શ્રીમત્ દિવ્યાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે
૨૬ ઓગસ્ટ, ૨૦૦૭ ને રવિવારે સવારે રામકૃષ્ણ મિશન, માલદાના સચિવ તથા રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટી શ્રીમત્ સ્વામી દિવ્યાનંદજી મહારાજે રાજકોટની સેન્ટ્રલ જેલના ૬૦૦ કેદીઓને સંબોધ્યા હતા. એમણે આ કેદીઓને પોતાનો અંતરાત્મા જગાડવા અને સદાચારી માનવ બનવા પ્રેર્યા હતા. ધ્યાન અને પ્રાર્થના તેમજ પ્રવચન કેદીઓ માટે એક જાગૃતિ સમાન બની ગયાં હતાં. તે જ દિવસે સાંજે ૬.૩૦ કલાકે મંદિર નીચેના હૉલમાં તેમણે ભક્તજનોને સંબોધ્યા હતા. આ જ રીતે એમણે ભૂજની જેલના કેદીઓને સંબોધ્યા હતા. મહારાજશ્રીએ ધાણેટી ગામની મુલાકાત પણ લીધી હતી.
પરમપૂજ્ય શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે
૬ સપ્ટેમ્બર થી ૯ સપ્ટેમ્બર સુધી રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે પધાર્યા હતા. ૮ સપ્ટેમ્બરના રોજ પરમપૂજ્ય મહારાજે જિજ્ઞાસુઓને મંત્રદીક્ષા-આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. એ જ દિવસે સાંજે ૪.૩૦ વાગ્યે આંખના દવાખાનાના પ્રથમ માળના નવા બાંધકામની શરૂઆત પરમપૂજ્ય મહારાજના શુભ હસ્તે થઈ હતી. રાત્રે ૭.૩૦ વાગ્યે શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે તથા શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજે જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ જાહેરસભામાં રાજકોટના ભક્તોએ બંને સ્વામીજીઓનું સન્માન કર્યું હતું. ૯ સપ્ટેમ્બરના રોજ પરમપૂજ્ય શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે સર્વધર્મસમન્વય સભાનું ઉદ્ઘાટન કર્યું હતું, તથા પોતાનાં આશીર્વચન આપ્યાં હતાં.
શિકાગો વિશ્વધર્મ પરિષદના ઉપલક્ષ્યમાં ૯ થી ૧૬ સપ્ટેમ્બર સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમો
૧૮૯૩ના ૧૧ મી સપ્ટેમ્બરે સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં પોતાનું વક્તવ્ય આપીને ભારતના વેદાંત ધર્મની ધ્વજા ફરકાવી હતી. આ ઐતિહાસિક ઘટનાના ઉપલક્ષ્યમાં ૯ મી સપ્ટેમ્બરના રોજ ‘સર્વધર્મ સમન્વય સભા’નું આયોજન થયું હતું. આ સર્વધર્મસમન્વય સભામાં શ્રીરતનસિંહજીએ ‘શીખધર્મ’ અને ગુરુનાનકના ઉદાત્ત ઉપદેશની વાત કરી હતી. જૈનધર્મના પ્રતિનિધિ રૂપે શ્રી શશીકાંતભાઈ મહેતાએ મહાવીર સ્વામીના અપરિગ્રહ અને અહિંસાની વૈશ્વિકતાની વાત કરી હતી. અમદાવાદના મહમ્મદ અલી મદાનીએ ‘ઈસ્લામ ધર્મ’ના પ્રેમ અને ભ્રાતૃભાવના ઉદાત્ત આદર્શોની વાત કરી હતી. સેન્ટમેરી સ્કૂલ, રાજકોટના ફાધર જેમ્સે ભગવાન ઈશુના પ્રેમધર્મના મહિમાની વાત કરી હતી. હિંદુધર્મનાં ઉદાત્ત અને વૈશ્વિક તત્ત્વો વિશે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી સર્વસ્થાનંદજીએ વિગતવાર ચર્ચા કરી હતી.
