સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી પ્રસંગે શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની ગુજરાતની મુલાકાત

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દીના શુભ અવસરે રામકૃષ્ણ મઠ અને મિશનના આસી. સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ ૯મી સપ્ટેમ્બરે કલકત્તાથી મુંબઈ થઈ વડોદરા પધાર્યા ત્યારે વિમાન મથકે તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. ૩૦મી સપ્ટેમ્બરે તેમણે પ્રેમાનંદ ભવન, વડોદરામાં આધ્યાત્મિક શિબિરનું સંચાલન કર્યુ હતું.

૩૦મીએ સાંજે શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર, અમદાવાદ દ્વારા ભાઈકાકા હૉલમાં એક જાહેરસભાનું આયોજન થયું હતું. શ્રીમતી હર્ષિદા રાવલ અને શ્રી જર્નાદન રાવલનાં સુમધુર ભજનોથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી ઉજવણી સમિતિ, અમદાવાદના અધ્યક્ષ, શ્રીમતી સુધાબહેન દેસાઈના સ્વાગત પ્રવચન બાદ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ગણેન્દ્રનારાયણ રૉય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર શ્રી પી. બસુનાં પ્રવચનો થયાં હતાં. શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે ખીચોખીચ ભરેલા હૉલને સંબોધતાં કહ્યું હતું કે, ગુજરાતનું આ સદ્‌ભાગ્ય છે કે સ્વામી વિવેકાનંદે પોતાના પરિવ્રાજક જીવનનો સૌથી મોટો સમય ગુજરાતમાં ગાળ્યો હતો. તેથી ગુજરાતમાં તેમના ગુજરાત પરિભ્રમણની શતાબ્દી ધામધૂમથી ઉજવવી જોઈએ. વિશેષ કરીને યુવા વર્ગમાં સ્વામી વિવેકાનંદના સંદેશનો પ્રચાર-પ્રસાર થાય તે માટે સ્વામી વિવેકાનંદનાં સાહિત્યને સસ્તા દરે ઉપલબ્ધ કરાવી યુવા વર્ગમાં વહેચવું જોઈએ. મ્યુનિસિપલ કમિશ્નરે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, “રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર, અમદાવાદ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની ઉત્તમ જગ્યામાં જમીન ફાળવી રહ્યું છે અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સ્થાપનાનું આયોજન કરી રહ્યું છે,” તેને બિરદાવીને સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે યુવા ભાઈ-બહેનોને હાકલ કરી હતી કે સ્વામી વિવેકાનંદના આહ્‌વાન પર ઓછામાં ઓછાં એકસો યુવક-યુવતીઓ દેશને કાજે પોતાનું જીવન સમર્પી દે તો આ પરિભ્રમણ શતાબ્દીની ઉજવણી ખરેખર સાર્થક થશે.

પહેલી ઑક્ટોબરે સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ કાર દ્વારા લીંબડી થઈ રાજકોટ પધાર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. ત્રીજી ઑક્ટોબરે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં “શ્રીરામકૃષ્ણ અને આધુનિક યુગ” વિષય પર જાહેર સભા યોજવામાં આવી હતી. જેની અધ્યક્ષતા સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કરી હતી. સ્વામી નિ:સ્વાનંદજી મહારાજે (જેઓ ત્રિવેન્દ્રમ કેરલનાં નેટ્ટાયમ આશ્રમના અધ્યક્ષ છે) સભાને સંબોધન કર્યું હતું.

ચોથી ઑક્ટોબરે પૂ. સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ ધાણેટી (કચ્છ)ની મુલાકાતે ગયા હતા. ગ્રામવાસીઓએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.

પાંચમી ઑક્ટોબરે પૂ. સ્વામી આત્મસ્થાનંદજી મહારાજને શ્રી જલારામ બાપા અને નરસિહ મહેતા પ્રત્યેની તેમની શ્રદ્ધા-ભક્તિ વિરપુર અને જૂનાગઢ ખેંચી ગઈ હતી. પાંચમીએ સાંજે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં “શ્રીમા શારદાદેવી એક આદર્શ નારી” વિષય પર જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની અધ્યક્ષતા પૂ. મહારાજે કરી હતી. સ્વામી નિ:સ્વાનંદજી મહારાજે શ્રીમા શારદાદેવી વિષે ભાવવાહી પ્રવચન આપ્યું હતું.

