(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.)

ચાલીશ વર્ષ પહેલાં કિશનપુર ખાતે રામકૃષ્ણ આશ્રમની એક એકાકી કુટિરમાં બનેલો પ્રસંગ છે. શિયાળાની સવારનો લગભગ સાત વાગ્યાનો સમય. ડિસેમ્બર મહિનાનો સૂર્ય તેનાં સોનેરી કિરણોની ઉષ્મા આપવાની શરૂઆત કરી રહ્યો છે. થોડે દૂર, શિવાલીક પર્વતની હારમાળા જાણે કે ધ્યાનમગ્ન હોય તેવી રીતે જોઈ શકાય છે; અને ચારે તરફ ફૂલોથી આચ્છાદિત વૃક્ષો અને નાના-નાના છોડ આવેલાં છે. નીચે ખીણમાં આશ્રમની પાસેથી પસાર થતાં ઝરણાનો અવાજ સાંભળી શકાય છે. હિમાલય પર્વતનાં ગાયક-પંખીઓ પરોઢને આવકારતાં ગીતો ગાઈ રહ્યાં છે. એક-બે દિવસ પછી મા શારદાદેવીનો જન્મ-દિવસ આવવાનો છે. સ્વામી જગદાનંદજી, કે, જેઓ મા શારદાદેવીના શિષ્ય છે, વેદાંતના વિદ્વાન છે અને ઊંચી પદવી ધરાવનાર સંન્યાસી છે, પોતાની કુટિરમાં આસન પર બેઠેલા છે. એક યુવાન સંન્યાસી કે જેમને હમણાં જ દીક્ષા આપવામાં આવી છે તેઓ પણ આસન પર બેઠા છે. આ યુવાન સંન્યાસી વેદાંત શીખવા આતુર છે. આ યુવાન સંન્યાસીએ પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી:

“શ્રીરામકૃષ્ણની અમાપ આધ્યાત્મિકતાને થોડી સમજવી અને ગ્રહણ કરવી શક્ય છે. અમુક અંશે તેના વિષે અનુમાન તો કરી શકાય. પરંતુ મા શારદાદેવીની આધ્યાત્મિક ઊંડાઈ વિષે વિચાર કરવો ખૂબજ મુશ્કેલ છે. કેટલા વિદ્વાનો અને મહાન પંડિતો શ્રીરામકૃષ્ણ પાસે જતા! અને દક્ષિણેશ્વરમાં તેઓશ્રીએ ઘણી આધ્યાત્મિક સાધનાઓ કરી. કેવી અદ્ભુત જગ્યા! પરંતુ શ્રી શારદાદેવીએ તેમની બધી આધ્યાત્મિક સિદ્ધિઓ ચુપચાપ સહજ રીતે પ્રાપ્ત કરી અને તે પણ ગૃહસ્થ જીવનની નાની-મોટી અસંખ્ય જવાબદારીઓનો બોજો વહન કરતાં-કરતાં! ખરેખર, મહાશય, આ બીના રહસ્યમય, અપૂર્વ અને અપ્રતિમ છે!”

