બેલૂરમઠમાં, શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજની અંત્યેષ્ટિ વિધિ
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષશ્રી શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ ૧૦ ઑગસ્ટ, ‘૯૮ના રોજ બપોર પછી ૨-૨૮ વાગ્યે બ્રહ્મલીન થયા. તેમનો અંત્યેષ્ટિ સંસ્કાર બેલૂરમઠના વિસ્તારમાં ગંગા કિનારે સમાધિ પીઠમાં ૧૧ ઑગસ્ટ, ‘૯૮ના રોજ સાંજના ૬ કલાકે સંપન્ન થયો. આશરે ૧.૫ લાખ ભાવિકજનોએ એમને શ્રદ્ધાસુમન અર્પ્યાં હતાં.
આકાશવાણી દ્વારા ભારતના સન્માનનીય રાષ્ટ્રપતિજી, વડા પ્રધાનશ્રી, તથા પશ્ચિમ બંગાળના રાજ્યપાલશ્રીએ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજને આપેલા શોક સંદેશ પ્રસારિત થયા હતા. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાનશ્રીએ શ્રદ્ધાસુમન અર્પ્યાં હતાં. ભારતના ગૃહપ્રધાનશ્રી ઍલ.કે. અડવાણી, માનવ સંસાધન ખાતાના પ્રધાન શ્રી ડૉ. મુરલી મનોહર જોષી, તેમજ પોર્ટ બ્લેય્રના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી આઈ. પી. ગુપ્તાએ પણ શોક સંદશા પાઠવ્યા હતા.
બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજની સ્મૃતિમાં પ્રાર્થના-સભા, રાજકોટ
‘સાહજિક વિનમ્રતા સાથે સર્વોત્કૃષ્ટ-જ્ઞાન એ ઉચ્ચતર આધ્યાત્મિક વ્યક્તિ પાસે જ હોય’ ૪૫૦ જેટલા ભક્તજનોની શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ૧૨મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજની પ્રાર્થના સભામાં કેટલાંક અનુભવ – દૃષ્ટાંતો સાથે શ્રીરામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ ભક્તજનો સમક્ષ આ શબ્દો ઉચ્ચાર્યા હતા. એમનું સહજ-સરળ વ્યક્તિત્વ, ગુજરાત પ્રત્યેનો એમનો પ્રેમભાવ, પ્રાચીન શાસ્ત્રો અને આધુનિક જ્ઞાન-વિજ્ઞાન પ્રત્યેની એમની આગવી દૃષ્ટિને લીધે એમણે સૌનાં મન હૃદય જીતી લીધાં હતાં. આ પ્રસંગે સૌરાષ્ટ્ર રેન્જના આઈ. જી. પી. શ્રી જાની સાહેબે પોતાના છાગાત્રાવાસ દરમિયાન સ્વામી ભૂતેશાનંદજી મહારાજે દાખવેલ માતા-પિતા જેવાં પ્રેમવાત્સલ્ય તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની કાળજીભરી સંભાળને યાદ કરીને એમને અંજલી આપી હતી. જામનગરના ડૉ. દુષ્યંત પંડ્યાએ જામનગરમાં દર અઠવાડિએ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં શ્રી રામકૃષ્ણ કથામૃત વિશેનાં વ્યાખ્યાનોને યાદ કરીને એમને શ્રદ્ધાસુમન અર્પ્યાં હતાં. શ્રીરામકૃષ્ણ આશ્રમના વરિષ્ઠ સંન્યાસી સ્વામી પ્રમાનંદજીએ એમની સહજ સરળતા અને સાધુતાભરી સાદગીના પ્રસંગો ટાંકતાં કહ્યું: “હાથે રાંધવું, એક નાની ઓરડીમાં સૂઈ રહેવું, પોતાનાં કામ પોતાનાં હાથે કરવાં અને અતિથિઓનું સ્વાગત કરવા પોતે જ દરવાજે ઊભા