(‘માનવતા કી ઝાંકી’ નામના બ્રહ્મલીન સ્વામી જપાનંદજી મહારાજના પુસ્તકના એક લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.)

ફરિદપુર બંગાળનું એક નાનું શહેર હતું. અત્યારે એ બાંગ્લાદેશમાં આવેલ છે. સ્વચ્છ અને સુંદર શહેર હતું. બંગભંગના વિરોધમાં જ્યારે આંદોલન થયું હતું ત્યારે ફરિદપુર નગરવાસીઓએ પણ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અંગ્રેજ સરકારને ઠીક ઠીક પ્રમાણમાં હેરાન-પરેશાન કરી હતી. ઘણા મોટા વિદ્વાનો અને માતૃભૂમિની સેવામાં સર્વસ્વ હોમી દેનારા સ્વદેશ ભક્તો ઘણી મોટી સંખ્યામાં અહીં જન્મ્યા હતા. એમણે બંગાળનું અને ભારતનું ગૌરવ વધાર્યું હતું.

૧૯૨૩માં વિશેષ આમંત્રણ મળતાં સંન્યાસી પરિવ્રાજક (સ્વામી જપાનંદ) ફરિદપુર ગયા હતા. થોડા દિવસ એક આશ્રમમાં રોકાયા. એ આશ્રમની સામે સડકની પેલે પાર એક મેદાન જેવી જગ્યા હતી. એની પરિધિમાં બંગાળની ખાસ રીતિથી બંધાયેલું ઉપર ઘાસ અને પરાળથી છવાયેલું, માટીનું હોવા છતાં પણ અત્યંત ભવ્ય એક ઘણું મોટું મકાન હતું. એ મકાનના માલિક એક વૈદ્યરાજ હતા.

વૈદ્યરાજ સૌમ્ય, અતિવિનયી અને ભક્તહૃદયના હતા. એમનાં પત્ની પણ સુલક્ષણાં, સુરૂપ અને સુશીલ હતાં. બંનેનું સ્વાસ્થ્ય સારું હતું. એમને ૧૨ વર્ષની પુત્રી અને ૮ વર્ષનો પુત્ર હતાં. ચહેરે-મહોરે ઉચ્ચકુળના હોય એવું લાગતું. બંને સ્વસ્થ અને સુંદર દેહકાંતિવાળાં હતાં.

આ પરિવ્રાજક જ્યારે ફરિદપુર પહોંચ્યા એ જ દિવસે વૈદ્યરાજે આવીને પોતાનો પરિચય આપ્યો અને સત્સંગ માટે ત્યાં નિત્ય આવશે, એમ કહીને વિદાય લીધી. ત્યાર પછી તેઓ દરરોજ આવવા લાગ્યા અને પ્રેમપૂર્વક વિવિધ ધર્મચર્ચામાં ભાગ પણ લેવા માંડ્યા. લગભગ એક મહિનો થઈ ગયો હતો. એક દિવસ પરિવ્રાજક સંન્યાસીએ જોયું કે વૈદ્યરાજનાં બંને સંતાનો આશ્રમ પાસેના એક વિશાળ આંબાની ઝાડની છાયામાં રમતાં હતાં. સવારના નવ-સાડા નવ વાગ્યા હશે. ત્યાર પછી લગભગ બે વાગ્યે જોયું તો બંને ત્યાં જ હતાં. એટલે મેં છોકરીને બોલાવીને પૂછ્યું: ‘કેમ, શું થયું છે? અત્યાર સુધી અહીં છો અને ભોજન કરવા કેમ ન ગઈ?’ છોકરી આંખો નીચી કરીને ઊભી રહી ત્યારે તેનો ભાઈ ત્યાં આવી ગયો. એનું મોં ભૂખને લીધે રૂખું-સૂકું લાગતું હતું. મેં પૂછ્યું: ‘કેમ બેટા! આજ ઘરમાં શું માએ ખાવાનું નથી આપ્યું?’ પણ કંઈ જવાબ ન મળ્યો. પછી હું એમને લઈ ગયો અને એમને ખાવા માટે પાકાં કેળાં અને ધાણી લાવી દીધાં. મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે વૈદ્યરાજ મળશે તો ‘નાનાં બાળકોને આટલી વાર સુધી ભૂખ્યા રાખવાનો મતલબ શું છે?’ એવું પૂછીશ.

