પશ્ચિમ બંગાળ પૂર રાહતસેવા કાર્ય

(ક) માલદા જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરથી પીડિત કાલિયાચાક – ૨, મણીચાક અને ઈંગ્લીશ બજાર વિસ્તારના ૩૨ ગામડાંનાં ૨૫ હજાર લોકોને રાંધેલું અનાજ, ખીચડી વગેરેનું વિતરણ છ અઠવાડિયા સુધી માલદા અને મથુરપુર કેન્દ્ર પરથી કરવામાં આવ્યું હતું. ૨૯ સપ્ટેમ્બરથી આ રાંધેલા અનાજનાં વિતરણનો કાર્યક્રમ પૂરો થતાં પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકો માટે દાક્તરી-આરોગ્ય સેવા-રાહતનો કાર્યક્રમ હાથ ધરાયો છે. પૂરપીડિત વિસ્તારના અસંખ્ય લોકોમાં પુષ્કળ માત્રામાં સાડી, ધોતી, ધાબળા, તૈયાર કપડાંનું વિતરણ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરી છે. આ કેન્દ્ર દ્વારા ગોઠણ સમાણાં પાણીથી અને કાદવથી ભરેલા વિસ્તારો માટે હજારોની સંખ્યામાં પૂરપીડિતોને ખીચડી – રાંધેલ અનાજનું વિતરણ હોડીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. પાણીની સ્વચ્છતા માટે બે લાખ હોલાઝોન ટેબલેટ્સનું વિતરણ કાર્ય થયું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાંધેલાં અનાજની માગને પહોંચી વળવા રાંધવા માટે ટ્રકભરીને રાંધવાનાં વાસણ મોકલવામાં આવ્યાં હતાં.

(ખ) જલપાઈગુરી કેન્દ્ર દ્વારા કૂચબિહાર જિલ્લાના મૂઠા ભાંગા અને તૂફાનગંજ તાલુકા વિસ્તારના ૩૦ ગામડાંનાં ૨૪૩૮ કુટુંબોમાં ૧૯ મેટ્રિક ટન ચોખા, અને ૨.૩ ટન દાળનું વિતરણ કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણ કર્યા બાદ અહીંના પૂરપીડિતો માટે વસ્ત્રો અને તૈયાર કપડાંનું વિતરણ કાર્ય હાથ ધરવાની વ્યવસ્થા થઈ ચૂકી છે. ૩૨૯૦ તૈયાર કપડાંનું વિતરણ કાર્ય થયું છે.

(ગ) લપાઈગુરી કેન્દ્ર દ્વારા આ જિલ્લાના બાસુ સુબા ગામના (માલ તાલુકો) ૧૧૦ પૂરપીડિત કુટુંબીજનોમાં ૨૨૨ જોડી બાળકોનાં તૈયાર કપડાં, ૭૮૮ અન્ય તૈયાર કપડાંનું વિતરણ કરવામાં આવ્યું છે. ૩૧૫ સાડી અને ધોતિયાનું પણ વિતરણ થયું છે.

(ઘ) સારગાછી કેન્દ્ર દ્વારા મુર્શિદાબાદ જિલ્લાના ભગવાનગોલા – ૧-૨, લાલ ગોલા બ્લોક્સનાં પ૩ ગામડાંના ૬૦૦૦ વ્યક્તિઓને તા. ૨૪ ઓગસ્ટ થી ૧૮ સપ્ટેમ્બર સુધી દ૨રીજ રાંધેલું અનાજ અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાક્તરી-આરોગ્ય સેવાનું પણ આયોજન થયું હતું. કપડાંનાં વિતરણ માટે સર્વેક્ષણ ચાલુ છે.

