(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયે શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે. મૂળ બંગાળીમાં લખાયેલ આ ગ્રંથના ૧૬ ભાગોના હિન્દી અનુવાદ પરથી ગુજરાતી ભાષાંતરનું કાર્ય શ્રીરામકૃષ્ણદેવનાં ભક્ત શ્રીમતી સમતાબહેન રાજ્યગુરુએ કર્યું છે. અહીં તેમાંથી કેટલાક અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.)

(ગતાંકથી આગળ)

બ્રાહ્મસમાજના લેક્ચર સાંભળતો અને વિચારતો કે ઈશ્વર બહુ દૂર છે અને આપણાથી કેટલીયે ઊંચાઈ પર છે. ઓ મા, ઠાકુર પાસે જઈને જોયું કે, આ તો ઈશ્વર સાથે વાતો કરે છે. લાગે છે જાણે ઈશ્વર આપણી નજીક જ છે. લેક્ચર અને દર્શનમાં આટલું અંતર.

બાગમાં ફરવા જતાં શ્રી મ.ને દુર્ભલ વસ્તુની પ્રાપ્તિ થઈ—શ્રીરામકૃષ્ણ. પૂર્વેની વાણી શું એનો જ આભાસ?

શ્રી મ. (સ્વામી નિર્વેદાનંદને) — આહા, ઠાકુર કઈ રીતે બધા ભાવમાં પ્રવેશ કરાવતા હતા! નરેન્દ્ર અમારા મહોલ્લાના (ઠાકુર) ઘરમાં ફરતાં ફરતાં આવ્યા હતા. કહે છે ઈશ્વર જ જ્યારે સારવસ્તુ છે, જો એમ જ હોય તો ત્યારે તો એમનાં દર્શન ન થાય ત્યાં સુધી પ્રાયોપવેશન (fast unto death) કરવું જ ઉચિત. રાખાલે કહ્યું હતું, બધું છોડીને પશ્ચિમમાં કોઈ બાગમાં જઈને એમના સાધન–ભજનમાં ડૂબી જાઉં.

(સહાસ્ય) નરેન્દ્ર ત્યારે fresh from the Brahma Samaj (તાજો જ બ્રાહ્મસમાજમાંથી આવ્યો હતો) — એટલે ઠાકુરને કહ્યું, ‘આ બધું ઈશ્વરીય દર્શનાદિ hallucination (મનનો ભ્રમ).’ તેમણે બ્રાહ્મસમાજમાં સાંભળ્યું હતું, એ ઉપરાંત એ પણ સાંભળ્યું હતું કે વધુ પ્રમાણમાં ઈશ્વરનું ચિંતન કરવાથી પાગલ થઈ જઈશ. એવી બધી વાતો ત્યાં બહુ થતી ને. આ બધી વાતો સાંભળીને ઠાકુર ચિંતિત થઈ ગયા હતા. નરેન્દ્નની વાતોમાં એમને ખૂબ વિશ્વાસ હતો. બાળક જેવો સ્વભાવ હતો. જેવી રીતે બાળક બધી વાત માને પૂછે છે, તેમ ઠાકુરે મા જગદંબાને પૂછ્યું કે, મા, તો પછી  આ બધી વાતો મનનો ભ્રમ છે? માએ હસીને જવાબ આપ્યો, એ કેમ બને બેટા, હું જ તો તારા મુખેથી વાતો કરું છું. અને મારાં દર્શન અને મારી વાતો બધું જ તો સત્ય સાથે મેળ ખાય છે.

ઠાકુરે કહ્યું હતું, ‘એક દિવસ ‘ચાંદની’માં ઊભો હતો અને તત્ક્ષણ જગદંબાએ આંખમાં આંગળી નાખીને દેખાડી દીધું. શું દેખાડ્યું? — એ જ કે જગદંબા જ મનુષ્ય બનીને ફરી રહી છે. અને આ રૂપ પણ (ઠાકુરનું રૂપ પણ) તેઓ સ્વયં છે.’ પોતાનો કર્મત્યાગ કેવી રીતે થયો હતો, તે પણ ઠાકુરે એક દિવસ કહ્યું હતું, ‘બિલ્વપત્ર તોડતી વખતે જરાક રેશો ઊખડતો જોઈને પછી તોડી ન શક્યો—જોયું, જાણે લોહી નીકળી રહ્યું છે. અને એક દિવસ ફૂલ તોડતી વખતે જોયું કે, એક એક ફૂલનું વૃક્ષ, એક એક ગજરો—વિરાટ શિવ પર પ્રસ્થાપિત. એ જોઈને પછી ફૂલ તોડવાનું બન્યું નહીં.’

