(અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ)
શુક્રવાર, ૭ સપ્ટેમ્બર ૧૮૮૩ના રોજ, પોતાની પહેલાંની આધ્યાત્મિક અનુભૂતિઓનાં સંસ્મરણો વાગોળતા શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના પોતાના ઓરડામાં ભક્તો સાથે બેઠા હતા. તેઓએ કહ્યું, “એક દિવસે જોયું તો એક ચૈતન્ય-અભેદ. પ્રથમ દેખાડ્યું કે અનેક માણસો, જીવ-જંતુ બધાં રહ્યાં છે, તેની અંદર કાલીવાડીના માલિકો પણ છે, અંગ્રેજ, મુસલમાન, હું પોતે, ભંગી, કૂતરાં સુદ્ધાં, તેમજ એક દાઢીવાળો મુસલમાન, તેના હાથમાં એક માટીની હાંડલી અને તેમાં રાંધેલો ભાત. એ હાંડલીમાંથી ભાત લઈને તે સૌ કોઈના મોઢામાં જરા જરા દઈ ગયો. મેં પણ જરાક ચાખ્યો.’ (કથામૃત-૧.૩૦૫)
શ્રીરામકૃષ્ણદેવે તે જ અનુભૂતિનું વર્ણન ૧૨ એપ્રિલ, ૧૮૮૫ના દિવસે નીચે મુજબ ફરીથી કર્યું હતું, “સરગવો ને તુલસી (પાન) એક સરખાં લાગતાં. ભેદબુદ્ધિ દૂર કરી દીધી. વડ નીચે ધ્યાન કરું છું, ત્યાં જોયું તો એક દાઢીવાળો મુસલમાન પુરુષ (મહમદ પેગંબર) એક થાળીમાં ભાત લઈને સામો આવ્યો. એ થાળીમાંથી મુસલમાનોને ખવડાવીને મનેય થોડુંક આપી ગયો. માએ દેખાડ્યું કે સત્ય એક જ; બે નહિ ! સચ્ચિદાનંદ જ વિવિધ રૂપ ધારણ કરીને રહેલો છે; એ જ જીવ, જગત બધું થઈ રહ્યો છે. એ જ અન્ન થઈ રહ્યો છે.’ (કથામૃત : ૨.૭૯)
શ્રીરામકૃષ્ણદેવને ઈસ્લામ-સાધના દરમિયાન થયેલી આ અનુભૂતિ ધર્મના ઇતિહાસમાં અજોડ ઘટના છે. વિશેષપણે તેણે સામાજિક કક્ષાએ સર્વગ્રાહી ભ્રાતૃભાવ અને ધર્મોની સર્વતોમુખી સંવાદિતા માટે નૂતન અંતર્દૃષ્ટિ ખોલી છે.
રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા અને ઊછર્યા હોવા છતાં શ્રીરામકૃષ્ણદેવે બધા ધર્મોની સાધના કરી હતી. વિભિન્ન ધર્મપ્રણાલીઓમાંના સર્વોચ્ચ પરમ સત્યની અનુભૂતિ કરવાની ઇચ્છા તેઓને ઈસ્લામ, ખ્રિસ્તી અને અન્યની આધ્યાત્મિક સાધના કરવા તરફ દોરી ગઈ. તેઓએ માત્ર ઉપાસના અને ધ્યાનની પદ્ધતિઓ જ ન આચરી, પણ તેઓની રહેણી-કરણી અનુસરી, તેઓનાં મનોવલણ ધારણ કર્યાં, તેઓના ચિંતનાત્મક વિચારોનું મનન કર્યું અને તેઓ દ્વારા પુષ્ટિ પામેલાં પરમસત્યોની અનુભૂતિ કરી. આમ તેઓએ અનુભૂતિ દ્વારા સાબિત કર્યું કે જગતના વિભિન્ન ધર્મો એક જ અંતિમ પરમ સત્તા તરફ દોરી જતા વિભિન્ન માર્ગાે છે. તેઓ ન તો હતા પૃથક્કરણકર્તા, ન તો હતા વિભિન્ન સ્રોતોમાંથી મુક્તપણે સિદ્ધાંતોના માત્ર ચયનકર્તા, પણ તેઓ હતા સાર્વત્રિકપણે સુદૃઢ અને સર્વમાન્ય સિદ્ધાંતોના આધારે વિશ્વના