છઠ્ઠી ઑક્ટોબરે સવારે આધ્યાત્મિક શિબિરની અધ્યક્ષતા પૂ. સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કરી હતી. તેમણે ધ્યાન વિષે સૂચનો આપતાં ઉપસ્થિત લોકોને લગભગ ૩૦ મિનિટ સુધી ધ્યાનમાં તલ્લીન બનાવી દીધા હતા. છઠ્ઠી ઑક્ટોબરે સાંજે આશ્રમમાં એક જાહેર સભાનું આયોજન થયું હતું જેની અધ્યક્ષતા પૂ. સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કરી હતી. વિષય હતો – “સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી પ્રસંગે આપણાં કર્તવ્યો.” સ્વામી નિ:સ્વાનંદજી મહારાજે અને રાજકોટના અગ્રણી શ્રી ઉમાકાંતભાઈ પંડિતે આ વિષે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

સાતમી ઑક્ટોબરે પૂ. સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ભમરિયા ગામની મુલાકાત લીધી હતી. આશ્રમ દ્વારા રાહત કાર્યરૂપે એક કૉમ્યુનીટી હૉલ સહિત ૨૮ નવનિર્મિત મકાનોની વસાહત (જેનું નામ રામકૃષ્ણ નગર રાખવામાં આવ્યું છે) જોઈને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ગ્રામજનોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આબાલ-વૃદ્ધ ગીતો ગાતાં ગાતાં, પુષ્પવૃષ્ટિ કરતાં કરતાં, બળદગાડીમાં પૂ. સ્વામીજીને બેસાડીને સરઘસાકારે આગળ આગળ જતાં હતાં.

આઠમીએ સવારે નિવેદિતા શાળા, ભાવનગરમાં આધ્યાત્મિક શિબિરનું સંચાલન પૂ. સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કર્યું હતું. આઠમીએ સાંજે તેઓ હવાઈ માર્ગે મુંબઈ જવા રવાના થયા ત્યારે ભાવનગર વિમાન મથકે ભક્તોએ તેમને ભાવભીની વિદાય આપી હતી.

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી ઉજવણી

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી નિમિત્તે સ્વામી વિવેકાનંદના સંદેશથી લોકોને માહિતગાર કરવા ગુજરાતનાં વિભિન્ન શહેરોમાં જાહેર સભાઓ યોજવામાં આવી હતી અને શૈક્ષણિક સંસ્થાઓમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીઓનાં પ્રવચનો તથા પ્રશ્નોતરીના કાર્યક્રમો યોજાયા હતા.

આણંદ અને વલ્લભવિદ્યાનગર

૮મી ઑગષ્ટે, બી.જે.વી.એમ. કોમર્સ કૉલેજ વલ્લભવિદ્યાનગરમાં બી.બી.એ. અભ્યાસક્રમના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે ETHICS IN MANAGEMENT વિષે અને અક્ષર પુરુષોત્તમ મંદિર, વિદ્યાનગરમાં ‘સ્વામી વિવેકાનંદનો યુવાનોને સંદેશ’ વિષે તથા નવમી ઑગષ્ટે, આણંદ આર્ટ્સ કૉલેજ, આણંદ, એમ.બી. પટેલ કોલેજ ઑફ એજ્યુકેશન વિદ્યાનગર, વી.પી.એ. સાયન્સ કોલેજ, વિદ્યાનગરમાં ‘સ્વામી વિવેકાનંદનો યુવા વર્ગને સંદેશ’ વિષે પ્રવચનો અને પ્રશ્નોત્તરીના કાર્યક્રમો યોજાયા હતા. ૯મી ઑગષ્ટે શ્રીરામકૃષ્ણ સેવા મંદિરમાં આધ્યાત્મિક શિબિર યોજાઈ હતી.

અમદાવાદ

૧૧ અને ૧૨ ધોરણના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે ૧૦મી ઑગષ્ટે રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં પ્રવચન અને પ્રશ્નોત્તરી તથા ૧૦મી ઑગસ્ટે શ્રીરામકૃષ્ણ -વિવેકાનંદ સેન્ટર, અમદાવાદ દ્વારા જાહેર પ્રવચનનું આયોજન થયું હતું.

વડોદરા

૧૨મી ઑગષ્ટે જી.ઈ.બી. સ્કૂલમાં ૧૧-૧૨ ધોરણનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે પ્રવચન અને પ્રશ્નોત્તરી, તથા તે જ દિવસે સાંજે શ્રીરામકૃષ્ણ -વિવેકાનંદ કેન્દ્ર દ્વારા જાહેર પ્રવચનનું આયોજન થયું હતું.