રહેવું, ઓછામાં ઓછી સગવડ સાથે જીવવું એ વિશે વાતો-પ્રસંગો રજૂ કરીને એમની સાધુતા, સરળતા, વિનમ્રતા અને રમૂજી સ્વભાવની સૌને યાદ અપાવી હતી.” શ્રીરામકૃષ્ણ મિશન લીંબડીના સેક્રેટરી સ્વામી આદિભવાનંદજીએ એમને અંજલી આપતાં કહ્યું: “એમણે જે સંસ્થાનો પાયો નાખ્યો હતો એ સંસ્થા આજે એક વિશાળ વટવૃક્ષ જેવી બની છે. જેની શિતળ છાંયડી આપણે સૌ આજે માણીએ છીએ એ એમને આભારી છે.” પોતાના વિદ્યાર્થીકાળના પ્રસંગને ટાંકતાં એમણે કહ્યું: “એક અધ્યક્ષ, આશ્રમના વડા બપોરે બે વાગે પણ ઉતારાની ચાવી લેવા નીચે બેઠા હોય એ એમની અનન્ય સરળતા અને કાર્યનિષ્ઠાનું પ્રતીક છે.” આશ્રમ સાથે ગાઢ રીતે સંકળાયેલા શ્રી કાકુભાઈ ભટ્ટે જણાવ્યું કે, ‘શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે અહીંની બધી અસુવિધાઓને હસતા મુખે સ્વીકારી લીધી હતી. અને આઠ આના, રૂપિયો કે બે રૂપિયા જેવી રકમ દાનમાં મેળવીને તેઓશ્રી કેવો આનંદ અનુભવતા એના પ્રસંગો ટાંકીને શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજને પોતાનાં શ્રદ્ધાસુમન અર્પ્યાં હતાં.’ આ પ્રસંગે શ્રી વાલ્મીકભાઈ દેસાઈ, શિક્ષણ ખાતાના શ્રીતડવી સાહેબ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રીમણવરભાઈએ સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. કાર્યક્રમનો પ્રારંભ સ્વામી દિવ્યવ્રતાનંદજીના ગુરુ મહિમાના મંત્રોચ્ચાર અને ભજનથી થયો હતો. કાર્યક્રમના અંતે એમણે શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજને પ્રિય બંગાળી ભજન રજૂ કર્યું હતું.
પોરબંદરમાં પ્રાર્થના સભા
રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહરાજને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા ૧૬મી ઑગસ્ટના સાંજે ૬-વાગે રામકૃષ્ણ મિશનના પોરબંદરના કેન્દ્ર દ્વારા એક પ્રાર્થનાસભાનું આયોજન થયું હતું. શ્રીજિતુભાઈ અંતાણીનાં ભજનો બાદ શ્રીજ્યોતિબહેન થાનકીએ ઉપસ્થિત ભક્તો સમક્ષ પૂ. ભૂતેશાનંદજી મહારાજની જીવનઝરમર પ્રસ્તુત કરી હતી. શ્રીમતી મિન્ટુબહેન દાસાણીએ (જેમણે ૮ વર્ષની વયથી પૂ. ભૂતેશાનંદજી મહારાજ પાસેથી સ્નેહ મેળવ્યો હતો.) પોતાનાં સંસ્મરણોમાં પૂ.મહારાજશ્રીના સ્નેહશીલ સ્વભાવનું સુંદર વર્ણન કર્યું. રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મૅમોરિયલ પોરબંદરના સૅક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પૂ.ભૂતેશાનંદજી મહારાજની અસાધારણ વિદ્વતા, તેમનો અદ્ભુત સ્નેહપૂર્ણ વ્યવહાર, ગુજરાતના ભક્તો પ્રત્યેની તેમની વિશિષ્ટ લાગણી, ગુજરાતી સાહિત્ય માટે તેમનું અનન્ય પ્રદાન તેમજ પોરબંદરમાં રામકૃષ્ણ મિશનના શાખાકેન્દ્રને પ્રારંભ કરવામાં તેમણે દાખવેલ તત્પરતા વિશે ચર્ચા કરી હતી.