શ્રી જગદાનંદજી મોટેથી બોલી ઊઠ્યા, “તમારી વાત સાચી છે!” “મા શારદાદેવીને સમજવા એ શક્ય નથી. કેટલા મહાન હતા તેઓ! કેટલા અગાધ હતા તેઓ! આ ‘મા’ ખરેખર કોણ હતા તે જાણવું આપણા માટે શક્ય નથી જે કંઈ આપણે જાણીએ છીએ તે આ છે, તે ‘મા’ છે.” જ્યારે યુવાન સંન્યાસી ‘મા’ વિષે વાતો કરતા હતા, ત્યારે પૂજ્ય વૃદ્ધ સ્વામી ખૂબ જ ભાવનાશીલ બની ગયા અને તેમની આંખોમાંથી આંસુ પડવા માંડ્યાં. એક જ્ઞાની પુરુષ કે જેમણે વેદાંત દર્શન પચાવ્યું છે તેઓ પણ મા શારદાદેવીની પ્રતિભાને કેવી રીતે મૂલવે છે તે જોતાં કોઈ મૂર્ખ માણસ જ ‘મા’નાં જીવન અને મહાનતા વિષે છીછરું શબ્દચિત્ર આપવાનો પ્રયત્ન કરી શકે. પરંતુ ‘મા’નો સ્વભાવ જ એવો છે કે તેમનું દરેક બાળક એમ માને છે કે તે પોતાની ‘મા’ને બરાબર જાણે છે. એટલું જ નહીં તે એમ પણ માને છે કે પોતે ‘મા’ને જાણે છે તેના કરતાં વધારે બીજી કોઈ વ્યક્તિ ‘મા’ને જાણતી નથી. ‘મા’ દરેકનો પોતાના બાળક તરીકે સ્વીકાર કરે છે, તેથી એક મૂર્ખ પણ એમ માને છે કે પોતે ‘મા’નું બાળક છે. ‘મા’ના ઘરમાં અજ્ઞાની અને વિદ્વાન બન્નેને સરખો અધિકાર છે. ‘મા’એ પોતે એક વખત કહ્યું, “હું સદ્ગુણી લોકોની અને અધમ્ લોકોની પણ માતા છું – હું સજ્જનોની માતા છું તેમ દુર્જનોની પણ માતા છું. જે લોકો મને ‘મા’ કહીને સંબોધે છે તેવા દરેક નર-નારીની હું માતા છું. હું સર્વની માતા છું.” હવે આપણે જોઈએ કે આ વિશ્વની ‘માતા’ કે જેઓ સ્વયં વિનમ્રતાના અંતરપટની પાછળ રહે છે તેઓ એક સામાન્ય માણસ કે જેનું મન અજ્ઞાનને કારણે મર્યાદિત છે તેને કેવા ભાસે છે?

હિંદુ પૌરાણિક કથાઓ અને મહાકાવ્યોએ લગ્નજીવનમાં પવિત્રતાના આદર્શને ઉચ્ચ સ્થાન આપ્યું છે; એક પત્ની પોતાના જ પતિને વફાદાર હોય છે તે અર્થમાં સીતાનું પોતાના પતિ સાથે વનમાં સાથે જવું; સાવિત્રિનો સત્યવાન પ્રત્યેનો અનુરાગ અને મૃત્યુના રાજા પર તેનો વિજય; ચૈતન્ય મહાપ્રભુએ સંન્યાસ દીક્ષા લીધા પછી વિષ્ણુપ્રિયાએ કરેલ સંસાર ત્યાગ, (સંન્યાસ ધર્મ અંગિકાર કરવો); આ બધાં પત્નીની પવિત્રતાનાં ખૂબજ જાણીતાં ઉદાહરણો છે. ત્યાર પછી એવી સ્ત્રીઓ હતી કે જેમને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું – જેમને બ્રહ્મવાદિની કહી શકાય (ઉપનિષદમાં જેને બ્રહ્મ કહે છે તેને જાણનાર). તદુપરાંત ખ્રિસ્તી ધર્મની અને બૌદ્ધધર્મની પવિત્ર સાધ્વીઓ. પરંતુ અમે માનીએ છીએ કે માનવજાતના ઈતિહાસમાં માતૃત્વનો આદર્શ, વૈશ્વિક માતૃત્વનો આદર્શ, પહેલી વખત મા શ્રી શારદાદેવીની પ્રતિભા દ્વારા આવિષ્કાર પામ્યો અને અભિવ્યક્ત થયો.

