શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણપુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું, ‘હમણાં જ મેં અક્ષયનું પુસ્તક વાંચ્યું. તેને મારા તરફથી પ્રેમપૂર્વકનાં લાખો આલિંગનો આપજો. તેની કલમ દ્વારા શ્રીરામકૃષ્ણ પોતાને વ્યક્ત કરે છે.’ આ ગ્રંથનું ભાષાંતર સ્વામી ચૈતન્યાનંદજીએ કર્યું છે, જે હજી અપ્રકાશિત છે. વાચકોના લાભાર્થે અમે તેને ધારાવાહિક રૂપે રજૂ કરી રહ્યા છીએ.

જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરું,
જય જય ભગવાન જગતના ગુરુ.
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.
ખેલમય ખેલપ્રિય ખેલ કરવાને,
આવે દેહ ધારી મર્ત્યલોકે ફરવાને.
જન્મ સાથે ખેલનો આરંભ થયો આંહીં,
ઘટના અપૂર્વ છે સંદેહ જરા નાહીં.
ખાડણિયા કેરો ખાડો જેહ સ્થાને ખણ્યો,
નવ-જાત શિશુ ખસી ત્યાં-હાં જઈ પડ્યો.
ધની લુહારણ હતી થોડે દૂર બેઠી,
શિશનું રુદન સુણી ઓરડીમાં પેઠી.
આનંદમાં આવી ધની આમતેમ દેખે,
સુવાવડી બાઈ પાસે શિશુ નવ પેખે.
નવાઈ પામીને ધની શોધે ચારે કોર,
ખાંડણિયામાંથી અંતે મળ્યો ચિત ચોર.
સુડો આકાર શિશુ પરમ સુંદર,
કાંતિ અંગતણી જાણે બીજો શશધર.
હર્ષભરી ધની કહે: ‘ચેટર્જી મ્હાશય,’
અતીવ સુંદર એક જન્મયો તનય.
ત્વરાથી આવીને દ્વિજ કરે નિરીક્ષણ,
સુશોભન બાળ અંગે દિવ્ય સુલક્ષણ.
હર્ષથી રોમાંચ અંગે ગદગદ સ્વર,
પલક પડે ન સાવ સ્થિર છે નજર.
વાત છાની રાખવાનું કહી દ્વિજ ગયા,
બ્હાર કોઈ જાણે તેથી સાવધાન રહ્યા.
જનક જનની ઉરે આનંદ અપાર,
ઉમંગે જૂએ છે પુત્રમુખ વારવાર.
ઓરડીમાં થયો જાણે પૂર્ણ ચંદ્રોદય,
જુએ તેનું આનંદથી ભરાયે હૃદય.
સુણી વાત, પાડોશીઓ શિશુ જોવા જાય,
દ્વિજ-બાળ દેખી નિજ બાળ ભૂલી જાય.
એક વાર શિશુને જે નિહાળે નયને,
‘રાત દિન દેખ્યા કરું’ થાય તેના મને.
પાડોશણો બધી દોડી આવે એકે એકે,
આનંદમાં આવી મુખ નિહાળે પ્રત્યેકે.
હરખમાં ડૂબે સહુ બાળકને જોઈ,
શાને આવો હર્ષ નવ કળી શકે કોઈ.
વિધ વિધ વાતો કરે પરસ્પર વદી,
આવો તો રૂપાળો બાળ જોયો નથી કદી.
કેવો આ તે છૈયો, જોઈ હૈયું કેવું ઠરે!
અંગે અંગ થકી જાણે રત્નકાંતિ ઝરે.
જોયાં છે અનેક શિશુ, આ તે કેવો બાળ,
દિનરાત દેખ્યીં, જાણે આનંદનો થાળ.
આસપાસ ગામોમાંય ફેલાયા ખબર,
દ્વિજ ઘેર બાળ જાણે ચંદ્રમાં અપર.
ટોળે મળી સ્ત્રીઓ આવી શિશુને નીરખે,
મુખચંદ્ર દેખી સહુ અંતરે હરખે.
ત્યાર થકી દ્વિજતણી આર્થિક ઉન્નતિ,
દિન-પ્રતદિન થતી ચાલી સુધરતી.
ધનસંપત્તિની દ્વિજ પાસે હતી કમી,
સ્થાવર સંપત્તિ માત્ર થોડીએક જમી.
લક્ષ્મીજળા એવું રુડું ખેતરનું નામ,
ચોમાસામાં વિપ્રવર હૈયે ધરી હામ.
ત્રણ ચાર ધાન લઈ ઇશાને સુધીર,
જઈ પોતે રોપે બોલી જય રઘુવીર.
નાનું એ ખેતર, ધાન્ય સુપ્રચુર આલે,
સાતનો ગુજારો એ અનાજમાંથી ચાલે.
બીજો પણ હતો કૈંક પ્રાપ્તિનો ઉપાય,
ધનવાન દ્વિજો બીજા નિવસતા ત્યાંય.
સાત્ત્વિકને સદાચારી ધર્મે જેનું મન,
ખર્ચ સારુ આપે માસે માસે થોડું ધન.
