વિવેકાનંદ આઈ કેર સેન્ટર – રોગી નારાયણની સેવા માટે ખુલ્લું મુકાયું

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા નવનિર્મિત વિવેકાનંદ આઈ કેર સેન્ટરનું મંગળ ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટી અને આસિસ્ટન્ટ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે અને ઓપરેશન કક્ષનું મંગળ ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટી અને મુંબઈ રામકૃષ્ણ મઠના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે ૨૧ સપ્ટેમ્બર, ૦૮ના રોજ સવારે ૯:૩૦ કલાકે થયું હતું.

ઉદ્‌ઘાટન પછી સવારે ૧૦:૦૦ કલાકે મળેલી જાહેર સભામાં શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજે સૌના સાથ સહકાર માટે આભારની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સ્વામીજી કહેતા કે આપનારે વિનમ્રભાવે આપવાનું છે, લેનારે અવસર આપ્યો છે એટલે આપનાર ધન્ય બને છે. આપવામાં પોતાનું કલ્યાણ કરવાની ભાવના તો હોય જ છે પણ સાથે ને સાથે બીજાનાં દુ:ખ-દર્દને અને એની લાગણીઓને અનુભવવાની શક્તિ આપી છે. એટલે જ આપણે સૌની સેવા કરવા, જીવતા પ્રભુની સેવા કરવા પ્રેરાઈએ છીએ. સેવા ભાવનાનાં કાર્ય અને પ્રચારથી દાન ધારા વહેતી રહે છે. મદદ કરવી એ પણ પ્રભુની કૃપા સમાન છે, અહંને ભૂલીને સેવા કરવી એ આપણા સૌનો પરમ ધર્મ બની જાય તો લોકોનાં શારીરિક માનસિક સંતાપો દૂર થઈ જાય. આ પ્રસંગે શ્રીમત્‌ સ્વામી વાગીશાનંદજી મહારાજે વિવેકાનંદ આઈ કેર સેન્ટરને રોગી નારાયણનું સેવા મંદિર કહ્યું હતું. સેવા ધર્મથી આધ્યાત્મિક વિકાસ સાધી શકાય છે. સૌના સહકારથી શરુ થયેલ આ સેવા મંદિર રોગી નારાયણની પૂજાનું કેન્દ્ર બને તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ શ્રી ઠાકુરના જીવસેવા દ્વારા શિવપૂજાના આદર્શને અનુસરીને સ્વામીજીએ ‘આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ’ ના આદર્શ સાથે રોગીનારાયણની, દરિદ્રનારાયણની, અભણ નારાયણની, સેવા કરવા શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપના ૧૮૯૭માં કરી હતી. એ સેવાના આદર્શ સાથે રામકૃષ્ણ મઠ મિશનની સંસ્થાઓ આરોગ્ય સેવા, શૈક્ષણિક સેવા, ગ્રામકલ્યાણ યોજના, ગરીબ અને નિરાધારને સહાય તેમજ કુદરતી આપત્તિના સમયે આપણા દેશભાંડુઓની સાર્વત્રિક પ્રયાસો સાથેની સહાય, પુનર્વસન સેવાકાર્યો જેવાં સમગ્ર રાષ્ટ્ર હિતનાં અને પ્રજાકલ્યાણનાં કાર્યોમાં સર્વદા રત રહે છે. સદ્‌ભાગ્ય એ છે કે અમને લોકોનો જબરો પ્રતિસાદ પણ સાંપડે છે. એમણે શ્રીરામકૃષ્ણ આશ્રમના ૧૯૨૭થી માંડીને આજ સુધી થયેલ વિવિધ સેવાકાર્યોનો સંક્ષિપ્ત અહેવાલ પણ ભાવિકો સમક્ષ રજૂ કર્યો હતો.

રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીએ આ સેવા કેન્દ્રની હવે પછીની ચિંતા કરવા ભક્તજનોને હાકલ કરી હતી. રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ સ્વામી અવ્યયાત્માનંદજીએ આ ચક્ષુ કેન્દ્રના ત્રિવિધ ઉદ્દેશની વાત કરી હતી. એમણે આઈ કેર, વી કેર અને યુ કેર સાથે પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખદુ:ખ પૂછ્યું હતું. એવી કાવ્યાત્મક શૈલીમાં પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. પોતાના સ્વાગત પ્રવચનમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજીએ ભારતે સંઘબદ્ધ થઈને પોતાની ઉન્નતિ માટે કાર્ય કરવું જોઈએ એમ કહ્યું હતું. અમારું આ સેવાકેન્દ્ર પણ સૌના ઉદાર સહકારથી ઊભું થયું છે. એ માટે અમે ઉદાર દિલના સૌ દાતાઓનો ઋણ સ્વીકાર કરીએ છીએ. આ પ્રસંગે સાંસદ શ્રી વલ્લભભાઈ કથીરીઆ, ડૉ.રેખાબેન ગોસલિયા અને ડૉ.પ્રફુલ્લ શાહે પ્રાસંગિક પ્રવચનો આપ્યાં હતાં. પ્રવચનો બાદ શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે આઈ કેર સેન્ટરમાં માનદ્‌ સેવા આપતા ડોક્ટરોનું, નેત્ર ચિકિત્સામાં મહત્ત્વનું પ્રદાન કરનાર ડૉ.રેખાબેન ગોસલીયાનું, આ વિશાળ ભવનના નિર્માણમાં સહાયરૂપ થનાર આર્કિટેકટ, સ્ટ્રક્ચરલ એન્જિનિયર, બાંધકામ કોન્ટ્રાક્ટર અને અન્ય સેવા-ભાવિ ઈજનેરોનું અને સેવકોનું, તેમજ આ યોજનામાં ઉદાર દિલે આર્થિક સહાય આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આભાર દર્શન સાથે આ મંગળ ઉદ્‌ઘાટન વિધિ સમારંભ પૂર્ણ થયો હતો.

પુસ્તક વિમોચન કાર્યક્રમ

મંદિર નીચેના હોલમાં ૨૧ સપ્ટેમ્બરે, રવિવારે સાંજના ૭.૩૦ વાગ્યે સ્વામી વાગીશાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને એક જાહેરસભાનું આયોજન થયું હતું. રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રકાશન વિભાગ તરફથી સર્વ પ્રથમ રામકૃષ્ણ સંઘના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ કૃત ‘નારદીય ભક્તિસૂત્ર’નું વિમોચન શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે તેમજ રામકૃષ્ણ સંઘના બીજા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી શિવાનંદજી મહારાજની વાણીને વાચા આપતા ગ્રંથ ‘આનંદધામના પથ પર’ પુસ્તકનો વિમોચનવિધિ શ્રીમત્‌ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે થયો હતો. ‘દેવીકીર્તન અને ભજનો’ નામની પુસ્તિકાનું વિમોચન રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીના વરદ્‌ હસ્તે થયું હતું. સ્વામી સુહિતાનંદજી મહારાજ, સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી આદિભવાનંદજી અને સ્વામી અવ્યયાત્માનંદજીનાં ભગવદીય વક્તવ્યોનો લાભ ભાવિકજનોએ લીધો હતો. કાર્યક્રમના અંતે પ્રકાશન વિભાગમાં મહત્ત્વની સેવા આપનાર શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી, શ્રીમનસુખભાઈ મહેતા, શ્રી પાલબાબુ અને શ્રી ગુહબાબુ, શ્રી શાંતિલાલભાઈ માનસેતા, ભાવનગરના શ્રી સુરમ્યભાઈ મહેતાને મઠ-મિશનના આસિ. સેક્રેટરી અને ટ્રસ્ટી શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે શાલ, સ્વામીજીની તસવીર અને પુસ્તકોનો સેટ આપીને સન્માનવામાં આવ્યા હતા.

Total Views: 162

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.