ભારતના મહાન પનોતાપુત્ર સ્વામી વિવેકાનંદને રાષ્ટ્રની અંજલિ

સ્વામી વિવેકાનંદના પૈતૃક નિવાસસ્થાને રામકૃષ્ણ મિશન દ્વારા નવનિર્મિત સ્મૃતિભવનનું મંગલ ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ હસ્તે રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષો, શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી, શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી અને શ્રીમત્‌ સ્વામી ગીતાનંદજી તથા મહાસચિવ સ્વામી સ્મરણાનંદજી અને અન્ય વરિષ્ઠ ૫૦૦ સંન્યાસીઓ, અસંખ્ય ભાવિકજનોની ઉપસ્થિતિમાં ૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ થતાં સ્વામી વિવેકાનંદના અનુયાયીઓ અને ચાહકોની સુદીર્ઘકાળની ઇચ્છા પૂર્ણ થઈ. આ ભવ્ય પ્રસંગે સવાર અને સાંજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થયું હતું. આ ઉદ્‌ઘાટન કાર્યક્રમ તેમજ તેના આનુષંગિક કાર્યક્રમોનું દૂરદર્શન દ્વારા જીવંત પ્રસારણ થયું. 

૩૦૦ વર્ષ જૂના આ મકાનનો કબજો મે, ૧૯૯૯માં રામકૃષ્ણ મિશને લીધો ત્યારે એ અત્યંત બિસ્માર હાલતમાં હતું અને દિવસે ને દિવસે વધુ બિસ્માર બનતું જતું હતું. મિશને તેની બાજુના પ્લોટનો પણ કબજો મેળવ્યો હતો.   આ મકાનના પુનરુદ્ધાર, ર્જીણોદ્ધાર અને એ કાર્ય કરનાર સંસ્થાને સહકાર સલાહ-સૂચન આપવા આર્ક્યોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના જુની ઇમારતોની જાળવણીના નિષ્ણાત ઈજનેરો અને બીજા તજ્‌જ્ઞોની એક સમિતિ રચાઈ હતી. ૨૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સમગ્ર ભવનના નિર્માણકાર્યમાં કેન્દ્ર સરકારના આયોજનપંચ, માનવ સંસાધન વિભાગ, સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગ તરફથી ૯.૯૦ કરોડનું અનુદાન મળ્યું છે. પશ્ચિમબંગાળ સરકાર તરફથી ૬ કરોડનું અનુદાન – જેમાંથી ૪ કરોડ મળી ગયા છે અને ૨ કરોડનું સરકારશ્રીએ વચન આપ્યું છે. બાકીની આર્થિક સહાય શ્રીરામકૃષ્ણ મિશને દાનથી એકઠી કરી છે. કેન્દ્ર સરકારે તેમજ પશ્ચિમ બંગાળની સરકારે જે ઉદાર હાથે અમારા આ પ્રકલ્પમાં સહાય આપીને રસ લીધો છે તે માટે રામકૃષ્ણ મઠ-મિશન તેમનો ઋણ સ્વીકાર કરે છે.

આ પાવનકારી પ્રસંગે વિશેષ પૂજાહવન જેવા કાર્યક્રમો ૯.૩૦ વાગ્યે શરૂ થયા હતા અને ૧૦૦૦ જેટલા ભક્તજનો બિધાનસરણી પર આ પાવનકારી ભૂમિ પર, પોતાનો પગ મૂકવા એકઠા થયા હતા. ગિરિશપાર્ક સુધી લાંબી લાઈન લાગી હતી. ૧ લાખ જેટલા ભાવિકજનોએ આખા દિવસ દરમિયાન આ સ્મૃતિભવનની પાવનકારી મુલાકાત લીધી. રામકૃષ્ણ મિશનના સ્વામી વિશોકાનંદે આ પ્રસંગે આવા ઉદ્‌ગારો કાઢ્યા હતા: ‘પુનરુદ્ધારનું કાર્ય પૂરું થયું છે અને આ ભવન સ્વામીજીના સમયમાં હતું તેવું જ લાગે છે.’ આ સંકુલનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે છે: 

(૧) સ્મૃતિમંદિર : સ્વામી વિવેકાનંદપૈતૃકનિવાસસ્થાન 

આ પૈતૃક નિવાસસ્થાનના મૂળ સ્વરૂપમાં કોઈ પણ  જાતનો ફેરફાર કર્યા વિના કરેલ બાંધકામને આર્ક્યોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને ડેવલપમેન્ટ કન્સલ્ટન્ટ્‌સ પ્રા.લી.ની કુશળ કામગીરીથી આ સુકાર્ય પાર પડ્યું છે. ૧૮મી સદીના વપરાયેલ બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રીતે પુનરુદ્ધાર પામેલા આ ભવનને ‘હેરિટેઝ ભવન’ નામ આપવામાં આવ્યું છે. 

