(૧) શ્રીરામકૃષ્ણ મિશન, જલપાઈગુડી દ્વારા માલ તાલુકાના ચાંદમારી પંચાયતનાં ૨૦૬ પૂરગ્રસ્ત કુટુંબોમાં ૨૯ ક્વિન્ટલ ચોખા, ૪ ક્વિન્ટલ દાળનું વિતરણ કરવામાં આવ્યું હતું. જલપાઈ ગુડી શહેરમાં ૨૦૦ લોકોમાં રાંધેલ ખિચડીનું વિતરણ થયું હતું.

(૨) શ્રીરામકૃષ્ણ મિશન, નરેન્દ્રપુર દ્વારા રાણીનગર, જલાંગી અને મુર્શિદાબાદ જિલ્લાનાં બીજાં ૬ ગામડાંમાં પુરગ્રસ્ત લોકો માટેનાં મકાનોનું બાંધકામ ચાલુ છે.

રામકૃષ્ણ મિશનના વિદ્યાર્થીઓની ઉજ્જ્વળ સિદ્ધિઓ

જુલાઈમાં બેંગકોક(થાઈલઁડ)માં ૫૩ રાષ્ટ્રોમાંથી આવેલા ૨૦૦ વિદ્યાર્થીઓની ‘ઈન્ટરનેશનલ કૅમિસ્ટ્રી ઓલંપિયાડ’માં ચેન્નઈ મિશન-આશ્રમની સાઉથ સ્કૂલના એક વિદ્યાર્થીને રૌપ્યચંદ્રક મળ્યો છે.

પ.બંગાળના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં રામકૃષ્ણ મિશન, નરેન્દ્રપુરના વિદ્યાર્થીઓએ ૮મું, ૧૨મું, ૧૪મું, ૧૯મું, ૨૦મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રામકૃષ્ણ મિશન, રાહરા કેન્દ્રના એક વિદ્યાર્થીએ ૪થું સ્થાન મેળવ્યું છે.

મહોત્સવ

શ્રીરામકૃષ્ણ મિશન, આસાનસોલમાં શ્રીમત્  સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ્ હસ્તે ૨૬મી જુલાઈ, ૯૯ના રોજ પ્રાર્થનાહૉલ અને શૈક્ષણિક સંકુલનો શિલાન્યાસવિધિ થયો હતો.

સૅક્રામૅન્ટોના(યુ.એસ.એ.)વડા સ્વામી પ્રપન્નાનંદજીએ ગુજરાતની તા. ૪ થી ૧૦ ઑગસ્ટની મુલાકાત દરમ્યાન રાજકોટ, લીંબડી, પોરબંદર અને અમદાવાદમાં ‘અમૅરિકામાં વેદાંત’ વિશે પ્રવચનો આપ્યાં હતાં.

સેવા પ્રતિષ્ઠાની ઈસ્પિતાલે પોતાનો સ્થાપનાદિન ૨૪મી જુલાઈએ ઉજવ્યો હતો, તેમજ ૨૪ અને ૨૫ જુલાઈએ યોજાયેલ ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅડિકલ સાયન્સ’ની વાર્ષિક વૈજ્ઞાનિક કૉન્ફરન્સનું ઉદ્‌ઘાટન પ.બંગાળના રાજ્યપાલશ્રી જસ્ટિસ શ્રીશ્યામલકુમાર સેને કર્યું હતું. આ કૉન્ફરન્સમાં રાજ્યની સાત યુનિવર્સિટીના કુલપતિઓએ હાજરી આપી હતી.