સુરેન્દ્રનગર

૧૩મી ઑગષ્ટે કે.પી. ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રવચન તથા પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજાયો હતો. ૨૮મી ઑગષ્ટે માનવ મંદિર મૈત્રી વિદ્યાલયમાં, આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલમાં અને શ્રીમતી એસ.યુ. શાહ ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રવચનો તથા પ્રશ્નોત્તરીના કાર્યક્રમો યોજાયા હતા. ર૯મી ઑગષ્ટે ડો. લક્ષ્મીચંદ મુળજીભાઈ ધ્રુવ બાલાશ્રમ (અનાથાશ્રમ)માં પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો.

લીંબડી

૧૩મી ઑગષ્ટે શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરમાં પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો.

જૂનાગઢ

૧૫મી ઑગષ્ટે, શ્રીરામકૃષ્ણ -વિવેકાનંદ કેન્દ્ર દ્વારા ‘સ્વામી વિવેકાનંદનો કર્મયોગ’ વિષય પર જાહેર પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો. ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે કૉમર્સ ઍન્ડ લૉ કૉલેજ, બી.બી.એ. કોલેજ, બહાઉદ્દીન આર્ટ્સ કૉલેજ તેમજ એગ્રીકલ્ચર કૉલેજના છાત્રાલયમાં પ્રવચનો તથા પ્રશ્નોત્તરીના કાર્યક્રમો યોજાઈ ગયા. અનુક્રમે વિષયો – ‘આજનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ’, ‘ભારતીય નારી અને સ્વામી વિવેકાનંદ’, ‘સ્વામી વિવેકાનંદનો યુવાનોને સંદેશ’ અને ‘આજના યુવાવર્ગની સમસ્યાઓ અને સ્વામી વિવેકાનંદ’.

જામનગર

૧૭મી ઑગષ્ટે સવારે મહિલા કોલેજમાં પ્રવચન તથા ૧૭મીએ સાંજે ટાઉન હૉલમાં ‘આધુનિક યુગ માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ’ વિષય પર જાહેરસભાનું આયોજન થયું હતું.

ભાવનગ૨

૨૪મી ઑગસ્ટે શ્રીરામકૃષ્ણ -વિવેકાનંદ કેન્દ્ર, ભાવનગર દ્વારા એક યુવ-સંમેલનનું આયોજન થયું હતું. જેનો લાભ લગભગ ૨૫૦ યુવા ભાઈ-બહેનોએ લીધો હતો. તે જ દિવસે સાંજે ‘સ્વામી વિવેકાનંદનો સંદેશ’ વિષય પર જાહેર સભાનું આયોજન થયું હતું. ૨૩મી સપ્ટેમ્બરે શામળદાસ આર્ટ્સ કૉલેજમાં અને ૨૪મીએ કાપડિયા મહિલા કોલેજ તેમજ ભાવનગર એન્જિનીયરીંગ કૉલેજમાં પ્રવચનો તથા પ્રશ્નોત્તરીના કાર્યક્રમો યોજાયા હતા.

માંડવી

૯મી સપ્ટેમ્બરે વિવેકાનંદ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં ‘સ્વામી વિવેકાનંદનો સંદેશ’ વિષય પર પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો.

ભૂજ

૧૦મી સપ્ટેમ્બરે રામકૃષ્ણ યુવક મંડળ ભૂજ દ્વારા ટાઉન હોલમાં ‘આજના વૈજ્ઞાનિક યુગ માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ’ એ વિષય પર જાહેર સભાનું આયોજન થયું હતું.

આદિપુર

૧૧મી સપ્ટેમ્બરે સવારે રામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદિપુર દ્વારા એક યુવ-સંમેલનનું આયોજન થયું હતું. જેમાં લગભગ ૧૫૦ યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. તે જ દિવસે સાંજે ઇફકો (IFFCO)ના ઓમ સાધના મંદિરમાં ‘આધુનિક યુગ અને સ્વામી વિવેકાનંદ’ વિષય પર જાહેર પ્રવચનો થયાં હતાં.

મોરબી

૨૦મી સપ્ટેમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલયમાં ‘બહેનો માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ’ વિષય પર પ્રવચન અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજાયો હતો.

