(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયે શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે. મૂળ બંગાળીમાં લખાયેલ આ ગ્રંથના ૧૬ ભાગોના હિન્દી અનુવાદ પરથી ગુજરાતી ભાષાંતરનું કાર્ય શ્રીરામકૃષ્ણદેવનાં ભક્ત શ્રીમતી સમતાબહેન રાજ્યગુરુએ કર્યું છે. અહીં તેમાંથી કેટલાક અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.)
(ગતાંકથી આગળ)
ઠાકુરનું શરીર ગયા પછી મા વૃંદાવન ચાલ્યાં ગયાં. એક વરસ વૃંદાવનમાં રહ્યાં હતાં. પરત ફરીને બલરામબાબુના ઘરે રોકાયાં, દેશમાં જવા માટે. ઘણા દિવસો પછી પગપાળા જ રવાના થયાં. એટલા પૈસા ન હતા કે ગાડી કે પાલખી કરીને જઈ શકે. ભક્તો તો બધા ‘નડે ભોલા’ — wordly parlance. લૌકિક બોલીમાં જેને ‘વેગાબૉંડ લક્ષ્મીછાડા’ — ગરીબ કહે છે. બધા અકિંચન.
એમની પાસે ઐશ્વર્યશીલ લોકો આવે જ કેવી રીતે! તેઓ હંમેશાં કહે છે, ‘ઈશ્વર સત્ય, સંસાર અનિત્ય. ઈશ્વર-દર્શન મનુષ્યજીવનનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય. શરીર ધારણ કરવાથી સુખ-દુઃખ સદાય લાગેલાં જ રહે છે. દુઃખમાંથી મુક્તિ નહીં. પાંડવોને જુઓ. રાજ્યનાશ, વનવાસ અને વળી સંતાનોનો નાશ થયો.’ શું હંમેશાં આવી વાતો લોકોને ગમે છે? આવી વાતો સાંભળવા કોણ જાય?
ઠાકુરે કહ્યું હતું, “વનવાસ કાળમાં રામ–લક્ષ્મણ સીતાને વને વને શોધતા ફરતા હતા. ત્યાં સુધી એ વાતની ખબર નહોતી પડી કે રાવણ સીતાનું અપહરણ કરીને લઈ ગયો છે. એક દિવસ બહુ શ્રમ કર્યા પછી નદીમાં સ્નાન કરવા ગયા. ધનુષ જમીનમાં દાટીને રાખી દીધું. પાછા ફરીને જોયું તો તે સ્થાન લોહીલોહાણ હતું. નીચે નજર નાખીને જોયું તો એક મોટો દેડકો ઘાયલ. રામ ત્યારે તેની પીઠ પર હાથ ફેરવવા લાગ્યા અને બોલ્યા, ‘સાપ પકડે ત્યારે તો ખૂબ દેકારો કરે છે. અત્યારે કેમ બૂમો પાડતો નથી?’ દેડકાએ જવાબ આપ્યો, ‘સાપ પકડે ત્યારે રામ રક્ષા કરો, રામ રક્ષા કરો, કહીને ચિત્કાર કરું છું. હવે જ્યારે એ જ રામ મારે છે, ત્યારે શું બોલીને ચિત્કાર કરું?’’
શ્રી મ. (સ્વામી નિર્વેદાનંદને) — ‘દૂધ’ તો એક generic term (મૌલિક શબ્દ) છે, બધા જ સાંભળે છે. પરંતુ એનાથી શું જ્ઞાન મળે છે? ઠાકુર કહેતા, ‘કોઈએ દૂધ વિશે સાંભળ્યું છે, કોઈએ દૂધ જોયું છે અને વળી કોઈએ દૂધ પીધું છે—હૃષ્ટપુષ્ટ થયા છે.’ એક દૂધથી જ આ બધું થાય છે.
ઠાકુર જગદંબાને કહે છે, ‘અચ્છા, મા, હું તો તેમને કહું છું કે, મારું ધ્યાન કરવાથી જ થઈ જશે, મેં શું કોઈ અન્યાય કર્યો છે, મા? હું તો જોઉં છું કે બધું જ તું—મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું તમે. હું નહીં—બધું તું.’
વિજયકૃષ્ણ ગોસ્વામીને કહ્યું કે સોગંદ ખાઈને કહું છું, જગદંબા આવી છે, ઘર ભરીને લોકોની સામે.
એક દિવસ કહ્યું, ‘અહીંયાં આવીને પણ માળા-બાળા? અહીંયાં જે આવશે તેમને એકદમ ચૈતન્ય થઈ જશે.’ માળા શું કામ જપવી? ઈશ્વરના ઉદ્દીપન માટે જ તો. પરંતુ ઠાકુરની આ એક એક વાત જ ઉદ્દીપન કરી દે છે. ઉદ્દીપન એટલે જાણે દીપ પ્રગટાવી દેવો. પછી સશરીર ભગવાન સામે જ છે. એમનું magnetic attraction (ચુંબકીય અલૌકિક આકર્ષણ) હાજર છે. બીજા જાણે કે ન જાણે, તેઓ તો સ્વયંને જાણે જ છે—ભગવાન જ આ શરીરમાં અવતીર્ણ થયા છે.