વૈદ્યરાજ ઘરમાં જ હતા અને ત્યાંથી છોકરાઓ કંઈક ખાઈ રહ્યાં છે, એ બધું જોઈ રહ્યા હતા. તેઓ ધીમે ધીમે આશ્રમમાં આવ્યા અને છોકરાં એમને જોઈને ગભરાઈ ગયાં. પણ પરિવ્રાજક સંન્યાસીનું આશ્વાસન મળતાં તેઓ શાંતિથી ખાઈને વળી પાછા આંબાના ઝાડ નીચે જઈને રમવા લાગ્યાં. મેં પૂછ્યું: ‘શું વૈદ્યરાજ, શું વાત છે! આજ અત્યાર સુધી રસોઈ નથી થઈ શું? છોકરાં ભૂખ્યાં છે.’

આ સાંભળીને વૈદ્યરાજ પોતાની દૃષ્ટિ જમીન પર ઠેરવીને શાંત બેસી રહ્યા. થોડીવાર પછી મૌન તોડીને કહ્યું: ‘હવે આપની પાસે શું છુપાવવું, સ્વામીજી. હા, આજે રસોઈ નથી થઈ. ઘરમાં કંઈ નથી… પરંતુ સાંજ સુધી તેઓ (પરમેશ્વર) જરૂર કંઈક દઈ દેશે. દરરોજ આપે છે. આજ સુધી ક્યારેય આવી રીતે એકદમ ઉપવાસ ખેંચવો પડ્યો નથી. એમની કૃપાથી કંઈક મળી જ જાય છે.’ મેં કહ્યું: ‘પણ વૈદ્યરાજ, ઓછામાં ઓછું આ બાળકોને બીજા કોઈ સગા-સંબંધીઓને ત્યાં નહિ પણ મારી પાસે મોકલતા હો તો?’ આ સાંભળીને વૈદ્યરાજ બોલી ઊઠ્યા: ‘ના, સ્વામીજી. આ બંને બાળકો પણ જ્યારે એની મા ચૂલો પેટાવતી નથી ત્યારે તેઓ સમજી જાય છે કે ઘરમાં ખાવાનું અન્ન નથી અને છાનામાનાં બહાર જઈને મોટે ભાગે આવી જગ્યાએ રમ્યા કરે છે. જ્યાં સુધી એમની મા ન બોલાવે ત્યાં સુધી તેઓ બીજે ક્યાંય જતાં નથી અને આજ જગ્યાએ રમ્યા કરે છે. બાકીના દિવસો તો જંગલી શાકપાન લાવીને મીઠા સાથે ખાવા આપી દે છે. પણ આજે તો એય ન મળી શક્યા. એનું કારણ એ છે કે વધારે વરસાદને કારણે પૂર આવી ગયું અને ખાવા લાયક બધાંય જંગલી શાકપાન સડી ગયાં છે. આ કારણે અત્યાર સુધી એમને કંઈ તે આપી ન શકી. પણ સ્વામીજી સાંજ સુધી તો તેઓ જરૂર કંઈ આપી દેશે, હંમેશાં એમ આપી દે છે.’.. એટલામાં કોઈક મુસલમાન વૈદ્યરાજને બોલાવવા આવ્યો અને કહ્યું: ‘જલદી ચાલો, ઘરમાં ઘણી તકલીફ છે.’ વૈદ્યરાજ વિદાય લઈને એની સાથે ચાલી નીકળ્યા. સાંજે જ્યારે પાછા ફર્યા ત્યારે બજારમાંથી ચોખા વગેરે આવશ્યક ચીજવસ્તુઓ લઈને આવ્યા. દૂરથી નાની થેલી બતાવીને કહ્યું: ‘જુઓ, સ્વામીજી! એણે આપ્યું છે!’ અને પછી ઘરમાં ચાલ્યા ગયા. સંક્ષેપમાં કહેવાનું હતું તે કહેવાઈ ગયું.

