શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વેલ્યૂ એજ્યુકેશન ઍન્ડ કલ્ચર’ હૉલમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો, શિક્ષકો, આચાર્યો માટે અવારનવાર મૂલ્યલક્ષી શિક્ષણશિબિર યોજાય છે. આ શિબિરમાં સવારના ૮.૦૦ થી ૧૨.૩૦ સુધી આશ્રમના વરિષ્ઠ સંન્યાસીઓનાં સંક્ષિપ્ત વક્તવ્યો, વૈદિક મંત્રોચ્ચાર, ભજનગીત, શિબિરાર્થીઓના પ્રશ્નોના ઉત્તર તેમજ તેમના પ્રતિભાવો અને પ્રસાદના કાર્યક્રમો હોય છે. શિબિરાર્થીઓને શિબિરના અંતે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનાં ઉત્તમ પ્રકાશનોનું વાચનભાથું પણ અપાય છે.
આ વર્ષે ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં શ્રીરામકૃષ્ણ મિશન, રાયપુરના સચિવ અને વરિષ્ઠ સંન્યાસી શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ, રામકૃષ્ણ મિશન આશ્રમ, કિશનપુર (દહેરાદૂન)ના સચિવ સ્વામી નિર્વિકલ્પાનંદજી મહારાજ, રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ, ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિશ્રી ડૉ. નરેશભાઈ વેદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્ટાફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂટના નિયામક શ્રી ડૉ. ભદ્રાયુ વછરાજાનીની નિશ્રામાં વિવિધ કક્ષાના આચાર્યો શિક્ષકો માટે ‘શિક્ષક અને આચાર્યની શિક્ષણનિષ્ઠા અને આચરણ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી ઘડતર’ એ વિશે મૂલ્યલક્ષી શિક્ષણશિબિરોનું આયોજન અહીં જણાવ્યા પ્રમાણે થયું હતું.
૨૫ ઑગસ્ટ, શુક્રવાર, સવારે ૮.૩૦ થી ૧.૦૦ આચાર્યો માટેની મૂલ્યલક્ષી શિક્ષણશિબિરમાં ૩૦૦ થી વધુ આચાર્યોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. સ્વાગત-પ્રાસંગિક પ્રવચનમાં સ્વામી ધ્રુવેશાનંદજીએ માતાપિતા, શિક્ષક-આચાર્યનું વિદ્યાર્થી જીવનઘડતરમાં પ્રદાન વિશે કહ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દવે સાહેબે મૂલ્યલક્ષી શિક્ષણ પર વધુ ભાર મૂક્યો હતો. ભાવનગર યુનિ.ના ભૂતપૂર્વ કુલપતિશ્રી ડૉ. નરેશ વેદે વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસમાં આચાર્યો અને શિક્ષકો, માતપિતાના પ્રદાન વિશે ઘણી ગહન ચર્ચા કરી હતી. માહિતી જ્ઞાનને બદલે વિદ્યાર્થીઓને જીવનના શ્રેષ્ઠ આચરણનું ભાથું આપવું જોઈએ. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ માત્ર સારા માણસો અને સારા નાગરિકો જ દેશને મહાન બનાવી શકે, એ માટે માનવ બનો અને બનાવોનું જીવન શિક્ષણ શાળામાંથી મળવું જોઈએ. શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે જણાવ્યું હતું કે સંસારનાં બધાં દુ:ખકષ્ટના નિવારણનો એક માત્ર ઉપાય સારી અને સાચી શિક્ષણ વ્યવસ્થામાં છે. શ્રેષ્ઠ ચારિત્ર્ય-ઘડતર પર ભાર મૂકીને નૈતિક અને આધ્યાત્મિક જીવન જીવવા વિદ્યાર્થીઓને આચાર્યોએ પોતાના સદાચરણ દ્વારા પ્રેરવા જોઈએ. સ્વામી વિનિર્મુક્તાનંદજી મહારાજનું ભજન આચાર્યોએ માણ્યું હતું અને કાર્યક્રમના અંતે એમણે સૌનો ઋણ સ્વીકાર કર્યો હતો.