તો પણ પાણી ગંદું રહેવાથી પ્રતિબિંબ પડતું નથી. અને વળી મન પણ હંમેશાં ચંચળ રહે છે. એટલે ઠાકુર ભક્તોને કહેતા કે પંચવટી કે બેલતલામાં જઈને નિર્જનમાં ધ્યાન કરો. તેથી તો હું જે બોલું છું એ બધી વાતોનો અર્થ ધારણ કરી શકાશે.
કર્મકાંડ બહુ કઠિન. તો પણ જો ઈશ્વર દર્શન આપીને કર્મ કરવાનો આદેશ આપે તો પછી થઈ શકે છે. ત્યારે તો પછી commissioned teacher (નિયુક્ત શિક્ષક), પછી બીજી કોઈ ગડબડ નહીં. નહીંતર તો બંકિમ બાબુને કહ્યું હતું એવું થાય કે, તમારી વાત તો લોકો બે દિવસ સાંભળશે. પાછા હતા એવા જ. આદેશ મળ્યા પછી કર્મ કરવું જોઈએ.
ઠાકુર એક પદ કહેતા, ‘मंदिर तोर नाइको माधव, पदो शांक फूंके तुई करलि गोल।’ ‘પદો’ એટલે પદ્મલોચન. અયોગ્ય વ્યક્તિના શંખ ફૂંકતાં જ ગામના બધા લોકો આવીને હાજર થઈ ગયા. બધાએ વિચાર્યું કે આ મંદિરમાં માધવનું સ્થાપન થયું છે. બધાએ જોયું કે, ભગ્ન મંદિરમાં અર્ધ પાગલ પદ્મલોચન શંખ ફૂંકી રહ્યો છે, ત્યારે બધા લોકો એ જ વાત કરતાં કરતાં ચાલતા થયા. અયોગ્ય વ્યક્તિના કસમયે કહેવાથી કોઈ કામ થતું જ નથી—ઊલટું ખરાબ ફળ મળે છે. જેમ ઠાકુર કહેતા, ‘यदि छिलो रोगी बोसे बैद्यीते (अनुपयुक्त) शेयाले एसे’ — રોગી બેઠો હતો, વૈદ્યે આવીને સૂવડાવી દીધો. એવી જ વાત!
શિશિર બાબુ અમૃત બજાર પત્રિકાના editor (સંપાદક) હતા. તેઓ એક સુંદર હસવું આવે એવી વાત સંભળાવતા. એક તપસ્વીએ કઠોર તપસ્યા કરી. દેવીએ પ્રસન્ન થઈને દર્શન આપીને પૂછ્યું, ‘તું શું ઇચ્છે છે, દીકરા?’ તપસ્વીએ કહ્યું, ‘મા, હું ભારતનો ઉદ્ધાર ઇચ્છું છું.’ દેવીએ જવાબ આપ્યો, ‘તથાસ્તુ વત્સ! છતાં પણ થોડી રાહ જોવી પડશે. ચારસો વર્ષ પછી ભારત સ્વતંત્ર થશે.’ ભક્તે આર્તસ્વર સાથે જવાબ આપ્યો, ‘એ શું મા, ત્યાં સુધો તો હું જીવિત નહીં રહું’ (બધાનું ઉચ્ચ હાસ્ય).
‘હું’ તો રહેવો જ જોઈએ. એનું નામ જ સંસાર-બંધન. એ જ ‘હું’ ને એમના ચરણોમાં સમર્પિત કરી દેવાથી જ આનંદ, મુક્તિ. તેથી ઠાકુર કહેતા કે ‘દાસ-હું’ બનીને સંસારમાં રહો. ભગવાનનો દાસ, બાળક બનીને રહેવું.
ભગવાનનાં દર્શન થયા પછી સંસારનો ભોગ કરી શકાશે નહીં. સકામ ભક્તિ કરવાથી ધીરે ધીરે ભોગસ્પૃહાની નિવૃત્તિ થઈ જાય છે. જુઓ ને, ધ્રુવે રાજ્ય પ્રાપ્ત કરી લીધું, પરંતુ ભોગ ભોગવવાની ઇચ્છા રહી નહીં. પશ્ચાત્તાપ થયો હતો. ભગવાન રાજ્યનું વરદાન દઈને અંતર્ધાન થઈ ગયા.
પછી હંમેશાં સત્સંગ લાભનું વરદાન પણ આપ્યું હતું, એટલે રાજ્યશાસન સુદીર્ધકાળ કરવા છતાં પણ સંસારમાં આસક્ત થયા નહીં.
શ્રી મ. (બધાને) — ઈશ્વર એક-બે જણને લોકશિક્ષક બનાવે છે. તેઓ જ્યારે બોલે છે, ત્યારે જગત ધ્રૂજે છે. જુઓને ઈશુ; નિરક્ષર, પરંતુ જ્યારે બોલે છે ત્યારે જગતને ધ્રુજાવે છે. ત્યારે તો મોટા મોટા ડૉક્ટર લોકો અવાક થઈ ગયા. અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે આપણે આવી ઓજસ્વી વાણી ક્યારેય સાંભળી નથી. ત્રીસ વર્ષ સુધી અવાક—બાપ સાથે સૂત્રધારનું કામ કરતા રહ્યા (રંધો ચલાવવાનો અભિનય કરીને) આમ કરીને.