જેવા તેવા બ્રાહ્મણનું દાન નવ લહે,
શૂદ્ર પાજી પંડાગોર કેરું નવ ગ્રહે.
ખર્ચનો અભાવ થાય એવું બને નહીં.
ગમે તેમ તોય દસ મોઢાં ખાય તહીં.
યથાશકિત ભોગરાગ પામે રઘુવીર,
રોજ આવી ચડે કોઈ અતિથિ ફકીર.
સરીયામ વાટે હતું વિપ્ર કેરું ઘર,
નીકળતા ત્યાંથી સાધુ સંતો નિરંતર.
ત્યાં થઈને વાટ જગનાથ પુરી જાય,
થાક્યા પાક્યા યાત્રાળુઓ વિસામો ત્યાં ખાય.
ભૂખ લાગ્યે, તૃષા લાગ્યે માગે દ્વિજ ધરે,
માગતાંને આપે વિપ્રદંપતી સત્વરે.
ભૂદેવ ગરીબ પણ દયાના સાગર,
માટીલીંપી ભીંતો અને ઘાસે છાયું ઘર.
તેય વળી નાનું, તેનું ઊંચેરું ચઢણ,
ઓરડાઓ ઝાઝા નહિ, એક બે ને ત્રણ
તેમાંથીયે એક તો એ ખાંડવાનું ઘર,
ખેતી પાક્યો રાખે તેમાં ડાંગરનો ભર.
ઘાસ છાયું છાપરું દે બ્હારથી દર્શન.
દેખતાં જ લાગે કે એ દીન-નિકેતન.
છતાં યે પ્રભાવ એનો એવો ચારેકોર,
દેખતાં પ્રસન્ન થઈ નાચે મન મોર.
આજુ બાજુ વૃક્ષલતા અતિ મનોરમ,
જાણે કોઈ તપસ્વી કે ઋષિનો આશ્રમ.
શુદ્ધ સત્ત્વગુણ ભર્યું શાંતિકર સ્થાન,
ક્ષુધા-તૃષા-દૂરકારી દયા વિદ્યમાન.
જળ પીવા યાત્રાળુ પથિક આવે ત્યારે,
દ્વિજ નિજ ઘેર આપી આદર બેસારે.
હેતભરી વાણી બોલી વળી એ સત્કારે,
જમ્યા વિના બાપુ, જશો નહિ હો અત્યારે.
આર્થિક ઉન્નતિ કરી તે આ અન્નદાન,
ક્યાંથી આવે અન્ન તેનું મળે ન નિદાન.
પ્રભુ જેના પુત્ર, ખોટ શેની તેને ઘેર?
લક્ષ્મી જ્યાં નિવાસ કરે, ભંડારી કુબેર.
પિતા માતા પાડોશીઓ સમજે ન જરી,
ખેલે શિશુ ભગવાન કેવો રંગ કરી.
એક દિન આઈ લઈ બાળકને ખોળે,
સૂર્યસ્નાન કરાવેને ડીલે તેલ ચોળે.
વિશ્વંભર-આવેશે ભરાયું શિશુઅંગ,
બાળકનો ભાર દેખી આઈ થયાં દંગ.
ભાર વધી જતાં તેને સૂપડામાં રાખે,
સૂપડુંયે કડ કડ કડાકાજ નાખે.
‘થયું આ શું?’ કહી આઈ કરતાં રુદન,
અચળ ને સ્થિર બાળ રહિત સ્પદંન.
સૂપમાંથી ખોળે લેવા ઘણું મન કરે,
ઠાકુરાણી વારે વારે પ્રયત્ન કરે.
પણ ન ઉઠાવી શકે કેમ કર્યો બાળ,
લાગ્યાં રડવા ને પડી અંતરમાં ફાળ.
આઈનું રુદન સુણી જે કો’ હતું જ્યાંહાં,
શાને રડે આઈ જોવા દોડી આવ્યું ત્યાંહાં.
રોતાં રોતાં કહે આઈ, બાળ બહુ ભારે,
સૂપડા માંહેથી ખોળે લઈ શકું ના રે.
સામે લીંમડામાં બ્રહ્મદૈત્ય તણો વાસ,
આવી એ ભરાયો લાગે છોકરામાં ખાસ.
માની અનુમાન એનું કહે લોકો પણ,
ભૂવાને બોલાવી લાવો ઝટ કોઈ જણ.
જંતર મંતર ગડબડ ભૂવો બોલે,
ભાર જતાં ઉઠાવી શકાયો શિશુ ખોળે.
બીજે એક દિન ગયાં લેવાને ગાદુલી,
સુવાડીને જ્યાં હતી નજીકમાં ચૂલી.
દેવતા ન હતો ચૂલમાંહે હતી રાખ,
શિશુ ત્રણ માસનો પાડોશી પૂરે સાખ.
આળોટતો જાય બાળ કરતો હોકાર,
ચૂલ માંહે અરધોને અર્ધો છે બહાર.
