(અનુ. હર્ષદભાઈ પટેલ)
ખરું જોતાં, શ્રીરામકૃષ્ણદેવ બધા લોકો સાથે જ્ઞાતિ, સંપ્રદાય કે વ્યક્તિના જીવનની સ્થિતિની ગણના કર્યા સિવાય ભળતા અને જાણે કે તેઓ પોતાના જ હોય તેમ વર્તાવ કરતા. બ્રાહ્મભક્તોને તેમણે જે કહ્યું તેમાં તેઓનું મનોવલણ સ્પષ્ટપણે છતું થાય છે:
‘જ્યારે બહારના લોકો સાથે ભળો ત્યારે સૌના ઉપર પ્રેમ રાખવો, ભળીને જાણે એક થઈ જવું, દ્વેષભાવ રાખવો નહિ. અમુક માણસ સાકારમાં માને છે, નિરાકાર માનતો નથી; અમુક નિરાકારમાં માને છે, સાકારમાં માનતો નથી; અમુક હિંદુ, અમુક મુસલમાન, પેલો ખ્રિસ્તી, એમ કહીને નાક ચડાવીને ઘૃણા કરવી નહિ. પ્રભુએ જેમને જેમ સમજાવ્યું છે તેમ તે સમજે છે. સૌની જુદી જુદી પ્રકૃતિ જાણવી. જાણીને તેમની સાથે હળવું મળવું બને તેટલું, અને પ્રેમ રાખવો. ત્યાર પછી પોતાના ઓરડામાં જઈને શાંતિ, આનંદનો ઉપભોગ કરવો. ‘જ્ઞાનદીપ પ્રગટાવી બ્રહ્મમયીનું મુખ દેખોને.’ પોતાના ઓરડામાં સ્વસ્વરૂપને જોઈ શકશો.’
ગોવાળો જ્યારે ગાયોને ચરાવવા લઈ જાય ત્યારે ગાયો બધીને અલગ અલગ એકઠી કરતો જાય. પછી ગોચરમાં એ બધી એક થઈ જાય, ને એક ધણની ગાયો કહેવાય. પણ ધણ જ્યારે સંધ્યાકાળે પાછું આવે, ત્યારે ફરીથી અલગ અલગ થઈ જાય. પોતાને ઘેર પોતામાં પોતે રહે. (કથામૃત : 1.784-85)
આ મહત્ત્વપૂર્ણ વિધાન અન્ય ધર્મના લોકો સાથેના શ્રીરામકૃષ્ણદેવના સંબંધોને જ પ્રગટ કરતું નથી. પણ તે એ પણ બતાવે છે કે કોઈ વ્યક્તિ પોતાની આધ્યાત્મિક સાધનાને ક્ષતિ પહોંચાડ્યા સિવાય કેવી રીતે ધાર્મિક સંવાદિતાનું આચરણ કરી શકે છે. ભારતમાંથી હિન્દુ-મુસલમાન વચ્ચેના સંબંધોને સમયે સમયે વિષમય બનાવી મૂકતાં ગેરસમજ, કુસંપ અને હિંસા કેવળ શ્રીરામકૃષ્ણદેવની શિખામણનું નિષ્ઠાપૂર્વક આચરણ કરીને નિર્મૂળ કરી શકાશે.