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદે પ્રબોધેલા વૈશ્વિક ધર્મ અને ધર્મ-ધર્મ વચ્ચેના સમન્વયની વિગતવાર ચર્ચા કરી હતી. આ સભાના અધ્યક્ષ રામકૃષ્ણ મઠ, બાગબજાર, કોલકાતાના અધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટી શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજે ૧૮૯૩ના સ્વામી વિવેકાનંદે આપેલા ‘હિંદુધર્મ’ વિશે પ્રવચનના આધારે સર્વધર્મ સમન્વયની આધારભૂમિકા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ તેમજ બ્રહ્મચારીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. એસ.એન.કે. સ્કૂલના વિદ્યાર્થીઓએ અત્યંત સુંદરભાવે સર્વધર્મપ્રાર્થના રજૂ કરી હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજીએ આ સમારંભના મુખ્ય મહેમાનો અને ભાવિકજનોનું સ્વાગત કર્યું હતું. આવા સમારંભ યોજવા પાછળની ભૂમિકા એમણે પોતાના પ્રવચનમાં રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે શ્રીગિરિશભાઈ મારુએ આભારવિધિ કરી હતી.
૧૦ સપ્ટેમ્બર, સોમવારે સાંજે ૭.૩૦ વાગ્યે ‘વિવેક હૉલ’માં એસ.એન.કે. સ્કૂલ, રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા ‘સંગીતસુધાતરંગિણી’ નામની એક અનોખી નૃત્યનાટિકા રજૂ થઈ હતી. ભાવિકજનોએ આ કાર્યક્રમ મનભરીને માણ્યો હતો. ૧૧મી સપ્ટેમ્બરે, મંગળવારે સાંજે ૭.૩૦ વાગ્યે ‘વિવેક હૉલ’માં લાલ બહાદુર શાસ્ત્રી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલ ‘વેદાંતકેસરી વિવેકાનંદ’નો નાટ્યાભિનય ભાવિકજનોએ માણ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ વક્તવ્યો આપ્યાં હતાં.
૧૨ સપ્ટેમ્બરે શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજે પોરબંદર તથા ઉપલેટાની મુલાકાત લીધી હતી. ઉપલેટામાં પ્રાર્થના મંદિરના પ્રથમ માળના બાંધકામનો શુભારંભ પરમપૂજ્ય મહારાજના શુભ હસ્તે થયો હતો.
૧૩ સપ્ટેમ્બરે ૯ થી ૧૨.૩૦ સુધી રાજકોટ શહેર અને જિલ્લાના આચાર્યો અને શાળાદીઠ એક-એક શિક્ષક માટે ‘આજના વિષમ સમયમાં શિક્ષકો અને પ્રાચાર્યોનાં કર્તવ્યો’ વિશે વિવેકહૉલમાં શૈક્ષણિક શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી, ભાવનગર યુનિ.ના શિક્ષણ વિભાગના પ્રાધ્યાપક શ્રી ચંદ્રકાંતભાઈ ભોગાયતાનાં મનનીય પ્રવચનો હતાં. આ શિબિરના અધ્યક્ષ સ્થાને શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજે કહ્યું હતું : ‘મૂલ્યનિષ્ઠ કેળવણીની વાતો કરીએ છીએ, પણ એવું આચરણ જોવા મળતું નથી. સ્વામીજીએ ચારિત્ર્ય નિર્માણ અને માનવ નિર્માણ દ્વારા રાષ્ટ્રના નિર્માણની વાત વર્ષો પહેલાં કહી છે. આજે પણ નિષ્ઠાવાન શિક્ષકો છે અને એવા શિક્ષકોને વિદ્યાર્થીઓ સન્માને છે. વર્ગમાં આવીને તેઓ વિદ્યાર્થીઓને નમસ્કાર કરે છે, કારણ કે એમને મન વિદ્યાર્થીઓ નારાયણ છે.’