વૈદ્યરાજની પરમ શ્રદ્ધા, અટલ વિશ્વાસ અને પ્રભુશરણાગતિની દૃઢ ભાવના જોઈને હું સંન્યાસી રૂપે પણ મુગ્ધ બની ગયો. મારા હૃદયમાં વૈદ્યરાજ પ્રત્યે અત્યંત શ્રદ્ધા અને પ્રેમ ઉમટી આવ્યાં.

ઘરે સામગ્રી રાખીને વૈદ્યરાજ હસતાં હસતાં ફરી આવ્યા અને કહ્યું: ‘હું તો કહેતો હતો સ્વામીજી કે ભગવાન સાંજ સુધીમાં જરૂર દઈ દે છે. ભગવાને આજ સુધી સાવ ખાલી પેટ રાખ્યા નથી. ઘરમાં એક દાણોય પણ ન હોય પણ અપાર કૃપાળુ ભગવાન અવશ્ય કંઈકને કંઈક આપી દે છે, આવું તો ઘણા દિવસોથી થયા કરે છે… અને એમની કૃપા અસીમ છે, આ બાળકો પણ જો ખાવા માટે રડવા લાગે તો મા-બાપની માનસિક સ્થિતિ કેવી થઈ શકે, એ આપ સમજી શકો છો. પરંતુ તેઓ ચૂપચાપ બહાર રમવા ચાલ્યાં જાય છે. ક્યારેક ક્યારેક તો રાત સુધી આવી રીતે ખાલી પેટે રહીને પણ ઘરે જઈને કંઈ માગતાં નથી… કેવળ એટલું જ નહિ, તેઓ પોતાના સગાં-સંબંધીઓને ઘરે પણ નથી જતાં. એમની માતાએ એમને ના કહી છે, એટલે જ કોઈની પાસેથી ખાવાનું માગતાં નથી. પણ આજે હું આશ્ચર્યચકિત થઈ ગયો છું કે આપની પાસે આવીને એ બંને ખાવા લાગ્યાં. મારાં પત્ની પણ મને ક્યારેય ‘આ લઈ આવો’ એવું કહેતાં નથી. કોઈ વસ્તુની ક્યારેય માગણી કરતાં નથી. પેટીમાં પૈસા છે કે નહિ એ પોતે જ જોઈ લે છે અને પેટીમાં કંઈ ન હોય તો ઈશ્વરનું સ્મરણ કરીને ચૂપચાપ રહે છે. પોતાનું કર્તવ્ય જેટલું બની શકે તેટલું નિભાવે છે.’

આ સાંભળીને મેં કહ્યું: ‘પણ વૈદ્યરાજ એ બંને બાળકોએ કંઈ માગ્યું નથી. મેં જ બોલાવી લીધા હતા અને મારી સાથે આપનો સંબંધ કંઈક જુદો જ છે, એવું સમજીને કદાચ એમણે રાજી થઈને ખાવાનું સ્વીકાર્યું છે.’ વૈદ્યરાજ બોલ્યા : ‘હા, સ્વામીજી! એક સૌભાગ્યની વાત છે કે તેઓ આપની સાથે પ્રેમ રાખે છે. આપની પાસેથી એમણે કંઈક ખાવાનું લીધું છે, એમાં મને જરાય વાંધો નથી. આ તો આનંદની જ વાત ગણાય.’ 