ધર્મોનું, તેઓની પ્રત્યેક પરંપરાનાં અજોડ મૂલ્યો ને રીતરિવાજોની અવગણના કર્યા વગર નૂતન રીતે સંવાદીકરણ કરનાર પયગંબર. શ્રીરામકૃષ્ણદેવની આ મહાન સિદ્ધિ વિશેષપણે માનવજાત માટે સંભાવનાઓ ધરાવે છે કારણ કે વિચારશીલ પુરુષોમાં વિશ્વસ્તરે તે સિદ્ધિએ હલચલ મચાવી છે. પરંતુ નિષ્કાળજી, સંકીર્ણતા અને ઉપેક્ષાને કારણે તે તરફ અપેક્ષાકૃત ધ્યાન અપાયું નથી અને તેનું અધ્યયન પણ થયું નથી. આ નિબંધમાં આપણે શ્રીરામકૃષ્ણદેવની ઈસ્લામ-સાધના અને તે અંગેની તેમની અનુભૂતિઓનું પૃથક્કરણ કરવાનો પ્રયાસ કરીશું અને સાથે સાથે તેના વ્યવહારુપણાને પણ તારવીશું.
નિર્વિકલ્પ સમાધિમાં સતત છ માસ નિમગ્ન રહ્યા બાદ તરત જ શ્રીરામકૃષ્ણદેવે ઈસ્લામ-સાધના સ્વયં આદરી. તેઓ છેલ્લાં ૧૨ વર્ષથી જે સાધનાઓ કરી રહ્યા હતા તેવી હિન્દુ પ્રણાલિકાઓથી આ સાધના મૂળભૂત રીતે નિતાંત વેગળી હતી. કોઈક એમ વિચારી શકે છે કે આ સમયે તેમનું મન અતૂટ બીબામાં સુદૃઢપણે ઢળાયું હશે પરંતુ વસ્તુસ્થિતિ ઊલટી હતી. વેદાંત-સાધના પછી ઐક્યની અનુભૂતિ કરીને તેઓએ જ્ઞાતિ, સંપ્રદાય અને અનુષ્ઠાનોના માળખાનું સંક્રમણ કરી દીધું હતું અને ઉદારચિત્ત બની ચૂક્યા હતા. શ્રીરામકૃષ્ણદેવે હિન્દુ, ખ્રિસ્તી અને મુસલમાન વચ્ચે ભેદ જોયો ન હતો. તેઓ બધા સાથે મુક્તપણે હળવા-મળવાનું કરી શકતા હતા. પણ શ્રીરામકૃષ્ણદેવની ઈસ્લામ તેમજ અન્ય ધર્મોની સાધનાનાં ઉદ્દેશ તેમજ મહત્ત્વ તેઓની વૈશ્વિક ધર્મોની સ્વીકૃતિની ભાવનાને સમજાવવા પૂરતાં નથી. તે સમજવા માટે ધાર્મિક અનુભૂતિઓનું વૈવિધ્ય શોધતા તેમના મનના અજોડ નિવેશની આપણે નોંધ લેવી પડશે. આધ્યાત્મિક બાબતો વિશેની તેમની અભિરુચિ અનંત હતી અને તે કોઈપણ ધર્મના સાંપ્રદાયિક માળખામાં ન તો સમાવિષ્ટ થઈ શકી કે ન તો સંતોષાઈ શકી. આ અંગે તેમણે પોતે કહ્યું છે, “મારો અંતરનો ભાવ કેવો છે, ખબર છે ? હું શાક બધી રીતે બનાવીને ખાવાનું પસંદ કરું. મારો બૈરાં જેવો સ્વભાવ… હું તો શાકભાજીનાં ભજિયાં, મૂઠિયાં, વડાં, ખાટું શાક, કોરું શાક, તેલમાં સડસડાવેલું શાક, કચોરી, મિશ્ર-શાક એ બધાંયમાં છું. અને તેમ વળી શેર શેર ઘીના શીરા-પૂરીમાંય છું !’ (કથામૃત ૧.૬૭૮)
તેમના વલણનો બચાવ કરતાં તેઓએ તેમના અભિગમની બુદ્ધિયુક્તતાને “મ’ સમક્ષ સમજાવતાં કહ્યું, “મને એક વાત કહેવા દો. ચોપાટની રમતમાં સોગટું વર્તુળ પૂરું ન કરે ત્યાં સુધી ચોખટામાં પ્રવેશી શકતું નથી. પણ એક વાર ચોખટામાં પ્રવેશ્યા પછી કોઈ બીજું સોગટું તેને પકડી પાડી ન શકે.’
