અર્વાચીન યુગનો દશમસ્કંધ
શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભા. પહેલો
પૂર્વકથા અને બાલ્યજીવન
લેખક: સ્વામી સારદાનંદ
(પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ; અનુવાદક: શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ; 1987)
કાચું પૂઠું – 7 રૂ.; પાકું પૂઠું – 11 રૂ.
વર્ષો પૂર્વે શ્રી હરિશંકર પંડ્યાએ સ્વામી સારદાનંદ પ્રણીત ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ના પાંચેય ભાગનો અનુવાદ કર્યો હતો, જે રાજકોટના રામકૃષ્ણ આશ્રમે જ પ્રકાશિત કર્યો હતો. આ પુસ્તકો ઘણાં વર્ષોથી અપ્રાપ્ય થઈ જવા પામ્યાં હતાં. શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહનો આ અનુવાદ અદ્યતન તથા સુવાચ્ય છે ને તે સ્વામી સારદાનંદના એ મહાગ્રંથને ગુજરાતીમાં પુનઃ સુલભ બનાવે છે.
અઢાર વર્ષની વયે શરત ચક્રવર્તી નામનો એક લવરમૂછિયો યુવાન શ્રીરામકૃષ્ણને પહેલી વાર મળે છે ને ત્રણ વરસ બાદ એ ઘરબાર, વત્સલ માતા-પિતા અને ભાઈ-બહેનો અને ઉજ્જવલ તબીબી કારકિર્દીની શક્યતા છોડી ભગવાં ધારણ કરી શ્રીરામકૃષ્ણ મઠના સ્થાપક સ્તંભોમાંનો એક બની જાય છે. એ સ્તંભ તે જ આ સ્વામી સારદાનંદ, અનન્ય ભક્તિથી પણ, પ્રત્યેક હકીકત જોઈ તપાસી, પૂરી ખાતરી કર્યાં પછી જ શબ્દબદ્ધ કરી, સ્વામી સારદાનંદ પોતાના ગુરુ અને ઘડવૈયા શ્રીરામકૃષ્ણનું આ જીવનચરિત્ર પાંચ ભાગમાં – તે છતાંય અધૂરું-લખ્યું છે. આપણાં એ દુર્ભાગ્ય છે કે એ કથા તેઓ પૂરી ન કરી શક્યા. એ ભક્તિસભર કથાનો પ્રથમ ભાગ તે આ પૂર્વકથા અને બાલ્યજીવન. આ ‘પૂર્વકથા’ તે શ્રીરામકૃષ્ણ પરમહંસના પૂર્વજોની કથા અને ‘બાલ્યજીવન’ તે શ્રીરામકૃષ્ણનું પોતાનું.
આ અષ્ટાધ્યાયી લેખકે પ્રકરણ નહીં પણ અધ્યાય શબ્દ વાપર્યો છે. પુસ્તકને ચાર ભાગમાં વહેંચી શકાય. પુસ્તકના અંતર્ગત ભાગરૂપ પ્રસ્તાવના અને અધ્યાય 1 સમગ્રગ્રંથની – પાંચેય ભાગની – ભૂમિકા બાંધી આપે છે. સને 1909માં લખવા આરંભાયેલા આ ગ્રંથના લેખક ઓગણીસમી સદીના પરાર્ધ ભારતનું સંતાન હતાં. 1857 પછીથી પા સદી પહેલાં મેકોલેએ કંડારેલે માર્ગે જવા માટે પાશ્ચાત્ય સંસ્કૃતિને ભારતમાં મોકળું મેદાન મળી ગયું હતું.
બાળક શરતને (સારદાનંદનું પૂર્વાશ્રમનું નામ એ હતું.) એના પિતા હેર સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણાવે એ સ્વાભાવિક હતું. સંસ્કાર ઝીલવાની વયે દેશના બુદ્ધિશાળીવર્ગને પાશ્ચાત્ય સંસ્કૃતિથી અંજાતો ને તેનું અંધ અનુકરણ કરતો જોયો પણ પોતે એથી અંજાયા વિના સર્વસ્વ ત્યાગીને ભારતીય સંસ્કૃતિના એક મહાન જ્યોતિર્ધર બન્યા તે શ્રીરામકૃષ્ણ પરમહંશના સૂર્યસમા પ્રભાવ અને માતાસમી વત્સલતાને કારણે, આ પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં અને પહેલા અધ્યાયમાં સ્વામી સારદાનંદે આ પીઠિકાનું સચોટ આલેખન કર્યું છે.