અલબત્ત દરેક વ્યક્તિ જાણે છે કે એક સામાન્ય માતાને પોતાનાં બાળકો માટે પ્રેમ, નિષ્ઠા અને ત્યાગની ભાવના હોય છે અને આ આપણા માટે પણ કેટલું મૂલ્યવાન છે? પરંતુ દરેક પ્રત્યે માતાના પ્રેમનું સચોટ અને વૈશ્વિક માતૃત્વની પૂર્ણતાએ પહોંચતું ઉદાહરણ, એ મા શારદાદેવીના જીવનમાં અજોડ છે. “સર્વનો ઈશ્વર” એ આદર્શનું દૃષ્ટાંત કૃષ્ણ, ક્રાઈસ્ટ અને બીજી મહાન વિભૂતિઓના જીવનમાં જોવા મળે છે. પરંતુ ‘સર્વની માતા’નો આદર્શ વિશ્વમાં ચોંકાવનારી નવી અસાધારણ ઘટના છે. એક સામાન્ય વ્યક્તિએ દરરોજ કેટકેટલા વહેવારો નિભાવવા પડતા હોય છે! એક પિતા તરીકે, માતા તરીકે, પતિ તરીકે, પત્ની તરીકે, પુત્ર અથવા પુત્રી તરીકે, માલિક અને નોકરના સંબંધો, ડૉક્ટર અને દરદીના સંબંધો, દુકાનદાર અને ગ્રાહકના સંબંધો વગેરે વગેરે. જેવી રીતે મા શારદાદેવીએ સમસ્ત વિશ્વનાં પ્રાણીઓ પ્રત્યે જે સંપૂર્ણ સમતાથી અને સમદૃષ્ટિથી માતૃત્વનું પ્રતિપાદન કર્યું તેવું કોઈ સ્ત્રીએ કર્યું છે ખરું? ધર્મ અને અધ્યાત્મના સમગ્ર ઈતિહાસમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ મા શારદાદેવીની પ્રતિકૃતિ શોધી શકે.

નાનું સાદું ઘાસ અને પ્રચંડ વૃક્ષ-બંનેનું ઉદ્ગમ સ્થાન પૃથ્વી છે. કાંટાળો થોર અને સુગંધ આપતી ચમેલી – બંને જમીનમાંથી પાંગરે છે; ત્યાં જમીનમાં બધાં ઊગે છે. તેથી પૃથ્વી પૃથ્વી-માતા તરીકે ઓળખાય છે. કોઈપણ ભેદભાવ વિના તે બધાં પ્રાણીઓને જન્મ આપે છે અને પોષણ આપે છે. તે કોઈનો અસ્વીકાર નથી કરતી. ઈશ્વર પોતે આ પૃથ્વી ઉપર શરીર ધારણ કરીને ‘અવતાર’ તરીકે આવે છે. ધર્મશાસ્ત્રો જાહેર કરે છે કે દુષ્ટ લોકોને શિક્ષા કરવા માટે અને સદ્ગુણી લોકોના રક્ષણ માટે ઈશ્વર ‘અવતાર’ તરીકે આવે છે. તેનો અર્થ એ થાય છે કે ‘અવતાર’ સ્વીકૃતિ અને અસ્વીકારના પાયા ઉપર કાર્ય કરે છે.

હિંદુ દર્શનમાં ઈશ્વર જ્યારે અવતાર તરીકે આવે છે ત્યારે, ‘શક્તિ’ (shakti) અવતાર સાથે હંમેશા જોડાયેલાં હોય છે. આ ‘શક્તિ’ને દૈવી શક્તિ (Divine Power) કહે છે. ઈતિહાસમાં અલગ-અલગ સમયે, અલગ-અલગ દેશોમાં ઈશ્વર ભિન્ન-ભિન્ન સ્વરૂપે પૃથ્વી ઉપર આવે છે અને અવતાર ધારણ કરે છે. અમુક સ્વરૂપોમાં અવતાર ઈશ્વરનું ભયાવહ સ્વરૂપ પ્રગટ કરે છે, અમુક સ્વરૂપોમાં ઈશ્વર માનવજાતના ઉપદેશક તરીકે પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે. આ, બધાં સ્વરૂપો ‘શક્તિ’ (shakti)ની સીમાની અંદર આવે છે. શક્તિનું સૌથી ઉત્કૃષ્ટ પ્રગટીકરણ – વૈશ્વિક માતૃત્વ – ભૂતકાળમાં કદી પણ અવતાર સાથે જોડાયેલ ન હતું. સૌથી નજીકના ભૂતકાળમાં, શ્રીરામકૃષ્ણના અવતારમાં, આપણે દૈવી શક્તિનું (કે જે વિશ્વની આદ્યશક્તિ છે) અવતાર સાથે હર્ષયુક્ત જોડાણ જોઈએ છીએ.

