષ તરીકે સેવા આપી. ૧૯૯૯થી ૨૦૦૪ સુધી પ્રૉફેસર અને પછી નવેમ્બર ૨૦૦૪થી ૨૦૧૪ સુધી ગુજ. યુનિ.ની એકેડેમિક સ્ટાફ કૉલેજના નિયામક પદે પણ સેવા આપી હતી. તદુપરાંત ૨૦૧૬થી ૨૦૧૮ દરમિયાન તેઓ યુ.જી.સી. પ્રૉફેસર તરીકે પણ કાર્યરત રહ્યા.
૧૯૯૨માં કોલકાતાની યુનિવર્સિટીના વર્કશોપમાં શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટે ભાગ લીધો હતો. વળી તેમણે અનેક સેમિનારોમાં પ્રવચનો આપ્યાં છે. વધુમાં ગુજરાત યુનિવર્સિટીના કાઉન્સિલ મેમ્બર જેવાં જવાબદારીભર્યાં પદો પર રહીને તેમણે પોતાની સેવાઓ આપી છે. ઇન્દિરા-ગાંધી નેશનલ ઓપન યુનિ. (ઇગ્નુ) તેમજ ગુજરાતની ચાર યુનિ. (ગુજરાત યુનિ; ઉત્તર ગુજ. યુનિ; બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ અને કડી સર્વ વિશ્વવિદ્યાલય)માંથી તેમના માર્ગદર્શન હેઠળ ૩૨ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે, તેમજ ૫૧ વિદ્યાર્થીઓએ એમ.ફિલ.ની ઉપાધિ મેળવી છે.
સાહિત્ય-સર્જન ક્ષેત્રે તેમણે નવલકથાઓ, જીવનચરિત્રો, વાર્તાઓ, સંશોધન અને ઇતિહાસ વિષયક કુલ ૧૭૭ પુસ્તકો લખ્યાં છે. આ પુસ્તકોમાંથી ૧૨ જેટલાં પુસ્તકો સ્વામી વિવેકાનંદ વિષયક છે. સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના અવસરે આધુનિક માનવોમાં સ્વામીજીના સંદેશનો પ્રચાર-પ્રસાર થાય તે માટે શ્રી પ્રસાદભાઈ બ્રહ્મભટ્ટે પુસ્તકોમાંથી સારાંશ લઈ સંકલન કર્યા બાદ પ્રકાશિત કર્યાં છે.
આ પુસ્તકો છે, ‘કર્મયોગ વિશે સ્વામી વિવેકાનંદ’, ‘જ્ઞાનયોગ વિશે સ્વામી વિવેકાનંદ’, ‘ભક્તિ વિશે સ્વામી વિવેકાનંદ’, ‘રાજયોગ વિશે સ્વામી વિવેકાનંદ’, ‘વિવેકાનંદ વિચાર વૈભવ’, ‘વિભૂતિચરિત્ર સ્વામી વિવેકાનંદ’, ‘વિવેકવંદના’, ‘વિવેકાનંદ પત્રમર્મર’, ‘વેદાંત વિશે સ્વામી વિવેકાનંદ’, ‘વિવેકાનંદ પત્રપરાગ’, ‘શિક્ષણ વિશે સ્વામી વિવેકાનંદ’, અને ‘વિવેકાનંદ પ્રસંગપરાગ’.
સાહિત્ય-લેખન ક્ષેત્રે તેમને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. ‘સમીક્ષાસેતુ’ વિવેચન સંગ્રહ માટે ૧૯૯૦માં તેમને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી ‘શ્રેષ્ઠ વિવેચન સંગ્રહ’—રમણલાલ જોશી પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. તેમના શ્રેષ્ઠ સંશોધન-લેખ માટે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર તરફથી ૧૯૯૨માં ‘હરિઓમ એવૉર્ડ’ આપવામાં આવ્યો. કમલદાસની બંગાળી નવલકથા ‘અમૃતસ્ય પુત્રી’ના ગુજરાતી અનુવાદ માટે દિલ્હી તરફથી ૧૯૯૭માં તેમને પારિતોષિક પ્રાપ્ત થયું. ૨૦૦૦માં ગુજરાત સાહિત્ય એકેડેમી તરફથી તેમના પુસ્તક ‘સરદાર પ્રસંગપરાગ’ને પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
સાહિત્ય લેખન ક્ષેત્રે તેમનાં ૨૭ મહાપુરુષોનાં જીવનચરિત્રો; ૩ નવલકથાઓ; ૪૨ વિવેચન પુસ્તકો; સાહિત્યના ઈતિહાસ વિષયક ૪ પુસ્તકો; ૧૧ સંદર્ભગ્રંથો, ૪ કથાસાહિત્ય વિશેનાં પુસ્તકો, ૪૬ પુસ્તકોનું સંપાદન અને ૨૨ પુસ્તકોના અનુવાદ સહિત કુલ ૧૭૭ પુસ્તકો પ્રકાશિત થયાં છે. આ ઉપરાંત વિવિધ સામયિકોમાં ૩૫૦થી વધુ સંશોધન લેખો અને અભ્યાસ લેખો પ્રકાશિત થયા છે.
તેમણે કહ્યું છે કે જ્યારે તેઓ માધ્યમિક શાળામાં હતા ત્યારથી સ્વામીજીના વિચારોથી પ્રભાવિત થયા હતા તેમજ રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓથી પણ આકર્ષિત થયા હતા. આ કારણે તેઓ રામકૃષ્ણ સંઘના અમદાવાદ કેન્દ્ર (ત્યારના શાખા કેન્દ્ર, અમદાવાદ) સાથે જોડાયેલા રહ્યા છે.
૧૯૬૭-૬૮માં તેઓ દસમા ધોરણમાં ભણતા હતા ત્યારે વિવેકાનંદ શિલા સ્મારક માટે દેશભરમાં ફંડ એકત્ર થઈ રહ્યું હતું. તેઓએ પોતાની શાળામાંથી ૧૦૦૦ રૂપિયા એકત્રિત કર્યા હતા. તેમણે વિવેકાનંદ સાહિત્યનું ગહન અધ્યયન કર્યું છે. એક દાયકાના નિયામક તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન એકેડેમિક સ્ટાફ કોલેજમાં આવેલ સર્વ મહાનુભવોનું સ્વાગત તેઓ બુકે વડે નહીં પણ સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વડે કરતા હતા. ભાગ લેનાર દરેકને તેઓ વિવેકાનંદ સાહિત્ય ભેટ આપતા હતા. અધ્યાપકો માટે તેમણે એક દિવસની વિવેકાનંદ સાહિત્ય વિશે કાર્યશાળા પણ યોજી હતી.
રામકૃષ્ણ મિશનના સ્વામીજીઓને તેમણે શિક્ષકો માટેના કાર્યક્રમોમાં આમંત્રિત કર્યા હતા. આમ, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસાર કાર્યમાં તેમણે પોતાનું યોગદાન આપ્યું છે.
હાલમાં તેઓ નિવૃત્ત જીવન વિતાવે છે. અમે સ્વામીજીને પ્રાર્થના કરીએ છીએ કે નિવૃત્ત જીવનમાં પણ તેઓ સ્વામીજીનું વધુ કાર્ય કરતા રહે, સાહિત્ય ક્ષેત્રે પણ આપણને તેમનું વધુ પ્રદાન મળતું રહે.
Your Content Goes Here




