(અનુ. હર્ષદભાઈ પટેલ)
‘મા, સૌ કહે છે કે મારી ઘડિયાળ બરાબર ચાલે છે. ખ્ર્રિસ્તી, બ્રાહ્મસમાજી, હિંદુ, મુસલમાન, બધા કહે છે કે અમારો ધર્મ સાચો. પણ મા, કોઈની ઘડિયાળ બરાબર ચાલતી નથી. તમને બરાબર સંપૂર્ણ રીતે કોણ સમજી શકે! પણ આતુર બનીને તમારું સ્મરણ કર્યે, તમારી કૃપાથી બધે રસ્તે થઈને તમારી પાસે પહોંચી શકાય.’ (કથામૃત : 1.38)
આવી વ્યાકુળતા દ્વારા શ્રીરામકૃષ્ણદેવ વિજ્ઞાન-અવસ્થાએ પહોંચ્યા. શ્રીરામકૃષ્ણદેવ સમજ્યા હતા કે દરેક ધર્મ એક પથ તેમજ વિઘ્નકારક રુકાવટ એમ બન્ને છે. તેઓ પ્રત્યેક નિષ્ઠાવાન સાધકને દૂષણો અને અંધશ્રદ્ધાને તાબે ન થવા તેમજ ધર્મના હાર્દસ્વરૂપ સત્ય પ્રતિ ધપ્યે જવા પ્રોત્સાહન આપતા. તેઓએ આ જવાબ આપ્યો હતો :
હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી એ બધાય જુદા જુદા માર્ગો દ્વારા એક જગાએ જ જાય છે. પોતપોતાનો ભાવ સાચવીને અંતરથી ઈશ્વરને સમર્યે ભગવત્પ્રાપ્તિ થાય. (કથામૃત : 1.734)
શ્રીરામકૃષ્ણદેવે દરેકના આદર્શ કે ભાવને અખંડ રાખ્યા. તેમણે વૈષ્ણવ હિન્દુને તેનો મનોભાવ પકડી રાખવા કહ્યું અને મુસલમાનને તેનો. આમ તેઓએ ‘સત્ય એક જ છે, ઋષિઓ તેને જુદી જુદી રીતે કહે છે’ એ વૈદિક ઘોષણાને પુન: પ્રમાણિત કરી બતાવી. જો કે સત્ય તો એક અને સમાન છે પણ નામ અને રૂપ મારફતે જુદાં જુદાં ભાસે છે. ‘વિજ્ઞાની’ની પરિપકવ આધ્યાત્મિક અનુભૂતિ આ સત્યના સાક્ષાત્કારની ખાતરી આપે છે. સાચા ‘વિજ્ઞાની’ તરીકે શ્રીરામકૃષ્ણદેવ પોતાના દર્શનાત્મક વિચારો, માન્યતાઓ અને પ્રતીતિઓને દૂર રાખી શક્યા અને તેમના મુસલમાન પાડોશીનું જીવન તેમજ માન્યતાઓ અપનાવી શક્યા. આમ તેઓએ પ્રેમસભર આંતર-ધર્મ સંબંધોનો માર્ગ કંડાર્યો.
શ્રીરામકૃષ્ણદેવે શીખવેલો અને અનુભવેલો ‘વિજ્ઞાન’નો સિદ્ધાંત અદ્વૈત અને દ્વૈત એવા અસ્તિત્વના બે ધ્રુવોનો સમન્વય કરે છે. તેના મારફત કેવળ આધ્યાત્મિક સ્તરે જ નહિ પણ અસ્તિત્વના દાયરામાં તેઓએ એ પૂરવાર કર્યું કે ધર્મો એ માર્ગો છે કે જે એક જ ધ્યેય પ્રતિ દોરી જાય છે. હિન્દુ-મુસલમાન વચ્ચેના સતત વધતા જતા કોમવાદી સંઘર્ષ બાબતે આ મુદ્દો આધ્યાત્મિક વ્યવહારુ અને માનવીય ઉકેલ આપે છે. ‘વિજ્ઞાન’ના આ સિદ્ધાંતમાં શ્રીરામકૃષ્ણદેવના જ્યોતિર્ધર અને ભાષ્યકાર સ્વામી વિવેકાનંદે ગહન સામાજિક મહત્ત્વ નિહાળ્યું. સરફરાજ હુસેનને તારીખ 10 જૂન, 1898માં લખેલા પત્રમાં સ્વામી વિવેકાનંદે જણાવ્યું હતું કે :
‘આત્મવત્ સર્વભૂતેષુ’માં માનવાનો અને આચરવાનો વ્યાવહારિક અદ્વૈતવાદ હિંદુઓમાં વિશ્વવ્યાપક રીતે વિકસવાનો હજી બાકી છે.