૨૬ ઑગસ્ટ, શનિવાર, સવારે ૮.૩૦ થી ૧.૦૦ શિક્ષક ભાઈ-બહેનો માટે મૂલ્યલક્ષી શિક્ષણશિબિરનું આયોજન થયું હતું. રામકૃષ્ણ સંઘના સંન્યાસી-બ્રહ્મચારીઓના વૈદિક મંત્રોચ્ચારથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. સ્વામી ધ્રુવેશાનંદજીએ પોતાનું પ્રાસંગિક અને સ્વાગત પ્રવચન આપ્યું હતું. સૌ પ્રથમ ડૉ. નરેશ વેદે અધ્યયન-અધ્યાપન નિષ્ઠા વિશે વાત કરી હતી. શિક્ષણ અને વિદ્યાર્થી પ્રત્યેની ‘નિસ્બત’ની ચર્ચા કરી. ખરેખર આપણે આત્મનિરીક્ષણની જરૂર છે. બીજા વક્તા સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદે શિક્ષક હોવાના ગર્વની અને સાચી શિક્ષણ નિષ્ઠાની વાત કરી હતી. સ્વામી શ્રી સત્યરૂપાનંદજીએ કહ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓને જવાબદારી સોંપો અને એમને માર્ગદર્શન આપો અને કાર્ય કરતાં બનાવી દેવા જોઈએ.’ આ શિબિરમાં ૩૫૦ થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો.
૨૭ ઑગસ્ટ, રવિવાર, સવારે ૮.૩૦ થી ૧.૦૦ ભક્તજનો માટે આધ્યાત્મિક શિબિર યોજાઈ હતી. તેમાં ૧૨૦ થી વધુ ભક્તજનોએ ભાગ લીધો હતો.
૨૯ ઑગસ્ટ, મંગળવાર, સવારે ૮.૩૦ થી ૧.૦૦ પ્રાથમિક શાળા, પી.ટી.સી.ના વિદ્યાર્થીઓ માટે મૂલ્યલક્ષી શિક્ષણ શિબિર. આ શિબિરમાં શિબિરાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો.
૩૦ ઑગસ્ટ, બુધવાર, સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ શાળા/કોલેજના વિદ્યાર્થીઓ માટે યુવશિબિરનું આયોજન થયું હતું. આ યુવશિબિરમાં ૬૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
૩ સપ્ટેમ્બર, સોમવારે સવારે ૯ થી ૧૨ સુધી શિક્ષકો માટે મૂલ્યલક્ષી શિક્ષણની શિબિર તેમજ બપોરે ૩ થી ૬ વિદ્યાર્થીઓ માટે વ્યક્તિત્વ વિકાસની શિબિર રામકૃષ્ણ મિશન, કિશનપુર, દહેરાદૂનના સચિવ સ્વામી નિર્વિકલ્પાનંદજી મહારાજની નિશ્રામાં યોજાઈ હતી.
આવી શિબિરો દ્વારા આજની ઊગતી પેઢીના વિદ્યાર્થીઓ, શાળાના આચાર્યો, શિક્ષકોને આધ્યાત્મિક સંસ્કારોને જીવનમાં ઉચ્ચતમ મૂલ્યો ઊતારીને પોતાના જીવનને કેવી રીતે શાંતિ અને આનંદના પથે વાળવું એનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આધ્યાત્મિક શિબિર દ્વારા આપણા આધ્યાત્મિક સંસ્કારોને કેવી રીતે પ્રદીપ્ત કરવા તેનું અનુભવી સંન્યાસીઓ દ્વારા શિબિરાર્થીઓને માર્ગદર્શન સાંપડ્યું હતું.