(ચ) મુર્શિદાબાદ જિલ્લાના જલાંગી વિસ્તારના પૂરપીડિતોની દાક્તરી-આરોગ્ય સેવાનું કામકાજ નરેન્દ્રપુર કેન્દ્ર દ્વારા મોટા પાયે હાથ ધરાયું છે. અહીં અનાજના વિતરણ ઉપરાંત ત્રણ હજાર બાળકોને દરરોજ દૂધનું વિતરણ કાર્ય થયું હતું.

(છ) આંટપુર કેન્દ્ર દ્વારા આ ગામની આજુબાજુના વિસ્તારમાં પૂરપીડિતોમાં ૩૦ પોલીથિન શીટ્સ અને ૩૦૦ કપડાંનું વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતું. આ રાહત-સેવા કાર્ય માટે સાડી, ધોતિયાં અને ચાદર રવાના કરવામાં આવ્યાં છે.

બિહાર પૂર રાહત-સેવા કાર્ય

કટિહાર કેન્દ્ર દ્વારા શહેરના અને આજુબાજુનાં ગામડાંમાં પ્રાથમિક રાહત-સેવા કાર્ય થયું હતું. કાચું અનાજ અને કપડાંનું વિતરણ કાર્ય કરવામાં આવ્યું છે.

ઓરિસ્સા પૂર રાહત-સેવા કાર્ય

(ક) પુરી જિલ્લાના સાક્ષી ગોપાલ વિસ્તારનાં ૮ ગામડાંનાં ૪૫૦૦ લોકોને ૨૩ સપ્ટેમ્બર સુધી રાંધેલા અનાજનું વિતરણ કાર્ય પુરી કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૪૭૦૦ વ્યક્તિઓને કપડાં અપાયા હતાં. ૧૧૦૦ દરદીઓને આરોગ્ય સેવાઓ આપવામાં આવી હતી. આ રાહત-સેવા કાર્ય હજુ ચાલુ છે.

(ખ) પુરી સદરના પ્રતાપ પુરુષોત્તમપુર વિસ્તારની આજુબાજુના ૬ ગામડાંના પૂરપીડિતોમાં ચોખા, દાળ, મીઠાનું વિતરણ કાર્ય પુરી કેન્દ્ર દ્વારા હાથ ધરાયું છે.

બાંગ્લાદેશ પૂર રાહત-સેવા કાર્ય

(ક) ઢાકા કેન્દ્ર દ્વારા વિશાળ પાયે હાથ ધરાયેલ પૂર રાહત સેવા કાર્યમાં ઢાકા, નારાયણગંજ, માણિકગંજ, નારશિંગડી, ફેણી, નોઆખલી, ફરિદપુર અને પૂરથી તારાજ થયેલા અન્ય વિસ્તારોનાં ૧૨,૫૦૦ પૂરપીડિત કુટુંબોમાં ૩૫.૫ મે. ટન અનાજ (ચોખા, દાળ વગેરે)નું વિતરણ કાર્ય થયું હતું. અહીંના હરતાં-ફરતાં દવાખાના દ્વારા આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. દૂર-સુદૂરના વિસ્તારોમાં રાહત કેમ્પમાં રહેતા લોકોમાં ૧૦,૪૦૦ ઓ. આર. એસ. (ઝાડા-કોલેરા નિરોધક ટિકડી) પેકેટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કપડાં, સાબુ, જેવી દૈનંદિન જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓનું વિતરણ કાર્ય પણ થયું હતું.

(ખ) દિનાજપુર આશ્રમ દ્વારા પૂરપીડિતોમાં અનાજ, કપડાં વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રિઆંગ રેફ્યુજી રાહત-સેવા

ઉત્તર ત્રિપુરાના કાંચનપુર વિસ્તારની રાહત છાવણીમાં મિઝોરામનાં ૭૨૩૨ નિરાશ્રિતોમાં અગરતલા કેન્દ્ર દ્વારા ૪૦૦૦ એલ્યુમિનિયમનાં વાસણ, ૨૦૦૦ મચ્છરદાની, ૭૦૦૭ તૈયા૨ કપડાં અને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આંધ્રપ્રદેશ

વાવાઝોડા ગ્રસ્ત પૂર્વ ગોદાવરી જિલ્લાના મમ્મીદીવરમ્ મંડળના પલ્લવરી પાલેમ ગામમાં ખરાબ હવામાન અને નદીમાં આવતાં પૂરના અવરોધ વચ્ચે વિવેકાનંદ બ્રિજનું કામ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.