શિબિરના અંતે પ્રતિભાવો રજૂ થયા હતા. કાર્યક્રમનો પ્રારંભ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ તેમજ બ્રહ્મચારીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના પ્રતિનિધિ શ્રી ચેતનાબહેન વ્યાસે વેદ અને ઉપનિષદોને વર્ગખંડમાં લઈ જવાની વાત કરી હતી. પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં સ્વામી ધ્રુવેશાનંદજીએ પોતાનું સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
૧૪ સપ્ટેમ્બરે ‘વિવેક હૉલ’માં ‘આજના યુવાનોને મૂંઝવતા પ્રશ્નો અને તેનું સમાધાન’ એ વિશે યુવશિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં ૪૦૦ જેટલા યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજે વિદ્યાર્થીઓને સ્વામીજીના પુસ્તકો વાંચવાની જરૂરિયાત પર ખૂબ ભાર મૂક્યો હતો. કારણ કે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચવાથી તેમની શક્તિ આપણામાં દાખલ થાય છે. સ્વાતંત્ર્યસેનાનીઓએ પણ સ્વામીજીનાં પુસ્તકો વાંચીને જ પ્રેરણા મેળવી હતી. તથા સ્વામીજીના જીવનને અનુસરીને વ્યક્તિત્વ વિકાસની ચર્ચા કરી હતી.
પોતાના વક્તવ્યમાં રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીએ સ્વામી વિવેકાનંદની જેમ સાચા શિષ્ય અને વિદ્યાર્થી બનવાની કળા શીખવાની વાત કરી હતી. સંઘર્ષ તો રહેશે પણ સંઘર્ષો સાથે સતત લડનારો જ સ્વામીજીની જેમ મહાન સફળતા પ્રાપ્ત કરે છે. રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના પ્રવચનમાં સ્વામી વિવેકાનંદના અવતરણને ટાંકીને કહ્યું હતું: ‘દરેકમાં દિવ્યતા રહેલી છે, તેના પ્રગટીકરણથી દરેક સમસ્યાનું સમાધાન મળી શકે છે.’ વિદ્યાર્થીઓને ગીતાના ઉપદેશ અનુસાર ‘કર્મ કરો અને ફળની આશા છોડી દો’; તથા ટીવી અને વીડીયોની થતી ખરાબ અસરથી વિદ્યાર્થીઓએ પોતાની જાતને બચાવવી પડશે અને સતત જાગ્રત રહેવું પડશે. આ પ્રેરણાદાયી પ્રવચનના અંતે મહારાજે વિદ્યાર્થીઓને એકાગ્રતા કેળવવા માટે જીવન નિયમિત કરવાની અત્યંત જરૂરત છે, વગેરે વિશે વિષદ ચર્ચા કરી હતી.
કચ્છના કેળવણીકાર અને સુપ્રસિદ્ધ પ્રાચાર્ય શ્રી રમેશભાઈ સંઘવીએ યુવાનોની સમસ્યાઓ અને એનો સામનો કરવાની વાત પોતાના પ્રવચનમાં કરી હતી.
શિબિરના અંતે પ્રશ્નોત્તરી અને પ્રતિભાવોનો રસપ્રદ કાર્યક્રમ હતો. કાર્યક્રમનો પ્રારંભ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ તેમજ બ્રહ્મચારીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. કાર્યક્રમના પ્રારંભમાં સ્વામી ધ્રુવેશાનંદજીએ પોતાનું સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
૧૬ સપ્ટેમ્બરે, સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજના સાંનિધ્યમાં ભક્તજનો માટેની ‘આધ્યાત્મિક શિબિર’નું આયોજન થયું હતું. આ પ્રસંગે સ્વામી નિખિલેશ્વરાનંદજી અને સ્વામી માયાતીતાનંદજીએ ભાવિકજનોને સંબોધ્યા હતા. બેલૂર મઠથી યાત્રાએ આવેલા સ્વામી નિત્યજ્ઞાનાનંદજીએ ‘ધર્મ એટલે શું અને ધર્મ-અર્થ-કામ-મોક્ષની વિભાવના સ્પષ્ટ કરી હતી. શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજીએ ભક્તજનોને કહ્યું હતું : ‘શ્રીરામકૃષ્ણ પુરાણ’ ગ્રંથ શ્રવણ-મનન માટે ખૂબ અગત્યનું અવલંબન છે. તેમાં શ્રીરામકૃષ્ણના મહિમાનું અદ્ભુત વર્ણન છે. પ્રવચનને અંતે પૂજ્ય મહારાજે જણાવ્યું કે આપણે શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામીજીના ઉપદેશને જીવનમાં ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.’