બોટાદ

૨૫મી સપ્ટેમ્બરે કવિશ્રી બોટાદકર કૉલેજ, બોટાદ, શ્રીમતી રસીલાબહેન છબીલદાસ અમૃતલાલ શાહ બોયઝ હાઈસ્કૂલ, બોટાદ, શ્રીમતી લીલાવતીબહેન જયંતીલાલ શાહ ગર્લ્સ હાઈસ્કૂલ, બોટાદ તેમજ શ્રી મોહનલાલ દીપચંદ શાહ વિદ્યાલયના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે ‘યુવાનો માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ’ વિષય પર પ્રવચનો અને પ્રશ્નોત્તરીના કાર્યક્રમો યોજાયા હતા. એ જ દિવસે રાત્રે ‘આધુનિક યુગ માટે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના સંદેશની પ્રાસંગિકતા’ વિષય પર જાહેર પ્રવચનનું આયોજન થયું હતું.

રામકૃષ્ણ મઠ અને મિશનના સમાચાર

મદ્રાસ

મદ્રાસના શારદા વિદ્યાલય ગર્લ્સ હાયર સેકન્ડરી શાળાનાં આચાર્યા શ્રી શેલવી જે. રાજલક્ષ્મીને ૫ મી સપ્ટેમ્બરના રોજ ૧૯૯૦-૯૧નો શ્રેષ્ઠ શિક્ષક ઍવોર્ડ આપવામાં આવ્યો હતો.

માર્ચ ‘૯૧ની બોર્ડની પરીક્ષામાં મદ્રાસ મિશન આશ્રમ હાયર સેકન્ડરી સ્કુલના એક વિદ્યાર્થીએ ઓડિટિંગ અને એકાઉન્ટન્સિમાં વિષયમાં ૬૦૦માંથી પ૯૯ માર્ક્સ મેળવ્યા હતા.

વિશાખાપટ્ટનમ

આંધ્રપ્રદેશના રાજ્યપાલશ્રીના વરદ્હસ્તે ૯મી સપ્ટેમ્બરે વિશાખાપટ્ટનમની આશ્રમની સામેના ભાગમાં ૧૦ ફૂટ ઊંચી સ્વામી વિવેકાનંદની કાંસ્યપ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

સાલેમ

રામકૃષ્ણ મઠના સાલેમ કેન્દ્ર દ્વારા એક યુવ-સંમેલનનું આયોજન ઑગષ્ટ માસમાં થયું હતું. જેમાં ૧૮૦ ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

ત્રિપુરા

ત્રિપુરાના રામકૃષ્ણ મિશનના વિવેકનગર (આમતલી) કેન્દ્રની મુલાકાત ત્રિપુરાના કૃષિમંત્રી શ્રીનગેન્દ્ર જામતિયાએ ૧૫મી ઑગષ્ટે લીધી હતી. ત્રિપુરાના આદિવાસી કલ્યાણમંત્રી શ્રીદ્રાઉકુમાર રિઅંગે ૨૩મી ઑગષ્ટે આ કેન્દ્રના આદિવાસી યુવકો માટેના વ્યાવસાયિક પ્રશિક્ષણ કેન્દ્ર (Vocational Training Centre)નું ઉદ્‌ઘાટન કર્યું હતું.

આંધ્રપ્રદેશ પુનર્વસવાટ સેવા રાહતકાર્ય

(૧) આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રીકૃષ્ણકાંતના વરદ્હસ્તે, ૮૧ મકાનો (‘વિવેકાનંદપુરમ’ વિશાખાપટ્ટનમ જિલ્લો, તાલુકો, એસ. રાયવરમ) વાવાઝોડાગ્રસ્ત લોકોને અર્પણ કરવામાં આવ્યાં. આવાં બીજા બે સંકુલો આ અગાઉ અર્પણ કરવામાં આવ્યાં હતાં. એ જ ગામમાં બંધાયેલા “નૂતન શ્રીરામકૃષ્ણ મંદિર”નો પ્રતિષ્ઠા મહોત્સવ પણ એ જ દિવસે યોજવામાં આવ્યો હતો. યેલામંચાલી વિસ્તારના કોથાપાલેમ ગામના લોકો માટે બંધાયેલા “સાઈક્લોન શેલ્ટર હાઉસ”નું બાંધકામ ચાલુ છે.

(૨) ગુંટુર જિલ્લાના નિઝામાપટ્ટનમ વિસ્તારના મુક્તેશ્વરપુરમ અને કોથાપાલેમ ગામના લોકો માટે સાઈક્લોન શેલ્ટર હાઉસ કમ કોમ્યુનિટિ સેન્ટરનું બાંધકામ ચાલુ છે અને આદિવિપાલેમ ગામના રામાલયમનું પુનર્નિર્માણ પૂર્ણ થયું છે.

