સર્વદા જગન્નમાતાના પ્રેમમાં તરબોળ શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્યદર્શનની એક બીજી પ્રાસંગિક ઘટનાનો અહીં ઉલ્લેખ કરવો યોગ્ય છે.
જાન્યુઆરી, 1883ની તેમની અનુભૂતિ તેમણે આ પ્રમાણે વર્ણવી હતી : પરમાત્મા એકલા નિરાકાર જ નથી, એ સાકાર પણ છે. એમના રૂપનાં દર્શન થઈ શકે. ભાવ, ભક્તિ વડે એમના એ અવર્ણનીય રૂપનાં દર્શન થઈ શકે. મા ભગવતી વિવિધરૂપે દર્શન દે….
‘બીજે એક દિવસે મુસલમાનની છોકરીનું રૂપ લઈને મારી પાસે આવ્યાં હતાં. કપાળે તિલક, પરંતુ દિગંબર. મા છ સાત વરસની છોકરીરૂપે મારી સાથે સાથે ફરવા લાગી અને અટકચાળાં કરવા લાગી.’ (કથામૃત : 1.155)
દક્ષિણેશ્ર્વર મંદિરના સ્ટોરકીપર પીતાંબરદાસના પુત્ર શશિભૂષણ સામંતના સંસ્મરણ દ્વારા આપણને એક બીજો રસપ્રદ પ્રસંગ જાણવા મળે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે રાણી રાસમણિ મંદિરના બાંધકામની દેખરેખ રાખવા કુઠિબારી (બંગલા)માં રહેતાં હતાં, ત્યારે એક રાત્રે તેમણે સ્વપ્નમાં બાબા ગાઝીપુરને જોયા. તે પીરે કહ્યું, ‘હું ગાઝી તળાવના અગ્નિખૂણાને કાંઠે પીપળાની છાયા હેઠળ નિવાસ કરું છું. મારો હિન્દુ તેમજ મુસલમાન બંને દ્વારા સમાનભાવે આદર થાય છે. મારું નિવાસસ્થાન ઈંટથી ચણો અને મને દરરોજ સિન્ની (એક પ્રકારની મીઠાઈ) ધરાવવાની તથા સાંજના સમયે દીપક પ્રકટાવવાની વ્યવસ્થા કરો. મારા તમને આશિષ મળશે.’ રાસમણિએ આ આજ્ઞાનું પાલન કર્યું અને આ હેતુસર મુસલમાનની નિમણૂક કરી. કિશોરવયના હતા ત્યારે શશિભૂષણે શ્રીરામકૃષ્ણદેવને દરરોજ સવારમાં અને પ્રસંગોપાત્ત બપોર પછી ગાઝીપીરના સ્થળની મુલાકાત લેતા તેમજ પ્રણામ આદિ કરતા જોયા હતા. તેઓ ગાઝીપીરને સિન્ની પણ ધરાવતા. (શશિભૂષણ સામંત : દક્ષિણેશ્ર્વર મહાતીર્થે શ્રીરામકૃષ્ણદેવેર લીલાતત્ત્વ (બંગાળી) ખંડ 1 પૃ : 4-5, બંગાબ્દ : 1345.) સ્થાનિક પ્રણાલિકા મુજબ ગાઝીપીર ‘આલમ ગાઝીપીર’ તરીકે ઓળખાય છે.
શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં ઇસ્લામ સાધનાના ચિરસ્થાયી પ્રભાવના પ્રમાણ સ્વરૂપે તેમના કેટલાક મુસલમાન ભક્તો તેમજ પ્રશંસકોનો આપણે ઉલ્લેખ કરી શકીએ. શશિભૂષણ સામંત તે પૈકીના કેટલાકનાં નામ જણાવે છે. તેમનાં નામ છે : શેખ અબ્દુલ શોભીન, શેખ બરકતુલ્લા, શેખ નામદાર, શેખ કામદાર, શેખ માચમ મોલ્લાહ, શેખ ખાતિર મિસ્ત્રી અને શેખ મનીરાદ્દી. આમાંના મોટા ભાગના મોલાપરામાં કે તેની આસપાસ રહેતા હતા. આ ઉપરાંત દીર્ઘકાળ સુધી સહચારી સેવકરૂપે રહેલા શ્રીરામકૃષ્ણદેવના ભત્રીજા રામલાલ ઉસ્તાગર નામના એક વૃદ્ધ મુસ્લિમ ફકીરનો ઉલ્લેખ કરે છે. તેઓ દક્ષિણેશ્ર્વરના કાલી મંદિરની ઉત્તર દિશાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે રહેતા હતા. તેઓ શ્રીરામકૃષ્ણદેવની અવારનવાર મુલાકાત લેતા રહેતા હતા. તે બંને શ્રીરામકૃષ્ણદેવના ઓરડાની ઉત્તર બાજુના વરંડામાં બેસતા અને ઇસ્લામ અંગે વાર્તાલાપ કરતા. શ્રીરામકૃષ્ણદેવનાં હૃદયસ્પર્શી વચનો સાંભળીને કેટલીકવાર એ ફકીર હર્ષનાં આંસુ વહાવતા. આવી દરેક મુલાકાત વખતે શ્રીરામકૃષ્ણદેવ તેમને ખાવાનું આપતા. ફકીર તેનો વિનમ્રપણે સ્વીકાર કરતા અને તેમના નિવાસે પાછા જતા.