શ્રી મ. (અંતેવાસીને) — મારી નોકરી વારંવાર છૂટી જતી અને ત્યારે સરસોનાં ફૂલોને જોયા કરતો. લગ્ન કરવાથી જ આ મુશ્કેલી. જેમણે લગ્ન નથી કર્યા, એમણે આ બધી ધમાલ કરવી પડતી નથી. ઠાકુર ત્યારે બીમાર હતા. હું ત્યારે વિદ્યાસાગર મહાશયની શ્યામબજાર સ્કૂલમાં હેડ માસ્ટર હતો. એમની બીમારીને કારણે હંમેશાં કાશીપુર આવ–જા કરવી પડતી હતી. એટલે સ્કૂલના કામકાજમાં એટલું ધ્યાન આપી શક્યો નહીં. એથી પરિણામમાં થોડો ફેર પડ્યો. વિદ્યાસાગર મહાશયે મને કહ્યું, આ વખતે ત્યાં વધારે આવ–જા કરતા રહ્યા એટલે પરિણામ એટલું સારું ન આવ્યું. આ વાત સાંભળીને એમને બહુ કડક ભાષામાં પત્ર લખ્યો. ત્યાર બાદ મેં resign (રાજીનામું) આપી દીધું.

જ્યારે નોકરી ચાલી ગઈ ત્યારે એક દિવસ ત્રણ કલાક અર્ધપાગલની જેમ ઠાકુરવાડીના બીજા માળના રસ્તાની ઉપરના વરંડામાં આંટા મારતો રહ્યો. ચિંતા હતી કે બાળકોને શું ખવડાવીશ? જો કે, વધારે સમય બેસી રહેવું પડ્યું નહીં. પંદર દિવસની અંદર જ એક બીજું કામ મળી ગયું. હિન્દુ સ્કૂલમાં એક શિક્ષક રજા પર હતા. હેડ માસ્ટરે મને બોલાવીને એ જ કામ આપી દીધું. અને કહ્યું, તમારી આ પોસ્ટ permanent (કાયમી) થઈ શકે છે.

છતાં પણ મન બહુ અશાંત. અને એક દિવસ એ જ પ્રમાણે અન્યમનસ્ક થઈને એ જ વરંડામાં જાણે ભૂખી સિંહણની માફક ઝડપથી દોડી રહ્યો છું. ત્યારે જ એક જણે નીચેથી નામ લઈને બૂમ પાડી. જઈને જોયું, તો એક જણ ઘોડાગાડી લઈને આવ્યો છે. એના હાથમાં એક ચિઠ્ઠી છે. વાંચીને જોયું, તો સુરેન બેનર્જી મહાશયે આ જ ગાડીમાં આવવાની વિનંતી કરી છે. એમની પાસે ગયો તો કહ્યું, ‘મેં સાંભળ્યું છે કે તમે કામ છોડી દીધું છે. તો પછી અહીં અમારી સાથે કામ કરો.’ ત્યારથી રિપન કૉલેજમાં જોડાઈ ગયો. ઘણાં વર્ષો ત્યાં હતો. પરંતુ હિન્દુ સ્કૂલમાં resignation (રાજીનામું) આપવાનું ભૂલી ગયો. હેડ માસ્ટરે એક જણને મોકલીને કહેવડાવ્યું કે, એક formal resignation (લેખિત રાજીનામું) આપી દો.

એવું ચાર–પાંચ વાર બન્યું છે. ‘અન્ન–ચિંતા ચમત્કારા, કાલિદાસ હોય બુદ્ધિહારા.’ ઘણી વાર નોકરી છોડી છે અને ભયંકર ચિંતામાં પડ્યો છું.

ઠાકુરે એટલે એક ભક્ત (શ્રી શ્રીમા ઠાકુરાણી)ને કહ્યું હતું, ‘આ માટીના ઘરમાં રહેજો. શાકભાત રાંધીને ખાજો અને આખો દિવસ હરિનામ કરજો. ઘર તો પોતાનું હોવું જોઈએ. શાકભાત કેટલા લોકો ખાઈ શકે છે?’ એટલે જ મા ઠાકુરાણીએ કામારપુકુરના એ ઘરને હંમેશાં સાચવી રાખ્યું હતું.

જામાપુકુરના રાજા દિગંબર મિત્ર સામાન્ય સ્થિતિમાં મોટા થયા હતા. બાળકોને પગપાળા ચાલીને સ્કૂલે મોકલતા. એક હાથમાં પુસ્તક, અને એક હાથમાં છત્રી. એક જણ તેમને મૂકવા સાથે જતો. ઘરમાં પાંચ ગાડીઓ હતી. પરંતુ બાળકોને એમાં ચઢવા ન દેતા. પગપાળા ચાલવાની ટેવ પાડતા. શું કામ? એટલા માટે કે બાળપણથી જ ટેવ પાડવાથી પછી જરૂર પડે ત્યારે મુશ્કેલી ન પડે.

ઇચ્છાઓ બહુ વધારવી નહીં. એને કાબૂમાં રાખવી જોઈએ. વિદ્યાસાગર મહાશયનો પણ આ જ મત હતો. એમણે ઇચ્છાઓને હંમેશાં સંયમિત રાખી હતી. તાલતલા (ગામ)ની સાદડી અને ધોતી, ચાદર—એણે છોડ્યાં નહીં.