મહારાષ્ટ્ર

ધરતીકંપ પુનર્વસવાટ કાર્યમાં લાતુર જિલ્લાના હરેગાંવ, કવાલી, જવાલગા વાડી ગામમાં લોકશિક્ષા પરિષદ, નરેન્દ્રપુર અને એક્સેલ ઇન્ડસ્ટ્રિઝ, મુંબઈના સહયોગથી ‘સઘન ગ્રામ વિકાસ કાર્ય’ ચાલુ છે. સામાન્ય સેવાકાર્યો ઉપરાંત ‘ઑલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સ’ના સહયોગથી સ્ત્રી અને બાલકલ્યાણના કાર્યક્રમો ચાલે છે. આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ માટે વિવિધ તાલીમી કાર્યક્રમો યોજાય છે.

રાજસ્થાન

દુષ્કાળ રાહત-સેવા કાર્યમાં ખેતડી અને તેની આસપાસના વિસ્તારોમાં ગામડાના દુષ્કાળ ગ્રસ્ત ગરીબ લોકોમાં ઘઉં અને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિદ્યાકીય – સાંસ્કૃતિક – યુવપ્રવૃત્તિઓ

૧. સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનીંગ, બિહાર દ્વારા યોજાયેલ રાજ્યકક્ષાના વિજ્ઞાન – સેમિનાર – મેળામાં દેવધર વિદ્યાપીઠના બે વિદ્યાર્થી, એક જુનિયર કક્ષાએ અને બીજા સિનિયર કક્ષાએ પ્રથમ આવ્યા છે.

૨. ‘આજની પરિસ્થિતિમાં અસરકારક શિક્ષણ’ વિશે મેંગલોર આશ્રમ દ્વારા એક સેમિનાર યોજાયો હતો જેમાં ૧૦૪ શિક્ષકો અને ૪૦ આમંત્રિતોએ ભાગ લીધો હતો.

૩. કલકત્તા યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.એસ.સી. પરીક્ષામાં શારદાપીઠ વિદ્યામંદિર અને નરેન્દ્રપુર કૉલેજના વિદ્યાર્થીઓએ નીચે પ્રમાણે ઉજ્જ્વળ સિદ્ધિ મેળવી છે.

શારદાપીઠ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ, ગણિતમાં ૧લા, ૮મા અને ૯મા ક્રમે; રસાયણશાસ્ત્રમાં ૧લા, ૫મા અને ૭મા ક્રમે; ભૌતિકશાસ્ત્રમાં ૨જા, પમા અને ૯મા ક્રમે ઉત્તિર્ણ થઈને ઉજ્જવળ સિદ્ધિઓ મેળવી છે. નરેન્દ્રપુર કોલેજના વિદ્યાર્થીઓએ, રસાયણશાસ્ત્રમાં ૪થા ક્રમે, ભૌતિક શાસ્ત્રમાં ૪થા ક્રમે અને આંકડાશાસ્ત્રમાં ૮મા ક્રમે ઉત્તીર્ણ થઈને જવળ સિદ્ધિઓ મેળવી છે.

૪. મુંબઈ : રામકૃષ્ણ મિશન શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ સંઘના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે ‘સ્વામી વિવેકાનંદ : રાષ્ટ્રને સંબોધન’ વિશેના ચિત્ર પ્રદર્શનનું ઉદ્‌ઘાટન ૨૮મી ઓગસ્ટે કર્યું હતું.