૧૦ વાગ્યે શ્રી અક્ષયકુમાર સેન રચિત ‘શ્રીરામકૃષ્ણ-પુરાણ : ભાગ-૧’ના ગુજરાતી સંસ્કરણનું વિમોચન શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું. આ પ્રસંગે સ્વામી ધ્રુવેશાનંદજીએ ‘શ્રીરામકૃષ્ણ પુરાણ’ના ઇતિહાસની વાત કરી હતી. તેમાં આ પડકારરૂપ અતિ કઠિનકાર્યને વિશેષ કરીને શ્રી કેશવલાલ શાસ્ત્રીજી તથા સ્વામી સર્વસ્થાનંદજીએ સાકાર કર્યું હતું. બંગાળી પુંથિમાંથી પાંચહજાર જેટલી પંક્તિઓનો અનુવાદ કરનાર જાણીતા વિદ્વાન પંડિત શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રીએ પુંથિને એક આકરગ્રંથ ગણાવ્યો હતો. આ અનુવાદના કાર્યમાં સ્વામી પરપ્રેમાનંદજી મહારાજે પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રીનું શાલ ઓઢાડીને સન્માન થયું હતું. સ્વામી સર્વસ્થાનંદજી મહારાજે પોતાના પ્રવચનમાં ‘કલ્પતરુ રૂપ શ્રીરામકૃષ્ણદેવ’ વિશે જણાવ્યું હતું. શ્રીરામકૃષ્ણ પુરાણ ગ્રંથના શ્રવણ-મનનથી તેમાં વ્યક્ત થતાં સરળ ભક્તિ અને શરણાગતિના આ ભાવને ભક્તજનો પણ અનાયાસે ગ્રહણ કરી શકે છે.
રામકૃષ્ણ યુવક મંડળ, ભુજમાં યોજાયેલ જાહેરસભા
રામકૃષ્ણ યુવક મંડળ, ભુજ દ્વારા ‘ગૃહસ્થ ધર્મ વિષે’ શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદ, સ્વામી ધ્રુવેશાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદ, સ્વામી નિત્યજ્ઞાનાનંદજીની નિશ્રામાં એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિકજનોએ તેનો લાભ લીધો હતો.
મમુઆરામાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ
ગણેશ ચતુર્થી અને સવત્સંરીના પાવનકારી દિવસે કચ્છના ધાણેટી ગામ પાસેના મમુઆરા ગામમાં શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજના વરદ્ હસ્તે સ્વામી વિવેકાનંદની આરસની ભવ્ય પ્રતિમાનો અનાવરણ વિધિ થયો હતો. ઉપસ્થિત સંન્યાસીઓએ અને સુપ્રસિદ્ધ વક્તાઓએ સભાને સંબોધી હતી.
રામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદિપુર
રામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદિપુરમાં ‘સારદા ભવન’નો શિલાન્યાસવિધિ પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજના વરદ હસ્તે થયો હતો. આ ભવનમાં દવાખાનું, નિ:શૂલ્ક શિક્ષણવર્ગો, સીવણકેન્દ્ર, પુસ્તક વેંચાણ વિભાગોમાં સેવાકાર્યો શરૂ થશે.
