હાલ મુંબઈમાં સ્થિત એવા શ્રી દિનકરભાઈ જોશીનો જન્મ ભાવનગર જિલ્લાના ભડી ભંડારિયામાં ૩૦ જૂન, ૧૯૩૭ના રોજ થયો હતો. ૧૯૬૩માં ગુજરાત યુનિવર્સિટીમાંથી શ્રી દિનકરભાઈ આર્ટ્સના વિષયો સાથે સ્નાતક થયા. ૧૯૫૯થી ૧૯૯૫ સુધી તેઓ બેન્કની સ્ટાફ ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ રહ્યા.

અભ્યાસ દરમિયાન જ તેમની પહેલી ટૂંકી વાર્તા ૧૯૫૪માં પ્રકાશિત થઈ હતી. એ તેમની સાહિત્ય-લેખન પ્રત્યેની રુચિ દર્શાવે છે. ત્યાર પછી પણ તેમની સાહિત્ય-સેવા ચાલતી રહી. તેમણે કુલ ૧૬૦થી વધુ પુસ્તકો લખ્યાં છે, જેમાં ૪૫ નવલકથાઓ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને મહાત્મા ગાંધી વિશે તેમણે ઘણું સંશોધન પણ કર્યું છે. રામાયણ, મહાભારત, વેદ, ઉપનિષદ વગેરે પર ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેમાંનાં ઘણાં પુસ્તકો નાટ્યરૂપે પરિવર્તિત થયાં છે.

સાહિત્યની સેવા બદલ તેમને અનેક પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે. સાહિત્ય એકેડેમી તરફથી પાંચ પુરસ્કારો તેમને પ્રદાન કરવામાં આવ્યા છે. ૨૦૧૭માં ‘સાહિત્ય ગૌરવ’ પુરસ્કારથી પણ તેમને નવાજવામાં આવ્યા છે. જે.જે.ટીબ્ડેવાલા યુનિવર્સિટીએ તેમને ડિ.લિટ.ની માનદ પદવી આપી પુરસ્કૃત કર્યા છે. આ ઉપરાંત પણ અનેક પુરસ્કારો દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, તેમનાં ૬૫થી વધુ પુસ્તકોનો વિભિન્ન ભાષાઓમાં અનુવાદ થયો છે. હિન્દીમાં અનુવાદિત તેમનાં પુસ્તકોમાં ‘મહામાનવ સરદાર પટેલ’, ‘બુદ્ધ તુમ લૌટ આઓ’, ‘કોઈકે તો કંઈ કરવું પડશે’, ‘શ્રીકૃષ્ણનું સરનામું’, ‘મહાભારત’, ‘બોધિવૃક્ષ’, ‘મહાત્મા v/s ગાંધી’, ‘મહાભારત મેં માતૃવંદના’, ‘મહાભારત મેં પિતૃવંદના’, ‘કૃષ્ણં વંદે જગદ્‌ગુરુમ્’ વગેરે મુખ્ય છે. તેમની નવલકથાઓ પણ ધર્મ, અધ્યાત્મ અને જીવનમૂલ્યો પર આધારિત છે.

તેઓ જણાવે છે કે તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય વાંચતા. એક વાર તેમના જીવનમાં બહુ મોટી સમસ્યા આવી પડી અને ઈશ્વર પરથી આસ્થા ઊઠી ગઈ. તે વખતે તેમને સ્મરણ થયું કે કેવી રીતે કૉલેજનો વિદ્યાર્થી નરેન્દ્રનાથ દત્ત (ભવિષ્યના સ્વામી વિવેકાનંદ) શ્રીરામકૃષ્ણદેવ પાસે જાય છે અને જે પ્રશ્ન બધાને પૂછતો તે જ પ્રશ્ન તેઓને પૂછે છે, ‘શું આપે ઈશ્વરને જોયા છે?’ અને શ્રીરામકૃષ્ણનો સટીક ઉત્તર, ‘હા, જેવી રીતે હું તને જોઉં છું, તેવી જ રીતે મેં ઈશ્વરને જોયા છે. ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે છે. જેવી રીતે હું તને જોઉં છું અને તારી સાથે વાત કરું છું, તેવી રીતે કોઈ પણ ઈશ્વરને જોઈ શકે છે અને તેમની સાથે વાત પણ કરી શકે છે…….’ એ વાતનું સ્મરણ થતાં તેમની ઈશ્વર પરની આસ્થા ફરી દૃઢ બની અને તેઓ એ સમસ્યાનો સફળતાપૂર્વક સામનો કરી શક્યા. આ વિશે તેઓ કહે છે કે તેમણે વિવેકાનંદનું જીવનચરિત્ર વાંચ્યું હતું એટલે જ એ શક્ય બન્યું.