આ ભવનનું મુખ્ય પ્રવેશ દ્વાર બિધાનસરણી પર આવેલું છે. સ્વામીજીનો જે સ્થળે જન્મ થયો હતો ત્યાં બંધાયેલી અગાશીમાં એક સુંદર મંદિર બાંધવામાં આવ્યું છે. આ ભવનના પહેલેમાળે વિશાળ ધ્યાનખંડનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ ભવનના ભોંયતળિયે તેમજ પહેલા માળે એક વિશેષ સંગ્રહાલયની સંરચના પણ કરવામાં આવી છે, જેમાં સ્વામી વિવેકાનંદ, તેમનાં માતાજી તેમજ તેમના ભાઈઓએ ઉપયોગમાં લીધેલી ચીજવસ્તુઓનો સંગ્રહ છે.

(૨) પાઠ્ય પુસ્તક ગ્રંથાલય અને કાર્યશિબિરહોલ

આ ભવનમાં એક પુસ્તકાલયમાં આજના વિદ્યાર્થીઓ ખરીદી ન શકે તેમજ અભ્યાસ માટે અપ્રાપ્ય એવાં પુસ્તકો વિદ્યાર્થીઓની વાચન સામગ્રી રૂપે રાખવામાં આવ્યાં છે. શાળા મહાશાળાના વિદ્યાર્થીઓને આ સુવિધાનો લાભ મળશે. આ પુસ્તકાલયના નીચે આવેલો વિશાળ ખંડ એ લાઈબ્રેરીના પુસ્તકોના સંગ્રહ માટે વાપરવામાં આવે છે. તેના ભોંયતળિયે કાર્યાલય આવેલું છે. પહેલા માળે ધો. ૧૧-૧૨ અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને વાચન માટે સુવિધા મળી રહેશે. બીજે માળે અનુસ્નાતક વર્ગના વિદ્યાર્થીઓને સુવિધા મળશે. ત્રીજા માળે સેમિનાર હોલ આવેલ છે. 

(૩) વિવેકાનંદ સંશોધન કેન્દ્ર

વિવેકાનંદ સંશોધન કેન્દ્રમાં ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, આધ્યાત્મિકતા, શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા, સ્વામીજીનાં જીવનસંદેશ વિશેના સંશોધનાત્મક કાર્ય માટે વ્યવસ્થા કરાઈ છે. અત્યાર સુધી ભારતીય સંસ્કૃતિ, ધર્મ, શાસ્ત્રો વગેરેનું સંશોધન કાર્ય પશ્ચિમના વિદ્વાનો દ્વારા પશ્ચિમના દૃષ્ટિકોણથી થતું હતું. આ વિવેકાનંદ સંશોધન કેન્દ્રમાં આ બધાં કાર્યો ભારતીય દૃષ્ટિબિંદુ સાથે કરવામાં આવશે, જેમાં ત્રણ વિભાગો હશે. રામકૃષ્ણ-વિવેકાનંદ અભ્યાસ-ભવન, ધર્માભ્યાસભવન, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક અભ્યાસો માટેનું ભવન. 

(૪) ગ્રામ્ય અને ઝૂંપડપટ્ટી વિસ્તારના વિકાસ અને કલ્યાણ કેન્દ્ર

સૌથી વિશેષ મહત્ત્વનું એવું આ ભવનનું ચોથું એકમ એટલે ગ્રામ્ય અને ઝૂંપડપટ્ટી વિસ્તારના વિકાસ અને કલ્યાણનું કેન્દ્ર. આ કેન્દ્રમાં બેકારી, આરોગ્ય, ગટર, પાણી વગેરેની બંગાળના ગ્રામ્ય વિસ્તારના લોકોની સમસ્યાઓ તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોની જીવનસ્થિતિ વિશેની સમસ્યાઓનો અભ્યાસ થશે. આ કેન્દ્ર સ્વરોજગારી માટે કેટલાક પ્રકલ્પો હાથ ધરશે તેમજ વ્યાવસાયિક પ્રશિક્ષણ, અનૌપચારિક શિક્ષણશાળા અને અભ્યાસસહાય વર્ગોનું સંચાલન પણ થશે. કોલકાતાના રામબાગાન વિસ્તારમાં રામકૃષ્ણ મિશને કરેલા આદર્શ કાર્યને નજર સમક્ષ રાખીને આ શહેરના એકાદ-બે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર લોકોના જીવનધોરણને સુધારવાનો પ્રયત્ન પણ થશે.