સન 1895માં પ્રકાશિત પુસ્તક ‘શ્રીરામકૃષ્ણદેવ પ્રદર્શિત વિશ્વજનીન ધર્મ’નો અનામી લેખ આવો જ રસપ્રદ કિસ્સો નોંધે છે : શ્રીરામકૃષ્ણદેવની અમારા નિવાસસ્થાનની મુલાકાત વખતે ડૉ. મહેન્દ્રલાલ સરકારના પુત્ર અમૃતલાલ સરકાર શ્રીરામકૃષ્ણદેવને મળવા માટે એક મુસલમાન ડોકટરને લઈ આવ્યા. શ્રીરામકૃષ્ણદેવને થોડો સમય તપાસ્યા બાદ ડોક્ટર અત્યંત દ્રવિત થઈ ઊઠ્યા. જો કે તેઓએ શ્રીરામકૃષ્ણદેવનાં ચરણનો સ્પર્શ કર્યો ન હતો. છતાં ચોકમાં ચાલી રહેલા સંગીતના તાલે બીજા લોકોની સાથે તેમના બેઉ હાથ ઊંચા કરીને તેઓ જુસ્સાપૂર્વક નાચવા લાગ્યા. બાદમાં તેઓએ પ્રસાદ ગ્રહણ કર્યો અને આવા પ્રકારના અનુભવની તક બદલ અમૃતલાલનો હૃદયપૂર્વક આભાર માન્યો. (વિવેકાનંદ આશ્રમ, કાસુન્ડિયા, હાવરા-4માં આ પુસ્તક જોવા મળ્યું હતું.)
શ્રીરામચંદ્ર દત્તની વિનંતીને માન આપીને ખુલના (હાલ બંગ્લાદેશ)ના ડૉ. અબ્દુલ વઝીઝ એક દિવસ સવારે તેમના મિત્ર અબ્બાસ અલી, ડેપ્યુટી મેજીસ્ટ્રેટ સાથે શ્રીરામકૃષ્ણદેવને મળવા દક્ષિણેશ્ર્વર ગયા હતા. આ મુલાકાતે ડૉ. વઝીઝના જીવનમાં પરિવર્તન કર્યું અને તેઓ શ્રીરામકૃષ્ણદેવના સંનિષ્ઠ પ્રશંસક બન્યા હતા. (જ્ઞાનેન્દ્રનાથ વિશ્વાસ : યોગોદ્યાન માહાત્મ્ય (બંગાળી) 1.63-72)
બેલુર મઠના વયસ્ક ભક્ત શ્રીકુમુદબંધુ સેન કે જેઓ શ્રીરામકૃષ્ણદેવના બધા જ સંન્યાસી શિષ્યો સાથે સુપરિચિત હતા તેમણે બીજો પ્રસંગ વર્ણવ્યો છે, જે શ્રીરામકૃષ્ણદેવનો મુસલમાનો પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરે છે : એક સાંજે હું બેલુર મઠમાં બસ દ્વારા પાછો વળી રહ્યો હતો. બસમાં મારી બાજુમાં બેઠેલ સજ્જન વ્યક્તિ મારી તરફ વળી અને મને પૂછ્યું, ‘ભાઈ, તમે બેલુર મઠમાં છો?’ મેં કહ્યું, ‘હા, કેમ? તમે મને કંઈક કહેવા માગો છો?’ તેમણે કહેવાનું શરૂ કર્યું, ‘મારા બાળપણમાં મને મારા પિતા કે જેઓ થોડાં વર્ષો પૂર્વે મૃત્યુ પામ્યા છે તેમની પાસેથી ખરેખર રહસ્યમય એવો શ્રીરામકૃષ્ણદેવ અંગેનો એક પ્રસંગ જાણવા મળ્યો હતો. તમે જાણો છો કે અમે મુસલમાનો છીએ અને અમારું નિવાસસ્થાન કામારપુકુરથી દૂર ન હતું. કોલકાતાના ચાંદની વિસ્તારમાં અમારે નાની એવી દુકાન છે. મેં મારા પિતા પાસેથી જે સાંભળ્યું હતું તે હવે વર્ણવું છું. આર્થિક દૃષ્ટિએ અમે મધ્યમવર્ગના છીએ. અમારે ઘાસના