ગુજરાતમાં રાહત કાર્ય

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પાંચ ઓરડાવાળી બધી જ શૈક્ષણિક સુવિધાઓ સાથેની એક પ્રાથમિક શાળાનું શિલારોપણ પાંચમી સપ્ટેમ્બરે ભમરીયા – રામકૃષ્ણનગર (જિલ્લો : ભાવનગર) મુકામે થયું હતું. આ બાંધકામ પૂર્ણ થવાને આરે છે.

બાંગ્લાદેશ રાહત કાર્ય

બાંગ્લાદેશમાં વાવાઝોડાગ્રસ્ત ચિત્તાગોંગ જિલ્લામાં પુનર્વસવાટ સેવાકાર્ય રામકૃષ્ણ આશ્રમ, ઢાકા કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળમાં માલદા આશ્રમ દ્વારા માનવ રાહત સેવાકાર્ય

પશ્ચિમ બંગાળના ભૂતની (માલદા) બાહીનરાધિકાપુર (પશ્ચિમ દિનાજપુર)ના પૂરપીડિતોને ૨૮૬૦૦ કિ.ગ્રા. લોટ, ૬૫૦૦ કિ.ગ્રા. બટેટાં, ૬૫૦ કિ.ગ્રા. મીઠું વગેરેનું વિતરણ થયું હતું અને દવાઓ પણ આપવામાં આવી હતી.

સારગાછી આશ્રમ દ્વારા દૌલતપુર, બેગમપુર અને મુર્શીદાબાદના હર્ષી અને રાણીનગર એમ ચાર ગામોમાં દવાઓ ઉપરાંત ૧૨૦૦ સાડી, ૧૩૦૦ ધોતી, ૨૧૫૪ બાળકોનાં કપડાં અને ૯૭૫ ગરમ ધાબળાનું પૂરપીડિતોમાં વિતરણ કરવામાં આવ્યું છે.

ઓરિસ્સા પૂરરાહત સેવા

ભુવનેશ્વર આશ્રમ દ્વારા કટક જિલ્લાના જગતસિંઘપુર અને નીઆલી વિસ્તારનાં ૧૯ ગામનાં ૧૨૪૩ કુટુંબોમાં ૧૩૨૦૦ કિ.ગ્રા. ચોખા, ર૬૫૦ કિ.ગ્રા. કઠોળ, ૧૨૨૦ વાસણ સેટ, ૨૨૮૦ ધોતી, ૨૨૧૫ સાડી, ૨૩૭૦ બાળકો માટેનાં તૈયાર કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મધ્યપ્રદેશ મેડિકલ રાહત સેવા

નારાયણપુર આશ્રમ દ્વારા અબુઝમાડનાં પાંચ ગામડાંઓમાં ફાટી નીકળેલ કોલેરાના ઉપદ્રવ સમયે ૪૦૦ કોલેરાના દરદીઓને દાક્તરી સેવાઓ આપી હતી. કામચલાઉ કેમ્પ ઇસ્પિતાલ દ્વારા ૧૨૦૬ બહારના અને ૮૯ અંદરના દરદીઓને દાક્તરી સારવાર આપવામાં આવી હતી.

બાંગ્લાદેશ પૂરરાહત સેવા

દિનાજપુર આશ્રમ દ્વારા રંગપુર અને દિનાજપુર જિલ્લાના ૧૮૨૬ કુટુંબોમાં ૧૧૬૨ કિ.ગ્રા. ચોખા, ૩૨૮ કિ.ગ્રા. કઠોળ, પ૬ર કિ.ગ્રા. પૌઆ, ૧૧૨ કિ.ગ્રા. મમરા, ૧૯૭ કિ.ગ્રા. ગોળ, ૨૫૦ પાઉંડ બ્રેડ, ૧૦૦ પેકેટ બિસ્કીટ, ૭૫ કિ.ગ્રા. મીઠું, વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું, ૯૯૭ દરદીઓને દાક્તરી સેવાઓ આપવામાં આવી હતી.

વિદેશના સમાચાર

મોરિશિયસના વડાપ્રધાન સર આનેરુદ જુગનાથના વરદ્ હસ્તે રામકૃષ્ણ મઠના મોરિશિયસ કેન્દ્રના આશ્રમના નવા મકાનનું ઉદ્‌ઘાટન ૮મી સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતના હાઈકમિશ્નર શ્રી કે. કે. રાણા અને ઘણા વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

રામકૃષ્ણ મઠના બૉર્ન એન્ડ (U.K.) કેન્દ્ર દ્વારા રામકૃષ્ણ મઠનાં યુરોપનાં કેન્દ્ર માટે એક કોન્ફરન્સનું આયોજન ૨૫ થી ૩૦ જુલાઈ સુધી થયું હતું. રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી સ્વામી ગહનાનંદજી આ કોન્ફરન્સના અધ્યક્ષ હતા.