બીજી બાજુએ, મારો અનુભવ એવો છે કે જે સમાનતાના સિદ્ધાંતને હિંદુઓ એક નિયમ તરીકે સાવ સ્પષ્ટતાથી સમજે છે, તેના ઊંડા અર્થથી ભલે સામાન્ય રીતે તદ્દન અજાણ હોે, તો પણ આ સમાનતાને વ્યાવહારિક રોજિંદા જીવનમાં વર્તનમાં ઉતારવાની ભૂમિકાએ જો કોઈપણ ધર્મના અનુયાયીઓ વખાણવા યોગ્ય હદે કદીયે પહોંચી શક્યા હોય તો તે કેવળ ઇસ્લામના અને ઇસ્લામના જ છે.
તેથી મારો દૃઢ મત છે કે વેદાંતના સિદ્ધાંતો ગમે તેવા સુંદર અને અદ્ભુત હોય તો પણ વ્યાવહારિક ઇસ્લામ ધર્મની સહાય વિના, વિશાળ માનવજાત માટે તે તદ્દન મૂલ્યહીન છે. જ્યાં વેદો નથી, બાઇબલો નથી કે કુરાન નથી તેવા સૌથી પર એવા સ્થાને અમારે માનવજાતને દોરી જવી છે; અને છતાં વેદો, બાઇબલ અને કુરાન વચ્ચે સંવાદિતા સાધીને જ આ સિદ્ધ કરવાનું છે. માનવજાતને એ શીખવવું જોઈએ કે જુદા જુદા ધર્મો એ એક મહાધર્મ – અદ્વૈતનાં માત્ર વિવિધ સ્વરૂપો છે; જેથી જેને જે માર્ગ સૌથી અનુકૂળ લાગે તે તે અપનાવે.
આપણી માતૃભૂમિને માટે તો એક જ આશા છે: હિંદુ ધર્મ અને ઇસ્લામ ધર્મ જેવા બે મહાન ધર્મોનો સંગમ – વેદાંતી બુદ્ધિ અને ઇસ્લામી શરીર.
(સ્વા.વિ.ગ્રંથમાળા : 7.262)
શ્રીરામકૃષ્ણદેવનો અભિગમ હિન્દુ ધર્મ અને ઇસ્લામને એક જ ધર્મમાં સંયોજિત કરવાનો ન હતો; અને વળી જેમ આક્ષેપ કરાય છે તેમ હિન્દુધર્મના પુનરુદ્ધાર માટે પણ તેઓની મથામણ ન હતી. તેઓ દરેક ઐતિહાસિક ધર્મ પાછળની આધ્યાત્મિકતાને પુનર્જીવન બક્ષવા માગતા હતા અને તે પણ મનુષ્યના મોક્ષ માટે જ નહીં, પણ તેના સર્વતોમુખી વિકાસ માટે.
ધર્મઝનૂની ધર્મોની વિઘાતક અસર અંગે સ્વામી વિવેકાનંદે લખ્યું હતું :
‘મારા ગુરુદેવ કહેતા કે આ હિંદુ, ખ્રિસ્તી વગેરે બધાં નામો માણસ માણસ વચ્ચેના ભ્રાતૃભાવની આડે આવતી વાડ સમાન છે. પહેલાં આપણે તેને તોડી પાડવાં જોઈએ. તેમની બધી સારી શક્તિ નાશ પામી ગઈ છે અને હવે માત્ર વિઘાતક અસરરૂપે રહી ગયાં છે. તેમની ભૂરકી નીચે સારામાં સારા માણસો પણ રાક્ષસની પેઠે વર્તે છે. વારુ, આપણે સખત શ્રમ કરીને વિજયી થવું જ જોઈએ.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : 6.406)
કાયમી ઉકેલ માટે ઐતિહાસિક ધર્મો પછવાડેની આધ્યાત્મિકતા પર ભાર મુકાવો જોઈએ. વિવિધ ધર્મ-સંપ્રદાયોના અનુયાયીઓ વચ્ચે વધુ સારા સંબંધો સ્થપાય તેની જરૂર છે.
Your Content Goes Here




