એકલી પંડિતાઈ કે લેક્ચરથી શું વળે, જો વિવેક, વૈરાગ્ય ન આવે તો? ઈશ્વર સત્ય, બીજું બધું મિથ્યા, ઈશ્વર વસ્તુ, બીજું બધું અવસ્તુ, એનું નામ વિવેક.
પ્રથમ હૃદયમંદિરમાં પ્રભુની પ્રતિષ્ઠા કરો. વ્યાખ્યાન, ભાષણો એ બધું ત્યાર પછી ઇચ્છા હોય તો કરો. એકલું બ્રહ્મ, બ્રહ્મ બોલ્યે શું વળે, જો વિવેક વૈરાગ્ય ન હોય તો? એ તો ખાલી શંખ ફૂંકવા જેવું!
એક ગામમાં પદ્મલોચન નામનો એક છોકરો રહેતો. માણસો તેને પોદિયો, પોદિયો કરીને બોલાવતા. બહાર એક ખંડિયેર થઈ ગયેલું મંદિર હતું, અંદર મૂર્તિ-બૂર્તિ કાંઈ નહિ. મંદિરની દીવાલે પીપળો તથા બીજાં ઝાડપાન વગેરે ઊભી ગયેલાં. મંદિરની અંદર ચામાચીડિયાંના માળા, જમીન પર ધૂળ અને ચામાચીડિયાંની હગાર. મંદિરમાં માણસોની અવરજવર નહિ.
એક દિવસ સંધ્યા થયા પછી થોડી વારે ગામના લોકોને શંખનો અવાજ સાંભળવામાં આવ્યો. મંદિરની બાજુએથી શંખનો અવાજ આવી રહ્યો છે. ભોં ભોં કરતો ને! ગામના માણસોએ ધાર્યું કે કદાચ કોઈએ દેવતાની મૂર્તિ પધરાવી હશે, તે સંધ્યા આરતી થાય છે. એટલે નાનાં મોટાં, સ્ત્રીઓ, પુરુષો સૌ દોડતાં જઈને મંદિરે પહોંચ્યાં. ઠાકોરજીનાં તથા આરતીનાં દર્શન કરવા. તેમનામાંથી એક જણે મંદિરનાં બારણાં હળવે હળવે ઉઘાડીને જોયું તો પેલો પદ્મલોચન એક બાજુએ ઊભો રહીને ભોં ભોં કરીને શંખ વગાડે છે. દેવતાની પ્રતિષ્ઠા થઈ નથી, મંદિર વાળીચોળીને સાફ કર્યું નથી. ચામાચીડિયાંની હગાર એમની એમ પડેલી છે. એ બધું જોઈને પેલો માણસ બૂમ પાડી ઊઠ્યો:
“મંદિરમાં તવ નહિ માધવ, પોદિયા શંખા ફૂંકી તેં કીધી ગરબડ,
તેમાં ચામાચીડિયાં અગિયાર જણા, અહોરાત્ર મારે ફેરા.”
જો હૃદયમંદિરમાં માધવ-પ્રતિષ્ઠા કરવાની ઇચ્છા હોય, જો ભગવત્પ્રાપ્તિ કરવા ઇચ્છો, તો માત્ર ‘ભોં ભોં’ કરીને એકલો શંખ ફૂંક્યે શું વળે? પહેલાં ચિત્તશુદ્ધિ થાય, મન શુદ્ધ થયે ભગવાન પવિત્ર આસને આવીને બિરાજે. ચામાચીડિયાંની હગાર પડી હોય તો માધવને લાવી શકાય નહિ. ચામાચીડિયાં એ અગિયાર ઇન્દ્રિયો: પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન. પ્રથમ પ્રભુ-પ્રતિષ્ઠા થાય, ત્યાર પછી મરજી હોય તો વ્યાખ્યાન, લેક્ચર આપો ને. ‘પ્રથમ ડૂબકી મારો, ડૂબકી મારીને રત્ન કાઢો, ત્યાર પછી બીજું કામ.
[શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ 1, પૃ. 73]
*
એક માછીમાર રાતના કોઈકના બગીચામાં પેસીને અંદરના તળાવમાં જાળ નાંખીને ચોરીથી માછલાં પકડવા લાગ્યો. પણ માલિકને ખબર પડતાં તેણે પોતાના માણસોને મોકલીને તેને ચારે બાજુએ ઘેરી લીધો. એ લોકો મશાલબશાલ સળગાવીને બગીચામાં ચોરને શોધવા લાગ્યા. આ બાજુ પેલો માછીમાર આખે શરીરે ભભૂત લગાવીને એક ઝાડની નીચે સાધુ થઈને બેસી ગયો. માણસોએ ઘણી શોધ કરીને જોયું તો માછીમાર-બાછીમાર કોઈ નથી, માત્ર એક ઝાડની નીચે એક સાધુ ભસ્મ લગાવીને ધ્યાનમગ્ન થઈને બેઠો છે. બીજે દિવસે સવારમાં આજુબાજુમાં વાત ફેલાઈ ગઈ કે એક મોટો મહાત્મા તેમના બગીચામાં આવ્યો છે. એ પરથી બધા લોકો ફળ, ફૂલ, પેંડા, મીઠાઈ વગેરે લઈ આવીને સાધુને પ્રણામ કરવા લાગ્યા. પુષ્કળ પૈસા પણ તેની સામે પડવા લાગ્યા. માછીમારને વિચાર આવ્યો કે શી નવાઈ! હું ખરેખરો સાધુ નથી, છતાં મારા પર લોકોની આટલી ભક્તિ! તો જો હું ખરેખરો સાધુ થાઉં તો જરૂર ભગવત્-પ્રાપ્તિ થાય. એમાં સંદેહ નહીં.
દેખાવની સાધનાથીયે જો આટલી જાગૃતિ આવી તો સાચી સાધના કરી હોય તો તો કહેવાની વાત શી? કયું સત્, કયું અસત્, એ બધું સમજી શકાય. ઈશ્વર જ સત્ય, સંસાર અનિત્ય, એ સમજી શકાય.
[શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ 1, પૃ. 209]
Your Content Goes Here