સેક્રેમેન્ટો (યુ.એસ.એ.) સ્થિત વેદાંત સોસાયટીનો ટૂંકો અહેવાલ (વર્ષ ૧૯૯૦-૯૧)

૧૩૩૭ મિશન એવન્યુ, કેર્મીશેલ, સેક્રેમેન્ટો, કેલિફોર્નિયા ૭૫૬૦૮ (ફોન : ૯૧૬-૪૮૯-૧૧૩૭)માં આવેલ આ કેન્દ્ર સાન ફ્રાન્સિસકોની વેદાંત સોસાયટીની એક શાખા તરીકે શરૂ કરવામાં આવેલ. ૧૯૫૨માં તેનું મુખ્ય કેન્દ્ર સાથે જોડાણ થયું અને પછી તે ૧૯૭૦માં એક સ્વતંત્ર કેન્દ્ર બન્યું. સ્વામી શ્રદ્ધાનંદજીના હસ્તક આ કેન્દ્ર છે જેમને સ્વામી પ્રપન્નાનંદજી મદદ કરી રહ્યા છે.

આ સ્વામીજીઓએ રવિવારની સભા, વેદાંતનાં શાસ્ત્રો ઉપર બુધવારના સાંજના વર્ગો, શનિવારની સવારનો સત્સંગ અને શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના સંદેશ ઉપર શનિવારના સાંજના વર્ગો ચલાવ્યા હતા. મંદિરમાં રોજની પૂજા, રવિવારે સંધ્યા આરતી અને સમૂહ-ધ્યાન હંમેશની જેમ યોજવામાં આવ્યું. વર્ષ દરમિયાન સોસાયટી સિવાય અન્ય સ્થળોએ ખાસ કરીને ડેવિસ અને ફ્રેસ્નો શહેરોમાં સ્વામીજીએ ઘણાં વ્યાખ્યાનો આપ્યાં.

સોસાયટી પાસે મઠ, લાઈબ્રેરી, વાચનાલય અને સગવડયુક્ત પુસ્તક વિક્રયની દુકાન છે. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા અને સ્વામી વિવેકાનંદની જન્મજયંતી તેમજ અન્ય ધાર્મિક ઉત્સવો જેવા કે દુર્ગા-પૂજા, કાલી-પૂજા, જન્માષ્ટમી, શિવરાત્રિ અને નાતાલની વિધિપૂર્વક આનંદથી ઉજવણી કરવામાં આવી. આશ્રમની પાછળના ભાગમાં આવેલ ચાર એકરની શાંતોદ્યાન જગ્યા કે જ્યાં શ્રીકૃષ્ણ, શિવ, શંકરાચાર્ય, શ્રીચૈતન્ય, મોઝીઝ, આસીસીના સંત ફ્રાન્સીસ અને ગુરુ નાનકની પ્રતિમાઓ રાખવામાં આવેલ છે, તેનો ભક્તોએ ખૂબ લાભ લીધો હતો.

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી નિમિત્તે ‘શિક્ષણનું ભારતીયકરણ’ વિષે શૈક્ષણિક પરિસંવાદનું આયોજન