ભજન સંધ્યા
૯ સપ્ટેમ્બરના રોજ સ્વામી વિર્નિમુક્તાનંદજી મહારાજ તથા સંન્યાસીવૃંદે રાજકોટના વિવેકહૉલમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભક્તવૃંદને ભજનામૃતનું પાન કરાવ્યું હતું. ૧૦ સપ્ટેમ્બરના રોજ ગેલેક્સીગૃપ, રાજકોટના નાનાં ભૂલકાઓ દ્વારા સ્વામી વિવેકાનંદ પર નાટક, ભજન તથા શિકાગો વ્યાખ્યાન રજૂ થયું હતું. ૧૧ સપ્ટેમ્બરના રોજ ગેલેક્સીગૃપનાં શિક્ષક ભાઈ-બહેનોએ ભજનોના સૂર રેલાવ્યા હતા. શિકાગો વ્યાખ્યાનના અનુસંધાનમાં યોજાયેલ આ ત્રણ દિવસના કાર્યક્રમોને ભક્તજનોએ મનભરીને માણ્યા હતા.
ધાણેટીમાં વિવેકાનંદ વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ
વિવેકાનંદ વિદ્યાલય ધાણેટીના શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિર હોલમાં પ્રાર્થના સમિતિના ઉપક્રમે ગત તા. ૧૧/૭ના રોજ ગુરુપૂર્ણિમાનું આયોજન કરવામાં આવેલ હતું. ગુરુપૂર્ણિમા નિમિત્તના કાર્યક્રમમાં આચાર્ય શ્રી બકુલેશભાઈ ધોળકિયા, શિક્ષકવૃંદ સર્વશ્રી અરુણભાઈ દવે, વિક્રમભાઈ સોંદરવા વગેરેએ પ્રસંગોચિત્ત પ્રવચન આપ્યું હતું. તેમજ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાંથી વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા વક્તવ્યો રજૂ કરવામાં આવ્યાં હતાં.
બ્રહ્મલીન સ્વામી પ્રમાનંદજી મહારાજને શ્રદ્ધાંજલિ
૧૯૬૮ થી ૨૦૦૩ સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પોતાની દુષ્કાળ, પૂર, રાહતકાર્યો, પુનર્વસનકાર્યોમાં સેવાઓ આપનાર સ્વામી પ્રમાનંદજી મહારાજે તા. ૯ સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે બેલૂર મઠમાં પોતાનું શરીર છોડી દીધું હતું. તેમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે તા. ૨૦ સપ્ટેમ્બરના રોજ શ્રીમંદિરમાં સવારે ૭.૩૦ થી ૧૦ વાગ્યા સુધી વિશેષ પૂજા-હવન પછી વિવેકહૉલમાં ૮૦૦ થી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં એમની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. સભાનો પ્રારંભ રામકૃષ્ણ સંઘના અંતેવાસીઓના શાંતિમંત્રો અને પીનાકીન ઠાકરના ભજનોથી થયો હતો. સ્વામી ધ્રુવેશાનંદજીએ કહ્યું હતું: ‘સુબોધ મહારાજનું મૃત્યુ બેલૂર મઠમાં બ્રાહ્મમુહૂર્તે શ્રેષ્ઠપળે થયું. ૧૯૪૫માં પૂજ્ય વિરજાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા અને ૧૯૫૭માં તત્કાલીન અધ્યક્ષ શ્રીમત્ સ્વામી શંકરાનંદજી મહારાજ પાસેથી સંન્યાસદીક્ષા લીધી હતી. તેમણે રામકૃષ્ણ મિશન, કોલેજ, બેલૂર અને બંગાળના જલપાઈગુડી કેન્દ્રમાં તેમજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ; રામકૃષ્ણ મિશન, લીંબડી અને પોરબંદરમાં પોતાની સેવાઓ આપી હતી.’ ગુજરાતમાંથી આવેલા શોકસંદેશાની વાત કરી હતી. એમનાં સરળ સંન્યાસી જીવન, વિનમ્રતા વિસરી ન શકાય. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ બ્રહ્મચારીઓ અને સંન્યાસી પ્રત્યેના એમનાં આદરભાવ અને નિર્મળતાની વાત કરી હતી. તેઓ આદર્શ સંન્યાસી હતા. એમની નાની ઓરડીમાં અમે બપોર અને રાતના ભોજન પછી એકઠા થઈને હાસ્યવિનોદ, આદર્શની વાતો કરતા. સ્વામી આદિભવાનંદજીએ રાહતકાર્યોમાં કે પુનર્વસનકાર્યમાં મુખ્ય સંવાહક હોવા છતાં તેમનો ભાર કોઈને લાગ્યો નથી. ક્લેશ તો ત્યાં આવવાનું નામ જ ન લેતો. જરૂર જણાય ત્યારે બ્રહ્મચારી અને સંન્યાસીઓને આદર્શ અને સદુપદેશની ગંભીર વાતો કરતા. સ્વામી અવ્યયાત્માનંદજીએ સુબોધ મહારાજની સરળતા અને નિર્મળ નિર્વ્યાજ વૃત્તિ હસતાં હસતાં કામ કરાવવાની કળાની વાત કરી હતી. સૌના એ માર્ગદર્શક હતા. અમારી મનોમૂંઝવણો વખતે એમની પાસેથી ઉકેલ મળી રહેતો. ગુજરાતના ભક્તોમાંથી ૧૯ ભક્તોએ સ્વામીજીનાં સહજસરળ સ્વભાવ, ઉદારતા અને વ્યવહારુ દૃષ્ટાંતો દ્વારા જીવનનાં સત્યો સમજાવવાની કળા; ભક્તો પ્રત્યેની કરુણા-સહૃદયતા, ભક્તોનાં દુ:ખકષ્ટને દૂર કરવાની કળાને લીધે તેઓ આબાલવૃદ્ધ સૌને માટે ટેકણ-લાકડી બની ગયા હતા. વડોદરાના ગોરધનભાઈ પટેલે સુબોધ મહારાજ સાથેના આત્મીયતાભર્યા સંબંધનાં સંસ્મરણો પાઠવ્યાં હતાં. સભાના અંતે શ્રી જીતુભાઈ અંતાણીનું ભજન થયું હતું. ૧૨૦૦ જેટલા ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. ઉપરાંત અંધ-અપંગ આશ્રમ, વૃદ્ધાશ્રમ વગેરે સંસ્થાઓમાં લગભગ નારાયણ સેવા રૂપે ૧૩૦૦ જેટલા નિરાશ્રિતોને પ્રસાદ અપાયો હતો.
આ પ્રસંગે રામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય અને માનસપુત્ર શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજના જીવન ચરિત્ર ઉપર ‘સ્વામી બ્રહ્માનંદ’ એ નામે નાનું પુસ્તક પ્રકાશિત થયું હતું. જામનગરના શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરી આપ્યો છે. સ્વામી ચેતનાનંદકૃત ‘ગોડ લિવ્ડ વિથ ધેમ’ તેમજ બીજા અન્ય પુસ્તકોમાંથી સંકલન કરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત ભાવિકજનોને આ પુસ્તિકા પૂજ્ય સ્વામી પ્રમાનંદજી મહારાજના સ્મરણાર્થે શ્રી યશસ્વીભાઈ યશવંતરાય મહેતા અને પરિવારજનો, ભાવનગર તરફથી પ્રસાદી રૂપે આપવામાં આવી હતી. શ્રી યશસ્વીભાઈના પુત્ર શ્રી સુરમ્યભાઈએ આ પુસ્તક ભાવિકોને રાહતદરે મળી રહે એ હેતુથી ૨૫,૦૦૦નું માતબર દાન આપ્યું હતું.