સાંસ્કૃતિક સંકુલનું મંગલ ઉદ્‌ઘાટન

આ સ્મૃતિભવનના સંકુલમાં આવેલા સાંસ્કૃતિક સંકુલનું મંગલ ઉદ્‌ઘાટન ભારતના સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી ડો. એ.પી.જે. અબ્દુલ કલામના વરદ હસ્તે ૧ ઓક્ટોબર, ૨૦૦૪ના રોજ થયું હતું.

આ પ્રસંગે પ. બંગાળના ગવર્નરશ્રી વિરેન શાહ,  મેયર સુબ્રતો મુખર્જી અને શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજે ઉપસ્થિત રહીને પ્રવચનો આપ્યાં હતાં. આ દિવસે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પવિત્ર દિવસે ૧૦૦ જેટલા સંન્યાસીઓ અને ૧૦૦૦ જેટલા ભાવિકજનો અને ઘણા પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત હતા. દૂરદર્શનના રાષ્ટ્રિય પ્રસારણમાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થયું હતું. આ પ્રસંગે એમણે પોતાના પ્રવચનમાં આ ઉદ્‌ગારો કાઢ્યા હતા: ‘સ્વામી વિવેકાનંદના પૈતૃક નિવાસસ્થાનમાં અને તેની આસપાસ બંધાયેલ આ સાંસ્કૃતિકસંકુલનું ઉદ્‌ઘાટન કરતાં હું આનંદ અનુભવું છું. આ મહાન પ્રકલ્પ હાથ ધરવા અને એને પૂર્ણ કરવા માટે હું રામકૃષ્ણ મિશનને મારા હાર્દિક ધન્યવાદ પાઠવું છું.’

તેઓશ્રીએ પ્રાર્થના વિશે કહ્યું: ‘બીજી ઘટના એ અદ્‌ભુત અને સુંદર હતી. રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામીજીએ મને અલ્પ સમયની મુલાકાતે આવવા હવાઈ મથકે વિનંતી કરી. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે રામકૃષ્ણદેવ- વિવેકાનંદનાં જીવનસંદેશ, ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિના પ્રદાનના પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું. પ્રાર્થનાનો ઘંટ વાગ્યો. મધુર સંગીતમય સુરાવલીઓનું આધ્યાત્મિક સંગીત સમગ્ર પ્રાર્થનાખંડમાં પ્રસરી ગયું હતું. બીજા સેંકડો ભક્તજનો સાથે હું પણ એ પ્રાર્થનામાં જોડાયો. પ્રાર્થનાના સઘન ભક્તિ અને આધ્યાત્મિકતાથી ભરેલા વાતાવરણે મને જાણે કે એક જુદી જ અવસ્થામાં મૂકી દીધો. મારા મિત્રો અને મારી સાથે આવેલા સ્વામીજીના આશ્ચર્ય વચ્ચે જાણે કે હું જુદી જ ભાવ દુનિયામાં સરી પડ્યો. પછી એ બધાને ખ્યાલ આવ્યો કે હવે સમય જ એમાં બાધારૂપ છે. આ એક સુસંકલિત આધ્યાત્મિક વાતાવરણનો જ પ્રભાવ હોઈ શકે અને આજે અત્યારે હું અહીં સ્વામી વિવેકાનંદના પૈતૃક નિવાસસ્થાને ઊભા થયેલા આ વિશાળ ભવનમાં છું. મેં રાજકોટમાં જે મારા મનથી અનુભવ્યું હતું એવું જ આધ્યાત્મિક વાતાવરણ મારું મન આજે અહીં અનુભવે છે.’