અમેરિકામાં સ્વામી વિવેકાનંદની સર્વ પ્રથમ કાંસ્ય પ્રતિમાનો અનાવરણ વિધિ
“ભારતના અધ્યાત્મ અને સંસ્કૃતિના સર્વ પ્રથમ રાજદૂત-ઍમ્બેસૅડર, ૧૮૯૩ની શિકાગોની પ્રથમ વિશ્વધર્મ પરિષદમાં અમેરિકા સમક્ષ હિન્દુત્વને રજૂ કરનાર, પૂર્વ-પશ્ચિમમાં ઘેરો પ્રભાવ પાડનાર સ્વામી વિવેકાનંદે વેદાન્તના પ્રાચીન સંદેશ – શિવભાવે જીવ પૂજા-ના આદર્શનો પ્રચાર – પ્રસાર કરવા પોતાનું જીવન અર્પણ કરી દીધું હતું શ્રીરામકૃષ્ણના (૧૮૩૬ થી ૧૮૮૬) આ અંતરંગ શિષ્યે, વિશ્વભરનાં ૧૩૫ કેન્દ્રો વાળા રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.”
આ શબ્દો ૧૨ જુલાઈ, ૧૯૯૮ના રોજ અનાવૃત્ત થયેલ સ્વામી વિવેકાનંદની પૂર્ણ કદની ૧૦ ફૂટ અને ૨ ઈંચ ઊંચી કાંસ્ય પ્રતિમાની ૩.૫ ફૂટ ઊંચી કુંભી પર કોતરવામાં આવ્યા છે. અમેરિકાની આ સર્વ પ્રથમ પ્રતિમાનો અનાવરણ વિધિ ‘હિન્દુ ટેમ્પલ ઓફ ગ્રેટર શિકાગો’માં સર્વશ્રી જે.સી.શર્મા (કૉન્સલ જનરલ ઓફ ઈન્ડિયા)ના વરદ્ હસ્તે ‘આધુનિક વિશ્વને સ્વામી વિવેકાનંદનો સંદેશ’ વિશેના પ્રવચન સાથે સભાજનોની તાળિયોના ગડગડાટ સાથે સંપન્ન થયો. ત્યાર બાદ રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે આ કાંસ્ય પ્રતિમાનો અપર્ણ-વિધિ કર્યો હતો. સંન્યાસીઓના વૈદિક મંત્રોચ્ચાર સાથે ૧૨ જુલાઈ, ૯૮ના રોજ સાંજે ચાર વાગ્યે નીકળેલી શોભાયાત્રા દ્વારા આ મંગલકાર્યનો શુભારંભ થયો હતો. વિવેકાનંદ વેદાન્ત સોસાયટી શિકાગોના અધ્યક્ષશ્રી, શ્રીમત્ સ્વામી ચિદાનંદજી મહારાજ અને શ્રી જી.એલ.એન. રેડ્ડીના પ્રારંભિક-સ્વાગત પ્રવચન બાદ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે પોતાના પ્રેરક પ્રવચનમાં કહ્યું: “અમે અહીં શિકાગોમાં સ્વામીજીને લાવ્યા નથી, પણ તેઓ અમારી સાથે અમારો સંગાથ કરવા અહીં પધાર્યા છે.” ત્યાર બાદ સંસદ સભ્ય અને સ્મરણિકાનું વિમોચન કરનાર શ્રી બાંગારુ લક્ષ્મણના પ્રવચન પછી શ્રીરામકૃષ્ણ મઠ મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ, શ્રીરામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ અને શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજ અને રામકૃષ્ણ વેદાન્ત સોસાયટી બોસ્ટનના વડા શ્રીમત્ સ્વામી સર્વગતાનંદજી મહારાજના સંદેશાનું વાચન શ્રી મિથિલેશ વર્માએ કર્યું હતું. આ પ્રસંગે સ્વામી પ્રથમાનંદ (ટૉરેન્ટૉ), સ્વામી તથાગતાનંદ (ન્યુયૉર્ક), સ્વામી ભાસ્કરાનંદ (સિયૅટલ), સ્વામી શાંતરૂપાનંદ (પૉર્ટલૅન્ડ), સ્વામી પ્રપન્નાનંદ (સૅક્રેમૅન્ટો) દ્વારા સ્વામીજીને ભાવાંજલિ અર્પવામાં આવી હતી. આ સમારંભમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવોનો પરિચય સ્વામી વરદાનંદે આપ્યો હતો. વિવેકાનંદ વેદાન્ત સોસાયટીના સભ્ય, ડૉ. બી. શ્રીનિવાસને આભાર વિધિ કર્યો હતો. અનાવરણ વિધિના સમયે સુખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલના કંઠેથી વહેતાં ભજનોએ અને કાર્યક્રમના અંતે સુખ્યાત ગાયક શ્રી તપન ભટ્ટાચાર્યનાં ભજનોએ સૌ કોઈનાં મન-હૃદયને ભરી દીધાં હતાં.
ભારતના વડાપ્રધાન શ્રીઅટલ વિહારી બાજપેયીએ આ પ્રસંગે સૌને આ ઉમદા કાર્ય માટે ધન્યવાદ પાઠવતાં સંદેશમાં જણાવ્યું હતું, ‘આધુનિક ઈતિહાસમાં સ્વામી વિવેકાનંદ વિદેશમાં ભારતના સર્વોત્તમ આધ્યાત્મિક દૂત હતા. એમણે વૈશ્વિક ભ્રાતૃભાવ, શાંતિ અને સંવાદભરી સમજણનો સંદેશ સમગ્ર વિશ્વમાં પ્રસરાવ્યો છે.
જ્યારે ભારત ગુલામીમાં હતું ત્યારે આ સ્વદેશ ભક્ત સંન્યાસીએ વિશ્વને મેધા, ગૌરવ અને પ્રેમની વાણી ભારતીય સંસ્કૃતિના સનાતન મૂલ્યોના રણકાર સાથે સંભળાવી હતી. આજે જ્યારે વિશ્વ એકવીસમી સદીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે અને આ નવી સદી પોતાની સાથે અનેક પડકારો અને અચોક્કસતાઓ લાવે છે ત્યારે સ્વામી વિવેકાનંદનો ‘માનવ માત્ર અમૃતનાં સંતાન છે.-એક પ્રભુનાં સંતાન છે.’ એ સંદેશ સમગ્ર માનવ જાતિ માટે શ્રદ્ધેય, ઉદ્ધારક અને મુક્તિદાતા બની રહેશે.”
