રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા

રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં ૨૭ માર્ચના રોજ સ્વામી વિવેકાનંદના ૧૫૦મા જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ‘આંતર્ધર્મ સમન્વય અને વૈશ્વિક સંસ્કૃતિ’ના નામે યોજાયેલ પરિસંવાદમાં ઉચ્ચતમ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડો. પી.એન. ભગવતીએ સમારંભના ઉદ્ઘાટક રૂપે કહ્યું હતું: ‘વિશ્વના બધા ધર્મો સર્વસમન્વય અને શાંતિની વાત કરે છે, અહિંસા અને સત્યની વાત કરે છે. એટલે જ અલગ અલગ ધર્મ શ્રદ્ધાવાળા ભક્તોએ પરસ્પર ઝઘડવું ન જોઈએ.’

આ સમારંભનો પ્રારંભ વડોદરાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓની સર્વધર્મની પ્રાર્થનાથી થયો હતો. રામકૃષ્ણ સંઘના આસિ. સેક્રેટરી સ્વામી ભજનાનંદજી મહારાજે પોતાના મુખ્ય વક્તવ્યમાં જણાવ્યું હતું: ‘સમગ્ર વિશ્વ આજે જીવનમાં એકાકીપણું અને જીવનની નિરર્થકતાનો અનુભવ કરી રહ્યું છે. એટલે જ બધા ધર્મોએ સંયુક્ત રીતે સમગ્ર માનવ પ્રજાને સુખ-શાંતિ અને સમાશ્વાસન મળે એવા સંયુક્ત પ્રયાસો કરવા જોઈએ. અંદરોઅંદર સંઘર્ષ ઊભાં ન કરવાં જોઈએ.’ 

બીજા સત્રમાં જુદા જુદા ધર્મના વક્તાઓએ પોતપોતાના ધર્મ વિશે દૃષ્ટિબિંદુઓ સભા સમક્ષ રજૂ કર્યાં હતાં. ત્રીજા સત્રમાં ‘સર્વધર્મ સમન્વય અને પ્રચાર-પ્રસારનાં સાધનો’ એ વિષય પર મિડિયા સાથે સંકળાયેલ ત્રણ સુખ્યાત વક્તાઓએ પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં હતાં. સુખ્યાત કટાર લેખક શ્રી કાંતિભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે ૧૮૯૩ની શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ સર્વ પ્રથમવાર ભારતીય સંસ્કૃતિની વૈશ્વિકતાનો સંદેશ લઈને ગયા હતા. સર્વધર્મ સમન્વય દ્વારા વૈશ્વિક શાંતિ લાવવા માટે મિડિયા ઘણો મહત્ત્વનો સંદેશ ફેલાવી શકે તેમ છે. ચોથા સત્રમાં ચાર સુખ્યાત કેળવણીકારોએ ઉપર્યુક્ત વિષયો પર પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. ગુજરાતી સાહિત્યમાં પોતાનું મૂલ્યવાન પ્રદાન કરનાર જ્યોતિબહેન થાનકીએ નાનાં બાળકો કેવી સરળસહજ રીતે સર્વધર્મ સમન્વયનો સંદેશ સ્વીકારી લે છે તેનાં વિવિધ ઉદાહરણો આપ્યાં હતાં.

આ કેન્દ્રના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પ્રારંભમાં સૌનું સ્વાગત કરીને વૈશ્વિક શાંતિ કેવી રીતે લાવવી અને એવી વૈશ્વિક સંસ્કૃતિને કેમ ઊભી કરવી, એ વિશે પોતાનું વક્તવ્ય આપતાં કહ્યું હતું: ‘માત્ર આપણે ઉપદેશ આપીશું તો આ કાર્ય સિદ્ધ થવાનું નથી. ઉપદેશની સાથે આપણા દૈનંદિન જીવનમાં એનું આચરણ ભળશે એટલે આ કાર્ય સહજ સરળ બની જશે. રામકૃષ્ણ મઠ અને મિશન આ કાર્યને વરેલું છે અને પોતાની સંસ્થાપના વર્ષ ૧૮૯૭થી વિવિધ કેન્દ્રો દ્વારા દેશમાં અને વિદેશમાં આ મહાન કાર્ય કરી રહ્યું છે.’

અંતિમ સત્રમાં સ્વામી ભજનાનંદજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા અને એમના વરદ હસ્તે બધા વક્તાઓને મોમેન્ટો, પુસ્તકો વગેરે અપાયાં હતાં. ઘણી બહોળી સંખ્યામાં પ્રબુદ્ધજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એ બધાને પણ સર્વધર્મ-સમન્વયનાં પુસ્તકો અપાયાં હતાં. ત્યાર પછીનો પ્રતિભાવનો કાર્યક્રમ પણ ઘણો ઉત્સાહપ્રેરક રહ્યો.

રામકૃષ્ણ મિશન, લીંબડી

૧૫ એપ્રિલના રોજ યોજાયેલ નેત્રયજ્ઞમાં ૫૫ દર્દીઓની આંખ તપાસવામાં આવી હતી અને પાંચ દર્દીઓનાં મોતિયાનાં ઓપરેશન વીરનગરના દવાખાનામાં થયાં હતાં.

૧૫ થી ૨૧ એપ્રિલ સુધી સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં આ સંસ્થા દ્વારા ૭ દિવસની બાળશિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં જ્ઞાન સાથે ગમ્મતના અભિગમ સાથે આરોગ્ય, ચિત્રકળા, જીવનકળા, કમ્પ્યુટર વિશે વિદ્યાર્થીઓને માહિતી અપાઈ હતી. યોગશિક્ષણ અને સુલેખનની કળા વિશે પણ માર્ગદર્શન અપાયું હતું. સ્વામીજી અને બીજા મહાપુરુષોના જીવન પરનાં ચલચિત્રો બાળકોને બતાવાયાં હતાં.

૪ એપ્રિલ, સોમવારે ઉપર્યુક્ત મહોત્સવના ઉપલક્ષ્યમાં સ્વામી આદિભવાનંદજી મહારાજે ‘સ્વામીજીના જીવન અને ઉપદેશ’ પર શિવમંદિર, સુરેન્દ્રનગરમાં પોતાનું વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૫૦૦ ભાવિકોએ ભાગ લીધો હતો.

એવી જ રીતે લોકવિદ્યાલય સુરેન્દ્રનગરમાં સ્વામી આદિભવાનંદજીનું ‘સ્વામીજીના જીવન અને કવન’ વિશે વક્તવ્ય યોજાયું હતું. આ કાર્યક્રમમાં ૭૦૦ ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા.

૧ થી ૩ એપ્રિલ સુધી ત્રણ દિવસનું ભક્તસંમેલન યોજાઈ ગયું. પહેલે દિવસે યુગપ્રવર્તક સ્વામી વિવેકાનંદના જીવન પર આધારિત પ્રસંગોની ફિલ્મ બતાવવામાં આવી હતી. બીજે દિવસે જીતુભાઈ અંતાણી અને જયંતીભાઈ પારેખનાં ભજનો હતાં. રવિવારે છેલ્લે દિવસે વૈદિક મંત્રોચ્ચાર અને ભજનો દ્વારા સ્વામી આદિભવાનંદજીએ સૌનું સ્વાગત કર્યું હતું. રાજકોટના સ્વામી સર્વસ્થાનંદ અને લીંબડીના સ્વામી અદ્વયાનંદે ઠાકુર અને સ્વામીજીના જીવનસંદેશ વિશે વક્તવ્યો આપ્યાં હતાં.

આ ઉપરાંત ગદાધર અભ્યુદય પ્રકલ્પ હેઠળ લીંબડી નગર પાલિકા સંચાલિત શાળા નં.૧૦માં ચાલતી બાળ વિકાસ પ્રવૃત્તિઓની રૂપરેખા રજૂ થઈ હતી.

Total Views: 153

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.