મેં કહ્યું: ‘પણ વૈદ્યરાજ, એક વાત છે. ગૃહસ્થના ઘરમાં જો કંઈ ન હોય તો કોઈ બીજા ગૃહસ્થ પાસેથી ઉધાર લઈને પોતાના ઘરનું ગુજરાન ચલાવ્યા કરે છેને?’ આ સાંભળીને વૈદ્યરાજે કહ્યું: ‘હા, એ વાત સાચી સ્વામીજી. પણ મારા પૂજ્ય પિતાશ્રીએ એવો આદેશ આપ્યો છે કે ક્યારેય ઉધાર ન લેવું. હું આ મનાઈના આદેશ અનુસાર ચાલવાનો પ્રયત્ન કરું છું. કોઈ પણ વસ્તુ ઉધાર લેતો નથી અને ભગવાન જો સાંજ પડતાં ખાવાનું કંઈક દઈ દે છે તો પછી..’ મેં કહ્યું: ‘પરંતુ વૈદ્યરાજ, આપની પાસે તો દવા લેવા ઘણા લોકો આવ્યા કરે છે, આમ છતાંયે આવી હાલત કેમ?’

એ સાંભળીને વૈદ્યરાજે કહ્યું: ‘હા, સ્વામીજી. આ વાત સાચી છે કે મારી સેવા લેવા માટે ઘણા લોકો આવે છે અને જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી હું પ્રેમભાવે એમની યથોચિત સેવા કરું છું, દવા મારી પાસે હોવાથી એને આપું છું અને ન હોય તો દવાની વિગતવાર નોંધ લખીને આપું છું. એ લોકો બજારમાંથી બધું લઈ લે છે.. મારા પિતાશ્રીનો એવો આદેશ હતો કે ક્યારેય કોઈ પાસેથી દવા માટે કે વિઝિટના પૈસા ન લેવા. હું એમની એ આજ્ઞાનું પણ પાલન કરું છું. જે કોઈ પૂછે એને દવાનું ઉચિત મૂલ્ય બતાવી દઉં છું અને એ જે કંઈ આપે તે લઈ લઉં છું. મોટા ભાગના લોકો તો ઓછું જ આપે, પણ જેવી ઇચ્છા! વિઝિટ માટે પણ આવો જ નિયમ પાળું છું. વિઝિટના બે રૂપિયા રાખ્યા છે, પણ લોકો જે આપે તે લઈ લઉં છું અને ન દે તો માગતોયે નથી.’

આ સાંભળીને મેં કહ્યું: ‘ઘણું સારું, વૈદ્યરાજ. પણ આપ હિસાબ-કિતાબ લખી રાખો છો કે નહિ? એનું કારણ એ છે કે ઘણા દિવસો પછી કોઈ આવીને પૂછે કે કેટલા પૈસા થયા તો એ વખતે યાદ કરીને કહેવું મુશ્કેલ પડી જાય.’ વૈદ્યરાજે કહ્યું: ‘જી, હા. પ્રામાણિત હિસાબ રાખું છું. કોઈ પૂછે તો એક મિનિટમાં બતાવી શકું છું.’ મેં કહ્યું: ‘વાહ.. જો આપને કંઈ વાંધો ન હોય તો એ હિસાબની નોંધ મને બતાવશો ખરા?’ વૈદ્યરાજે જરા વિચારીને કહ્યું: ‘આપની સામે ગોપનીય કંઈ નથી.’ એમ કહીને એ ઊભા થયા અને હિસાબની નોંધપોથી લઈ આવ્યા. વાસ્તવિક રીતે હિસાબ બહુ સુંદર અને પ્રામાણિક રીતે રાખ્યો હતો. એમાં નામ, ઠેકાણું, તારીખ, દવા, એની કીમત અને બાકી રહેતી રકમની સાથે બીમારી, વિઝિટનો સમય, વગેરે હતાં.