શ્રીરામકૃષ્ણ મિશન, પૉર્ટબ્લેય્‌રમાં ૧૮ જુલાઈ, ૯૯ના રોજ ‘ભારત અને તેની સંસ્કૃતિ’ વિશે યોજાયેલ સેમિનારમાં શ્રી શ્યામલકુમાર સેન, આંદામાન અને નિકોબાર ટાપુના લે. ગવર્નર શ્રી આઈ.પી. ગુપ્તા અને ઈંડિયન નેવીના વાઈસ એડમિરલ શ્રી રમણપુરીએ પોતાનાં પ્રવચનો આપ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા થયેલ ગ્રામ્ય વિસ્તારમાં ધર્મસભાઓ અને સેવાકીય પ્રવૃત્તિઓ

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના વિચારો ગામડે ગામડે પહોંચે તે રીતે સુરેન્દ્રનગર જિલ્લાનાં ગામડાંમાં ધર્મસભાઓનું આયોજન આ વર્ષથી શરૂ થયું છે. આ સભામાં ગ્રામ્યજનો ઉત્સાહથી ભાગ લે છે. જુન-જુલાઈમાં આવી ૬ ધર્મસભાઓ યોજાઈ હતી. ૨૦ શાળાઓના ગરીબ વિદ્યાર્થીઓને ૨૦૦૦ નોટબૂક તથા ગરીબ લોકોમાં ૯૦૦ કપડાંનું વિતરણ સેવાકાર્ય પણ થયું છે.

૨૦-૮-૯૮ના રોજ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નેત્રયજ્ઞમાં ૪૬ ભાઈઓ અને ૯૧ બહેનોને તપાસવામાં આવ્યાં હતાં. આવશ્યક દવા અને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૭ ભાઈઓ અને ૭ બહેનોના આંખનાં ઑપરેશન શિવાનંદ મીશન, વીરનગરમાં કરવામાં આવ્યાં હતાં.

નેશનલ સાયન્સ સમ્મીટ, બઁગલોરમાં દેશની સમસ્યાઓ વિશે ચર્ચા

ભારતીય વિદ્યાભવન, ઈંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ અને જવાહરલાલ નહેરુ સેન્ટર ફૉર ઍડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના સંયુક્ત ઉપક્રમે બઁગલોરમાં તા.૭ અને ૮ ઑગસ્ટ, ૧૯૯૯ના રોજ યોજાયેલ નેશનલ સાયન્સ સમ્મીટમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી જિતાત્માનંદજી મહારાજ તા.૮ ઑગસ્ટના ૪.૩૦ થી  ૫.૩૦ના સત્રમાં અધ્યક્ષ સ્થાને રહ્યા હતા. આઠ સત્રની બે દિવસની આ શિબિરમાં આપણા રાષ્ટ્રની ગરીબી, બેરોજગારી, આરોગ્ય, પર્યાવરણ જેવી આજની વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે આજનું વિજ્ઞાન અને ટૅકનૉલૉજી  કેવો મહત્ત્વનો ભાગ ભજવી શકે તે વિશે તેમજ મૅનૅજમૅન્ટ અને સાર્વત્રિક વ્યવસ્થાતંત્રને પણ કેવી રીતે ૨૧મી સદીને અનુરૂપ બનાવી શકાય તે વિશેની ચર્ચામાં ભારતરત્ન શ્રી સી.સુબ્રમણિયમ્, ડૉ. આર. ચિદમ્બરમ્, ડૉ. રાજા રમન્ના, પ્રૉ. એમ.એસ. સ્વામીનાથન્, પ્રૉ. સી.એન.આર. રાવ, ડૉ. એસ. વરદરાજન્, ડૉ. કે. કસ્તુરીરંગન્ અને ડૉ. આર. એ. માશેલકર જેવા સર્વવિદ વૈજ્ઞાનિકો, ચિંતકો, તજ્જ્ઞોએ ભાગ લીધો હતો.

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા યોજાયેલ જ્ઞાનયજ્ઞ

રામકૃષ્ણ મિશન – વિવેકાનંદ મૅમૉરિયલ, પોરબંદર દ્વારા વ્યક્તિત્વ વિકાસ પર પ્રવચન, પ્રાર્થના, પ્રશ્નોત્તરીના કાર્યક્રમોનો પોરબંદર અને જામનગર જિલ્લાની ૧૨ શાળાનાં ૩૩૩૫ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ લાભ લીધો હતો.દરેક વિદ્યાર્થીને સ્વામી વિવેકાનંદનું અત્યંત પ્રેરણાદાયી પુસ્તક ‘શક્તિદાયી વિચાર’ ભેટ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરેક સંસ્થાના પુસ્તકાલય માટે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનાં ૭૫ પુસ્તકોનો સેટ પણ ભેટ આપવામાં આવ્યો હતો. વ્યક્તિત્વ વિકાસને લગતી આ શિબિરો હવે સૌ કોઈનું ધ્યાન ખેંચતી થઈ છે.

