સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે. અબ્દુલ કલામ સાથે સ્વામી જિતાત્માનંદજીની એક મુલાકાત

૫ સપ્ટેમ્બર, ૨૦૦૩ના રોજ સાંજના ૬.૧૫ કલાકે સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે. અબ્દુલ કલામને રાજકોટ હવાઈ મથકે મળ્યો. બીજા ૫૦ જેટલા અગ્રણીઓ ઉપસ્થિત હતા. તેમણે હાસ્ય સાથે મારું ઉમળકાભર્યું સ્વાગત કર્યું. મેં એમને હમણાં જ બહાર પડેલ અમારું પ્રકાશન ‘શ્રીરામકૃષ્ણ દર્શનમ્‌’ આપીને એમને શ્રીરામકૃષ્ણ અને સૂફી ઇસ્લામની સાધના તેમજ શ્રીરામકૃષ્ણને બે વખત થયેલાં જિસસ ક્રાઈસ્ટનાં દર્શનનાં ચિત્રો બતાવ્યાં. એ જોઈને તેઓ ભાવુક બની ગયા. મેં તેમને કહ્યું: ‘શ્રીરામકૃષ્ણદેવના જીવનસંદેશનું અનુસરણ કરનારા અમે એમ માનીએ છીએ કે સૂફી ઇસ્લામ એ પણ ઈશ્વરાનુભૂતિનો એક પથ છે. તેઓ એકીનજરે ચિત્રોને જોઈ રહ્યા હતા. એક વર્તમાનપત્રમાં ત્રણ મોટા ફોટોગ્રાફ સાથે ઈંડોનેશિયાની મસ્જિદમાં ૩૦૦૦ મુસ્લિમ ભાઈ-બહેનોને મેં આપેલ વ્યાખ્યાનના સમાચારની કાપલી એમને બતાવી. મેં એમનું મથાળું વંચાવ્યું: ‘જેમની ભીતર દેવદેવીઓ રહે છે એવાં દૂરસુદૂર દેશનાં વિદ્યાર્થી ભાઈ-બહેનોને સન્માનવા ભારતનો એક ધર્મદૂત આજે આવ્યો છે’. એ જાણીને એમને ઘણો આનંદ થયો. ૧૯૯૯ના સપ્ટેમ્બરની બઁગલોરની ‘નેશનલ સાયન્સ સમ્મિટ’માં એમની ઉપસ્થિતિમાં ‘આપણે બંને સંયુક્ત રીતે પાકિસ્તાનમાં શાંતિયાત્રાએ જઈશું’ એ શબ્દોની યાદ અપાવી. એ પ્રમાણે પાકિસ્તાન જઈને મુસ્લિમ પરિવારનો મહેમાન બનીશ અને એમની સાથે હું ભોજન પણ લઈશ. આ સાંભળીને એમનો ચહેરો આનંદથી ઝળકી ઊઠ્યો. ગયા વર્ષની રાજકોટની મુલાકાત વખતે આપશ્રી શ્રીરામકૃષ્ણ આશ્રમ, મંદિરમાં દર્શનાર્થે આવ્યા હતા અને આરતીનું ભજનસંગીત સાંભળીને તમે ધ્યાનમાં ડૂબી ગયા હતા એ વાતની પણ યાદ અપાવી. છેલ્લે એમણે પ્રશ્ન પૂછ્યો: ‘ધર્મને આધ્યાત્મિકતા સભર કેમ બનાવવો?’ દિલ્હીના વિજ્ઞાનભવનમાં ૨જી ડિસેમ્બરે આવો જ પ્રશ્ન પૂછાયો હતો. એ વખતે મેં કહ્યું હતું કે પશ્ચિમનું વિજ્ઞાનજગત પણ સ્વીકારે છે કે નશ્વર માનવદેહમાં પણ અનંતતત્ત્વ રહેલું છે. ‘આપણા સૌની ભીતર પ્રભુ રહેલો છે’ આજની યુવા પેઢીને એ સત્ય અને અનંત શક્તિનું ધ્યાન ધરતા પણ શીખવવું જોઈએ. દલાઈલામા ફાઉન્ડેશન દ્વારા ૧૯મી સપ્ટેમ્બરના રોજ ‘દિલ્હી, ઈંડિયા, હેબિટેડ સેન્ટર’માં વિદ્યાર્થીઓ સમક્ષ ‘આધ્યાત્મિક સંસ્કૃતિ’ વિશે મારું બે કલાકનું વ્યાખ્યાન યોજાયું છે. ત્યારે એમણે મને મળવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

મનસાદ્વીપમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનો અનાવરણવિધિ

‘સાગરમંગલ’ સંસ્થાના ઉપક્રમે મનસાદ્વીપમાં સ્વામી વિવેકાનંદની પૂર્ણકદની પ્રતિમાનો અનાવરણવિધિ ૧૧, સપ્ટેમ્બર, ૨૦૦૩ના રોજ સ્વામી જિતાત્માનંદજી મહારાજના વરદ હસ્તે થયો હતો. આ પ્રસંગે એમણે ‘ભારતનું જનજાગરણ અને સ્વામી વિવેકાનંદ’ એ વિશે પોતાનું પ્રવચન આપ્યું હતું. ઉપસ્થિત સભાજનો આ પ્રવચનથી મંત્રમુગ્ધ બની ગયા હતા.

Total Views: 234

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.