શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આશ્રમ દ્વારા 1893ના સ્વામી વિવેકાનંદજીના ઐતિહાસિક વક્તવ્યથી આઝાદીના અમૃતકાળને સાંકળતો અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

7 સપ્ટેમ્બરના રોજ આશ્રમ પરિસરમાં 11 સપ્ટેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક શિકાગો ભાષણની 132મી જયંતી તેમજ 15 ઑગસ્ટ, સ્વતંત્રતા-દિવસને સાંકળતો ‘શિકાગોથી આઝાદીનો અમૃતકાળ’ વિષયવસ્તુ પર અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

આશ્રમ દ્વારા બાળકો તેમજ યુવાનોના વિકાસલક્ષી જીવન માટે શિશુ વિકાસ, મા શારદા સંસ્કાર શિબિર, વ્યક્તિત્વ વિકાસ પ્રકલ્પ અને વિવેકાનંદ સર્વિસ કૉર જેવા વિવિધ સેવાકીય પ્રકલ્પો ચલાવવામાં આવે છે. આ બધા પ્રકલ્પોના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ અંતર્ગત સૂર્યવંદના, યોગાસનો, શિકાગો સ્પીચ, સાંસ્કૃતિક ગાન અને નૃત્ય, ઓપરેશન સિંદૂર, દેશભક્તોના ચરિત્રો પર એકપાત્રીય અભિનય, રાષ્ટ્રના વિકાસમાં યુવાનોનો ફાળો, ભારતનો સંઘર્ષ વગેરે વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી.

કાર્યક્રમમાં આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર શ્રી ચેતનભાઈ નંદાણી દ્વારા પ્રાસંગિક વક્તવ્ય પણ આપવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં બાળકો અને માતા-પિતા મળીને એમ કુલ 400 લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. અંતમાં સહુને પુસ્તક અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત રાષ્ટ્રીય યુવા સંમેલનનું ડૉ. મનસુખભાઈ માંડવિયા દ્વારા ઉદ્‌ઘાટન

ડૉ. યાજ્ઞિક રોડ પર સ્થિત શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વ ધર્મમહાસભામાં આપેલ ઐતિહાસિક ભાષણની ૧૩૨મી જયંતી નિમિત્તે ગુરુવાર, તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.

સંમેલનનું ઉદ્‌ઘાટન ભારત સરકારના યુવા બાબતો તથા રમત-ગમત વિભાગના માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ ઉપરાંત કાર્યક્રમના ઉદ્‌ઘાટન સત્રમાં રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, રાજકોટ-દક્ષિણના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા તથા રાજકોટ- પશ્ચિમના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ પણ ઉપસ્થિત રહ્યાં.

આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના સ્વાગત વક્તવ્યમાં યુવા સંમેલનનું ઉદ્‌ઘાટન દેશના યુવા બાબતોના મંત્રીના વરદ હસ્તે થવાને સૌભાગ્ય ગણાવ્યું. તેઓએ આજના ઐતિહાસિક દિવસની  ભૂમિકા પ્રસ્તુત કરી તેમજ જણાવ્યું કે જો વિશ્વએ સ્વામી વિવેકાનંદજીના ૧૮૯૩ના ૯/૧૧ ના સંદેશને ગંભીરતાથી લીધો હોત, તો કદાચ અમેરિકાના ૨૦૦૧ના ૯/૧૧ જેવી દુર્ઘટના ન ઘટત, જેમાં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો.

શ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે આજનો દિવસ આપણા માટે ગૌરવશાળી દિવસ તો છે પણ સાથે સાથે તે આપણી આધ્યાત્મિક સંપદા તથા આપણી સભ્યતાને પણ યાદ કરવાનો દિવસ છે. વિવેકાનંદજીના ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના વ્યાખ્યાને ભારતના મૂલ્યોને પુનર્જિવિત કર્યા છે. તેમણે જણાવ્યું કે વર્તમાન યુગની સમસ્યાઓનું સમાધાન પણ આપણી સંસ્કૃતિના અભ્યાસથી પ્રાપ્ત થશે. તેઓએ રાજકોટના યુવાનોને વિકસિત ભારતની પરિકલ્પનામાં જોડાવા માટે આહ્વાન કર્યું.