સ્વામીજીના જીવનની બીજી એક ઘટનાના તેમના પર પડેલ પ્રભાવ વિશે તેઓ કહે છે: “સ્વામીજી તેમના મંત્રદીક્ષિત શિષ્ય ખેતડીના મહારાજા અજિતસિંહજી સાથે સંધ્યા સમયે પટાંગણમાં બેઠા હતા. થોડી વાર પછી એક નૃત્યાંગના એક ગીત ગાવા લાગી, ‘પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો..’ સ્વામીજી ઊઠીને પોતાના ઓરડામાં આવી ગયા. એ પછીની ઘટના આપણે જાણીએ છીએ. મેં પછી એ ઘટનાનું આત્મ-વિશ્લેષણ કર્યું અને મને એવો બોધ થયો કે આપણે બીજાઓના અવગુણ-દોષ જોઈએ છીએ, પરંતુ આપણા પોતાના દોષ જોતા નથી. આપણે કોણ છીએ બીજાના દોષ જોવાવાળા? બીજાના દોષ જોવા કરતાં પહેલાં આપણે આપણી અંદર રહેલી ખામીઓને દૂર કરવી જોઈએ.” આ આત્મ-વિશ્લેષણને કારણે એમના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું.

ત્રીજી એક ઘટના વિશે તેઓ જણાવે છે:

“મેં સ્વામીજીનો જીવન-પરિચય વાંચ્યો અને એમાં પણ શિકાગો વિશ્વધર્મસભામાં ભાગ લેવા તેઓ જ્યારે જાય છે, એ પ્રસંગ વાંચ્યો. તેઓને કેટલી તકલીફો વેઠવી પડી હતી! માત્ર અમેરિકામાં જ નહીં, ભારતમાંથી ત્યાં જતી વખતે ભારતના પંડિતોનાં કટુવચનો પણ સહન કરવાં પડ્યાં હતાં. છતાં સ્વામીજીએ તેની પરવા ન કરતાં અમેરિકા જઈ વિશ્વધર્મસભામાં પોતાના પ્રવચન દ્વારા હિંદુ ધર્મને વૈશ્વિક સ્તર પર, ઉચ્ચતમ શિખર પર લાવી મૂક્યો. વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી ગયો. પહેલાં ભારતને અત્યંત નિરક્ષરતા, ગરીબી વગેરેને કારણે નિકૃષ્ટ સમજવામાં આવતું. ત્યારે મને સ્વામીજીના જીવનમાંથી પાઠ મળ્યો કે આપણે નાની નાની સમસ્યાઓથી ગભરાઈ જઈએ છીએ, રડવા બેસીએ છીએ. આપણને સ્વામીજીના જીવનમાંથી સૌથી મોટો બોધપાઠ એ મળે છે કે પરિસ્થિતિઓ કેટલી પણ વિકટ હોય, તેનો સામનો કરવો જોઈએ. સ્વામીજીના ‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત..’ એ સૂત્રને યાદ કરીને આપણે સતત આગળ વધતું રહેવું પડશે.”

શ્રી દિનકરભાઈનું સ્વાસ્થ્ય હાલમાં નાદુરસ્ત છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેઓ સ્વસ્થ થઈ ગુજરાતી સાહિત્યની વધુને વધુ સેવા કરતા રહે અને સ્વામીજી વિશે પણ તેઓ વધુ યોગદાન આપતા રહે તેમજ સ્વામી વિવેકાનંદના આશીર્વાદ તેમના પર વરસતા રહે.

Total Views: 5

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.