રામકૃષ્ણ મિશન – વિવેકાનંદ મેમોરિયલ દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થી ભાઈ-બહેનોનું સન્માન
રામકૃષ્ણ મિશન – વિવેકાનંદ મેમોરિયલ દ્વારા સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજની પાવન નિશ્રામાં મ.સ. યુનિવર્સિટીના સી. સી. મહેતા ઓડિટોરિયમ ખાતે તા. ૧૧-૯-૦૭ ને મંગળવારના રોજ સાંજે ‘સ્વામી વિવેકાનંદજીએ વિશ્વ ધર્મ પરિષદ ખાતે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ પ્રબોધેલ ઉપદેશની પ્રાસંગિકતા’ એ વિષય પર જાહેરસભાનું આયોજન થયું હતું; તથા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થી ભાઈ-બહેનોનું સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે વક્તા તરીકે રામકૃષ્ણ આશ્રમ, છત્તીસગઢ, નારાયણપુરના સચિવ સ્વામી નિખિલાત્માનંદજી તથા વર્લ્ડ વિન્ડ એનર્જી એસોસિએશનના પ્રમુખ ડો. શ્રી અનિલ કાણેએ સુંદર ઉદ્બોધન કર્યા. વાઈસ-ચાન્સેલર ડો. શ્રી મનોજ સોનીએ પણ જાહેરસભાને સંબોધી, સ્વામી સ્મરણાનંદજી તથા અન્ય મહાનુભાવો દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થી ભાઈ-બહેનોનું સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં રામકૃષ્ણ આશ્રમ, અલ્હાબાદના સ્વામી ત્યાગાત્માનંદજી, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સ્વામી નિખિલેશ્વરાનંદજી, પ્રો, વાઈસ ચાન્સેલર શ્રી એસ. એમ. જોષી, મેડિકલ કોલેજના ડીન ડો. શ્રી કમલ પાઠક, વિદ્યાર્થી ભાઈ-બહેનો, વિદ્યાર્થીઓનાં માતા-પિતા, આમંત્રિત, મહેમાનો, પત્રકાર મિત્રો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
રામકૃષ્ણ મિશન, સ્વામી વિવેકાનંદ પૈતૃકગૃહ અને સાંસ્કૃતિક કેન્દ્ર, કોલકાતામાં યોજાયેલ સેમિનાર
ઉપર્યુક્ત સંસ્થામાં ૩૧ માર્ચ અને ૧ એપ્રિલ’૦૭ના રોજ ‘આવતીકાલના નેતૃત્વ અને વ્યવસ્થાપનમાં ભારતીય વિભાવનાનું સ્થાન’ એ વિષે એક સેમિનારનું આયોજન થયું હતું. આ સેમિનારમાં કોલ ઈંડિયાના નિયામક શ્રી સુદીપ ઘોષ, આઈઆઈએમ, કોલકાતાના શ્રી એસ.પી. મુખરજી, એનઆઈઆઈટીના શ્રી આર. એસ. પવાર, યુનિલિવરના ભૂતપૂર્વ નિયામક શ્રી એસ.એમ. દત્તા, રામકૃષ્ણ મિશન – વિવેકાનંદ યુનિવર્સિટીના કુલપતિ સ્વામી આત્મપ્રિયાનંદ, શ્રી કિરણ બેદી જેવા ભારતના ગણ્યમાન વિદ્વાનોએ પોતપોતાનાં વકતવ્યો આપ્યાં હતાં.
તેમજ ‘આધ્યાત્મિક સંસ્કૃતિનું નેતૃત્વ અને વ્યવસ્થાપનમાં સ્થાન’ એ વિષે ૭ અને ૮ જુલાઈ-૨૦૦૭ના રોજ રાષ્ટ્રીય સેમિનારનું આયોજન થયું હતું. આ સેમિનારમાં આઈએમએમ કોલકાતાના શ્રી એસ. ચક્રવર્તી, ઉપરાંત ઉપર્યુક્ત સેમિનારના મહાનુભાવોએ પોતપોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં.
Your Content Goes Here