છાપરાવાળું મકાન હતું અને તેની બાજુમાં ઘાસ-અનાજના સંગ્રહ માટે કોઠારિયું હતું. પરંતુ અનિષ્ટકારી દુર્ભાગ્યવશ અમારું મકાન અને કોઠારિયામાં દર વર્ષે આગ લાગતી હતી. આવું એક-બે વખત નહીં, પણ ઘણી બધી વખત બન્યું હતું અને તે અંગે અમે અત્યંત ચિંતિત થઈ ગયા હતા. એક દિવસ જ્યારે હું મારા એક બ્રાહ્મણ મિત્ર સમક્ષ આ દુ:ખદ સ્થિતિનું વર્ણન કરી રહ્યો હતો ત્યારે અમે શ્રીરામકૃષ્ણદેવને ઈશ્વરનાં ગુણગાન ગાતા અને નાચતા સરઘસાકારમાં ગામના માર્ગો પરથી પસાર થતા જોયા. શ્રીરામકૃષ્ણદેવનો ઉલ્લેખ કરીને મારા મિત્રે મને કહ્યું, ‘પેલા મહાત્માનું શરણ લે. તે તારી બધી વિચિત્ર અવદશામાંથી તને મુક્ત કરશે.’ હું શ્રીરામકૃષ્ણદેવની નિકટ પહોંચ્યો અને અતિ વિનમ્રભાવે નમસ્કારાદિ કર્યાં. પછી તેઓએ દયાપૂર્વક મને પૂછ્યું, ‘મારા બાળ, શી બાબત છે?’ મેં પ્રત્યુત્તર આપ્યો, ‘મહાશય, અમે મધ્યમ વર્ગના માણસો છીએ અને ઘણા બધા ગૃહસભ્યોનો ખર્ચબોજ છે. પણ દુર્ભાગ્યે અમારું મકાન અને કોઠારિયું નિશ્ર્ચિતપણે દર વર્ષે આગમાં હોમાઈ જાય છે અને અમે મુફલિસ બની જઈએ છીએ. હું તમારે શરણે આવ્યો છું. મહેરબાની કરીને કંઈક માર્ગ બતાવો.’ મારું ઘર ક્યાં આવ્યું તે અંગે શ્રીરામકૃષ્ણદેવે પૃચ્છા કરી. દૂરથી તે સ્થળ બતાવીને મેં કહ્યું, ‘કૃપયા જુઓ, હજુય ત્યાં રાખનો ઢગલો છે.’ ત્યાર પછી શ્રીરામકૃષ્ણદેવે તેમની સાથેના સહયોગીઓને થોભવા કહ્યું અને તેઓ જાતે મારી સાથે તે સ્થળ તરફ આગળ વધ્યા. માંડ ત્યાં પહોંચ્યા હોઈશું કે તેઓએ મને જુજુબેઝ (એક જાતનું ફળ) લાવવાનું કહ્યું. તે ફળ હાથમાં લઈને શ્રીરામકૃષ્ણદેવે મને પગે ચાલીને તે સમગ્ર વિસ્તારની પરિક્રમા કરવાનું કહ્યું. તે મુજબ મેં આરંભ કર્યો અને શ્રીરામકૃષ્ણદેવે તેમના હાથમાં તે ફળ રાખીને મને અનુસરવા માંડ્યું. તેઓ લગભગ ન સાંભળી શકાય તેવા સ્વરમાં કંઈક ગણગણતા હતા અને વચ્ચે વચ્ચે તે ફળ ફેંકતા હતા. સમગ્ર વિસ્તારની પરિક્રમા પૂરી કરીને હું અટક્યો. શ્રીરામકૃષ્ણદેવે મેં પરિક્રમા પૂરી કરી કે નહીં તે બાબતે પૂછ્યું. મેં હકારમાં જવાબ આપ્યો. તેઓ મને છોડીને તેમની ટોળીમાં પાછા જતા રહ્યા. ત્યાર બાદ અમારા ઘર કે કોઠારિયામાં કદાપિ આગ લાગી નથી અને અમે તે બાબતે શ્રીરામકૃષ્ણદેવના અત્યંત કૃતજ્ઞ છીએ.’ (ક્રમશ:)
Your Content Goes Here




