શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘નશામુક્ત યુવા ફૉર વિકસિત ભારત’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા : હજારો યુવાનોએ સક્રિય ભાગ લીધો
ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ ૧૭૦૦ જેટલાં સ્થળોએ ‘નશામુક્ત યુવા ફૉર વિકસિત ભારત’ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ગુજરાત રાજ્યમાં રાજકોટ, આદિપુર (કચ્છ), વડોદરા, અમદાવાદ અને ઝઘડિયા (ભરૂચ) જેવાં વિવિધ સ્થળોએ કુલ ૧૩ કાર્યક્રમો યોજવામાં આવ્યાં.
આ કાર્યક્રમોમાં કુલ મળીને લગભગ ૩,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાયા. દરેક સ્થળે પ્રાર્થના, પ્રેરક ભાષણો, સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા નશાના દોષોથી દૂર રહીને સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો.
કાર્યક્રમોમાં રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ તથા સમાજના અગ્રણી લોકો દ્વારા નશાનાં ભયાનક પરિણામો અંગે તેમજ યુવાધનને નશામુક્ત કરવાના ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવી. વિશેષ કરીને શ્રીરામકૃષ્ણ આશ્રમના પ્રાંગણમાં એક સરકારી શાળાના આચાર્ય શ્રી વિજયભાઈ કુંભાવાડિયા, મોટિવેશનલ સ્પીકર તથા ડૉક્ટર શ્રી ધવલભાઈ સોંદરવા અને શિક્ષણવિદ્ શ્રી દર્શનભાઈ રાણપરાએ નશા-મુક્તિ સંબંધિત વક્તવ્યો આપ્યાં તથા આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે પોતાના વક્તવ્યમાં સ્વામી વિવેકાનંદના ‘વિશ્વગુરુ ભારત’ના સ્વપ્નને સાકાર કરવા અને આપણા રાષ્ટ્રના યુવાધનને બચાવવા માટે આવી ઝુંબેશની તાતી આવશ્યકતા પર ભાર મૂક્યો. કાર્યક્રમમાં આશ્રમના વિવિધ પ્રકલ્પોના વિદ્યાર્થીઓ દ્વારા ઉપરોક્ત વિષયો પર સંવાદ, નાટકો તથા વક્તવ્યો પ્રસ્તુત કરવામાં આવ્યાં.
દરેક કાર્યક્રમના અંતે નશામુક્ત ભારત અને સ્વદેશ મંત્રની સામૂહિક પ્રતિજ્ઞા લેવાઈ. યુવાનોને માત્ર પોતે નશામુક્ત રહેવા નહીં, પણ ઓછામાં ઓછા દસ અન્ય લોકોને પણ પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આ કાર્યક્રમો દ્વારા હજારો યુવાનોમાં જાગૃતિ ફેલાઈ અને સમાજમાં નશામુક્ત અને સ્વદેશી જીવનશૈલી તરફ એક સકારાત્મક સંદેશ પહોંચાડવામાં આવ્યો.
શ્રીશ્રીદુર્ગામહાષ્ટમીની ઉજવણી
રાજકોટ આશ્રમમાં મહાષ્ટમી નિમિત્તે શ્રીશ્રી દુર્ગાની વિશેષ પૂજાનું અનુષ્ઠાન કરાયું હતું.
નવરાત્રિ પર્વ એટલે કે તા. ૨૨ સપ્ટેમ્બરથી ૧ ઑક્ટોબર દરમિયાન રોજ સંધ્યા આરતી બાદ માતાજીનાં વિવિધ આગમની ગીતો, અંબા માની આરતી, સ્તુતિઓ તથા મહિષાસુરમર્દિની સ્તોત્રનો પાઠ વગેરે થયાં હતાં.
મંગળવાર, તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ શ્રીશ્રીદુર્ગામહાષ્ટમી નિમિત્તે આશ્રમ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સવારે મંગલ આરતી બાદ વૈદિક પાઠ અને સ્તોત્ર પાઠ કરવામાં આવ્યાં. ત્યારબાદ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની તથા શ્રીમા શારદાદેવીની વિશેષ ષોડશોપચાર પૂજા અને હોમ કરવામાં આવ્યાં. ચંડીપાઠ પણ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ભક્તજનો દ્વારા પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી. આ નિમિત્તે આશ્રમના સ્વામી મેધજાનંદજી દ્વારા ‘દુર્ગાપૂજાનું મહત્ત્વ’ વિષય પર પ્રવચન આપવામાં આવ્યું. આ પવિત્ર દિવસે ૧૩૦૦થી વધુ ભક્તજનોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો.
Your Content Goes Here




