मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा।
निराशीनिर्र्ममो भूत्वा युध्यस्व विगतज्वरः।।30।।

‘સર્વ કર્મો મારામાં અર્પણ કરીને, આત્મનિષ્ઠ થઈને, આશા અને સ્વાર્થને છોડીને, મનના તાપથી મુક્ત થઈને તું યુદ્ધ કર.’

સુંદર શ્લોક ! યુદ્ધ એટલે લડાઈ. युध्यस्व, ‘યુદ્ધ કર’, જીવનસંગ્રામ ખેલતો રહે ! કેવી રીતે ?; विगतज्वरः, ‘જવર-તાવ-વિના’, અર્થાત્, ‘અંદરના તાણ વિના’, શાંત અને ગંભીર ચિત્ત સાથે; मयि सर्वाणि कर्माणि संन्यस्य, ‘બધાં કર્મો મારામાં અર્પણ કરીને’, સર્વ પ્રકૃતિની પાછળ દિવ્ય અનંત ચૈતન્ય વિલસે છે અને એ પ્રકૃતિ તો માત્ર આવિષ્કૃત શક્તિ છે. શ્વેતાશ્વતર ઉપનિષદ જણાવે છે તે પ્રમાણે मायां तु प्रकृतिं विद्यात् मायिनं तु महेश्वरम्, ‘સર્વ પ્રકૃતિ માયા કહેવાય છે અને પરબ્રહ્મ મહેશ્વર માયાના સ્વામી છે.’

શ્રીરામકૃષ્ણ જાદુ અને જાદુગર વિશે કહેતા; જાદુ સત્ય નથી, જાદુગર સત્ય છે. માત્ર જાદુ ઉપર ધ્યાન કેન્દ્રિત નહીં કરો. જાદુ હોય તે માટે જાદુગરની જરૂર છે. અને તેથી શ્રીકૃષ્ણ કહે છે, मयि सर्वाणि कर्माणि संन्यस्य તારાં બધાં કર્મો મને અર્પણ કરીને’, ‘હું માયાથી પર છું અને એ માયાનો સ્વામી છું’, अध्यात्म चेतसा, ‘આધ્યાત્મિક અભિગમ ખીલવીને’, મનને અધ્યાત્મથી રંગીને, निराशीः ‘આશા વગર’, ‘હું’ અને ‘મારા’ થી પર થઈને, युध्यस्व, ‘(જીવન) સંગ્રામમાં ઝુકાવ’,; विगतज्वरः, ‘તાણના જવર વિના.’

ગીતાના કર્મયોગ-અધ્યાયનો આ ગહન સંદેશ છે. તણાવ વગર કર્મ કરો. ડોળ કર્યા વગર કર્મ કરો. આ ઘણો ગહન સંદેશ છે. સામાન્ય રીતે શાંત અને સ્વસ્થ ચિત્તે કામ કરવાની શક્તિ જ આપણી પાસે નથી. કોઈ યંત્ર ખામીભર્યું હોય અને એને ઊંઝણ ન પૂર્યું હોય તો એ ખૂબ અવાજ કરે છે. પણ યંત્ર સારું હોય તો એ અવાજ વિના કાર્ય કરે છે. આપણા અગાઉના પાણીના પમ્પો ખૂબ ઘોંઘાટ કરતા. આજે શાંત પમ્પો નીકળ્યા છે. આપણાં યંત્રો વધારે કુશલ બન્યાં છે. આપણી ઓટોરિક્ષાઓ પણ કેટલો ઘોંઘાટ કરે છે ! કલાકના માત્ર બાર માઈલ પણ, ઘોંઘાટ આટલો ! ત્યારે પ્રથમ દરજ્જાની મોટરગાડી જરા પણ અવાજ કર્યા વિના ૮૦ માઈલની ઝડપે ચાલે છે. એટલે માનવતંત્રમાં પણ જીવનમાં અને કાર્યમાં કૌશલ જેવું કંઈક છે. વિપુલ પ્રમાણમાં પરંતુ શાંતિપૂર્વક કરેલાં કામથી, એ કૌશલ મપાય છે. કોઈ પણ પ્રકારનું ડોળઘાલું કર્મ અકુશલ છે. ઘરના કામમાં પણ ખૂબ શોર મચાવતા અને ડોળ કરતા લોકો આપણને જોવા મળે છે, પણ સરવાળે એમની સિદ્ધિ ઓછી હોય છે. કશા જ શોરબકોર વિના અને શાંતિથી કર્મ શા માટે ન કરવું? જાણે બોજો જ ન હોય એ રીતે સસ્મિત વદને બોજો વહન કરો. સર્વકુશલ કર્મ પાછળ આવું આધ્યાત્મિક બળ હોવું જોઈએ. એથી તો શ્રીકૃષ્ણ કહે છે, विगतज्वरः, ज्वरः એટલે તાવ, विगत એટલે વિના. જ્વરનો અર્થ તણાવ, ઉત્તેજિતતા, ડોળ છે. ખાસ કરીને ડોળ. ડોળઘાલું લોકો કામ કરતી વખતે ખૂબ ઘોંઘાટ કરતા હોય છે. એ અકુશલ કર્મ છે. આપણે કર્મપ્રવૃત્ત હોઈએ ત્યારે આપણે તદૃન શાંત અને સ્થિર હોઈએ એમ ગીતા ઇચ્છે છે. ૬૦૦ માઈલની કલાકની ઝડપે જેટ વિમાનમાં આપણે ઊડતા હોઈએ ત્યારે એ ગતિમાં હોય એવું લાગતું જ નથી; યંત્રની કુશલતાની એ નિશાની છે. એ રીતે માનવતંત્રે પણ युध्यस्व विगतज्वरः, બનીને કર્મ કરવાની તાલીમ લેવાની છે. એ મોટી તાકીદના વિષયને ભારતમાં આજે આપણે સમજવાનો અને જીવનમાં ઉતારવાનો છે.

આપણે પ્રામાણિક, શાંત, ધીર અને સ્થિર કાર્યકર્તાઓ થઈએ તો આપણા રાષ્ટ્રિય પ્રશ્નો આપણે ઉકેલી શકીએ. કામ કરતી વેળા ખૂબ લાગણીવેડાની જરૂર છે, ખૂબ ઘોંઘાટની જરૂર છે, એમ માનનારા લોકો કર્મનાં વિજ્ઞાન અને કલા જાણતા નથી. અલ્પભાષી માણસ જ સૌથી વધારે કાર્ય કરે છે. समत्वं योग उच्यते, બીજા અધ્યાયના પોતાના યોગસંદેશમાં યોગને સમતા તરીકે અને योगः कर्मसु कौशलम् માં યોગને કામમાં કૌશલ તરીકે વ્યાખ્યાયિત કરેલ છે. તમે કુશલતાપૂર્વક કાર્ય કરો ત્યારે કશું તમારા કાબૂ બહાર નથી; અને એ વેળા તમારો ક્રોધ નિયંત્રિત હશે તો એ પૂર્ણપણે સુસંગત થશે; પણ ક્રોધ તમારી પર સવાર બની ગયો તો તમારામાં કંઈ ગરબડ હશે. એટલે આ બાબતમાં આ ચોક્કસ બોધ ખૂબ મહત્ત્વનો છે.

Total Views: 610

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.