રામકૃષ્ણ પ્રાર્થના મંદિર, ભૂજમાં ૧૧ સપ્ટે., સોમવારે તેમજ ધાણેટી ગામના ઠાકર મંદિર ચોકમાં બ્રહ્મલીન પૂજ્ય સ્વામી પ્રમાનંદજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પવા વિશેષ સભાનું આયોજન થયું હતું.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રૂપિયા ૬૫ લાખથી વધુ રકમનું થયેલ પૂરરાહતસેવાકાર્ય
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ગુજરાતમાં આવેલા પ્રલયકારી પૂર અને અતિવૃષ્ટિએ ઘણી મોટી તારાજી સર્જી હતી. દક્ષિણ ગુજરાતનાં સૂરત-નવસારીના પૂરપીડિત વિસ્તારોમાં ૮ ઑગસ્ટથી રાહતસેવાકાર્યનો પ્રારંભ થયો હતો. સૂરત, ખેડા, આણંદ જિલ્લાના અસરગ્રસ્તોને ૫૦,૦૦૦ ફૂડપેકેટ્સ પહોંચતા કરવામાં આવ્યા હતા. ૧૦૫૯૩ કીટ્સ, (૫ કી. લોટ, ૨ કી. બટેટા, ખીચડી, ૧ કી. મીઠું, અડધો કી. ખાંડ, ચા, મરી મસાલા, મીણબત્તી, બાકસ, સાડી, ધાબળો-ચાદર, ૨.૫ મિટર કાપડનો ટુકડો, ૫૦૦ ગ્રામ તેલની એક કીટ), ૨૫૦૦૦ પાણીના પાઉચનું વિતરણકાર્ય થયું હતું. થાળી, વાટકા, ગ્લાસ, પ્લાસ્ટિક ડોલ-ટમ્બલરવાળા વાસણ સેટ ૨૦૦૦નું વિતરણકાર્ય ૨૩ ઑગસ્ટ સુધીમાં થઈ ચૂક્યું છે. આ પૂરરાહતની સામગ્રી પાછળ કુલ ૬૫ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.
તાજેતરમાં અમદાવાદ તથા ખેડા જિલ્લામાં આવેલ પૂરગ્રસ્ત વિસ્તારમાં ફેમિલી કિટનું વિતરણકાર્ય ચાલુ છે. જેમાં ખેડા તાલુકાના સોખડા, ભડા, ગાંધીપુર, છગનપુર, વસા, નાયકા, પાથપુરા; તથા ધોળકા તાલુકાના રીડપુરા, ધુલજીપરા, આમલીધાર તથા આમલીધાર પરુ, જલાલપુર, ખાતરીપુર, સહીજપરુ વગેરે ગામડાઓમાં રાહતસામગ્રીનું વિતરણ કાર્ય થયું છે.
રાજ્યની કે દેશની આવી કુદરતી આપત્તિના સમયે અમારા રાહતકાર્યમાં વિશ્વાસ મૂકીને અમને સહાય કરનાર ઉદારદિલના દાનવીરો અને જાહેર સેવાભાવી ટ્રસ્ટ્સના ટ્રસ્ટીઓ તથા ભાવિકજનોને આ સેવાકાર્ય માટે પોતાનો ઉદાર હાથ લંબાવવા નમ્ર વિનંતી.
રામકૃષ્ણ મઠ અને મિશનનાં વિવિધ સેવાકાર્યો (પૂર રાહતકાર્ય)
* આંધ્રપ્રદેશના રાજમુંદ્રી કેન્દ્ર દ્વારા પૂર્વ ગોદાવરી જિલ્લાના ૧૮ ગામડાંનાં ૮૭૫ કુટુંબોમાં ૩૫૦૦ થાળી રાંધેલું અનાજ, ૫૦૦૦ પાણીના પાઉચ અપાયાં હતાં. ૭૧૧ દર્દીઓને ચિકિત્સાસેવા પણ અપાઈ હતી.
* રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ૧૦ કિ. ઘઉંનો લોટ, ૫ કિ. ચોખા, ૨ કિ. દાળ, ૧ કિ. તેલ, ૧૦૦ ગ્રામ હળદર, ૧૦૦ ગ્રામ મરચું, ૧ કિ. મીઠું, ૨૫૦ ગ્રામ ચા, ૧ કિ. ખાંડની એક એવી ૧૨૦૦ કિટ્સ તેમજ ૩૬૬૮૫ ફૂડપેકેટ્સ, ૨૬૫૦૦ પાણીના પાઉચનું વિતરણ કાર્ય સૂરત અને વડોદરા જિલ્લાના ૧૫ ગામડાંનાં ૩૬૬૮૫ કુટુંબોમાં કરવામાં આવ્યું હતું.