શ્રીરામકૃષ્ણ યુવક-મંડળ, ભૂજની સેવા-પ્રવૃત્તિઓ

કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં શ્રીરામકૃષ્ણ યુવક-મંડળ છેલ્લા ત્રીસ વર્ષોથી શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવ-ધારાના આદર્શોના પાયા પર રહીને વિવિધ સેવા-પ્રવૃત્તિઓ યુવકોના સંગઠન દ્વારા કરી રહ્યુ છે.

રામકૃષ્ણ વિવેકાનંદ ભાવ-ધારાના પ્રચાર-પ્રસાર સાથે આ મંડળ ભુજની જનરલ હૉરિપટલમાં નિયમિત મુલાકાત લઈ ગરીબ દર્દીઓને દવા, કૃત્રિમ હાથ અને કાખઘોડી જેવાં તબીબી સાધનો તથા અન્ય જરૂરી સહાય પૂરી પાડે છે. જાહેરમાં સહાયની યાચના ન કરી શકતાં નબળી આર્થિક સ્થિતિવાળાં કુટુંબોને આ મંડળ તરફથી અનાજ, કપડાં, ધાબળા તથા જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. ઉનાળામાં છાશ-કેન્દ્ર અને દૂધ-કેન્દ્ર પણ આ મંડળ ચલાવે છે. આ વર્ષ દરમ્યાન આવી સેવા-પ્રવૃત્તિઓ પાછળ અંદાજે રૂા.સવા લાખ વાપરવામાં આવ્યા છે.

કુદરતી આફતના સમયે ફૂડ-પૅકેટ્સનું વિતરણ તત્કાલ રાહત સેવાના રૂપે કરવા મંડળ તત્પર રહ્યું છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામીજીઓના માર્ગદર્શન હેઠળ ચાલતી રાહત-સેવા પ્રવૃત્તિઓમાં મંડળના સભ્યો જોડાઈને એમની સેવા-પ્રવૃત્તિઓમાં સહાયરૂપ બને છે. તહેવારોમાં ગરીબ લોકોને મિષ્ટાન્નનું વિતરણ મંડળ તરફથી નિયમિતપણે થતું રહે છે.

આધ્યાત્મિક, સામાજિક, શૈક્ષણિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સાથેની મંડળની સેવાકીય પ્રવૃત્તિઓને કારણે શુભેચ્છકો ઉમદા સહકાર આપતા રહ્યા છે. એમની ઉદાર સહાયથી ભૂજમાં દવાખાનું, પુસ્તકાલય, પ્રાર્થનામંદિર તેમજ સાધુનિવાસ ઈત્યાદિની સુવિધાવાળું એક સુંદર ‘શ્રીરામકૃષ્ણ સેવા-ભવન’નું નિર્માણ થઈ રહ્યું છે. આ સેવા ભવનનું ઉદ્‌ઘાટન ટૂંક સમયમાં જ થવાનું છે.

રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ પોરબંદરની સર્વસેવા પ્રવૃત્તિઓ

આધ્યાત્મિક શિબિરનું આયોજન

રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ પોરબંદર દ્વારા રવિવાર તા. ૧૩-૯-૧૯૯૮ના રોજ એક આધ્યાત્મિક શિબિરનું આયોજન સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના વિભિન્ન ભાગોમાંથી આવેલ ૩૦૦ શિબિરાર્થીઓએ ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત સ્વામી દિવ્યવ્રતાનંદજીના ભજન સંગીતથી કરવામાં આવી.

શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી જિતાત્માનંદજીએ શિબિરનું ઉદ્‌ઘાટન કરીને ‘જીવન વ્યવહારમાં વેદાંત’ વિષય પર મનનીય પ્રવચન દ્વારા સાધકો માર્ગદર્શન આપ્યું હતું.

રામકૃષ્ણ મિશન પોરબંદરના સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ‘દૈનિક જીવનમાં શાંતિ-પ્રાપ્તિના ઉપાયો’ પરના પ્રવચનમાં શાંતિ પ્રાપ્તિ અને તેના ઉપાયો સૂચવ્યા હતા.