કાન્તિપૂર્ણ શિશુઅંગ દેખી ચંદ્ર હારે,
આળોટતો હતો બાળ રાખની વચ્ચાળે
દોડી આવી આવી દેખે ઘટનાએ ત્યાંય,
પ્રાણપ્રિય પુત્ર તો આળોટે ચૂલમાંય.
રાડ પાડી ઊઠી જોતાં છોકરાની કાય,
બોલી ઊઠી, ‘બાળ આવો લાંબો કાં દેખાય?’
હજૂ હમણાં જ મૂક્યો કોથળા ઉપરે,
કોણે લઈ નાખ્યો એને ચૂલાની ભીતરે.
શેણે થયું આવું તેનું શરીર પ્રખર,
નાનો હતો મૂક્યો જ્યારે કોથળા ઉપર
રડી પડ્યા બોલી, કો’ કે કરીયું જારણ,
સુણીને રુદન આવી ધની લુહારણ.
સુણી બોલી ઊઠી ધની કરતી વારણ,
માતા થઈ અમંગળ બોલો શા કારણ?
લાવો લાવો છોકરાને હું જ ઝાડી દઉં,
થયું હોય કાંઈ તો મંતર મારી દઉં.’
એમ કહી બાળ પરે કરે મંત્ર-ગત,
એટલે દેખાયો બાળ પાછો પૂર્વવત્
ધની લુહારણ કોણ? પ્રભુલીલા કેવી,
અદ્ભુત હતી એ બાઈ નંદરાણી જેવી.
શિશુરૂપી ભગવાને ચેટર્જીને ઘેર,
જાણે કે આરંભ્યો ખેલ નવો હર્ષભેર.
અદ્ભુત એ ખેલ કેરો અગમ્ય આભાસ,
માતાપિતા પાડોશીઓ પામે નવ ખાસ.
એવી રીતે વીતી ગયા માસ શુભ ચાર,
ઘટનાયે બની એક કલ્પનાથી પાર.
આઈ ગયાં બાજુમાંહે હતું કંઈ કાજ,
પાછી આવું ઝટઝટ એવો જ અંદાજ.
પાછાં આવી જુએ તો પ્રકાર વિચિતર,
બાળકને સ્થાને સૂતો હતો કોઈ નર.
ભયથી પોકારી દોડ્યાં બોલવવા પતિ,
‘જુઓ ને આ કોણ સુતું, પુત્ર અહીં નથી.
સૂતો છે કોઈક નર, અતિ દીર્ઘ કાય,
ગયો ક્યાં રે બાળમારો, કેમ ન દેખાય?’
સુણી ભયભીત થઈ દ્વિજ દોડ્યા ઝટ,
ધાઈ આવ્યા ઓરડામાં ભારજા સગટ.
જુએ છે તો મૂળ સ્થાને ખેલી રહ્યો બાળ,
આઈએ ઊઠાવી દીધું દૂધ તતકાળ
ભયભીત સ્ત્રીને બોલ્યા વિપ્રધૈર્ય ધારી,
દેખ્યું તે બધુંય સાચું માનો વાત મારી.
પરંતુ આ વાતો બધી કે’તાં નહિ બ્હાર,
અસંભવ આવું કોઈ નહિ માનનાર.’
શાબાસ માયાના ખેલ, તારી બલિહારી,
અંતરે કળાય શકું વર્ણવી ન જરી.
ઐશ્વર્યને ભૂલી ગયાં બ્રાહ્મણ બ્રાહ્મણી.
પ્રેમે નીરખતાં કાંતિ પુત્રમુખ તણી.
વારે વારે દીએ ચૂમી વદન કમળે,
આનંદનાં આંસુ વહી પડે વક્ષ:સ્થળે
છઠ્ઠે માસે શુભ દિને થયું અબોટણ,
આનંદ સમાય નહિ દ્વિજ તણે તન.
નવાં વસ્ત્રો અલંકારો પે’રાવ્યાં શ્રી અંગે,
સુંદર ચંદનરેખા સાહે લાલ રંગે.
શિરે શોભા થાય, અંગે ચંદન ભૂષણ,
ઝાંખાં પડે એની પાસે મણિ-આભૂષણ.
મૂળે જ સુંદર, વળી ચંદનચર્ચિત,
જે કો દેખે નેત્રોથી તે થાય મુગ્ધચિત્ત.
વિરિંચિવાંછિત દૃશ્ય વદનમંડળે,
કામારપુકુરવાસી જોવા ટોળે મળે.
નામ પાડવાનો દિન આવ્યો સાવ પાસ,
શું નામ રાખીશું પિતા વિચારે એ ખાસ.
ગયાધામે કરી ગદાધરનાં દર્શન,
પામ્યા હતા પુત્રરૂપે કુમાર રતન.
સ્મરીને એ પાડ્યું શુભ નામ ગદાધર,
બોલાવે ગદાઈ કહી કરીને આદર.
ગુરુદત્ત નામ રામકૃષ્ણ જગે ખ્યાત,
રામકૃષ્ણ પરમહંસ વિશ્વ વિખ્યાત.

Total Views: 333

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.