ક્રમ       તારીખ              સંસ્થા                                                                           સંખ્યા

૧.         ૫-૭-૯૯            એન.ડી.રૂપારેલિયા ઉ.મા.શાળા, માધવપુર                           ૩૫૦

૨.         ૬-૭-૯૯             આર્યકન્યા ગુરુકુળ, પોરબંદર                                             ૭૫૦

૩.         ૯-૭-૯૯            મોઢવાડિયા હાઈસ્કૂલ, વડાળા                                           ૧૪૦

૪.         ૧૨-૭-૯૯           રૂપાળીબા પ્રાથમિક શાળા, પોરબંદર                                   ૨૦૦

૫.         ૧૨-૭-૯૯           રામબા પ્રાથમિક શાળા, પોરબંદર                                       ૧૮૦

૬.         ૧૭-૭-૯૯          રાણાવાવ ઉ.મા. શાળા, રાણાવાવ                                      ૧૭૦

૭.         ૨૦-૭-૯૯          દેવરિયા હાઈસ્કૂલ, દેવરિયા                                    ૧૦૨

૮.         ૨૦-૭-૯૯          જી.એન.ડી.સી., નંદાણા                                                   ૨૬૦

૯.         ૧૭-૮-૯૯           વિદ્યાવિહાર હાઈસ્કૂલ, દ્વારકા                                             ૩૨૫

૧૦.       ૧૭-૮-૯૯           એન.ડી. ઉ.મા. શાળા, દ્વારકા                                            ૨૦૦

૧૧.        ૨૦-૮-૯૯           ભારતીય વિદ્યાલય, પોરબંદર                                             ૨૫૦

૧૨.       ૨૧-૮-૯૯           આર્યકન્યા ગુરુકુળ કૉલેજ, પોરબંદર                                   ૨૭૦

નેત્રયજ્ઞ

રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મૅમૉરિયલ, પોરબંદર દ્વારા ૧૫ જુલાઈના રોજ શિવાનંદ મિશન, વીરનગરના સહયોગથી નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. જેમાં ૧૨૦ દર્દીઓને તપાસવામાં આવ્યાં હતાં અને ૧૮ દર્દીઓનાં નિ:શુલ્ક ઑપરેશન પણ કરવામાં આવ્યાં હતાં.

સર્વરોગ નિદાન શિબિર

રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મૅમૉરિયલ, પોરબંદર દ્વારા ૧૮ જુલાઈના રોજ સર્વરોગ નિદાન શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં ૧૦૧ દર્દીઓનાં વિના મૂલ્યે ચિકિત્સા અને નિદાન કરવામાં આવ્યાં હતાં. આ શિબિરમાં જૂનાગઢ તેમજ પોરબંદરના નિષ્ણાત ડૉક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી. શિબિરનું ઉદ્‌ઘાટન પોરબંદરના જાણીતા સમાજસેવક શ્રીહરસુખભાઈ બુદ્ધદેવે કર્યું હતું. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ‘શિવભાવે જીવસેવા’ના શ્રીરામકૃષ્ણદેવે પ્રબોધેલા આદર્શને ચરિતાર્થ કરવા રામકૃષ્ણ મિશનની વિવિધ સેવાઓનો ખ્યાલ આપ્યો હતો.

રાહત સેવાકાર્ય

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ‘તમારું ઘર તમે બાંધો’ એ યોજના હેઠળ પોરબંદર જિલ્લાના શ્રીનગર અને કુછડી  ગામના વાવાઝોડા ગ્રસ્ત ૨૦ ગરીબ કુટુંબોમાં ૫,૫૦૦ નળિયાંનું વિતરણ કરવામાં આવ્યું છે.

Total Views: 167

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.