ભારતના સન્માનનીય રાષ્ટ્રપતિ શ્રી કે.આર. નારાયણને પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે “સ્વામીજીએ પ્રાચીન અને તત્કાલીન ભારત, ભારત અને પશ્ચિમ, આધ્યાત્મિક જાગૃતિ અને સામાજિક જવાબદારીઓ વચ્ચેનો સેતુ રચી આપ્યો છે. સ્વામી વિવેકાનંદ એવા આર્ષદૃષ્ટા હતા કે જેમને પોતાના ક્રાંતિકારી પણ વ્યવહારુ વિચારોને, આદર્શોને કાર્યમાં પરિણત કરવા માટે અંતરની તાલાવેલી લાગી હતી. એમણે ૧૮૯૭માં સ્થાપેલ સંસ્થા શ્રીરામકૃષ્ણ મિશન માનવ સમાજની શૈક્ષણિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સામાજિક આવશ્યક્તાઓની પૂર્તિની વાહક બની છે. તેઓ કહેતા ‘સામાન્ય માનવ સમુદાયોમાં શિક્ષણના અને જ્ઞાનના પ્રચાર-પ્રસારના પ્રમાણ સાથે રાષ્ટ્રની ઉન્નતિ સાધી શકાય.’ સર્વોત્તમ આદર્શોને સિદ્ધ કરવા એમણે નારી ઉન્નતિના કાર્યને પ્રથમ સ્થાને રાખ્યું હતું. નિર્બળતા અને ભય દૂર કરવા તેમણે હાકલ કરી હતી, તેઓ કહેતાઃ ‘દુનિયામાં કોઈ મહાન પાપ હોય તો તે છે નિર્બળતા, નિર્બળતાને દૂર કરો, નિર્બળતા એ પાપ છે; નિર્બળતા એટલે મૃત્યુ છે.”
આ ઉપરાંત ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રીકૃષ્ણકાંત, અમેરિકાના ઈલિનૉઈસ રાજ્યના ગવર્નરશ્રી જીમ ઍડગર અને ઘણા ગણ્યમાન્ય મહાનુભાવોના સંદેશાઓ આ શુભ પ્રસંગે આવ્યા હતા.
શ્રી રામકૃષ્ણ મિશન, લીંબડી
૧૭/૭/૯૮ના રોજ બપોરે ૪ વાગ્યે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના વરદ્ હસ્તે લીંબડીની ૧૫ શાળાઓના ૨૨૫ વિદ્યાર્થીઓને શાળાના ગણવેશનું વિતરણ થયું હતું. શાંતિમંત્રના પાઠથી પ્રારંભ થયેલા આ કાર્યક્રમમાં આજના યુગમાં વિદ્યાર્થીઓના કર્તવ્ય વિશે શ્રીકિરીટસિંહ રાણાએ અને સ્વામી પ્રમાનંદજીએ પોતાનાં પ્રવચનો આપ્યાં હતાં.
શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા આયોજિત નેત્રયજ્ઞ
શ્રીરામકૃષ્ણ મિશન લીંબડી દ્વારા શિવાનંદ મિશન, વીરનગરના સહયોગથી તા.૨૦-૮-૯૮ના રોજ ‘નૈત્રયજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૪૫ ગરીબ દર્દીઓને તપાસીને મફત દવા, ચશ્મા, ફુડપેકેટ, વગેરે આપવામાં આવેલાં તેમજ ૧૩ દર્દીઓને આંખના જુદા-જુદા રોગોના ઑપરેશન માટે શિવાનંદ મિશન વીરનગર લઈ જવામાં આવેલ.
શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા આયોજિત ‘યુવાશિબિર’
શ્રીરામકૃષ્ણ મિશન લીંબડી દ્વારા તા.૨૯/૮/૯૮ના રોજ લીંબડી કૉલેજના પ્રિન્સિપાલ શ્રી રમેશભાઈ જૂરેમાલાણી સાહેબના અધ્યક્ષ સ્થાને એક ‘યુવ-શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લીંબડી શહેરની માધ્યમિક શાળાના ૩૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.
રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા આયોજિત નેત્રયજ્ઞ
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા શિવાનંદ મિશન, વીરનગરના સહયોગથી તા. ૧૬મી જુલાઈ, ૧૯૯૮ના રોજ સાતમા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૮૧ ગરીબ દર્દીઓને નિઃશુલ્ક સારવાર અને દવાઓ આપવામાં આવી હતી; ૧૧૦ દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યાં હતાં અને ૨૦ દર્દીઓનું વીરનગર હૉસ્પિટલમાં મોતિયાનું ઑપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત સભાના મુખ્ય અતિથિ રૂપે બોલતાં પોરબંદર જિલ્લાના કલૅક્ટર ડૉ. ઍસ. કે. ગોલકિયાએ રામકૃષ્ણ મિશનનાં સેવાકાર્યોને બિરદાવતાં તેમણે સરકાર વતી રામકૃષ્ણ મિશનને આવાં સેવાકાર્યો માટે પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. સભાના અધ્યક્ષપદેથી બોલતાં ડૉ. શિવાનંદ અધ્વર્યુએ કહ્યું કે, દેશમાં ધર્મને સેવાની સાથે સાંકળી લેવાની વાત સૌ પ્રથમ સ્વામી વિવેકાનંદે કરી. એ પછી સ્વામી શિવાનંદે તો સેવાને ધર્મ કરતાં પણ ઉચ્ચ સ્થાન આપ્યું. રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ કેન્દ્ર પોરબંદરના સૅક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું કે સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવના ‘શિવજ્ઞાને જીવસેવા’ના સંદેશને સાકાર સ્વરૂપ આપવા માટે આજથી એક સો વર્ષ પહેલાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આજે રામકૃષ્ણ મઠ અને મિશનનાં કુલ ૧૩૭ શાખા કેન્દ્ર છે, જેમાં પોરબંદરનું આ કેન્દ્ર પણ હવે સામેલ છે. તેમણે જણાવ્યું કે સ્વામી વિવેકાનંદજી આ ભોજેશ્વર બંગલામાં ઈ.સ. ૧૮૯૧-૯૨માં લગભગ ચાર માસ રહ્યા હતા. તેથી જ પોરબંદરમાં રામકૃષ્ણ મિશનને વિવેકાનંદ મેમોરિયલ બનાવવા માટે ગુજરાત સરકારે આ બંગલો આપ્યો છે. પાછળની જમીન માટે પણ પ્રયત્નો ચાલુ છે. તે મળી ગયા પછી અનેક સેવા પ્રવૃત્તિઓ-ઔષધાલય, શૈક્ષણિક સંકુલ, પુસ્તકાલય, ઑડિટોરિયમ વગેરે ચાલુ થશે તેની જાણકારી તેમણે આપી હતી. પોતાની વ્યસ્તતા વચ્ચે પણ આશ્રમના આમંત્રણને માન આપી પોતાનો કિંમતી સમય ફાળવ્યો તે બદલ કલૅક્ટરશ્રી અને ડૉ શિવાનંદ અધ્વર્યુનો તેમજ હાજર રહેલ અગ્રણી નગરજનોનો સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આભાર માન્યો હતો.
પોરબંદરમાં તબીબો માટે કૉન્ફરન્સ આયોજન
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મૅમોરિયલ, પોરબંદર દ્વારા ૨૭મી જુલાઈ ‘૯૮ના રોજ તબીબી કાર્ય દ્વારા ‘શિવજ્ઞાનથી જીવસેવા’ વિશે એક કૉન્ફરન્સ યોજાઈ હતી જેમાં પોરબંદરના ૨૭ ગણમાન્ય તબીબોએ ભાગ લીધો હતો.
‘આવતી કાલનું શિક્ષણ’ વિષય પર સેમિનાર આયોજન
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મૅમોરિયલ, પોરબંદર દ્વારા તા.૯મી ઑગસ્ટ’૯૮ના રોજ ‘આવતી કાલનું શિક્ષણ’ વિષય પર સેમિનાર આયોજિત થયો હતો. જેમાં ૫૯ શિક્ષક ભાઈ-બહેનો અને કેળવણીકારોએ ભાગ લીધો હતો.