હિન્દુ-મુસલમાન વચ્ચેના સંબંધના પ્રશ્ન અંગે શ્રીરામકૃષ્ણદેવનો પોતાનો મત હતો. જેમ કેટલાક શુભ ઇરાદાવાળા ઉદારમતવાદીઓ કરે છે તેમ તેઓએ સમસ્યાને સામાન્ય નથી ગણી. સમસ્યાને સર્વથા વાસ્તવિક ગણાવીને તેઓએ કહ્યું હતું :
‘હિન્દુ અને મુસલમાનોની વચમાં જાણે કે એક પહાડ અંતરાય નાખીને પડેલો છે. આટલા કાળ સુધી સાથે રહ્યા પછી પણ પરસ્પરની વિચારપ્રણાલી, ધાર્મિક શ્રદ્ધા અને કાર્યો સમજવાનું એકબીજાને માટે સાવ મુશ્કેલ જ બની રહેલું છે.’ (લીલાપ્રસંગ : 1.392)
સ્વામી સારદાનંદ વિચારે છે કે શ્રીરામકૃષ્ણદેવની ઇસ્લામ સાધનાએ બે વિરોધી ધર્મોને એકબીજાને નિકટ આવવાનો માર્ગ ખુલ્લો કર્યો છે. પરંતુ કેવી રીતે જલદીથી તેમ થાય? શ્રીરામકૃષ્ણદેવનો આ અંગેનો ઉત્તર મેળવવા આપણે એક પ્રસંગની નોંધ લઈએ. એક વખત શશી (પાછળથી શ્રીરામકૃષ્ણાનંદ) કદાચ બે ધર્મો વચ્ચેની સુસંગતતાની કડી મેળવવા માટે ઇસ્લામનાં શાસ્ત્રોનું અધ્યયન કરી રહ્યા હતા. શ્રીરામકૃષ્ણદેવે એક દિવસ તેમને કહ્યું, ‘બે વચ્ચે સંવાદિતા લાવવામાં સમય લાગશે કારણ કે બન્ને વચ્ચે પર્વત જેટલો તફાવત છે. છતાં પણ ભવિષ્યમાં તેવું થશે.’ (ઠાકુર શ્રીરામકૃષ્ણ પૃ : 1.144)
ધર્મોની વિવિધતાનું ધર્મસંકટ ગંભીર પ્રકારનું છે કે જે સૈદ્ધાંતિક અવધારણાઓ કે શાસ્ત્રોપદેશના સંદર્ભો દ્વારા નિર્ણિત કરી શકાશે નહીં. શ્રીરામકૃષ્ણદેવે વિશ્વાસ, આત્મસંસ્કાર અને સાધનાની સીમાઓનું અતિક્રમણ કર્યું હતું અને પ્રશ્નનું કેન્દ્રબિંદુ પકડીને ઉકેલ મેળવ્યો હતો.
અંગત અનુભૂતિના આધારે તેઓએ દલીલ કરી હતી: ‘હું લોકોને ધર્મ અંગે વાતો કરતા અને એકબીજા સાથે સતત ઝઘડતા જોઉં છું. હિન્દુઓ, મુસલમાનો, બ્રાહ્મસમાજીઓ, વૈષ્ણવો, શૈવો બધા એકબીજા સાથે ઝઘડે છે. તેઓને એ પણ સમજવાની બુદ્ધિ નથી કે જે કૃષ્ણ કહેવાય છે તે શિવ અને આદ્યશક્તિ પણ છે તેમજ વળી પાછા જે ઈસુ અને અલ્લાહ કહેવાય છે તે પણ છે. રામ એક જ છે. તેનાં હજાર નામો છે.’
જો કે બ્રહ્મા, વિષ્ણુ અને અલ્લાહ વગેરે નામ દેખીતી રીતે ખ્યાલાત્મક દૃષ્ટિકોણથી જુદાં જુદાં જણાય છે, પરંતુ શ્રીરામકૃષ્ણદેવે આવા ખ્યાલો અને વિચાર – સ્વરૂપોની મર્યાદાઓને ઓળંગી દીધી હતી અને ઈશ્વરની તેના સાચા સ્વરૂપમાં અનુભૂતિ કરી હતી. અનુભૂતિનું સ્વરૂપ દ્વૈત કે અદ્વૈત, ગમે તે પ્રકારનું હોય પણ તે લોકો માટે બે પ્રકારની આસ્થાઓનું નક્કર મિલનબિંદુ છે. ધર્મોના ઐક્યભાવ કરતાંય ઈશ્વરીયરૂપોની એકતા અને ઈશ્વરત્વ અંગેના અભિગમો પ્રત્યેનો શ્રીરામકૃષ્ણદેવનો હિતસંબંધ અતિક્રમણકારી હતો.