જ્યારે આપણે શ્રી શારદાદેવીના જીવન તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે તેઓ ‘સર્વની માતા’ સિવાય બીજું કશું ન હતાં. મા શારદાદેવી તેમનામાં બીજા કોઈપણ ગુણનું આરોપણ કરવામાં આવે તેની દરકાર કરતાં નહીં અને દરેક વ્યક્તિ તેમને માત્ર ‘માતા’ તરીકે જ ઓળખે એમ ઈચ્છતાં હતાં. અવતાર સદ્ગુણ અને દુર્ગુણને લક્ષમાં લે છે અથવા સ્વીકૃતિ અને અસ્વીકાર કરે છે; પરંતુ આ માપદંડ મા શારદાદેવીના જીવનમાં જોવા મળતો નથી. અવતારોના જીવન સાથે અથવા ધર્મની બીજી મહાન વિભૂતિઓની સાથે એક પ્રકારની ભવ્યતા અને ભપકો જોડાયેલાં હોય છે. પરંતુ આશ્ચર્યજનક રીતે મા શારદાદેવીના જીવનમાં એ જોવા મળતું નથી. (ઐતિહાસિક પરિબળોને કારણે વિવશ થઈને અવતારો જન્મ લે છે, પરંતુ તેમને એવી આવશ્યકતા જણાઈ ન હતી.) પરંતુ મા શારદાદેવી વૈશ્વિક સર્જનાત્મક શક્તિના ઉદ્ગમસ્થાન હતાં. જ્યાં-જ્યાં સર્જન છે, જ્યાં-જ્યાં જન્મ છે, ત્યાં-ત્યાં માતૃત્વ છે. માતૃત્વ પોતેજ આદિ કારણતત્ત્વ છે. તેનાથી આગળ બીજું કોઈ કારણતત્ત્વ નથી. આ દૈવી માતા વિશ્વનું અનાદિ કારણતત્ત્વ છે.

તેમના એક સરળ વિધાનમાં શ્રી શારદાદેવીએ ઈશ્વરના દૈવી માતૃત્વને જાહેર કર્યું: “જો મારું કોઈપણ બાળક ધૂળ અથવા ગંદકીથી ખરડાઈ જાય, તો મારે જાતેજ તેને સાફ કરવું જોઈએ અને મારા ખોળામાં લેવું જોઈએ.”

સદ્ગુણ અને દુર્ગુણ, સારું અને ખરાબ, જ્ઞાન અને અજ્ઞાન, શુદ્ધતા અને અશુદ્ધતા, જિંદગીના આ પરસ્પર વિરોધી વલણોથી તેઓ સંપૂર્ણરીતે પર હતાં – આ પ્રાપ્ત કરવા માટે તેમને કઠોર શિસ્ત પાલનની જરૂર ન હતી કારણ કે તે બધું તેના માટે સ્વાભાવિક હતું. તેઓ પોતેજ બધી વિવિધતાના સર્જનહાર છે! શ્રી શારદાદેવીમાં માતૃત્વશક્તિનું સંપૂર્ણ પ્રગટીકરણ છે. (અવતાર અમુક લોકોનો સ્વીકાર કરે છે અને અમુક લોકોનો અસ્વીકાર કરે છે પરંતુ માતા બધા લોકોનો સ્વીકાર કરે છે – અવતાર જે લોકોનો અસ્વીકાર કરે છે તેનો પણ માતા સ્વીકાર કરે છે. માતા હંમેશા પોતાના બાળકને ખોળામાં લેવા તત્પર હોય છે. માતા પાસેથી કોઈ શિક્ષાના ભયની આવશ્યકતા હોતી નથી, તે માત્ર રક્ષણ આપે છે અને દરેક પ્રત્યે માયાળુ રહે છે).