પ્રશ્નોત્તરી અને શિબિરાર્થીઓના પ્રતિભાવોના કાર્યક્રમમાં સૌ હાજર રહેલ સાધકોએ ભાગ લઈ કાર્યક્રમને જીવંત બનાવ્યો.

નેત્રયજ્ઞ

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર તરફથી તા. ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૮ ગુરુવારના રોજ યોજાયેલ આઠમા નેત્રયજ્ઞનું આયોજન પોરબંદર જિલ્લાના નાયબ કલેક્ટર શ્રી અશોક શર્માની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

આ નેત્રયજ્ઞનો લાભ દૂર દૂરનાં ગામડાં અડવાણા-વિસાવડા – બળાનેસ – સાજનવાડીનેસ – કુતિયાણા વગેરે સ્થળેથી આવેલ ૨૪૭ દર્દીઓએ લીધો હતો. ૨૦ દર્દીઓનું નિઃશુલ્ક ઑપરેશન કરવામાં આવ્યું હતું.

કિલેશ્વરમાં પછાતવર્ગના લોકોના લાભાર્થે સર્વરોગ નિદાન શિબિર

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા પોરબંદરથી પ૦ કીલોમીટર દૂર બરડા ડુંગરમાં આવેલ કિલેશ્વ૨ ખાતે તા. ૨૦-૯-૯૮ને રવિવારના રોજ એક સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૬ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી. ઉપસ્થિત ગ્રામજનોને સ્વચ્છતા, સ્વાસ્થ્ય વિશે અગત્યનાં સૂચનો આપવામાં આવ્યાં હતાં. તેમજ દારૂ, બીડી, તમાકુ, છીંકણી-બજર વગેરેથી થતાં નુકસાનથી તેઓને પરિચિત કરવામાં આવ્યા હતા.

રામકૃષ્ણ મિશન લીંબડીમાં નેત્રયજ્ઞ

શ્રીરામકૃષ્ણ મિશન લીંબડી દ્વારા તારીખ ૧૫-૧૦-૯૮ના રોજ ‘નેત્રયજ્ઞ’નું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ ૧૫૭ દર્દીઓને (પુરુષ ૬૭ રત્રી ૯૦) તપાસીને મફત દવા, ચશ્મા, ફૂડપેકેટ વગેરે આપવામાં આવેલાં તેમજ દર્દીઓ (પુરુષ ૪, સ્ત્રી ૨) ને આંખના જુદા-જુદા રોગોના ઑપરેશન માટે ‘શિવાનંદ મિશન’ વીરનગર લઈ જવામાં આવેલ.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ચાલતું પુનર્વસવાટ રાહત – સેવાકાર્ય

વાવાઝોડામાં તારાજ થયેલા જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચાસલાણા ગામમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પુનર્વસવાટ કાર્ય પૂરા વેગથી ચાલે છે. ૩૦ મકાન તૈયાર થયાં છે. ૪૦’ x ૩૫’ના મંદિર કોમ્યુનીટી હોલ અને ૩૦’ x ૩૫’ના આરોગ્ય કેન્દ્રના સ્લેબનું કામકાજ પૂરું થવામાં છે. ગામમાં લોકો માટે બે બોરવેલ કરાવી આપ્યા છે જેમાંથી લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. – બાળકો માટેના રમત-ગમતનાં સાધનો સાથેનો એક ચિલ્ડ્રન પાર્ક પણ પૂરો થવાની તૈયારીમાં છે. વિદ્યુત જોડાણ માટે કાર્યવાહી ચાલુ છે. ચાસલાણાથી ૧૮ કિ.મિ. દૂર આવેલા નંદાણા ગામમાં પણ પુનર્વસવાટ કાર્ય શરૂ કરવા કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Total Views: 261

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.