શ્રી મ. (ભક્તોને) — ઠાકુર કહેતા, મા (જ્ઞાનનો) ઢગલો ધકેલી દે છે. આનું દૃષ્ટાંત આપતાં એક દિવસ બોલ્યા, રાજેન્દ્ર મિત્રના ઘરે જઈશ. અનેક મોટા મોટા લોકો ત્યાં આવશે. એટલે વિચાર્યું કે કેવળ થોડી પસંદ કરેલી વાતો યાદ કરીને જઈશ, ત્યાં એ જ બોલીશ. ઓ મા, જેવો જ પહોંચ્યો, ત્યાં બધું જ ભૂલી ગયો. (બધાનું હાસ્ય) એવી આ દૈવી યોજના!
એક દિવસ એક જણને ઠાકુરે કહ્યું, થોડી ડૂબકી મારવી પડે છે, ફક્ત ઉપર તરવાથી નથી થતું. બહુમૂલ્ય માણેક ઊંડા જળમાં રહે છે. મરજીવો ડૂબકી લગાવે છે ત્યારે બધું મેળવે છે. डुब डुब रूप सागरे आमार मन। એક જણ બિડન સ્ક્વેયરમાં લેક્ચર આપી રહ્યો હતો. એ સમજે છે કે લેક્ચર આપવાથી જ બધું થઈ ગયું. ઠાકુરે એને હસતાં હસતાં પૂછ્યું, મહાશયની નક્કી બ્રાહ્મસમાજમાં આવ–જા છે? તેણે જવાબ આપ્યો — જી હા, થોડી થોડી છે. ઠાકુર હસીને ફરી બોલ્યા, તે હું જોઈને જ સમજી જાઉં છું. (બધાનું હાસ્ય).
પાદરી લોકો કેટલું લેક્ચર આપે છે અને કહે છે કે આ કરો, તે કરો. પરંતુ હવે આ બધી વાતો, જો ફાઉન્ટેન (હૃદય)માંથી નથી નીકળી તો સાંભળે કોણ? એ તરફ એકદમ શૂન્ય. ફક્ત વાતો કર્યે રાખવાથી કંઈ વળતું નથી. ખાલી લેક્ચર કોણ સાંભળે? જે બોલો છો, તેનું જીવનમાં આચરણ કરો તો બધા સાંભળશે. બ્રાહ્મસમાજમાં પણ એવું જ છે—ખાલી લેક્ચર.
ઠાકુરે કહ્યું હતું—એક વાર નંદન બાગાન બ્રાહ્મસમાજમાં ગયો હતો. જોયું કે જે વેદી પર બેઠો છે તે કંઈક લખીને લાવ્યો છે. વારે વારે એને દેખાડે છે અને (બંને તરફ નજર ફેરવીને) આમ આમ કરીને બોલે છે. આ વાતનો શ્રોતાઓ ઉપર શું પ્રભાવ પડે?
ઠાકુરે કહ્યું હતું, ત્રણ પ્રકારના ઋષિ છે—બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને રાજર્ષિ. બ્રહ્મર્ષિ શુકદેવ, દેવર્ષિ નારદ અને રાજર્ષિ જનક. બ્રહ્મર્ષિ પાસે ગ્રંથ–બ્રંથ નથી, બધું કંઠસ્થ.
વૃંદા દાસીએ ઠાકુર વિશે સુંદર વાત કહી હતી—ના ભાઈ, એમને બધું જ મોઢે છે. ત્યારે વરાહ નગરથી આ બાગમાંથી એ બાગમાં ટહેલતાં ટહેલતાં શ્રી મ. દક્ષિણેશ્વર મંદિરે ગયા હતા. જોયું કે આખો ઓરડો લોકોથી ભરાયેલો છે. બધા ઠાકુર પાસે બેઠા છે. ત્યાર બાદ ફરી આવીને જોયું તો કોઈ ન હતું. એ અડધા કલાકમાં જ આ બધું થઈ ગયું. વૃંદા દાસી વરંડામાં ઊભી હતી. એને પૂછ્યું કે જી, સાધુજી અહીંયાં છે? તેઓ કદાચ ઘણાં ગ્રંથ–બ્રંથ વાંચતા લાગે છે? ત્યારે એવું જ સમજતો હતો કે પુસ્તકો વાંચ્યા વિના જ્ઞાન થતું નથી. બ્રાહ્મસમાજનાં લેક્ચર સાંભળવાનો બહુ શોખ હતો. ત્યાંથી જ આવી સમજણ મેળવી હતી. વૃંદાએ ત્યારે આ વાત કહી હતી કે ના, ભાઈ, એમને બધું મોઢે છે. (ના બાબા, સબઈ તાર મુખે!) આહા, કેટલી સાચી વાત!
(ક્રમશ:)
Your Content Goes Here