માતૃશક્તિ શાશ્વત છે અને વૈશ્વિક છે. જન્મ અને જ્ઞાતિની અસમાનતાને કારણે તેની વિશ્વવ્યાપકતામાં કશો ફરક પડતો નથી. એથી ઊલટું, સમકાલીન સામાજિક રિવાજો અને નિયમોની કઠોરતાને હળવી બનાવે છે. માતાના પ્રેમનો પ્રવાહ અલગતાની બધી દિવાલોને તોડી નાખે છે. તેમના ખોળામાં સ્વામી શારદાનંદ અને અમજદ સરખા હતા – બેય પુત્રો. તેમના હાથમાં અને તેમના ચરણે ગોપાલનાં મા અને પાગલ મામી; વિશ્વ વિખ્યાત સ્વામી વિવેકાનંદ અને શરાબી પદ્મવિનોદ, બધાં સરખા છે.

જો કે મા શારદાદેવી બધા લોકો તેમનાં બાળકો હોય તે પ્રમાણે વ્યવહાર કરતાં હતાં, તો પણ તેઓ કોઈ પણ વ્યક્તિની વિશિષ્ટ પ્રકૃતિ અને જીવન પ્રત્યેના પાયાના વલણને અવગણતાં નહીં. રૂઢિચુસ્ત હિંદુ ધર્મની અમુક પ્રણાલિકાઓ અને રિવાજોને શ્રીરામકૃષ્ણ અનુસરતા હતા. શ્રીરામકૃષ્ણની પૂજાવિધિમાં શ્રી શારદાદેવી પણ એ રિવાજોને પાળતા. એક વખતે, જ્યારે તેઓ બળદ ગાડીમાંથી નીચે ઊતરી રહ્યાં હતાં ત્યારે શ્રીરામકૃષ્ણની પૂજા માટે લાવવામાં આવેલી થોડી મીઠાઈ નીચે પડી ગઈ અને તેથી પૂજામાં અર્પણ થઈ શકી નહીં. શ્રી મા બોલ્યાં, “બીજી જ્ઞાતિઓના લોકોના સ્પર્શથી મીઠાઈ અપવિત્ર થઈ ગઈ છે. શ્રીરામકૃષ્ણ આવી વસ્તુઓ ખાઈ શકે નહીં. તેથી તે મીઠાઈઓ નીચે પડી ગઈ તે નુકસાન માટે વ્યથિત થવાની જરૂર નથી.”

મા પોતાનાં બાળકોને કહેતાં: “તમારા મૃત્યુના સમયે હું તમારી પાસે હોઈશ. પરંતુ જો તમારે અત્યારે શાંતિથી જીવવું હોય તો હું જે કહું છું તે પ્રમાણે કરો.” તેઓ પવિત્રતાના મૂર્ત સ્વરૂપ હતાં, તેમનાં બાળકો અંતે તેમની પાસે જાય તે પહેલાં તેઓને મા શારદાદેવી પવિત્ર બનાવવા માટે આતુર હતાં.

સર્વને સમાવિષ્ટ કરતાં, સર્વ પ્રત્યે ક્ષમાશીલ એવા વૈશ્વિક માતૃત્વમાં શ્રીરામકૃષ્ણે પોતેજ મા શારદાદેવીને પ્રસ્થાપિત કર્યાં હતાં. એક વખતે માએ પોતે જ એ વિષે પોતાનો અભિપ્રાય આપ્યો હતો;

“શ્રીરામકૃષ્ણ આ વિશ્વમાં દરેક પ્રત્યે માતાનું વલણ રાખતા હતા. એ જ દૃષ્ટિકોણના પ્રસાર માટે અને તેનું ગૌરવ વધારવા માટે શ્રીરામકૃષ્ણ આ વખતે મને પૃથ્વી પર છોડતા ગયા છે.” શ્રીરામકૃષ્ણ શારદાદેવીને સર્વની માતા ગણતા હતા. અને શું તેથી જ તેઓશ્રીએ તેમની તપસ્યાની છેલ્લી અંજલિ મા શારદાદેવીને અર્પણ કરી હશે!