* મહારાષ્ટ્રમાં ૧૦૭૮૩ ફૂડપેકેટ, ૪૦૦ કિ. લીલાવટાણા, ફણસી, મીઠું, વગેરે; ૪૦ કિ. મરચું, ૪૦ કિ. હળદર, ૬૯૫૮ ઓઆરએસ પેકેટ્સ, ૨૬૦૨ પાણીની બોટલ, ૮૦૦ સ્ટીલની થાળી, પ્યાલા તેમજ ૮૦૦ શેતરંજી-ચાદર, ૪૦૦ સાડી, ૪૦૦ ડોલ અને ૧૦૦૦ નોટબૂકનું વિતરણ ઔરંગાબાદ અને નાંદેર જિલ્લાના ૧૧૮૦૩ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું.
* મુંબઈ આશ્રમ દ્વારા ૩૨૨ કિ. ચોખા, ૩૨૨ કિ. ઘઉં, ૧૬૧ કિ. દાળ, ૭૦૯૦ ફૂડપેકેટ, ૫૦૦ ચાદર, ૫૦૦ સાડી, ૪૧ ટેન્ટ, ૫૦ લિ. કેરોસીનનું વિતરણ બુલદાણા જિલ્લાના ૭૦૯૦ માણસોમાં કરવામાં આવ્યું હતું. ૨૦૦ લોકોને ચિકિત્સા સેવાનો લાભ મળ્યો છે. * પૂણે આશ્રમ દ્વારા ચણાચોર અને બિસ્કીટના ૭૫ પેકેટ તેમજ ૯૫ ધાબળાનું વિતરણ પૂણેના ૬૬ કુટુંબોમાં કરવામાં આવ્યું હતું.
* ઓરિસ્સામાં પુરી મઠ દ્વારા પુરી જિલ્લાના ૨૫ ગામડાંના ૧૫૫૩૪ લોકોમાં ૬૮૦ કિ. ખાંડ અને ૮૭૫૮ કિ. પૌઆનું વિતરણ થયું હતું.
* રાજસ્થાનમાં જયપુર કેન્દ્ર દ્વારા તાલપત્રી અને ધાબળાનું વિતરણ બારમેર જિલ્લાના ૩૦૦૦ પૂરગ્રસ્ત કુટુંબોમાં થયું હતું. હજુ આ રાહતકાર્ય ચાલુ છે.
* શ્રીલંકામાં ત્રિંકોમાલી જિલ્લામાં વંશીય તોફાનોને લીધે બાટીકાલોઆમાં આવેલા ૩૦૦ નિરાશ્રિત કુટુંબોને દૂધનો પાઉડર અને અન્ય ચીજવસ્તુઓ આપવામાં આવી છે. તેમજ ૧૭૫ કુટુંબોને રેફ્યુજી કેમ્પમાં રાખવામાં આવ્યા છે. સુનામી પુનર્વસન કાર્યમાં શ્રીલંકાના બાટીકાલોઆમાં ૧૧૬ મકાનોનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાંથી ૨૪ મકાનો અસરગ્રસ્ત કુટુંબોને ફાળવી દીધાં છે. બાકીના ૯૨ મકાનોનું બાંધકામ ચાલુ છે.
રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા ધો. ૧૦-૧૨ના તેજસ્વી તારલાનું સન્માન
૧૭ જુલાઈ, ૦૬ના રોજ રામકૃષ્ણ મિશન, વડોદરામાં ધો. ૧૦ અને ૧૨ વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહના વડોદરા કેન્દ્રમાં પ્રથમ દસ ક્રમે આવેલા વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે પુરસ્કાર વિતરણ અને સન્માન સમારંભનું આયોજન થયું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ સ્થાને વડોદરાના રણજિતસિંહ ગાયકવાડ તેમજ શ્રીમતી શુભાંગિનીરાજે ગાયકવાડ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને પુરસ્કાર વિતરણ કર્યું હતું.
Your Content Goes Here




