રામકૃષ્ણ મિશન, વડોદરા – વાર્ષિક મહોત્સવ
રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં વાર્ષિક મહોત્સવ રાયપુરના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને ૧૨ થી ૧૬ એપ્રિલ સુધી યોજાયો હતો. નારાયણપુર વિવેકાનંદ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ‘વીરેશ્વર સ્વામી વિવેકાનંદ’ નામનું નાટક યુનિવર્સિટીના સી.સી. મહેતા ઓડિટોરિયમાં રજૂ કર્યું હતું. વિદ્યાર્થીઓએ સુંદર આદિવાસી નૃત્યો પણ રજૂ કર્યાં હતાં. ત્રણ દિવસ સુધી યોજાયેલ જાહેરસભામાં શ્રીઠાકુર શ્રી શ્રીમા તથા સ્વામી વિવેકાનંદના ઉપદેશોની પ્રાસંગિકતા વિશે સ્વામી સત્યરૂપાનંદજી, સ્વામી આદિભવાનંદજી અને જ્યોતિબહેન થાનકીનાં વક્તવ્યોનો લાભ ભાવિકોએ લીધો હતો.
સ્વામી સત્યરૂપાનંદજી મહારાજની નિશ્રામાં યોજાયેલી યુવશિબિરમાં ઘણા યુવાનોએ ભાગ લીધો હતો. યુવાનોને મનની એકાગ્રતા અને ચારિત્ર્યનિર્માણ કેવી રીતે કરવું, એ વિશે વિગતવાર સમજણ આપી હતી. ભારતીય વિદ્યાભવનની સ્કૂલમાં વિશાળ સંખ્યાના ભક્તજનો માટે આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સ્વામી સત્યરૂપાનંદજીએ ધ્યાન-જપ અને મંત્રોચ્ચાર વિશે વિષદ્ છણાવટ-ચર્ચા કરી હતી. નિત્ય ધ્યાન-સ્મરણ કરતાં પહેલાં એકાગ્રતા કેળવવાની આવશ્યકતા પર એમણે ભાર દીધો હતો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજીએ પણ ભક્તોને માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કર્યું હતું.
શ્રીરામનવમીના ઉપલક્ષ્યમાં વ્યાખ્યાન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ભગવાન શ્રીરામચંદ્રદેવની જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ ૫ એપ્રિલ, ૨૦૦૬ બુધવારે સંધ્યા આરતી પછી સાંજે ૭.૪૫ કલાકે શ્રી મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મિશન, જયપુરના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી પૂજ્યાનંદજી મહારાજ ‘શ્રીરામ થી શ્રીરામકૃષ્ણ સુધી’; રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘સીતા થી શ્રીમા શારદા સુધી’; રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીએ ‘વીર હનુમાનથી સ્વામી વિવેકાનંદ’ એ વિશે વ્યાખ્યાનો આપ્યાં હતાં. બહોળી સંખ્યામાં ભાવિકજનોએ આ વ્યાખ્યાનો મનથી માણ્યાં હતાં.
Your Content Goes Here