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઉપક્રમે તા. ૭-૮ સપ્ટેમ્બર ‘૯૧ દરમિયાન ઉપરોક્ત પરિસંવાદ યોજાયેલ. રાજકોટ, જૂનાગઢ, કચ્છ-ભૂજ, વડોદરા, અંકલેશ્વર જિલ્લાઓમાંથી આવેલ અંદાજે ૯૬ ભાઈઓ અને ૮૨ બહેનો જેમાં આચાર્યો અને શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. શિક્ષણને સ્પર્શતા વિષયો જેવા કે શિક્ષણમાં ભારતીયકરણની તાતી જરૂર, કેળવણી દ્વારા રાષ્ટ્રપ્રેમ અને આંતરરાષ્ટ્રીય સમજ, કેળવણીમાં વૈશ્વિક અને આધ્યાત્મિક સિદ્ધાંતોનું મહત્ત્વ, સંસ્કૃતિ, વિજ્ઞાન અને કેળવણીના ક્ષેત્રે વિશ્વને ભારતનું નેતૃત્વ અને મૂલ્યલક્ષી શિક્ષણ-ઉપર પ્રસિદ્ધ શિક્ષણકારો, ચિંતકો જેવા કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. સિતાંશુ મહેતા, વિદ્વાન ચિંતક શ્રી ક્રાંતિભાઈ જોશી, ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ ડો. ધીરુભાઈ પરીખ, વિદ્વાન ચિંતક શ્રી દુષ્યતભાઈ પંડ્યા, જાણીતા ઉદ્યોગપતિ શ્રી શશિકાંતભાઈ મહેતા, ગુજરાત યુનિવર્સિટીના હિન્દી ભવનના અધ્યક્ષ અને પ્રસિદ્ધ સાહિત્યકાર ડો. ભોળાભાઈ પટેલ, સુરેન્દ્રનગર બી.ઍડ. કૉલેજના આચાર્ય ડો. મોતીભાઈ પટેલ, વિદ્વાન ચિંતક શ્રી કેશવલાલ શાસ્ત્રી, મૂર્ધન્ય સાહિત્ય-શિક્ષણકાર શ્રી યશંવતભાઈ શુક્લ, અગ્રણી ઉદ્યોગપતિઓ શ્રી કે.સી. શ્રોફ અને શ્રી પદ્માકરભાઈ મસૂરેકર, ગુજરાત કૃષિ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ડો. ચેતના માંડવિયા, પી.ડી. માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કૉલેજના પ્રિન્સિપાલ પ્રૉ. હિમતભાઈ શાહ, અને શ્રીમતી તારાબહેન શાહ જેવા વક્તાઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

પરિસંવાદના વિષયને વધુ સ્પષ્ટ કરવા શ્રીરામકૃષ્ણ વિદ્યાર્થી મંદિર, વિરાણી હાઈસ્કૂલ, લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય (અંગ્રેજી માધ્યમ) તેમજ સિસ્ટર નિવેદિતા સ્કૂલના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ સુંદર નાટ્ય પ્રયોગો રજૂ કર્યા હતા.

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી નિમિત્તે ‘ઇન્ડિયન ઈથોઝ ઇન મેનેજમેન્ટ’ વિષે યોજાઇ ગયેલ પરિસંવાદ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, ફાઉન્ડેશન ફૉર ઇન્ટીગ્રલ મેનેજમેન્ટ મુંબઈ અને રાજકોટ મેનેજમેન્ટ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે એક વિશિષ્ટ પ્રકારનો પરિસંવાદ ઇન્ડિયન ઈથોઝ ઈન મેનેજમેન્ટ- ‘મેનેજમેન્ટમાં ભારતીય મૂલ્યો’ વિશે ૨૭, ૨૮ અને ૨૯મી સપ્ટેમ્બરે યોજાઈ ગયો. જેમાં ઑલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિયેશન, વેસ્ટર્ન રિજીયન કાઉન્સિલ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ એન્જિનિયરીંગ એસોસીયેશન તથા કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડક્ટીવિટિ કાઉન્સિલ જેવી સુવિખ્યાત સંસ્થાઓએ પોતાનો સહયોગ આપ્યો હતો.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ, કલકત્તાના વિદ્વાન પ્રૉફેસર ડો. એસ.કે. ચક્રવર્તીએ કહ્યું, “મેનેજમેન્ટનું હાર્દ પોતાના અને બીજાના મનનું સંચાલન કરવું તે છે. અને આ ભારતીય મૂલ્યો દ્વારા જ શીખવી શકાય.” આ સિદ્ધ કરવા તેમણે ‘બિઝનેસ આશ્રમ’નો નવો જ વિચાર મૂક્યો જ્યાં બધા વ્યવસ્થાપકો ‘સાધકો’ બની રહે.

આ પરિસંવાદમાં એલેક્રીટ ફાઉન્ડેશન મદ્રાસના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર શ્રી અમોલ કર્નાડ, એક્સેલ ઈન્ડસ્ટ્રિઝના મેનેજીંગ ડિરેક્ટર શ્રી કાંતિભાઈ શ્રોફ અને ડિરેક્ટર શ્રી જી. નારાયણ, વોન્ડર લિમિટેડ મુંબઈના પર્સોનેલ મેનેજર શ્રી એમ. બી. મેન્ડોર, એમ.એમ.સી. સ્કૂલ ઑફ મેનેજમેન્ટ મુંબઈના ડિરેક્ટર ડો. એન. એચ. અથ્રેય, સ્વાધ્યાય પરિવાર, ગુજરાતના શ્રી દેવેન્દ્રભાઈ ભટ્ટ અને ડો. મહિપતભાઈ રાવલ, આણંદની રૂરલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટના પ્રૉ. સુભાષ શર્મા વગેરેએ ભારતીય મૂલ્યોને વફાદાર રહી પોતપોતાના ઉદ્યોગ-વ્યવસાયમાં તેઓ કઈ રીતે પ્રગતિ સાધી શક્યા છે તેનું વર્ણન કર્યું હતું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, મુંબઈના સ્વામી સોમેશ્વરાનંદજી, મુંબઈની અનેક કંપનીઓ માટે ‘મેનેજર ટ્રેઈનિંગ સેશન્સ’ ચલાવે છે. તેમણે અનુરોધ કર્યો હતો કે સફળતા માટે ‘મનનું નિયંત્રણ’ જરૂરી છે. આથી દરેક કંપનીઓએ પોતાના મેનેજર પ્રશિક્ષણ કાર્યક્રમોમાં ધ્યાનનો પ્રયોગ દાખલ કરવો જોઈએ.

