(અનુ. હર્ષદભાઈ પટેલ)
હૃદય અમને એમ પણ કહે છે કે ગોવિંદરાયે આતિથ્યનો સ્વીકાર કર્યો તેમજ પંચવટીની છાયા હેઠળ ધ્યાન કરતા રહ્યા અને દક્ષિણેશ્ર્વરના કાલી મંદિરને પોતાનું કામચલાઉ નિવાસસ્થાન બનાવ્યું. ગોવિંદરાયનું ઈસ્લામી નામ હતું વાજિદ અલી ખાન.
ભારતીય મુસલમાનોના મુખ્ય ત્રણ પંથો છે – શિયા, સુન્ની અને સૂફી. આ ત્રણમાંથી સુન્નીઓની વિશાળ બહુમતી છે. સૂફીઓ હિન્દુઓના વેદાંતની વધારે નિકટ છે. ઉદારમતવાદી વિદ્વાનોના મતે સૂફી ઈસ્લામની રહસ્યમય પરંપરાને પ્રસ્તુત કરે છે. પરંતુ ‘સ્થાપિતો’ સૂફીઓને સુશોભિત કરાયેલો નાસ્તિકોનો સંપ્રદાય ગણાવે છે. સૂફી અનુયાયી મહમદ પયગંબરના જીવનનું (શીરા) પોતાનાં વર્તનવતૂર્ણકને બુદ્ધિગ્રાહ્ય કરવા તેમજ પેઢી દર પેઢી ઊતરી આવેલ પરંપરાઓથી સુપરિચિત થવા અધ્યયન કરે છે.
કુરાન પહેલો સ્તંભ છે અને બીજો, ઓલિયા (સંતો)ને સંનિષ્ઠા સાથે અનુસરવાના પ્રયત્ન. તેવા પવિત્ર પુરુષો કેવી રીતે આચરણ કરે છે તે શીખવાની બાબતને સૂફીઓ ત્રીજા સ્તંભરૂપે સ્વીકારે છે. ધર્મોપદેશ અને શુદ્ધતા તેમજ ભક્તિ અને દિવ્યપ્રેમનાં ગીતો એ બધાંને સૂફીએ મન-હૃદયથી આત્મસાત્ કરવાં જોઈએ. અલ્લાહની આજ્ઞા પ્રમાણે નિષ્ઠાપૂર્વકનું જીવન વ્યતીત કરનાર સૂફી અહ્વાલ અને મક્વાત જેવી આધ્યાત્મિક યાત્રાની વિવિધ સ્થિતિ અને તબક્કામાંથી પસાર થાય છે. ફતેહમંદ સૂફી ફના (આત્મભાવ)માંથી બક્વા (અલ્લાહમાં ચૈતન્યની અનુભૂતિ)માં પસાર થઈને આ જ જીવનમાં અમરત્વની ઝાંખી કરવાની આશા રાખે છે. મૃત્યુ અને અંતિમ ફેસલા પછી તે સર્વશક્તિમાન ઈશ્વરની પરમાનંદકારી ઉપસ્થિતિમાં સર્વદા દેવદૂતો અને પયગંબરો સાથે નિવાસ કરવાની ઉત્કટ ઇચ્છા ધરાવે છે.