આ ઉપરાંત શ્રી મનસુખભાઈ તથા મંચસ્થ અન્ય સહુ મહાનુભાવોના વરદ હસ્તે રામકૃષ્ણ સંઘના ભૂતપૂર્વ સંઘાધ્યક્ષ પૂજ્ય સ્વામી રંગનાથાનંદજીના ‘યુવા વર્ગને આહ્વાન’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

સંમેલન દરમિયાન સુપ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર તથા વિશ્વમાં સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર દિવ્યાંગ મહિલા પદ્મશ્રી ડૉ. અરુણિમા સિંહાએ યુવાનોને એક પગે માઉન્ટ એવરેસ્ટ ચઢવાના સંઘર્ષ વિશે વાતો કહી તથા તેમાં રામકૃષ્ણ મિશને કરેલ સહાયતા બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે સ્વામી વિવેકાનંદને પોતાના આદર્શ જણાવ્યાં.

યુથ આઈકોન તથા ડેક્ષ્ટરીટી ગ્લોબલના સંસ્થાપક શ્રી શરદ સાગરે નેતૃત્વની નૂતન વ્યાખ્યા પ્રસ્તુત કરી. તેઓ નાનપણથી જ રામકૃષ્ણ મિશન સાથે જોડાયેલ રહ્યા છે અને તેઓએ સ્વામી વિવેકાનંદના વિચારોને કેવી રીતે પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યા તેની વાતો કરી.

ભારત સરકારના કેપેસિટી બિલ્ડીંગ કમિશનના સભ્ય તથા લીડરશીપ ટ્રેનર ડૉ. આર. બાલાસુબ્રમણ્યમે કેવી રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી લીડરશિપનો સંદેશ મળે છે તથા એક નિરક્ષર ભારતીય પણ પોતાના જીવનમાં કેવી રીતે નેતૃત્વ પ્રદર્શિત કરે છે તેની વાતો કરી. લોકપ્રિય લેખક અને ચાણક્ય ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ લીડરશિપ સ્ટડીઝના સંસ્થાપક ડૉ. રાધાકૃષ્ણન પિલ્લઇએ ચાણક્ય નીતી અનુસાર સફળતાના સૂત્રો જણાવ્યાં. તેમણે યુવાનોને સ્વામી વિવકાનંદના પુસ્તકો વાંચવાનું સૂચન કર્યું.

આ સંમેલનમાં વક્તાઓએ યુવાનોના પ્રશ્નોના ઉત્તર પણ આપ્યાં. પ્રતિનિધિઓએ પોતાના પ્રતિભાવો આપતી વખતે આ સંમેલનથી પ્રાપ્ત પ્રેરણા માટે આશ્રમનો આભાર વ્યક્ત કર્યો તથા વિવેકાનંદજીના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો.

સંમેલનમાં કુલ ૧૨ રાજ્યોમાંથી લગભગ ૫૦૦ જેટલા યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો. કાર્યક્રમના અંતે સહુ પ્રતિનિધિઓને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં.

રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા શ્રાવણ માસ સત્સંગના ભાગરૂપે ‘મા શારદા કથા’નું અનોખું આયોજન

વડોદરાના હૃદયમાં સ્થિત સ્વામી વિવેકાનંદની ચરણરજથી પાવન થયેલ દિલારામ બંગલામાં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા દ્વારા તા. 22 થી 24 ઑગસ્ટ દરમિયાન ત્રિ-દિવસીય ‘મા શારદા કથા’નું આયોજન કરવામાં આવ્યું. શ્રીમા શારદાદેવી એ સ્વામી વિવેકાનંદના ગુરુમાતા તથા ભગવાન રામકૃષ્ણ પરમહંસદેવના લીલાસંગિની હતા.

કાર્યક્રમમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે વડોદરાવાસીઓને કથારસપાન કરાવ્યું. વડોદરા રામકૃષ્ણ મિશનના સચિવ સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજે કથાની પ્રસ્તાવનામાં જણાવ્યું કે ગત એપ્રિલ માસમાં ‘વિવેકાનંદ કથા’નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, જે ખૂબ લોકગમ્ય થયું હતું. આને જ અનુસરતા શ્રાવણ માસના પવિત્ર સમયમાં સંગીતમય ‘મા શારદા કથા’નું આયોજન કરવામાં આવ્યું. ભારતીય પરંપરામાં શ્રીમદ્ ભાગવત, શ્રીરામચરિતમાનસ, શિવપુરાણ વગેરે પર કથા સામાન્ય રીતે થતી રહે છે. પરંતુ સ્વામી વિવેકાનંદ, શ્રીમા શારદાદેવીના જીવન અને સંદેશ પર કથા એ એક નૂતન વિચાર છે. આ પ્રકારની કથાનું આયોજન રામકૃષ્ણ સંઘના ઇતિહાસમાં પ્રથમ વાર કરવામાં આવ્યું.

