શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

મૂલ્યલક્ષી શિક્ષણ કાર્યક્રમ

રાજકોટ તથા આસપાસના વિસ્તારની શાળાઓમાંથી ૧૫ જુલાઈથી ૧૫ ઓગસ્ટ દરમિયાન ધો. ૬ થી ૮ ના ૬૭૮ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૯ થી ૧૧ ના ૧૧૫૫ વિદ્યાર્થીઓએ રાજકોટ આશ્રમની મુલાકાત લીધી. આશ્રમ-મુલાકાત દરમિયાન તેમને ધોરણ અનુસાર સ્વામી વિવેકાનંદનું જીવન-પ્રદર્શન, સ્વામીજીના પ્રેરક પ્રસંગ પર નાટક, ચરિત્ર-નિર્માણ અંગે માર્ગદર્શન, પ્રેરણાદાયી વિડિયો ક્લિપ-પ્રદર્શન, પુસ્તક-વાંચન, ક્વિઝ, એકાગ્રતાની રમતો, યોગાસન-પ્રાણાયામ, મંદિરમાં ધ્યાન, વેદપાઠ, ગીતાપાઠ, પ્રાર્થના અને પુષ્પાંજલિ વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. અંતમાં તેઓને પુસ્તક તથા નાસ્તો આપવામાં આવ્યાં.

૧૫ ઑગસ્ટ – સ્વતંત્રતા દિવસની ઉજવણી

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પરિસરમાં ભારતીય સેનાના પૂર્વ સૈન્ય અધિકારી કેપ્ટન જયદેવ જોશી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું, જેમાં આશ્રમના સર્વે સંન્યાસીઓ, સ્વયં-સેવકો  તેમજ વિવિધ પ્રકલ્પોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. આ નિમિત્તે આશ્રમના જ એક પ્રકલ્પ ‘વિવેકાનંદ સર્વિસ કૉર’ના વિદ્યાર્થીઓએ પરેડ યોજી, તેમજ તેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવાવાળા કેડેટ્સનું કેપ્ટન શ્રી જયદેવ જોશીના વરદ હસ્તે સન્માન પણ કરાયું.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી

આશ્રમના શ્રીમંદિરમાં ૧૬ ઑગસ્ટના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. સવારે સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્‌ ગીતા તથા વિષ્ણુસહસ્રનામનો પાઠ તેમજ સંધ્યા આરતી પછી વિશેષ પૂજા, ભજન તથા શ્યામનામ સંકીર્તન થયાં. બધા કાર્યક્રમમાં ૨૦૦થી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત બીજે દિવસે સંધ્યા આરતી પછી આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ‘ભગવાન શ્રીકૃષ્ણ—જીવન અને સંદેશ’ પર પ્રવચન આપ્યું.

એક સમર્પિત જીવનનાં શતવર્ષ

રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ ભક્ત શ્રી કિશોરભાઈ શાહે ૧૯ જુલાઈના રોજ પોતાના જીવનનાં ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યાં. શ્રી કિશોરભાઈએ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન રાજકોટ સહિત ગુજરાત અને દેશભરનાં રામકૃષ્ણ સંઘનાં વિવિધ કેન્દ્રોના શિક્ષણ, તબીબી તથા ગ્રામોદ્ધાર જેવા અનેક સેવાકીય પ્રકલ્પોમાં વિશાળ પ્રમાણમાં આર્થિક સહયોગ પ્રદાન કર્યો છે. ઉપરાંત, દેશ-વિદેશમાં રહેલા અનેક ઉદાર દાતાઓને તેમણે આ પ્રકલ્પોમાં દાન આપવા પ્રોત્સાહિત કર્યા છે. આમ, રામકૃષ્ણ સંઘની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં તેમનો ફાળો અનન્ય અને અભૂતપૂર્વ રહ્યો છે.

તેમની જન્મશતાબ્દી નિમિત્તે આશ્રમમાં એક સૌહાર્દપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યનાં સાતેય કેન્દ્રોના અધ્યક્ષ તથા સચિવ સ્વામીજીએ શ્રી કિશોરભાઈનું સન્માન કર્યું. કાર્યક્રમમાં રાજકોટના અનેક ભક્તોએ પણ ઉપસ્થિત રહી, તેમના દીર્ઘકાળના સેવાયોગ બદલ તેમનું હાર્દિક બહુમાન કર્યું.

કાર્યક્રમ દરમિયાન રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ શ્રી કિશોરભાઈના સેવા-ભાવની હૃદયપૂર્વક સરાહના કરી અને તેઓના સ્વાસ્થ્ય માટે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના વ્યક્ત કરી. શ્રી કિશોરભાઈએ પણ પોતાના સંક્ષિપ્ત વક્તવ્યમાં જણાવ્યું કે કેવી રીતે તેમને સેવાકીય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાનું પ્રોત્સાહન મળ્યું અને રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસીઓ તરફથી તેમને કેવી રીતે સતત સહકાર અને માર્ગદર્શન સાંપડ્યાં. અંતે, તેમણે ઉપસ્થિત ભક્તો તથા નવી પેઢીને સંઘની સેવાપ્રવૃત્તિઓમાં યથાશક્તિ યોગદાન આપવા માટે હાકલ કરી.

શ્રી વિજયભાઈ રૂપાણીના પરિવાર દ્વારા શ્રીરામકૃષ્ણ આશ્રમ પરિસરમાં  તેઓના જન્મદિવસની ઉજવણી

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેમજ રાજકોટના ભૂતપૂર્વ મેયર શ્રી વિજયભાઈ રૂપાણી તા. ૧૨ જૂનના રોજ દુર્ભાગ્યવશ વિમાન અકસ્માતમાં અવસાન પામ્યા. તા. ૨ ઑગસ્ટના રોજ શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે તા. ૧ ઑગસ્ટના રોજ તેઓના પરિવાર દ્વારા આશ્રમ પરિસરમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ૧૫૦થી વધુ બાળકોને સ્વામી વિવેકાનંદનું જીવન અને સંદેશ દર્શાવતું ચલચિત્ર બતાવવામાં આવ્યું.

રાજકોટના કોર્પોરેટર શ્રી નેહલભાઈ શુક્લે આશ્રમ પરિસરમાં આ કાર્યક્રમ યોજવાને સૌભાગ્ય ગણાવ્યું.

શ્રી વિજયભાઈના સુપુત્ર શ્રી ઋષભભાઈ રૂપાણીએ જણાવ્યું કે તેમના પિતાશ્રી વિવેકાનંદજીનાં પુસ્તકો વાંચતા હતા અને તેમણે તેમના સિદ્ધાંતો જીવનમાં અપનાવ્યા હતા.

તેઓએ જણાવ્યું કે પિતા અને માતા દ્વારા જ આ સંસ્કારો તેમના પુત્રોમાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું તેઓ પોતે નિયમિત ધોરણે આશ્રમમાં આવે છે તથા વચન આપ્યું કે આશ્રમમાં આવતા રહેશે.

આશ્રમ અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પણ શ્રી વિજયભાઈ રૂપાણીનો આશ્રમ સાથેનો સંબંધ જણાવ્યો. તેમણે જણાવ્યું કે શ્રી વિજયભાઈ તેમની યુવાવસ્થામાં આશ્રમમાં નિત્ય પધારતા હતા.

કાર્યક્રમના અંતે સહુ બાળકોને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોની ભેટ આપવામાં આવી.

Total Views: 5

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.