પંચવટીમાં અલ્લાહની ઇબાદતમાં મગ્ન રહેતા વિનમ્ર અને ભક્તિપૂર્ણ સૂફી સંત ગોવિંદરાય પ્રત્યે શ્રીરામકૃષ્ણદેવ આકર્ષાયા હતા. અલ્લાહમાં નૈષ્ઠિક શ્રદ્ધા અને તેમના પ્રત્યેના ગોવિંદરાયના અનુરાગથી પ્રેરાઈને શ્રીરામકૃષ્ણદેવમાં તે માર્ગે ઈશ્વરની ઉપાસના કરવાની સ્વયંભૂ ઉત્કંઠા જાગી. જેમ તેમણે પોતાની તાંત્રિક અને અદ્વૈતભાવની સાધના માટે ભવતારિણી કાલી માની અનુમતિ માગી હતી તેવું આ કિસ્સામાં કરવા વિશે કંઈ જાણવા મળતું નથી. જ્યારે તેમણે ગોવિંદરાયને દીક્ષા આપવા જણાવ્યું ત્યારે ગોવિંદરાયે તે પ્રમાણે સહર્ષ કર્યું. જો કે આપણને દીક્ષા અંગેની વધુ વિગતો મળતી નથી પરંતુ ચોક્કસપણે ધારણા કરી શકાય કે તેમણે ત્રણ વખત ‘લા ઈલાહા ઈલ્લિલહૂ’એ કલમો ઉચ્ચારવો પડ્યો હતો. (અલ્લાહ સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી, મહંમદ ઈશ્વરપ્રેરિત દૂત છે). આમ થોડા સમય માટે શ્રીરામકૃષ્ણદેવ મુસલમાન બની ગયા અને તેમનાં હૃદય તેમજ આત્માને ઈસ્લામની સાધનામાં જોડી દીધાં. દિવ્યતાના ધામની યાત્રા કરવા સૂફીમાં ઈન્જિઝાબ (આકર્ષણ), ઈબાદહ (ભક્તિ) અને ઉરુજ (ઉત્કર્ષ) વગેરે ગુણો હોવા જરૂરી છે. સ્વાભાવિકપણે તેમની આ આધ્યાત્મિક સાધનામાં શ્રીરામકૃષ્ણદેવે ત્વરિત પ્રગતિ સાધી હશે. તેઓ એટલા તો આધ્યાત્મિક-ગુણસંપન્ન હતા કે તાંત્રિક સાધનાઓની જેમ સર્વોચ્ચ આત્માનુભૂતિ પ્રાપ્ત કરવા આ સાધનામાં આશ્ચર્યકારકપણે ખૂબ જ અલ્પ સમય લીધો હતો. તેઓએ પાછળથી યાદ અપાવતાં કહ્યું હતું, ‘એ વખતે ‘અલ્લાહ’ મંત્રનો જપ કરતો, મુસલમાનોની માફક ખુલ્લી કાછડીએ ધોતિયું પહેરતો, દિવસમાં ત્રણ સંધ્યાએ નમાઝ પઢતો અને મનમાંથી હિન્દુભાવ સાવ જ લુપ્ત થઈ જવાને લીધે હિન્દુ દેવ-દેવીઓને પ્રણામ કરવાના તો દૂર રહ્યાં, દર્શન સુધ્ધાં કરવાનું મન જ થતું નહીં. આ પ્રમાણે ત્રણ દિવસ વીત્યા અને એ મતની સાધનાનું પૂરેપૂરું ફળ પામ્યો.’ (લીલાપ્રસંગ : 1.391)
એવી કુતૂહલતાભરી રીતે શ્રીરામકૃષ્ણદેવ ઈસ્લામની સાધના દરમિયાન મનોરાજ્યના એવા તો આમૂળ રૂપાંતરણમાંથી પસાર થયા હતા કે કાલી મંદિરના અંદરના પરિસરમાં તેઓએ એકવાર પણ પ્રવેશ કર્યો ન હતો. એટલું જ નહિ પણ મથુરબાબુના બંગલામાં જે ઓરડામાં તેઓ નિવાસ કરતા હતા તેમાંથી તેમણે હિંદુ દેવ-દેવીઓનાં ચિત્રો કાઢી નાખ્યાં હતાં. ઈરાદાપૂર્વક તેમણે મનમાંથી મા કાલી સુધ્ધાંના વિચારને તિલાંજલિ આપી દીધી હતી. એમ કહેવાય છે કે તેઓ ‘નિષિદ્ધ આહાર’ ગ્રહણ કરવા પણ તૈયાર થઈ ગયા હતા. ભયભીત બની ઊઠેલા મથુરબાબુએ એવું કરવામાંથી અટકવા કાકલૂદી કરી અને સમાધાનકારીપણે મુસલમાન વ્યક્તિના માર્ગદર્શન હેઠળ બ્રાહ્મણ પાસે રસોઈ બનાવડાવી. ઈસ્લામ ધર્મના સાધનાકાળ દરમિયાન દેખીતી રીતે નિષ્ઠાવાન મુસલમાન જેવું આચરણ શ્રીરામકૃષ્ણદેવમાં તેમના ઈસ્લામ પરત્વેના ભક્તિભાવમાંથી ઉદ્ભવ્યું. આ બાબત તેમની અજોડ સંનિષ્ઠા અને ઉત્કટતાને પ્રદર્શિત કરે છે. જેઓ કહે છે, ‘માત્ર મારો જ ધર્મ સાચો છે અને બીજાના ધર્મો ભૂલભરેલા છે,’ તેવા તેઓ હઠાગ્રહી ન હતા.