એ યાદીમાંથી આશ્રમ સાથે સંકળાયેલા બે ત્રણ સજ્જનોનાં નામ પણ હતાં અને આ પરિવ્રાજક સંન્યાસીએ તરત જ અડસટે ગણતરી કરીને જોયું તો એમની પાસે બાકી રહેતી રકમ હજાર-બે હજાર રૂપિયાથી ઓછી નહિ હોય! બીજા કેટલાક એવાય સજ્જન ગૃહસ્થો હતા જેમણે વર્ષો સુધી એમની સેવા લીધી અને લેતા રહ્યા પણ ક્યારેય પૈસા દેવાની વાત જ વિચારી નહિ! એનું મુખ્ય કારણ કદાચ આ હશે કે વૈદ્યરાજ ક્યારેય માગતા નહિ, બિલ મોકલતા નહિ, અને એ બધા લોકો માટે એ પોતાના ઘરના માણસ જેવા થઈ ગયા હતા. આવા પોતાના માણસ માટે વિચારવાનું શું હોય?..

વૈદ્યરાજના ઘરેથી કહેણ આવ્યું. ખાવાનું તૈયાર થઈ ગયું હતું. નમસ્કાર કરીને તેઓ ચાલ્યા ગયા. આ પરિવ્રાજક સંન્યાસીએ તત્કાળ આશ્રમના સચિવને બોલાવીને બધી વાત જણાવી. જે બે-ચાર લોકો આશ્રમના ઘનિષ્ઠ સંપર્કમાં હતા એમને બોલાવી લાવવા કહ્યું. એ લોકો આવ્યા એટલે આ સંન્યાસીએ બધી વાત એમને કરી અને કહ્યું: ‘સજ્જનો, આ અનુચિત છે. આ વિશે વૈદ્યરાજે તો આપને કંઈ નથી કહ્યું, હું આપને એટલું કહું છું કે તેઓ માગતા નથી, એ કારણે એને દેવાનું ભૂલી જવું એ યોગ્ય નથી. સમય આવે એટલે એને આપી દેવું જોઈએ એ ધર્મ છે.’

આ સાંભળીને પેલા સજ્જનો કહેવા લાગ્યા: ‘પણ સ્વામીજી, વૈદ્યરાજ તો અમારા ઘરના માણસ જેવા છે. એમણે અમને કંઈ કહ્યું નહિ અને આપને…’ મેં કહ્યું: ‘આપ વળી પાછી એ જ વાત કરી રહ્યા છો. મેં એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે વૈદ્યરાજે મને કંઈ કહ્યું નથી. આ બધાનો તો એમના લખેલા હિસાબની નોંધ જોઈને મને ખ્યાલ આવ્યો. વળી એમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને હું આપને આ વાત કરું છું. એટલે વૈદ્યરાજને વચ્ચે ન લાવો… તમે બધા ધર્મપ્રાણ લોકો છો. આપ જેવાની નૈતિક ફરજ એ છે કે કોઈ પણ વ્યક્તિની મજૂરી સમયસર ચૂકવવી જોઈએ. પછી એ માગે કે ન માગે. એટલે જ જે યોગ્ય આપવાની રકમ થતી હોય તે યથા સમયે ચૂકવી દો.’

