જ્યારે 1935-36માં હું શામળદાસ કૉલેજનો વિદ્યાર્થી હતો, ત્યારે સ્વામી વિવેકાનંદના વાચનના પ્રભાવે મારામાં સમૂળું પરિવર્તન કરીને મને માનવધર્મ અને માનવપ્રેમની દૃષ્ટિ આપી મારી રૂઢિચુસ્ત માન્યતાઓને ધોઈ નાખી હતી. માનવસેવાની રામકૃષ્ણ મિશનની સમાજપ્રેમી પ્રવૃત્તિઓનો હું પૂજક છું, અનુયાયી છું એમ કહેતાં ધન્યતા અનુભવું છું. રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમે દુકાળ વખતે કે નદીમાં પૂર આવે ત્યારે કે ધરતીકંપના વિનાશ વખતે, કરેલી સેવાથી આખું ગુજરાત સુપરિચિત છે. આ વર્ષે પ્રથમ વાર ગુજરાતી માસિક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું પ્રકાશન રાજકોટના રામકૃષ્ણ આશ્રમ તરફથી થયું તેનો સાત્ત્વિક આનંદ મને થયો. એપ્રિલ, 1989નો પ્રથમ અંક વાંચી મને થયું કે, ગુજરાતનું સદ્ભાગ્ય છે કે આવું માનવ એકતાની સારી તત્ત્વદર્શી ધર્મદૃષ્ટિ આપતું સામયિક ગુજરાતી વાચકોને સંસ્કારપ્રસાદ આપતું પ્રગટ થયું. તેનો ધ્યેય છે: “…નાતજાતના કશાય ભેદભાવ વગર બધા લોકોના વ્યક્તિગત તેમજ રાષ્ટ્રીય જીવનને વધારે ઉદાત્ત, વધારે સુખી અને વધારે અધ્યાત્મનિષ્ઠ બનાવવામાં સહાય કરવાનો છે…” મહાત્મા ગાંધીએ લખ્યું છે: “સ્વામી વિવેકાનંદનાં લખાણો સાંગોપાંગ ઝીણવટથી વાંચી ગયો છું અને એ પૂરેપૂરાં વાંચી લીધાં પછી મારામાં રહેલો સ્વદેશપ્રેમ હજાર ગણો વધી ગયો. હે યુવાનો, હું તમને વિનંતી કરું છું કે, જે ભૂમિમાં સ્વામી વિવેકાનંદ જીવ્યા અને મર્યા તે ભૂમિનાં કાંઈક બળ – ઉત્સાહ ધારણ કર્યા વગર ખાલી હાથે ચાલ્યા જશો નહિ.”

સુભાષચંદ્ર બોઝે લખ્યું છે: “શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ તરફનું મારું ઋણ હું શબ્દો દ્વારા કેવી રીતે વ્યક્ત કરી શકું? તેમના પવિત્ર પ્રભાવ તળે જ મારા જીવનની પહેલી જાગૃતિ થઈ હતી… સ્વામીજી આજે જો જીવતા હોત તો તેઓ મારા ગુરુ બન્યા હોત…”

વિનોબા ભાવેએ લખ્યું છે કે: “દરિદ્રનારાયણ શબ્દ વિવેકાનંદે જ ઘડ્યો છે અને ગાંધીજીએ એને લોકપ્રિય બનાવ્યો છે…”

લોકમાન્ય તિલકે લખ્યું છે: “પશ્ચિમના ભૌતિકવાદી વિજ્ઞાનની સામેના એક પડકાર તરીકે એક હિન્દુ ધર્મ સંસ્કૃતિનો ઝંડો સર્વપ્રથમ ફરકાવનાર સ્વામી વિવેકાનંદ જ હતા…”

પણ આ વા ઉદ્ગારો કાઢનાર માત્ર ભારતીય મહાપુરુષો જ નહોતા. પશ્ચિમી તત્ત્વદર્શી મહાપુરુષોએ કાઢેલા ઉદ્ગારો પણ કેવા હૃદયસ્પર્શી છે! આખા જગતની સભ્ય સંસ્કૃતિઓનો ઇતિહાસ લખનાર વિશ્વવિખ્યાત ચિંતક આર્નોલ્ડ ટોયન્બીએ લખ્યું છે:

“સમ્રાટ અશોક અને મહાત્મા ગાંધીના અહિંસાનો સિદ્ધાંત અને શ્રીરામકૃષ્ણનો સર્વધર્મ સમન્વય – એમાં આપણને એવું વલણ અને એવું શીલ જણાય છે કે જે માનવજાતિ માટે એકસાથે કુટુંબ જેમ રહીને વિકાસ સાધવાનું શક્ય બનાવી શકે. આ પરમાણુ યુગમાં આપણને વિનાશમાંથી ઉગારવાનો એકમાત્ર ઉપાય છે…”

જગતના મહાપુરુષ રોમા રોલાંએ તો શ્રીરામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદની જીવન-કથા પશ્ચિમી દેશોના વાચકોને માટે લખી છે તે આખું વિશ્વ જાણે છે. તેમણે લખ્યું છે:

“સ્વામી વિવેકાનંદ મૂર્તિમંત શક્તિ સ્વરૂપ હતા અને કર્તવ્યનો તેમનો માનવોને સંદેશ હતો. ફિનીક્સ (દેવહુમા) નામના પુરાકલ્પિત જાદુઈ પક્ષીની રાખમાંથી જેમ નવો પ્રાણ પ્રગટે છે, તેવી રીતે તેમનામાંથી ભારતનો આત્મા ભારતની એકતામાં શ્રદ્ધા અને વૈદિક સમયથી ચાલ્યું આવતું, તેમની પ્રાચીન જાતિએ સેવેલ સ્વપ્નદર્શી સત્ય અભિનવરૂપે પ્રગટ થયેલ છે… ગ્રન્થસ્થ થયેલાં એમનાં વચનામૃતોને જ્યારે હું વાંચું છું, ત્યારે વિદ્યુતના આંચકા જેવી ઝણઝણાટી મારા સમગ્ર દેહમાં હું અનુભવ્યા વિના રહી શકતો નથી…” રોમા રોલાંએ સ્વામી વિવેકાનંદની ગુજરાત સૌરાષ્ટ્રની યાત્રા વિશે સુંદર રીતે ઐતિહાસિક હકીકતો તેમની જીવનકથામાં લખેલી છે તે મેં વાંચેલી હતી. એટલું જ નહિ પણ, પોરબંદરના પંડિતના કહેવાથી જ એમણે અમેરિકા જવાનો નિશ્ચય કર્યો હતો તે પ્રસિદ્ધ હકીકત છે. ‘રામકૃષ્ણ જ્યોત’માં ‘સ્વામી વિવેકાનંદનું ગુજરાતમાં પરિભ્રમણ’ વિશેનો લેખ વાંચી ફરીથી મેં તેનો દિવ્ય આનંદ અનુભવ્યો. લીંબડીમાં એમને જેલમાં પૂર્યા હોય તેવી સ્થિતિ તાંત્રિકોએ કરી હતી અને તેનાથી કઈ રીતે મુક્ત થયા તે પ્રસંગ પણ ઈશ્વરીય લીલાનું દર્શન કરાવે છે. પણ પછી પોરબંદરમાં નવ મહિના રહીને તેમને કેવું કર્તવ્ય કર્યું તે પ્રેરણાજન્ય છે. તેમનું નામ તે વખતે વિવેકાનંદ હતું જ નહિ, કારણ કે સંન્યાસીને નામરૂપ ન હોવી જોઈએ એવી દૃષ્ટિને લીધે શતાનંદ, આનંદાનંદ કે એવું તે કહેતા. બંગાળમાં પણ તેમની નામના જાણીતી નહોતી! અને અમેરિકા ગયા પછી જ એ વિશ્વપ્રસિદ્ધ થયા એ ઘટના કેમ ભુલાય? એ વિશે ‘રામકૃષ્ણ જ્યોત’માં સુંદર લેખ છે. તેમાંથી મર્મશીલ હકીકત વાંચવા જેવી છે:

‘અમદાવાદથી વઢવાણ થઈને સ્વામીજી લીંબડી પહોંચ્યા… પ્રભાસથી સ્વામીજી પાછા જૂનાગઢ આવ્યા અને ત્યાંથી પોરબંદર ગયા. પોરબંદરની મુલાકાત ઐતિહાસિક બની. એ વખતના રાજ્યના એડમિનિસ્ટ્રેટર શ્રી શંકર પાંડુરંગ પંડિત સાથે સ્વામીજીની સારી મૈત્રી જામી. શંકર પંડિત વેદના અઠંગ અભ્યાસી હતી, વેદોના અનુવાદ તે કરી રહ્યા હતા. સ્વામીજીની મહાન શાસ્ત્રમાં પ્રવીણતા જોઈ તેઓ મુગ્ધ બન્યા. વેદોના અનુવાદ કાર્યમાં સ્વામીજીની સહાય માગી, સ્વામીજીએ આનંદપૂર્વક તેમને મદદ કરી. તેઓ પોરબંદરમાં અગિયાર માસ રહ્યા. એથી સ્વામીજીને પોતાને લાભ થયો. પતંજલિનાં મહાભાષ્યોનો એમણે ત્યાં અભ્યાસ કર્યો. પંડિતજીના કહેવાથી ફ્રેન્ચનો અભ્યાસ પૂરો કર્યો. એક દિવસ પંડિતજીએ જાણે કે સ્વામીજીના અંતરના અવાજનો પડઘો પાડતા હોય તેમ કહ્યું: ‘સ્વામીજી! લાગે છે કે આ દેશમાં તમારી કિંમત થશે નહીં: તમારે પશ્ચિમના દેશોમાં જવું જોઈએ. ત્યાંના લોકો તમને સમજી શકશે, ને તમારી કદર થશે. ખરેખર! પશ્ચિમમાં સનાતન ધર્મનો પ્રચાર કરીને તમે ત્યાંની સંસ્કૃતિ ઉપર ઘણો પ્રકાશ નાખી શકશો.’ શ્રી પંડિતે પશ્ચિમના દેશોમાં જવાના સ્વામીજીના વિચારનું બીજારોપણ કર્યું. ભૂમિ અનુકૂળ હતી અને આગળ જતાં એ બીજમાંથી મહાવૃક્ષ થયું. પ્રવાસ દરમ્યાન ભારતની દુર્દશા જોઈને સ્વામીજીને ઉદ્ધાર માટે કંઈ ને કંઈ કરી નાખવાની પ્રબળ ઇચ્છા થઈ આવતી હતી.

એ તો જાણીતી ઐતિહાસિક હકીકત છે કે ભારતમાં સાવ અપરિચિત સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા અને પ્રથમ પ્રવચન આપ્યું તેનો અકલ્પ્ય પ્રભાવ જગત ઉપર પડ્યો. લંડન ગયા ત્યારે ત્યાં પણ કલ્પી ન શકાય તેવા અંગ્રેજો તેમના અનુયાયી બન્યા. સિસ્ટર નિવેદિતા તો સ્વામી વિવેકાનંદનાં ભક્ત બન્યાં અને રામકૃષ્ણ આશ્રમમાં રહ્યાં. અમેરિકા ગયા ત્યારે શું નામ રાખવું તેની મૂંઝવણમાં હતા ત્યારે રાજસ્થાનના ખેતડીના મહારાજાએ તેમની સ્ટીમરની ટિકિટ-પાસ કઢાવવા માટે વિવેકાનંદ નામ સૂચવ્યું અને એ નામ જ ચિરંજીવ બની ગયું!

રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમમાં પ્રવચન આપવા મને બોલાવ્યો હતો, ત્યારે તેનું અંતરદર્શન કરવાનું મને સદ્ભાગ્ય સાંપડ્યું. તે પછી ‘શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ’ બંગાળીમાં મૂળ હતું તેનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું કામ શ્રી પ્રજ્ઞાબહેન શાહને સોંપાયું અને એ અનુવાદ જોઈ જવાનું મને કામ સોંપાયું. પ્રા. પ્રજ્ઞાબહેન શાહની નિષ્ઠા એવી કે મૂળ પુસ્તક વાંચવા માટે બંગાળી શીખ્યાં! ઉપરોક્ત પુસ્તકનો ભાગ છપાયો પણ તે પહેલાં હસ્તપ્રત વાંચવાનો લાભ મને મળ્યો તેમાં હું ઈશ્વરી કૃપાનું દર્શન કરું છું. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ગુજરાતી માસિકનું પ્રકાશન થાય છે તેનો લાભ આપણો સમાજ લે તેવી પરમેશ્વરને પ્રાર્થના કરું છું.

અમૃતલાલ યાજ્ઞિક

તા. 5-11-89                                                                         મુંબઈ સમાચાર

Total Views: 619

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.