અતિવૃષ્ટિથી પીડિત લોકો માટે રાહતકાર્ય
તા.૨ થી ૪ જુલાઈ ‘૯૮ સુધી પોરબંદરમાં ખાડીના વિસ્તારના અતિવૃષ્ટિથી પીડિત ગરીબ પરિવારોમાં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મૅમોરિયલ, પોરબંદર અને શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક હજાર પાંચસો ફૂડ પૅકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રામકૃષ્ણ મિશનના પોરબંદર કેન્દ્ર દ્વારા મૅડિકલ કૅમ્પ આયોજન
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મૅમોરિયલ, પોરબંદર દ્વારા તા.૧૪ થી ૧૮ ઑગસ્ટ સુધી પોરબંદરમાં યોજાયેલ જન્માષ્ટમી મેળામાં એક મૅડિકલ કૅમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં ૧૩૦ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી.
રાષ્ટ્રીય વૈજ્ઞાનિક શિખર-સંમેલનમાં સ્વામી જિતાત્માનંદજીનું ઉદ્બોધન
૧૯મી ઑગસ્ટ, ૧૯૯૮ના રોજ Indian Institute of Science, બૅંગલોરમાં રાષ્ટ્રના પચીસ સુખ્યાત વૈજ્ઞાનિકોની રાષ્ટ્રીય વૈજ્ઞાનિક શિખર-સંમેલનમાં સ્વામી જિતાત્માનંદજીએ પોતાનું પ્રવચન આપ્યું હતું. આ શિખર-સંમેલનના અધ્યક્ષ સ્થાને ભારતરત્ન શ્રી સી.સુબ્રમણ્યમ્ હતા. આ ઉપરાંત આ સંમેલનમાં ભારતરત્ન શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ અને ભારતના બીજા સુખ્યાત અણુવૈજ્ઞાનિકો જેવા કે ડૉ. રાજા રમન્ના, ડૉ. પી.કે. આયંગર, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ શિખર-સંમેલનનું આયોજન આજના ‘ભારતવર્ષમાં વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના નવતર આયોજન’ વિશે વિચારણા કરવા થયું હતું.
સ્વામી જિતાત્માનંદજીની શ્રીલંકાની મુલાકાત
શ્રીલંકાની, સરકારના સાંસ્કૃતિક વિભાગના મંત્રાલયના આમંત્રણથી સ્વામી જિતાત્માનંદજી (અધ્યક્ષ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ) ૨૧મી ઑગસ્ટથી ૩જી સપ્ટેમ્બર સુધી શ્રીલંકાની મુલાકાતે જઈ આવ્યા છે. અહીંના એમના રોકાણ દરમિયાન SLIDA (શ્રીલંકાના વિકાસ અને વ્યવસ્થાપન સંસ્થાના) તેમજ નૅશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ એજ્યુકેશનના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ એમણે પ્રવચન આપ્યું હતું. એમણે કોલંબોના ઇન્ડિયન એમ્બસી કલ્ચરલ સેન્ટરમાં મિનિસ્ટ્રી ઑફ હિન્દુ અફેય્ર્સ’ના વાર્ષિક મહોત્સવમાં પણ સંબોધન કર્યું હતું. કેન્ડીના વિશ્વ વિદ્યાલયના તત્ત્વજ્ઞાન વિભાગ, બાટીકૉલાના સરકારી વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી નાગરિકોની સભામાં પણ તેમણે સંબોધન કર્યું હતું. બાટીકૉલાના મેયર અને બીજા અગ્રણી નાગરિકોએ સ્વામી જિતાત્માનંદજીને પ્રશસ્ત્રિ-પત્ર અર્પણ કર્યો હતો અને એમનું નાગરિક અભિવાદન પણ કર્યું હતું. ત્રિંકોમાલીના સરકારી અધિકારીઓ અને કેળવણીકારોને પણ સંબોધ્યા હતા. એમના આ બાર દિવસના રોકાણ દરમિયાન એમણે શ્રીલંકાના ત્રણ મોટા બૌદ્ધ મઠની મુલાકાત લીધી હતી અને તેમના સંન્યાીઓ સાથે આધ્યાત્મિક ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે શ્રીલંકાની દશ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા.
Your Content Goes Here