શ્રીરામકૃષ્ણ અંગત વર્તણૂકમાં પવિત્રતાનો ખૂબજ આગ્રહ રાખતા અને લંપટ લોકોનો સહવાસ સહન કરી શકતા નહીં. એક વખત શ્રીરામકૃષ્ણે એક સ્ત્રીને જોઈ કે જે તેની યુવાનીમાં અનૈતિક જીવન જીવતી હતી અને તે સ્ત્રી ઘણી વખત તે ઓરડામાં જતી હતી કે જ્યાં મા શારદાદેવી રહેતાં હતાં. શ્રી રામકૃષ્ણે મા શારદાદેવીને પૂછ્યું: “તે સ્ત્રી અહીં શા માટે આવે છે? તે લંપટ સ્ત્રી છે. તેની સાથે વાતો શા માટે કરો છો?” શ્રીમાએ માત્ર એટલો જ જવાબ આપ્યો, “તે અત્યારે હવે માત્ર ઈશ્વરની જ વાતો કરે છે. તેમાં ગેરલાભ શું છે?” પહેલાં જેવી રીતે તે સ્ત્રી માને મળવા જતી હતી તેવી જ રીતે આવવા માટે શ્રીમાએ તેને રોકી નહીં. જેણે માના ખોળામાં શરણ લીધું છે તેવા બાળકનો શું મા અસ્વીકાર કરી શકે? શ્રી માના જીવનમાં આવા ઘણા હૃદયસ્પર્શી પ્રસંગો છે.

જ્યારે લોકો શ્રીરામકૃષ્ણ પાસે ફળો, મીઠાઈઓ અને બીજી વસ્તુઓ લાવતા ત્યારે તેઓશ્રી તે વસ્તુઓ મા શારદાદેવી પાસે મોકલી આપતા. મા શારદાદેવી તુરત જ તે વસ્તુઓ સ્ત્રી ભક્તોમાં અને જે વ્યક્તિઓ માની સાથે રહેતી હતી તે વ્યક્તિઓમાં અથવા શ્રીમાને મળવા આવેલ વ્યક્તિઓમાં વહેંચી દેતા. એક દિવસ શ્રીરામકૃષ્ણ માને તેમની આ અતિ ઉદાર ટેવ વિષે સાવચેત કરવા ઈચ્છતા હતા. પરંતુ શ્રીમા ચહેરા ઉપર ગંભીર હાવભાવ સાથે ત્યાંથી જતાં રહ્યાં. ત્યાર પછી શ્રીરામકૃષ્ણ અસ્વસ્થ બન્યા અને શ્રીમાને શાંત પાડવા માટે કોઈ વ્યક્તિને મોકલી. ભક્તો અને કમનસીબ વ્યક્તિઓ પ્રત્યે માનો જે પ્રેમ છે તેમાં શ્રીમા કોઈપણ હસ્તક્ષેપ સહન કરી શકતાં નહીં.

તો શું માએ કોઈને ઠપકો પણ નહોતો આપ્યો કે શિક્ષા પણ નહોતી કરી? અલબત્ત, તેમણે ઠપકો પણ આપ્યો હતો અને શિક્ષા પણ કરી હતી – પરંતુ તે પણ માત્ર જે-તે વ્યક્તિઓનાં વર્તન સુધારવા માટે અથવા જેમણે ભૂલો કરી હતી તેમનાં મનને પવિત્ર કરવા માટે. હરીશની પત્નીએ તેને ઝેર આપ્યું હતું તેથી તેનું મગજ અસ્થિર બની ગયું હતું. તેને કારણે હરીશ ભયજનક રીતે આક્રમક બન્યો હતો. આવા સમયે મૃદુ અને સંકોચશીલ સ્વભાવવાળાં શ્રીશારદાદેવીએ બગલામુખી દેવી માતાનું ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું અને હરીશ સાથે ખૂબજ સખ્તાઈથી કામ લીધું. માએ હરીશને સોટીથી ફટકાર્યો અને તેને કારણે તેનું પાગલપણું ઠીક થયું. ત્યાર પછી તે એક પવિત્ર જગ્યાએ ગયો અને પોતાનો સમય આધ્યાત્મિક સાધનામાં ગાળ્યો. પૂજ્ય શંકરાચાર્યનું એક પ્રખ્યાત સંસ્કૃત સ્તોત્ર છે: “કુપુત્રો જાયેત કવચિદપિ માતા કુમાતા ન ભવિત!” “પુત્ર કુપુત્ર થઈ શકે પરંતુ માતા કુમાતા ન થઈ શકે.” એક માતા ઠપકો આપે અથવા શિક્ષા પણ કરે, પરંતુ પોતાનાં બાળકોને કદી શાપ આપશે નહીં. માતાનો પ્રેમ જ માતાને શિક્ષા કરવાનો અધિકાર આપે છે. બાળકના ભલા માટે જ તેઓ શિક્ષા કરે છે.