તેમના ધર્મોપદેશ તેમણે જીવનમાં અનુભૂત કરેલ સત્યનાં પ્રગટીકરણ જ હતા. તેમણે કહ્યું, “એક વખત મારે દરેક ધર્મની સાધના કરવી પડી હતી હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી. વળી મેં શાક્તો, વૈષ્ણવો અને વેદાંતીઓનો પણ માર્ગ અનુસર્યો હતો. મેં અનુભૂતિ કરી કે ઈશ્વર એક જ છે જેના તરફ આ જુદા જુદા માર્ગાે દોરી જાય છે.’
સ્વામી સારદાનંદે શ્રીરામકૃષ્ણદેવની ઈસ્લામની સાધનાનો સમય ૧૮૬૬-૬૭ના વર્ષને નિશ્ચિત કર્યો છે(બંગાબ્દ ૧૨૭૩)જ્યારે શશીભૂષણ ઘોષ તેની ગણના ઈ.સ.૧૮૬૮-૬૯ (બંગાબ્દ ૧૨૭૫)માં કરે છે. જો કે સાંયોગિક પુરાવો પ્રથમ મતનું સમર્થન કરે છે. રોમા રોલાં પણ શ્રીરામકૃષ્ણદેવની ઈસ્લામની સાધનાની શરૂઆતને ૧૮૬૬ના અંતમાં થઈ હતી એમ સ્વીકારે છે. શ્રીરામકૃષ્ણદેવની ઉંમર ત્યારે માત્ર ૩૦ વર્ષની જ હતી.
શ્રીરામકૃષ્ણદેવના ઈસ્લામ સાધનાના ગુરુ હતા, ડમડમના સૂફી રહસ્યવાદી સંત ગોવિંદરાય. ગોવિંદરાય વિશે શ્રીરામકૃષ્ણદેવના જીવનવૃત્તાંતના લેખક સ્વામી સારદાનંદ લખે છે :
હૃદય કહેતો હતો કે, તેઓ જાતે ક્ષત્રિય હતા. ઘણું કરીને ફારસી તથા અરબી ભાષાની એમને વિશેષ જાણકારી હતી. ધર્મને અંગે અનેક પ્રકારના મતામતની આલોચના કરીને તથા વિવિધ સંપ્રદાયોની સાથે હળી-ભળીને એમણે છેવટે ઈસ્લામ ધર્મના ઉદારમતથી આકર્ષાઈને એ ધર્મ વિધિપુર :સર અંગીકાર કરેલો. ધર્મપિપાસુ ગોવિંદ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યા છતાં પણ એને લગતા સામાજિક રીતરિવાજો કેટલી હદે પાળતા હતા, તે તો કહી નથી શકતા. પરંતુ ઈસ્લામધર્મની દીક્ષા લીધી ત્યારથી માંડીને તેઓ કુરાન પઢવામાં અને એમાં કહેલી પદ્ધતિ પ્રમાણે સાધનભજન કરવામાં ઘણા ઉમંગપૂર્વક લાગ્યા હતા, એવી વાત અમે સાંભળેલી છે. ગોવિંદ પ્રેમિક હતા. એમ જણાય છે કે ઈસ્લામ ધર્મના સૂફી સંપ્રદાયમાં પ્રચલિત ઉપદેશ તથા ભાવને અનુસરીને ઈશ્વરની ઉપાસના કરવાની પદ્ધતિએ એમના દિલ પર કબજો જમાવ્યો હતો. કારણ કે, એ સંપ્રદાયના દરવેશોની માફક તેઓ હવે ભાવસાધનામાં રાતદિવસ મંડ્યા રહેતા હતા.(લીલા પ્રસંગ : ૧.૩૮૯-૯૦) (ક્રમશ 🙂
Your Content Goes Here