અધ્યાય 2, 3 અને 4માં શ્રીરામકૃષ્ણના પિતામહ અને પિતાની સંક્ષિપ્ત કુળકથા છે. સ્વૈચ્છિક ગરીબાઈ, ઉદારતા, ઇષ્ટદેવની ભક્તિ અને તેમનામાં દૃઢ શ્રદ્ધા, અધ્યયનપ્રિયતા, ન્યાયનિષ્ઠ જીવન અને સંતોષ ઇત્યાદિ ગુણોથી સભર એ કથા ગંગોત્રી જેવી નિર્મળ અને પાવનકારી છે. અધ્યાય પાંચમામાં શ્રીરામકૃષ્ણની જન્મકથા છે. ઈસુનો જન્મ ઢોરની ગમાણમાં થયો હતો તેમ શ્રીરામકૃષ્ણનો જન્મ પણ તેવી જ જગ્યાએ, ઘરથી અલગ, ડાંગર છડવાની સાદી છાયેલી છાપરી નીચે થયો હતો. ગદાધર જ શ્રીરામકૃષ્ણનું બચપણનું નામ. જન્મસમયે એના પિતા ખુદીરામની ઉંમર 61 વર્ષની અને એમનાં માતા ચંદ્રામણિદેવીની 45 વર્ષની હતી. શાક્યમુનિ ગૌતમ અને વર્ધમાન મહાવીરની માતાઓને થયેલાં. તેવાં દર્શનો અને તેવી અનુભૂતિઓ ખુદીરામને અને ચંદ્રામણિદેવીને બંનેને થયેલાં.
અધ્યાય 6-7-8માં ગદાધરની બાળલીલાનું રમ્ય વર્ણન છે. એમાં કોઈ પૂતનાના કે કાળીનાગના વધની કથા નથી પણ જન્મજાત વિશુદ્ધ ચિત્તવાળી, પ્રેમમય, ઉદારમતના, બાળકની પ્રાણીમાત્ર પ્રત્યેની પ્રેમમય કથાનું લીલાની એ પુણ્યકથા છે. શૈશવકાળથી જ ગદાધરમાં માનવોત્તર લક્ષણો જોવા મળતાં હતાં. અસાધારણ સત્યપ્રિયતા, જ્ઞાતિભેદને સ્થાને સર્વ પ્રત્યે સમભાવથી જોવાની દૃષ્ટિ, સાધુસંગની પ્રીતિ, દુનિયાદારી અને દુનિયાદારીની વિદ્યા પ્રત્યે અભાવ, મધુર આકૃતિ, મધુર વાણી અને મધુર વર્તન નાનપણથી જ ભાવસમાધિમાં સરી પડવું. તીવ્ર યાદશક્તિ, વિગતોમાં ને કામમાં ચોક્સાઈ. આ સૌ સાથે કનૈયાની નટખટતાનો થોડો અંશ પણ ભળેલો જોવા મળે છે. દુર્ગાદાસ પાઈનને ગર્વ હતો કે પોતાના ઘરના અંતઃપુરમાં કોઈ પુરુષ કદી પ્રવેશી શકે નહીં, ફળિયામાં જ બેઠેલા એ દુર્ગાદાસની આંખમાં ધૂળ નાખી, સ્ત્રીવેશે ગદાધર એના અંતઃપુરમાં ઘૂસી જાય છે ને ત્યાં એક બે પ્રહર સુધી ઓળખાયા વિના એ રહી શકે છે. આ પ્રસંગના અને આંબાવાડિયામાંની, સાધુઓ સાથેની તથા એવી બીજી લીલાઓના વર્ણનમાં આપણને લેખક શ્રીકૃષ્ણની બાળલીલાનું દર્શન કરાવે છે. આ અમૃતવાણી સાંભળતાં અમને તૃપ્તિ થતી નથી માટે ફરીથી તે કહો, એમ અર્જુનની માફક આપણને થાય છે.
આ પુસ્તકમાં આપેલો શ્રીરામકૃષ્ણના કામારપુકુરના ઘરનો નકશો, પુસ્તકમાંનાં અને બંને પૂંઠાં ઉપરનાં મળી છ ચિત્રો અને પુસ્તકને અંતે આપેલી સમયનિરૂપક સૂચિ તથા શ્રીરામકૃષ્ણ પરમહંસની જન્મકુંડળી સ્વામી સારદાનંદની શાસ્ત્રીય દૃષ્ટિના દ્યોતક છે. એ બધાં જ ચિત્રો-ફોટોગ્રાફમાંથી નિઃશબ્દ શાંતિ ટપકે છે. એમાંથી એકેયમાં કોઈ માનવકૃતિ નથી, પણ એ બધાં ચિત્રોમાં શ્રીરામકૃષ્ણ છવાઈ રહ્યા દીસે છે.
સ્વામી સારદાનંદની ભાષા ત્યાગીના જેવી અનલંકૃત, સરળ, સચોટ અને લક્ષ્યવેધી છે. એમની કલમ ભક્તિના રંગે તરબોળ છે છતાં સંન્યાસીનો સંયમ એમની ભાષાનું ભૂષણ છે.
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદની જીવનકથાના જગવિખ્યાત ફ્રેંચલેખક રોમાં રોલાં સ્વામી સારદાનંદના જે ગ્રંથને excellent કહી તેને આધારરૂપ ગણાવે છે તેનો આ પહેલો ભાગ પુનઃ ગુજરાતી વાચકોને સુલભ બનાવી આપવા માટે ગુજરાત પ્રકાશક અને અનુવાદક બંનેનું ઋણી રહેશે.
- દુષ્યંત પંડ્યા, જામનગર
Your Content Goes Here