એક દિવસ શ્રીરામકૃષ્ણ પોતાની નાની ખાટ ઉપર બેઠા હતા અને શ્રી શારદાદેવી શ્રીરામકૃષ્ણનો ઓરડો વાળીને સાફ કરતા હતા. અચાનક તેમણે વાળવાનું બંધ કર્યું અને પૂછ્યું, “મારો તમારી સાથે સંબંધ શું?” એક પણ ક્ષણ અચકાયા વિના શ્રીરામકૃષ્ણે જવાબ આપ્યો, “તમે મારાં પરમ આનંદમયી દેવી માતા છો.” શ્રી શારદાદેવી શ્રીરામકૃષ્ણ માટે ‘માતા’ બની ચૂક્યાં હતાં! એક પતિ પત્નીને માતા તરીકે જુએ છે! – આ એક લગભગ અકલ્પનીય બાબત છે. એક બીજા પ્રસંગે શ્રીશારદાદેવી શ્રીરામકૃષ્ણના પગને માલીશ કરી રહ્યાં હતાં. તેમણે શ્રી રામકૃષ્ણને પૂછ્યું, “તમે મને કેવી રીતે ગણો છો?” ફરી વખત શ્રી રામકૃષ્ણનો જવાબ તુરત જ સ્પષ્ટ આવ્યો: “માતા કે જે કાલી મંદિરમાં છે, માતા કે જેણે આ શરીરને જન્મ આપ્યો, તે જ માતા મારા પગને માલિશ કરી રહ્યાં છે. ખરેખર હું તમને પરમ આનંદમયી માતાના સાચા સ્વરૂપ તરીકે ગણું છું.”

પરિચિત સર્વનામ તું-નો ઉપયોગ કરીને શ્રીરામકૃષ્ણ કદી પણ શારદાદેવીને સંબોધન કરતા નહીં. પરંતુ વધારે માનનીય શબ્દ ‘તમે’-નો ઉપયોગ કરતા. તેઓનો સંબંધ કદી પણ શારીરિક ભૂમિકા પર આવ્યો ન હતો. શ્રીરામકૃષ્ણ એક પતિ તરીકેની બધી ફરજો બજાવતા હતા અને છતાં તેઓ બંને પવિત્ર જીવન જીવતાં હતાં. શ્રીરામકૃષ્ણે ‘ષોડશી’ પૂજા કરી કે જેમાં તેઓશ્રીએ પોતાની પત્નીને એક દેવી તરીકે ગણ્યાં. એ પૂજા ખરેખર શ્રીશારદાદેવીનું વૈશ્વિક માતાના (Divine Mother of the Universe)- ના સ્વરૂપમાં વિધિપૂર્વકનું રૂપાંતર હતું. તે વિધિની સાથે શ્રીરામકૃષ્ણે તેમને પોતાની સાથે સમાનતાની ભૂમિકાએ મૂકી દીધાં અને એમના દેવીપણાને સુનિશ્ચિત કરી દીધું અને ત્યારથી તેઓ સૌને માટે પરમ આનંદમયી માતા રહ્યાં છે.

(ક્રમશ:)

Total Views: 109

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.