પરિસંવાદના પ્રેરણાસ્ત્રોત પૂજ્ય સ્વામી જિતાત્માનંદજીએ દરેક સત્રમાં અત્યંત પ્રેરણાદાયી જુસ્સાભર્યા પથદર્શક વ્યાખ્યાનો આપતાં જણાવ્યું હતું કે મેનેજમેન્ટના વ્યવસાય માટે પાશ્ચાત્ય લેખકો પણ વેદાંતના ભારતીય દર્શનને કેન્દ્રમાં રાખી પુસ્તકો લખી રહ્યા છે ત્યારે આપણે ભારતીયોએ આપણા પ્રાચીન મૂલ્યોને મેનેજમેન્ટમાં અને જીવનમાં સ્થાન આપવા અગ્રેસર રહેવું જોઈએ.

શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટઃ આગામી કાર્યક્રમો

૨૪ ડિસેમ્બર મંગળવાર : ‘ક્રિસ્ટમસ ઈવ’ના પાવનકારી પ્રસંગે સાંજે સાત વાગે પૂજા, નૈવેદ્ય અને ‘ઈશુખ્રિસ્તનાં જીવન-સંદેશ’ વિષે રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ દ્વારા પ્રવચન.

૨૭ ડિસેમ્બર શુક્રવાર : શ્રીમા શારદાદેવી જન્મતિથિ નિમિત્તે સવારે ૫-૧૫ થી બપોરના ૧૨ સુધી મંગલ આરતી, ભજન, વિશેષ પૂજા, હવન, પ્રસાદ વિતરણ વગેરે. સાંજે ૫-૩૦ થી ભજન, સંધ્યા આરતી અને શ્રીમા શારદાદેવી વિશે રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ દ્વારા પ્રવચન.

તા. ૨ અને ૧૮ નવેમ્બરે અને ૨, ૧૭ અને ૩૧ ડિસેમ્બરે એકાદશી નિમિત્તે શ્રીરામનામ સંકીર્તન સંધ્યા આરતીના એક કલાક પહેલાં.

૨૪મી નવેમ્બરે અને ર૯મી ડિસેમ્બરે સવારે ૮-૩૦ થી ૧૦ સુધી આધ્યાત્મિક શિબિર

દર રવિવારે સાંજે ૫-૩૦ વાગે સામાન્યત: સ્વામી જિતાત્માનંદજીનું ‘કઠોપનિષદ’ પર પ્રવચન અને દર શનિવારે સાંજે ૫-૩૦ વાગે સામાન્યત: સ્વામી નિખિલેશ્વરાનંદનું ‘કર્મયોગ’ પર પ્રવચન યોજાય છે.

દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે ભાઈઓ માટે વિવેકાનંદ યુથ સ્ટડી સર્કલ સાંજના ૫-૫૦ વાગે.

અમને જણાવતા આનંદ થાય છે કે શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના અધ્યક્ષ પરમ પૂજનીય શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ નવેમ્બર ‘૯૧ દરમિયાન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધારી રહ્યા છે. તેઓ મુંબઈથી તા. ૨૦-૧૧-૯૧ હવાઈ માર્ગે પધારશે અને તા. ૨૪-૧૧-૯૧ મુંબઈ જવા રવાના થશે.

એમના અહીંના રોકાણ દરમિયાન તેઓ દર્શન અને પ્રણામ માટે સવારના સંભવત: ૧૧ વાગ્યે તથા સાંજના આરતી, પ્રાર્થનાના સમયથી એક કલાક પહેલાં મળી શકશે. આ સિવાય તેઓ ધાર્મિક પ્રવચન આપશે તથા ભાવિકજનોને આધ્યાત્મિક માર્ગદર્શન આપશે.

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.