એ સદ્‌ગૃહસ્થો ઘરે ચાલ્યા ગયા અને થોડા રૂપિયા લગભગ ૭૦૦ રૂપિયા રાતે પહોંચાડી દીધા. સવારે બીજા કેટલાક લોકોએ પણ પૈસા આપ્યા. બે દિવસમાં વૈદ્યરાજને લગભગ રૂ.૧૫૦૦ની રકમ મળી. આની તો એમણે કલ્પનાયે કરી ન હતી… પરંતુ રાતના દસ વાગ્યા પછી વૈદ્યરાજ રડતાં રડતાં આવ્યા અને કહ્યું: ‘મહારાજ, આપે આ શું કર્યું? શા માટે કર્યું? મને અપાર દુ:ખ થાય છે. જે હું ક્યારેય કરતો નથી, તે આપે કરી દીધું, હવે મારું શું થશે?’ વગેરે કહેતાં કહેતાં એ રડવા લાગ્યા. આ સાંભળીને મેં કહ્યું: ‘તમે તો કંઈ કહ્યું નથી, મેં જ કહ્યું અને એનાથી જો કોઈ દોષ કે પાપ થયાં હોય તો એ મારાં જ છે. તેઓ સદ્‌ગૃહસ્થ છે, ધર્મપ્રાણ છે પણ પોતાનું કર્તવ્ય ચૂકી ગયા હતા. એક સંન્યાસીએ એને એ યાદ અપાવી દીધું અને સંન્યાસીનું કર્તવ્ય પણ આ જ છે… તમે દુ:ખી થાઓ છો, એ આપના ઉચ્ચ સંસ્કારનું લક્ષણ છે. એ જોઈને મને આનંદ થાય છે. સાચા ધાર્મિક વ્યક્તિને જ આવું થતું હોય છે… આપ નિશ્ચિંત રહો આ કામ આપે કર્યું નથી પરંતુ ઈશ્વરની પ્રેરણાથી એ કામ મારા દ્વારા થઈ ગયું. એટલે દોષ કે પાપનો અહીં કોઈ પ્રશ્ન જ નથી. આપ શાંત ચિત્ત થઈ જાઓ અને આરામ કરો.’.. વૈદ્યરાજ સજલ આંખે ઊઠીને ધીમે ધીમે ત્યાંથી ચાલ્યા ગયા.

બીજે દિવસે સવારે ઠીક ઠીક મોડેથી જ્યારે તેઓ ફરીથી મળ્યા ત્યારે એમની મુખાકૃતિ વેદનાપૂર્ણ હતી, જાણે કોઈ મોટો શોકાઘાત થયો હોય તેવી. આશ્ચર્ય! મનુષ્ય આવા પણ હોય છે. ત્રીજે દિવસે આગ્રહપૂર્વક મને પોતાને ઘરે લઈ ગયા. એમની ધર્મપત્નીનો જ આ વિશેષ આગ્રહ હતો. મેં ત્યાં જઈને જોયું તો સાડી, ધોતિયું વગેરે તડકામાં સુકાતાં હતાં – એકદમ ફાટેલાં ચીથરાં જેવાં, ગાંઠ વાળી વાળીને કોઈ રીતે આબરુની રક્ષા માટે યોગ્ય ઉપયોગી બનાવવાનો એમાં પ્રયાસ જોવા મળતો હતો. મેં પૂછ્યું: ‘વૈદ્યરાજ, આ શું?’ વૈદ્યરાજે કહ્યું: ‘રાતે ઘરમાં એને વાપરતાં રહ્યા, દિવસે બહાર માટે પહેરવાનું બધાંને માટે એકએક વસ્ત્ર છે અને સવારે બજારમાંથી ખરીદી લાવીશ. આપે જ ધન અપાવ્યું છે.’ આમ કહીને એની આંખોમાં આંસું છલકાવા લાગ્યાં. સતીનાં નેત્રોમાં પણ આંસું હતાં. પછી મેં જોયું કે આ દિવ્ય ગૃહસ્થનું ઘર અત્યંત પવિત્ર દેવાલય જેવું સ્વચ્છ, સુંદર, સુરુચિપૂર્ણ અને વ્યવસ્થિત હતું. એ કેવળ માટીનું બનેલું હતું એટલું જ પણ એ ઘરમાં એક એવું આધ્યાત્મિક વાતાવરણ મળ્યું કે જે મારી દૃષ્ટિએ અનોખું હતું, અપૂર્વ હતું.

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.