28 સપ્ટેમ્બર, 1884ના રોજ શ્રીરામકૃષ્ણે નરેન તથા બીજા ભક્તોને કહ્યું હતું, ‘ગોવિંદરાય સૂફીની પાસેથી મેં ‘અલ્લાહ’ મંત્ર લીધો. બાબુના બંગલામાં ડુંગળી નાખીને ભાત બનાવ્યો હતો તે થોડોક ખાધો. મણિ મલ્લિકના વરાહનગરના બગીચામાં શાક ખાધું, પણ કેવી એક જાતની ઘૃણા આવી !’ (કથામૃત : 1.687)
પરમદયાળુ બ્રહ્માંડપ્રશાસક અલ્લાહની ઉપાસનાના આ ત્રણ દિવસ દરમિયાન ‘અલ્લાહ’નો જપ કરતાં તેઓ અવારનવાર પરમાનંદમાં અવગાહન કરતા રહેતા હતા અને અંતે તેમને મહંમદ પયગંબરનું દર્શન થયું હશે! (શ્રીરામકૃષ્ણચરિત : 1-81)
શ્રીરામકૃષ્ણદેવના ભાણેજ હૃદય પાસેથી જાણવા મળ્યું હતું કે ઈસ્લામના સાધનાકાળ દરમિયાન શ્રીરામકૃષ્ણદેવ દિવસમાં એક વાર નજીકની મસ્જિદમાં જતા અને નમાજ અદા કરતા.
આ જ પ્રસંગનું અન્ય વર્ણન શ્રીરામકૃષ્ણ પૂંથીમાં જોવા મળે છે (1.147), ‘એક દિવસ શ્રીરામકૃષ્ણદેવને તેમના ઓરડામાં ન જોતાં તેમને ખોળવા બહાર નીકળ્યો અને તેઓને નજીકની મસ્જિદમાં નમાજ કરતા જોયા.’ ગુરુદાસ બર્મનનું પુસ્તક ‘શ્રીરામકૃષ્ણચરિત’ (પૃષ્ઠ 120-21) લગભગ આવું જ વર્ણન કરે છે. શ્રીરામકૃષ્ણદેવના બીજા ભત્રીજા રામલાલે બીજી વિશેષ માહિતી પૂરી પાડી છે- દક્ષિણેશ્ર્વર મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી થોડાક અંતરે એક મસ્જિદ આવેલી હતી. તેની બાજુમાં શ્રીરામકૃષ્ણદેવ એક દિવસ સવારના સમયે જોવા મળ્યા. શ્રીરામકૃષ્ણદેવે મુસલમાનોના જેવાં કપડાં પહેર્યાં હતાં. નમાજ માટે એકઠા થયેલાઓમાંના એકે શ્રીરામકૃષ્ણદેવને ઓળખી કાઢ્યા. મુસલમાનો સાથે શ્રીરામકૃષ્ણદેવે નમાજ પઢી. આમ તેઓએ ત્રણ દિવસ કર્યું હતું. (કમલકૃષ્ણ મિત્ર: શ્રીરામકૃષ્ણ ઓ અંતરંગ પ્રસંગ – બંગાળી : પૃ. 2) (ક્રમશ:)
Your Content Goes Here




