ગતાંકથી આગળ…

હવે પછીથી, સ્વામી વિવેકાનંદે આપણને શીખવ્યા પ્રમાણે, ભારતમાં મનની કેળવણી ઉપર ભાર દેવાની પ્રથમ આવશ્યકતા છે. તમે મંદિરમાં ગયા, ત્યાં તમે મનને ઘડ્યું ? ત્યાં તમે જંજાળથી દૂર રહીને શાંત અને સ્થિર રહી શકયા ? આમ, આખું જીવન મનની કેળવણી બને છે. તમે મનને કેળવો તો તમે શેઠ; ન કેળવો તો, ગુલામ. તમે ગુનેગાર બનો છો ત્યારે તમારી સહજ પ્રેરણાઓના, તમારી વાસનાઓના તમે ગુલામ બનો છો. મનને કેળવવાનો આ વિષય માત્ર શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ પૂરતો મર્યાદિત નથી. દરેક ક્ષેત્રમાં, દરેક નાગરિકે, એકલા કે કાર્યક્ષેત્રમાં, આ કાર્યમાં જ વ્યસ્ત રહેવાનું છે; મનને કેળવવાનું, જેથી કૌશલ વધે અને આત્મસંયમ પ્રાપ્ત થાય. મનને અને એના કાર્યને હું સમજવા લાગું છું ત્યારે મારી અંદર કાર્યરત આ કામ અને ક્રોધનાં પરિબળો મને દેખાય છે. બહારથી આવીને કોઈ સેતાન મને પીડતો નથી. ‘શેતાન’ મારી અંદર જ વસે છે. એથી તો આપણા સાહિત્યમાં સેતાનને સ્થાન નથી. તમે જાતે જ અંદરના ‘સેતાન’ છો. એને વશમાં રાખવા અને એને યોગ્ય માર્ગે વાળવા તમે સમર્થ હોવા જોઈએ. માટે તો મનની કેળવણી સૌને માટે અતિ અગત્યની છે.

વિવેકચૂડામણિના ૧૮૧મા શ્લોકમાં શંકરાચાર્ય કહે છે : तन्मनः शोधनं कार्यं प्रयत्नेन मुमुक्षुणा, ‘આત્માની મુક્તિ ચાહતા હોય તેમણે ખૂબ શ્રમ કરીને મનને કેળવવું’; विशुद्धे सति चैतस्मिन् मुक्तिः करफलायते, ચિત્ત વિશુદ્ધ થાય છે ત્યારે હાથમાંના ફળની માફક મુક્તિ સુલભ બને છે. ‘હું મુક્ત છું, હા, હું મુક્ત છું’ એ તમે અનુભવી શકો છો. કેવી રીતે ? ચિત્ત કેળવાયેલું છે. ચિત્ત વિશુદ્ધ છે. મારો જન્મસિદ્ધ અધિકાર છે તે મુક્તિ મેં આજે મેળવી છે. અત્યાર સુધી મને એનો અનુભવ ન હતો. એટલે ચિત્તને કામ અને ક્રોધ માટે પ્રેરતી આ રજસ અને તમસની શક્તિને સત્ત્વમાં પરિવર્તિત કરવી જોઈએ. એ મારે જાતે જ કરવાનું છે. મારે બદલે બીજું કોઈ એ કરી શકે નહીં. બાર વર્ષના છોકરા-છોકરીને એનાં માબાપ સલાહ આપી શકે; પણ પોતાના ચિત્તને કેળવવાનું કાર્ય તો તેણે જાતે જ કરવાનું છે. એક વ્યક્તિના ચિત્તને બીજું કોઈ કેળવી શકે નહીં. You can take a horse to the water, but you can`t make it drink – ‘તમે ઘોડાને અવેડે લઈ જઈ શકો પણ એને પાણી પીતો કરી શકો નહીં’, એ એક અંગ્રેજી કહેવત છે તે આ સત્યને બરાબર વ્યક્ત કરે છે. એટલે માબાપોએ બાળકોને કહેવું જોઈએ કે ‘હું તને મદદ કરી શકું પણ ચિત્તને કેળવવાનું કામ તારે જાતે જ કરવું પડશે’. આ સતત ચાલતી પ્રક્રિયા છે. કર્મમાં, આરામમાં, માનવસંબંધોમાં – ચિત્તની આ કેળવણી શાંતિથી, અબોલ, સતત ચાલુ જ રહેવી જોઈએ, માત્ર આપણને એના શાસ્ત્રનું, એની પદ્ધતિનું જ્ઞાન હોવું જોઈએ અને એની આવશ્યકતા સમજાવી જોઈએ. આજે આની ખોટ વરતાય છે. એની આવશ્યકતા આપણે સમજતા નથી. આપણી આંતરપ્રકૃતિના પ્રેર્યા આપણે ઊંધમૂંધ જઈએ છીએ; ચિત્ત જે કહે છે તે હું કરું છું; અને ચિત્ત ઇન્દ્રિયોને જ અનુસરે છે. ચિત્ત ઇન્દ્રિયોનું ગુલામ છે. આમ, અંતિમ આદેશ ઇન્દ્રિયો આપે છે. કૂતરાનું મસ્તક એની પૂછડી પટપટાવે, પૂછડી મસ્તકને નહીં ! અને માનવતંત્રમાં આ અનિષ્ટ પરિબળો કયાં પ્રવૃત્ત છે તે શ્રીકૃષ્ણ ૪૦મા શ્લોકમાં કહે છે. તમારો વેરી કયાં વસે છે ? તમારા શત્રુ ઉપર તમે હુમલો કરવા ચાહતા હો તો એનું ઠેકાણું તમારે જાણવું જોઈએ. એ ભાષામાં વાત છે. કોઈ સેનાપતિ આંગળી ચીંધી હુકમ કરે તેના જેવું એ છે : ‘જાઓ, પેલો કિલ્લો કબજે કરો; લશ્કરી દૃષ્ટિએ એ અગત્યનું છે; તો જ તમે યુદ્ધ જીતી શકશો.’ એ જ રીતે, શ્રીકૃષ્ણ અર્જુનને તથા, તમને અને મને, કહે છે કે દુશ્મન આ મથકોમાં છે; એની ઉપર ત્યાં તમે હલ્લો કરો. એ મથકો કયાં છે ? ૪૦મા શ્લોકમાં એ ચીંધવામાં આવ્યું છે :

इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते ।

एतैविर्मोहयत्येष ज्ञानमावृत्य देहिनम् ।।40।।

‘ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એનાં સ્થાન કહેવાય છે; એના વડે એ, દેહમાં વસતા આત્માના જ્ઞાનને ઢાંકી દઈ તેને મોહમાં નાખે છે.’

ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ – માનવવ્યક્તિત્વનાં આ ત્રણ કેન્દ્રોમાં ચેપ ફેલાય છે. આપણે તબીબી વિજ્ઞાનમાં પ્રશ્ન કરીએ છીએ કે ‘ચેપ કયાં લાગ્યો છે ?’ તેના જેવું આ છે. તો આપણે ઝેરને દૂર કરવા ઔષધ આપી શકીએ અને શરીરને ફરી સ્વસ્થ કરી શકીએ. માનવતંત્રમાં, આ રીતે, મનુષ્યસમાજને અસર કરતાં, ગુનાખોરી અને બીજાં અનિષ્ટો ઇન્દ્રિયો, મન અને બુદ્ધિમાંથી ઉદ્ભવે છે. ઇન્દ્રિયતંત્ર મનુષ્યશરીરને પ્રેરે છે; વાસ્તવમાં એ ઇન્દ્રિયોની પાછળ રહેલું જ્ઞાનતંતુતંત્ર એમ કરે છે. બધાં અનિષ્ટો જેમાંથી જન્મે છે તે ચેપનું એ પ્રથમ કેન્દ્ર છે. પછી આવે છે મન. જો તમે દરકાર ન લો તો, સમય જતાં એને પણ ચેપ લાગે છે. અને છેલ્લે આવે છે, બુદ્ધિ, અર્થાત્ વિવેકબુદ્ધિ જે સાચા ખોટાનો ભેદ પારખે છે. બુદ્ધિને ચેપ લાગતાં એની વિવેકશક્તિ એ ગુમાવી બેસે છે. બુદ્ધિ ચેપથી પૂરી ઘેરાઈ જાય ત્યારે એ આપણા જીવનનો સર્વનાશ કરે છે. એને ચેપ ન સ્પર્શ્યાે હોય તો એ આપણને બચાવી પણ શકે. એટલે માનવવ્યક્તિત્વનાં આ ત્રણ ક્ષેત્રોમાં આપણા શત્રુનું ચોક્કસ ઠેકાણું આપણે શોધી કાઢવાનું છે. एतैः विमोहयत्येष ज्ञानं आवृत्य देहिनम्, ‘માનવતંત્રમાંનાં ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ, આ ત્રણ કેન્દ્રોને અનિષ્ટ મોહિત કરે છે અને દેહીના જ્ઞાન, અધ્યાત્મજ્ઞાનને ઢાંકી દે છે ! एतैः विमोहयति, ‘આમને મોહિત કરવામાં આવે છે’; એ મોહ ન હોય તો તમે કશું ખોટું કરતા નથી. તમારું ચિંતન નિર્મળ હોય ત્યારે તમે કશું ખોટું નથી આચરતા. કશું જ ખોટું કરો છો ત્યારે એની પાછળ મોહ હોય છે. સૌથી બહારની બાજુએ ઇન્દ્રિયો છે અને સૌથી અંદર બુદ્ધિ છે અને મન એ બેની વચ્ચે છે.

(ક્રમશ 🙂

 

Total Views: 649

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.