પરંતુ સ્વામી સારદાનંદના મતે અદ્વૈત વેદાંતના બ્રહ્મસાક્ષાત્કારની પરાકાષ્ઠામાં પરિણમતી શ્રીરામકૃષ્ણદેવની અનુભૂતિનાં ત્રણ પાસાંએ એ હકીકત પ્રદર્શિત કરી હતી કે અદ્વૈતના સ્તરે હિંદુ-મુસલમાનનું સુખપૂર્વક ઐક્ય સાધી શકાય છે. પણ શું તે શક્ય બનશે?
તાર્કિકતાપૂર્વક એવી દલીલ કરાય કે શ્રીરામકૃષ્ણદેવે ખરેખર મુસ્લિમ બનવા માટે વિશિષ્ટ સામાજિક શરતોની પૂર્તિ કરી ન હતી. પણ ધર્મના ધીર અભ્યાસુ શ્રીરામકૃષ્ણદેવના ઇસ્લામ સંબંધે ઈશ્વરીય એકતાના ગહન મહત્ત્વને નોંધવાનું નહીં ચૂકે. સંત-સાધકોનાં વૃત્તાંતોના ઇતિહાસમાં આ અજોડ છે એટલું જ નહીં, પણ તે ધાર્મિક વૈવિધ્યની દ્વિધાના ઉકેલને આમંત્રે છે.
એ પણ નોંધનીય છે કે શ્રીરામકૃષ્ણદેવના સાહસપૂર્ણ પ્રયોગને ઇસ્લામના વિદ્વાનોની પણ કદરદાની મળી છે. મહંમદ દાઉદ રાહબાર સજન જેવા એક વિદ્વાન લખે છે, ‘શ્રીરામકૃષ્ણદેવના બૌદ્ધવાદી-ઇસ્લામી-ખ્રિસ્તી જીવન સાથેના ગાઢ પરિચયની તરકીબને હું અંજલિ આપું છું. તેઓએ પોતાની ઇચ્છાઓ અને પ્રસ્તાવોને દર્શનો દ્વારા સમૃદ્ધ અને વિશાળ બનાવવાના અન્ય શક્ય માર્ગો મારફત પ્રદર્શિત કર્યાં છે. તેઓ નિશ્ર્ચિત રહસ્યવાદી પથે વિચર્યા છે. તે પ્રમાણભૂત, રસપ્રદ અને અર્થસભર છે કારણ કે તેનો ઉદ્દેશ વિશુદ્ધ હતો. (ગૉડ ફોર ઓલ :
પૃ : 197)
શ્રીરામકૃષ્ણદેવનો ઇસ્લામ સાથેનો સંપર્ક માત્ર ત્રણ દિવસ પૂરતો જ મર્યાદિત ન હતો. તેઓના શરૂના દિવસોમાંના ઇસ્લામી પરંપરા સાથેના પ્રસંગોપાત્તના સંપર્ક ઉપરાંત ઇસ્લામ સાધનાની અનુભૂતિએ તેમના જીવન તેમજ ઉપદેશોમાં સ્થાયી પ્રભાવ પાડ્યો હતો.
શ્રીરામકૃષ્ણદેવની હિન્દુ, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મની સાધનાની અનુભૂતિઓ ભિન્ન ભિન્ન ધાર્મિક માન્યતાઓ તેમજ સાધના સાથે સંબંધ ધરાવતાં સ્ત્રી-પુરુષો માટે એક 5દ્ધતિ અને આદર્શ સૂચવે છે. શ્રીરામકૃષ્ણદેવે અનુભૂતિ દ્વારા ભાળ મેળવી બતાવી કે વિવિધ ધર્મો ચિરંતન શાંતિ-પ્રાપ્તિ સ્વરૂપ એક સમાન ધ્યેય તરફ દોરી જતા માર્ગો છે. તેઓએ કહ્યું, ‘બધા લોકો એક જ સત્યને શોધે છે; પરિસ્થિતિ, માનસિકતા અને નામોને કારણે ભિન્નતા છે. ઐતિહાસિક સંજોગો વિભિન્ન ધર્મોના વિકાસ અને તેઓમાં રહેલાં અનિષ્ટો અને અંધશ્રદ્ધાના ભરાવા તરફ પણ દોરી ગયાં. (ક્રમશ:)
Your Content Goes Here