વરસાદી માહોલમાં પણ મોટી સંખ્યામાં વડોદરાવાસીઓએ કથારસપાન કર્યું. કથાના માધ્યમથી ભક્તો મા શારદાદેવીના જીવન-તથ્યોથી વાકેફ થયા તથા તેઓને મા શારદાદેવીના વિસ્તૃત જીવનનો અભ્યાસ કરવા માટે પ્રેરણા મળી. ત્રણેય દિવસની કથાના સહુ ભક્તજનોને ભોજન-પ્રસાદ પીરસવામાં આવ્યો.

ગુજરાત રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન, બેલુર મઠ સલાહકૃત ગુજરાત રામકૃષ્ણ વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનું બે દિવસનું એક વાર્ષિક સંમેલન રામકૃષ્ણ વિવેકાનંદ આરાધના કેન્દ્ર, સુરતના યજમાનપદે ત્રિમંદિર પરિસર ખાતે યોજાયું હતું. આ સંમેલનમાં રામકૃષ્ણ મઠ-મિશન, બેલુર તરફથી નિરીક્ષક તરીકે નિયુક્ત પ્રતિનિધિ શ્રીમત્ સ્વામી વિશ્વાત્માનંદજીએ ઉપસ્થિત કેન્દ્રોના પ્રતિનિધિઓને અજોડ ‘રામકૃષ્ણધર્મ’ની સંકલ્પના સ્પષ્ટ કરીને કેન્દ્રોને નિ:સ્વાર્થ સેવાકાર્યો વિસ્તારી જીવન સફળ કરી લેવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ઉદ્‌ઘાટનસત્રમાં ધ્વજવંદન, સંઘગાન બાદ અંજાર, અંકલેશ્વર, ધાણેટી, ધરમપુર, જૂનાગઢ, કીમ, માંડવી, સુરત અને ઉપલેટાના પ્રતિનિધિઓએ પોત-પોતાના કેન્દ્રનાં સેવાકાર્યોના અહેવાલ રજૂ કર્યા હતા. કાર્યસત્રની બેઠકમાં કેન્દ્રો સાથે વહીવટી કાર્યવાહી સબબ સ્વામીજીઓએ પરામર્શ કર્યો હતો.

એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત સ્વામીજીઓએ પોતાનાં વક્તવ્યોમાં શ્રોતાજનોને શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદના જીવનદાયી સંદેશરૂપી વિશાળ તત્ત્વદર્શનને હળવાં દષ્ટાંતો દ્વારા સમજાવ્યું હતું.

આ પ્રસંગે યોજાયેલ ભક્તસંમેલનમાં વક્તવ્યો, વાંચન, ભાવસભર ભજનો ઉપરાંત પરિષદના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આ ભાવધારાનો સાર એવો ચાર યોગનો સમન્વય સમજાવ્યો હતો અને કેન્દ્રના સંચાલનમાં પડતી મુશ્કેલીઓ નિવારવા પરિષદની તત્પરતા પ્રગટ કરી હતી. પરિષદના ઉપાધ્યક્ષો સ્વામી આત્મદિપાનંદજી, સ્વામી ગુણાશ્રયાનંદજી, સ્વામી ઇષ્ટમયાનંદજી તેમજ વિશેષ આમંત્રિત રામકૃષ્ણ મઠ, અમદાવાદના અધ્યક્ષ સ્વામી પ્રભુસેવાનંદજી તેમજ રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ સ્વામી મંત્રેશાનંદજીએ ઉપસ્થિત કેન્દ્રોના પ્રતિનિધિઓ, ભક્તજનો અને કાર્યકરોને રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને વિવિધ આયામોમાં સમજાવી પ્રોત્સાહક બળ પૂરું પાડ્યું હતું.

ભારતભરમાં ગૃહસ્થો દ્વારા સંચાલિત કેન્દ્રોને માર્ગદર્શન આપવા માટે હાલમાં ૩૬ ભાવપ્રચાર પરિષદ છે જેના હેઠળ ૧૨૦૦ કેન્દ્રો ચાલે છે. આ સંમેલનની બેઠકમાં પરિષદ હેઠળ ‘યુવા પરિષદ’ની સંરચના ગુજરાતમાં પણ થઈ રહી છે, તેની કાર્યપદ્ધતિ વિશેની જાણકારી કેન્દ્રોને આપવામાં આવી હતી.

Total Views: 4

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.