સાદું ભોજન અને ઘરબાર પણ સાધારણ. ઘણા રૂપિયા કમાતા, પરંતુ પોતાની જરૂરિયાત અતિ સાદી અને સામાન્ય. જાડા ભાત, જાડાં કપડાં એ જ નીતિનું લાંબા સમય સુધી પાલન કરતા રહ્યા.

પોતે કમાયેલા બધા રૂપિયા ગરીબોમાં વહેંચી દેતા. ભણતા હતા ત્યારે પોતાના હાથે ભાત રાંધીને માત્ર નમક છાંટીને એ જ ભાત દિવસે ભાઈઓ સાથે ખાતા. રાત્રે એક ટુકડા આંબલી સાથે ભાત ખાતા.

ડી. ગુપ્તના ઘરે આટલા બધા નોકર–ચાકર, પરંતુ છોકરાઓ ખભા પર ઘડો (અભિનય કરીને) ભરીને ત્રીજે માળે પાણી ચઢાવતા. પોતાનો ઓરડો જાતે સાફ કરતા.

જ્યારે સમય સારો ચાલતો હોય ત્યારે ગૃહસ્થીઓએ provision (વ્યવસ્થા) કરી રાખવી જોઈએ—provision against rainy days (ખરાબ સમય માટે) જેઓ એકલા છે—સંન્યાસ જીવન, એમને ‘જે હશે ભાગ્યમાં’ એવું બોલે તો ચાલશે. પરંતુ, છોકરાંછૈયાં હોય એમણે જરૂર સંચય કરવો જોઈએ.

ઠાકુર કહેતા, પક્ષી અને દરવેશ સંચય કરતાં નથી. પરંતુ પક્ષીઓને પણ બચ્ચાં થયાં પછી સંચય કરવો પડે છે. એટલે ગૃહસ્થાશ્રમમાં આ બધી ઝંઝટ છે. તેથી ઠાકુર છોકરાઓને કહેતા, લગ્ન ન કરતા. ઠાકુરનું બીજું પણ એક મહાવાક્ય છે, ‘લક્ષ્મીછાડા હોઆર ચાઇતે કૃપણ હોઆ ભાલો.’ (ઉડાઉ હોવા કરતાં લોભી થવું સારું.)

વેદમાં નારદની કથા છે. ભૂતત્ત્વ વગેરે જેટલા પણ પ્રકારની વિદ્યાઓ છે એ બધામાં નારદ પંડિત હતા. આજકાલની ભાષામાં કહો તો, જેટલા પ્રકારની ‘logy’ અર્થાત્‌ વિદ્યાઓ છે બધામાં નારદ માસ્ટર હતા. પરંતુ મનમાં શાંતિ ન હતી. એટલે ઋષિ સનત્કુમાર પાસે શાંતિ પામવા ગયા. ઋષિએ કહ્યું, વત્સ, સર્વવિદ્યા તો ભલે પ્રાપ્ત કરી લીધી, પરંતુ એનું કર્મજ્ઞાન થયું નથી, મૂળતત્ત્વનો બોધ થયો નથી. માત્ર શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે. બધી વિદ્યાઓના મૂળમાં છે બ્રહ્મવિદ્યા. એની પ્રાપ્તિ થયા પછી જ શાંતિ મળશે. ત્યાર બાદ નારદને ઋષિની કૃપાથી બ્રહ્મજ્ઞાન દ્વારા શાંતિની પ્રાપ્તિ થઈ.

એવી જ વાત. ગુરુ વિના સંસારમાં બીજો કોઈ આશ્રય નથી. ગુરુ જ બતાવી દે છે કે ઈશ્વર સત્ય, સંસાર અનિત્ય. તેથી એમને પકડીને સંસાર કરવાથી પછી દુઃખ નહીં. સદ્‌ગુરુ પાવે ભેદ બતાવે. આપણે ધન્ય! નાની ઉંમરે જ ગુરુની પ્રાપ્તિ થઈ. ગુરુનું ઋણ એટલે જ, નારદ ઋષિ સનત્કુમાર પાસે શાંતિની પ્રાપ્તિ માટે ગયા. ગુરુનું ઋણ ચૂકવી શકાતું નથી. અહેતુક કૃપા સિંધુ ગુરુ! તેઓ શું આપણા ગુણોથી આકર્ષિત થયા છે? ના, એવું નથી. આ તો એમની અહેતુક કૃપા. ગુણ–દોષનો વિચાર કરે તો શું કોઈ એની પાસે ઊભું રહી શકે? તેઓ તો शुद्धपापविद्वम्‌ હતા. એમની તુલના એમના સ્વયં સાથે જ કરી શકાય.

(ક્રમશઃ)

Total Views: 14

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.