રામકૃષ્ણ મિશન, વડોદરાની દરિદ્રનારાયણ સેવા

આશ્રમની નજીક રહેતા ૧૦૦ અત્યંત ગરીબીમાં જીવતા કુટુંબોના છ વર્ષ સુધીનાં બાળકો, ગર્ભવતી મહિલાઓ અને માતાઓને ૨૫૦ મિલિ દૂધ, એક કેળું અને બિસ્કીટનું પેકેટ દરરોજ સાંજના ૫ થી ૬ વચ્ચે આપવામાં આવે છે. ૧૩ ડિસેમ્બર, ૨૦૦૯ના રોજ ૨૦ લાભાર્થીઓ હતા અને જાન્યુઆરી, ૨૦૧૦ સુધીમાં ૧૩૮ લાભાર્થીઓ હતા. અત્યંત ગરીબીમાં જીવતા કુટુંબીજનોના વિદ્યાર્થી ભાઈ-બહેનોને આવશ્યક પુસ્તકો, ગણવેશ, ટ્યૂશન ફી વગેરે માટે એક કાયમી નિભાવ ફંડ ઊભું થઈ રહ્યું છે. એના વ્યાજમાંથી શૈક્ષણિક સાધનસામગ્રીના અભાવે ભણી ન શકતા ૧૩૦ વિદ્યાર્થીઓ (ઝૂંપડપટ્ટી વિસ્તારના)ને સ્કૂલ બેગ, છ મોટી નોટબૂક, કંપાસબોક્સ, વગેરે અપાયાં હતાં. ઝૂંપડપટ્ટી વિસ્તારના ૪૮ કુટુંબોમાં (૧ કી. તેલ, ૨ કી. ચોખા, દાળ, ૫ કી. ઘઉંનો લોટ, ૨૫૦ ગ્રામ – મરચું, રાઈ, હળદર અને મીઠું; સાથે બે થાળી, બે વાટકા, બે ગ્લાસ, એક કડાઈ, ચમચો, ધાબળા-૨)ની બનેલી એક એક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ ઉત્સવો

રામનવમીના પાવનકારી દિવસે ૨૪ માર્ચના રોજ શ્રીમંદિરમાં શ્રીરામનામસંકીર્તન અને વિશેષપૂજાનું આયોજન થયું હતું. તે જ દિવસે સવારે રાજકોટ જિલ્લાની સેન્ટ્રલ જેલમાં રામનામસંકીર્તન, પ્રવચન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ થયો હતો. આ કાર્યક્રમમાં સ્વામી ભૂપાલાનંદ, સ્વામી મંત્રેશાનંદ, સ્વામી ધર્મપાલાનંદ અને બ્ર.સચિન ઉપસ્થિત રહ્યા હતા. ૨૭-૨૮ માર્ચના રોજ શ્રીરામકૃષ્ણ સેવા કેન્દ્ર, ભૂજ અને આદિપુરમાં વિશેષ પ્રવચન અને ભજનનું આયોજન થયું હતું.

૪ એપ્રિલના રોજ રવિવારે સંધ્યા આરતી પછી મંદિર નીચેના હોલમાં ‘રામકૃષ્ણનો મહિમા અને આધ્યાત્મિક ભાવ’ એ વિષય પર રામકૃષ્ણ મઠ, નાગપુરના અધ્યક્ષ સ્વામી બ્રહ્મસ્થાનંદજી મહારાજનું પ્રવચન યોજાયું હતું.

૮ એપ્રિલ ગુરુવારે રાજકોટ જિલ્લાની સેન્ટ્રલ જેલમાં કેદી નારાયણ માટે (બોલચાલની) અંગ્રેજીના વર્ગોનો પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમમાં સ્વામી સર્વસ્થાનંદ અને સ્વામી વેદનિષ્ઠાનંદ ઉપસ્થિત હતા.

રામકૃષ્ણ મિશન, લીંબડીમાં જ્ઞાનયજ્ઞ

૧૮ થી ૨૦ માર્ચ સુધી ત્રણ દિવસનો રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ‘જ્ઞાનયજ્ઞ’નું આયોજન થયું હતું.

૧૮ થી ૨૦ માર્ચ સુધી ત્રણ દિવસ રાત્રે ૮ કલાકે પ્રાર્થના મંદિરમાં રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી અવ્યયાત્માનંદજીએ રામચરિત માનસ પર પ્રવચનો આપ્યાં હતાં. લીંબડી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ૧૦૦ જેટલા ભક્તજનોએ એમના રામરસને માણ્યો હતો.

૨૧ માર્ચ, રવિવારે રામકૃષ્ણ આરોગ્ય મંદિર, લીંબડીમાં સવારે ૯ થી ૧૨.૩૦ સુધી યોજાયેલ ભક્તસંમેલનમાં અમદાવાદ, રાજકોટ, આણંદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરના ૨૫૦ જેટલા ભક્તોએ સ્વામી આદિભવાનંદ, રાજકોટના સ્વામી ધ્રુવેશાનંદ અને પોરબંદરના સ્વામી અવ્યયાત્માનંદનાં શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીના પ્રેરક જીવનપ્રસંગો વિશેનાં જ્ઞાનપ્રદ અને ભક્તિભાવ ઉપજાવતાં અમૃતવચનો માણ્યાં હતાં.

વિવિધ વિદ્યાલયોમાં સ્વામી આદિભવાનંદ અને સ્વામી અવ્યયાત્માનંદજીના પ્રાસંગિક પ્રવચનો

* ૧૭ માર્ચ સવારે સુરેન્દ્રનગરના લોક વિદ્યાલયમાં ૭૦૦ વિદ્યાર્થી અને નગરજનોએ આ બંને મહાનુભાવોના પ્રવચનનો લાભ લીધો હતો. * સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિર, રામરાજપરમાં શાળાના સ્થાપના દિને ૧૮ માર્ચના રોજ સવારે ૯ થી ૧૨ સુધી યોજાયેલ વ્યાખ્યાનોનો વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ આ લાભ લીધો હતો. * ૧૯ માર્ચના રોજ રાસ્કા શાળાના સ્થાપના દિને વિવેકાનંદ વિદ્યામંદિરમાં પ્રવચનનો ૫૦૦ જેટલાં વિદ્યાર્થીઓ, ગ્રામજનોએ લાભ લીધો. * ૨૦ માર્ચના રોજ વિવેકાનંદ વિદ્યામંદિર, શિયાણીના સ્થાપના દિન નિમિત્તે વિશેષ પ્રવચનો યોજાયાં હતાં. ૬૦૦ વિદ્યાર્થી, વાલીઓ, શિક્ષકો અને નગરજનોએ આ બંને મહાનુભાવોના પ્રવચનનો લાભ લીધો હતો. * ૨૨ માર્ચના રોજ મા શારદા કન્યા વિદ્યાલય, લીંબડીમાં યોજાયેલ પ્રવચનમાં ૨૦૦ વિદ્યાર્થી, વાલીઓ, શિક્ષકો અને નગરજનો ઉપસ્થિત હતા.

Total Views: 147

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.