પોતાના વક્તવ્યના સમાપનમાં એમણે આવા ઉદ્‌ગારો કાઢ્યા હતા : ‘મિત્રો, આપણા પ્રજાજનોને સંબોધીને સ્વામી વિવેકાનંદે કાઢેલા એ ઉદ્‌ગારો મને આજે યાદ આવે છે: ‘તમારી જાતને, દરેકે દરેકને, તેના પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન આપો. આ સુષુપ્ત આત્માને આહ્‌વાન કરો અને જુઓ તે કેવી રીતે જાગી ઊઠે છે! જ્યારે આ સુષુપ્ત આત્મા પોતાની ચૈતન્યમય ક્રિયાશીલતા સાથે જાગૃત થશે ત્યારે શક્તિ આવશે, યશકીર્તિ આવશે, સત્કલ્યાણ આવશે, પવિત્રતા આવશે અને જે કંઈ પણ શ્રેષ્ઠ છે તે બધું આવશે.’ સ્વામી વિવેકાનંદે આત્મચૈતન્યની ક્રિયાશીલતાની ઉત્ક્રાંતિ માટે આપેલું આહ્‌વાન એ ખરેખર હૃદયમાં રહેલી સત્યપ્રિયતાની ઉત્ક્રાંતિનું આહ્‌વાન છે. જ્યાં હૃદયમાં સત્યનિષ્ઠા છે ત્યાં ચારિત્ર્યનું સૌંદર્ય પણ છે અને જ્યાં ચારિત્ર્યની સુંદરતા છે એ ઘરમાં સંવાદિતા અને ઐક્ય છે. અને જ્યાં ઘરની સંવાદિતા છે ત્યાં રાષ્ટ્ર પણ સ્વસ્થ છે અને જ્યાં રાષ્ટ્ર સ્વસ્થ હોય તે વિશ્વમાં શાંતિ પ્રવર્તે છે. એટલે ચાલો આપણે પ્રબુદ્ધ નાગરિકની ઉત્ક્રાંતિ માટે કાર્ય કરીએ. સ્વામી વિવેકાનંદે આપેલા વારસાનો આ એક આદર્શ છે. આવા પ્રબુદ્ધ નાગરિકને બળવાન દેહ હશે અને કોઈથી ન દોરવાય તેવો અનન્ય જુસ્સો હશે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ : ‘ઊઠો! જાગો! ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’ આપણું ધ્યેય છે સમૃદ્ધ અને શાંતિપ્રિય ભારત, આ સમૃદ્ધિ અને શાંતિ વિશ્વને આપતું ભારત. આ સંકુલ આવા ઉદાત્ત વિચારો અને કાર્યોને સર્વત્ર પ્રસરાવતું એક અગત્યનું મુખ્ય કેન્દ્ર બની રહો. આ સાંસ્કૃતિક સંકુલ અને સ્વામી વિવેકાનંદના અમરવારસા ભવનનું ઉદ્‌ઘાટન કરતાં હું ઘણો હર્ષ અનુભવું છું. મને ખાતરી છે કે જે લોકો અહીં મુલાકાતે આવશે અને તેઓ જે કંઈ જોશે તેમાંથી ગહન પ્રેરણા મેળવશે. આ પાવનસ્થળની મુલાકાતથી મળતાં પ્રેરણા અને આનંદ જે કોઈ આ પવિત્ર સ્થળની મુલાકાત ન લઈ શકે તેમને પણ તેમનો અનુભવ અને એનો આનંદ મળે એમ પણ હું ઇચ્છું છું. હું રામકૃષ્ણ મિશન તેમજ જે લોકો આ સંકુલનુંં સંચાલન અને જાળવણી કરવાના છે તેઓ એક ડિજિટલ સંગ્રહગૃહ બનાવે અને સમગ્ર વિશ્વને માટે તેને સુલભ બનાવે એમ પણ હું ઇચ્છું છું. કારણ કે સ્વામી વિવેકાનંદ લોકોના સૌથી વધુ પ્રિય નેતાઓમાંના એક હતા અને તેઓ સમગ્ર વિશ્વના હતા. આપના પર પ્રભુની અમીકૃપા હજો.

આ પહેલા ૧૭ સપ્ટેમ્બરના રોજ સ્વામી સ્મરણાનંદજી મહારાજે આ સ્મૃતિભવનની પાસે નવા જ બંધાયેલા સંન્યાસીભવનનું ઉદ્‌ઘાટન કર્યું હતું.

Total Views: 203

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.