બ્રહ્મ ત્રિગુણાતીત

દયા સત્ત્વગુણમાંથી આવે. સત્ત્વગુણથી પાલન, રજોગુણથી સૃષ્ટિ, તમોગુણથી સંહાર. પરંતુ બ્રહ્મ સત્ત્વ, રજસ્, તમસ્ એ ત્રણે ગુણોથી પર, પ્રકૃતિથી પર. જ્યાં યથાર્થ બ્રહ્મ-જ્ઞાન, ત્યાં ગુણો જઈ શકે નહિ. જેમ ચોર જાહેર જગ્યાએ જઈ શકે નહિ તેમ. તેને બીક લાગે કે કદાચ પકડાઈ જઈશ. સત્ત્વ, રજસ્, તમસ્ એ ત્રણેય ગુણો ચોર. એક વાત સાંભળો. એક માણસ જંગલને રસ્તે થઈને જઈ રહ્યો હતો, એટલામાં તેને ત્રણ ચોર મળ્યા. તેમણે તેને પકડીને તેનું જે કાંઈ હતું તે લૂંટી લીધું. પછી એક ચોર બોલ્યો : “હવે આને જીવતો રાખવો શા માટે ?” એમ કહીને તલવાર લઈને તેને મારી નાખવા આવ્યો. એટલે બીજો ચોર બોલ્યો, “ના રે ના, એને મારી નાખવો શું કરવા ? એના હાથપગ બાંધીને મૂકી દો.” એ પરથી તેના હાથપગ બાંધીને તેને ત્યાં જ મૂકીને ચોરો ચાલતા થયા. થોડી વાર પછી પેલા ત્રણ ચોરોમાંથી એક જણ પાછો આવીને પેલા માણસને કહે છે : “આહ ! તમને કેટલું બધું લાગ્યું છે ! ચાલો હું તમારું બંધન ખોલી દઉં !” એમ કહીને તેનું બંધન છોડીને બોલ્યો, “મારી સાથેસાથે આવો. હું તમને ધોરી રસ્તા પર ચડાવી દઉં.”

એ પછી કેટલાય વખત સુધી ચાલ્યા પછી ધોરી રસ્તા પર આવીને ચોરે કહ્યું, “આ રસ્તે ચાલ્યા જાઓ. પેલું તમારું મકાન દેખાય છે.” એટલે પેલો મુસાફર ચોરને કહે, “ભાઈસાહેબ, તમે મારા ઉપર આટલો બધો ઉપકાર કર્યો, તો તમે પણ જરા સાથે મારા ઘર સુધી આવો ને.” ચોરે કહ્યું, “ના મારાથી ત્યાં ન અવાય. પોલીસને ખબર પડી જાય.” આ સંસાર જ અરણ્ય. આ અરણ્યમાં સત્ત્વ, રજસ્, તમસ્ એ ત્રણે ગુણો રૂપી લૂંટારા જીવનું તત્ત્વજ્ઞાન લૂંટી લે. તમોગુણ જીવનો વિનાશ કરવા ઇચ્છે, રજોગુણ સંસારમાં બાંધે, પરંતુ સત્ત્વ-ગુણ રજસ્ તમસ્ થી બચાવે. સત્ત્વગુણનો આશ્રય મળે તો કામ, ક્રોધ, એ બધા તમોગુણનાં કાર્યોથી રક્ષણ થાય. વળી સત્ત્વગુણ જીવને સંસાર-બંધનથી મુક્ત કરે. પણ સત્ત્વગુણેય આખરે તો ચોર, તત્ત્વ-જ્ઞાન આપી શકે નહિ. પરંતુ એ પરમ-ધામમાં જવાના રસ્તા પર ચડાવી દે. અને કહે, “જુઓ, પેલું તમારું ઘર, એ દેખાય !” જ્યાં બ્રહ્મ-જ્ઞાન ત્યાંથી તો સત્ત્વગુણ પણ ઘણેય દૂર. બ્રહ્મ શું એ મોઢેથી બોલી શકાય નહિ. જેને બ્રહ્મ-જ્ઞાન થાય તે તેનું વર્ણન કરી શકે નહિ. કહેવાય છે કે કાળાં પાણીએ ગયેલાં વહાણ પાછાં આવે નહિ.

ચાર મિત્રો ફરતા ફરતા ચાલ્યા જતા હતા. ત્યાં દીવાલથી ઘેરાયેલ એક જગા જોવામાં આવી. ખૂબ ઊંચી દીવાલ. અંદર શું છે એ જોવા માટે સૌ બહુ ઇંતેજાર થયા. એક જણ દીવાલ ઉપર ચડ્યો. ડોકું તાણીને તેણે જે જોયું તેથી આશ્ચર્ય-ચકિત થઈને “આ-હા-હા-હા” કરતો ને તે અંદર કૂદી પડ્યો. પાછો આવીને તેણે કાંઈ સમાચાર જ ન આપ્યા. એ જ પ્રમાણે બીજો, પછી ત્રીજો, જે ચડે તે “આ-હા-હા-હા” કરતો ને અંદર કૂદી પડે. પછી અંદરના ખબર કોણ આપે ?

જડભરત, દત્તાત્રેય એ લોકો બ્રહ્મ-દર્શન કર્યા પછી સમાચાર આપી શક્યા નહિ. બ્રહ્મ-જ્ઞાન પછી સમાધિ થાય. ત્યારે અહંકાર રહે નહિ. એટલે રામપ્રસાદે કહ્યું કે “પોતાથી જો ન બને તો મન, રામપ્રસાદને સાથે લેને.” મનનો લય થવો જોઈએ. તદુપરાંત રામપ્રસાદ અર્થાત્ અહંકારનો પણ લય થવો જોઈએ. ત્યારે જ બ્રહ્મ-જ્ઞાન થાય.

(શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ-1, પૃ. સં. 254-255)

Total Views: 548

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.