શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

સ્વામી વિવેકાનંદની ૧૬૩મી જન્મતિથિની ધામધૂમથી ઉજવણી

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે મંગળવાર, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી વિવેકાનંદનો તિથિ પ્રમાણે ૧૬૩મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. મંગલ આરતી બાદ વૈદિકપાઠ અને સ્તોત્રપાઠ કરવામાં આવ્યા. ત્યારબાદ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની વિશેષ ષોડશોપચાર પૂજા કરવામાં આવી અને પછી હવન કરવામાં આવ્યો, ભક્તજનો દ્વારા પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી.

આ નિમિત્તે આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે ‘સ્વામી વિવેકાનંદનું જીવન અને સંદેશ’ વિષય પર પ્રવચન આપ્યું. આ પવિત્ર દિવસે બપોરે ૧૫૦૦થી વધુ ભક્તજનોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો. સંધ્યા આરતી પહેલાં શ્રીશિવ-નામ-સંકીર્તનનું ગાન તેમજ આરતી પછી વિશેષ ભજનોનું આયોજન કરવામાં આવ્યું. આ બધા જ કાર્યક્રમોમાં ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

શ્રીશ્રીસરસ્વતી માની વિશેષ પૂજા

૨ ફેબ્રુઆરી, ૨૦૨૫, વસંતપંચમીના દિવસે શ્રીશ્રીસરસ્વતીપૂજાનું આયોજન થયું હતું. શ્રીશ્રીસરસ્વતીમાની સુંદર પ્રતિમાનું સૃજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિશેષ પૂજા-અનુષ્ઠાન કરવામાં આવ્યું. મંગલ આરતી, વૈદિક સ્તોત્રપાઠ બાદ શ્રીશ્રીમા સરસ્વતીદેવી અને ભગવાન નારાયણની વિશેષ ષોડશોપચાર પૂજા કરવામાં આવી. પછી હવન બાદ ભક્તજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આશ્રમના સંન્યાસીઓ દ્વારા નાનાં બાળકોને અક્ષરારંભ પણ કરાવવામાં આવ્યો. બપોરે ૧૮૦૦થી વધુ ભક્તજનોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો. આ કાર્યક્રમોમાં ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ

૨૬ જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓ માટે પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. કાર્યક્રમમાં અતિથિરૂપે પધારેલ રાજકોટના કલેક્ટર શ્રી પ્રભવભાઈ જોષી તથા કેન્દ્રીય માજી મંત્રીશ્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ  વિજેતા વિદ્યાર્થીઓને સ્વહસ્તે પ્રમાણપત્ર, શિલ્ડ તથા સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા.

૧૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન ફેન્સી ડ્રેસ, સમૂહગાન, વક્તૃત્વ, શીઘ્રચિત્ર, હિન્દી પઠન, ગુજરાતી પઠન, અંગ્રેજી પઠન અને સંસ્કૃત પઠન સ્પર્ધાઓ યોજાઈ. આ સ્પર્ધાઓમાં રાજકોટ તથા આસપાસના વિસ્તારની ૧૮૭ શાળાઓના કુલ ૧૦,૯૦૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

શ્રી પ્રભવભાઈ જોષીએ સહુ વિદ્યાર્થીઓને આ સ્પર્ધામાં સહભાગી થવા માટે અભિનંદન પાઠવ્યા તથા તેઓનાં માતા-પિતાને પણ અભિનંદન પાઠવ્યા. તેઓશ્રીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ માટે આવી સ્પર્ધામાં ભાગ લેવું ખૂબ જ ઇચ્છનીય છે. ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું કે તેઓ તેમની વિદ્યાર્થી અવસ્થાથી શ્રીરામકૃષ્ણ આશ્રમમાં આવે છે અને સ્વામી વિવેકાનંદને અનુસરે છે. આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પ્રજાસત્તાક દિનના અવસરે જણાવ્યું કે દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચીને પ્રેરણા પામ્યા હતા.

રાજ્ય કક્ષાએ સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર વિતરણ

ગુજરાતમાં રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા છેલ્લાં ૧૩ વર્ષથી ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે રાજ્ય કક્ષાએ સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવે છે. આ વર્ષે રાજ્યના ૩૩ જિલ્લાની ૬૪૭ શાળાઓમાંથી ૫૧,૪૩૭ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે સમસ્ત ગુજરાતના વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદનો ચરિત્ર-નિર્માણનો સંદેશ જાણી શકે, એ હેતુથી આ સ્પર્ધાનો ૧૩ વર્ષ પૂર્વે પ્રારંભ કરવામાં આવ્યો હતો અને દર વર્ષે ૪૦ હજારથી ૧ લાખ સુધી વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં જોડાય છે. આપણા દેશના મોટાભાગના દેશભક્તોના પ્રેરણાસ્રોત હતા સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો. જીવન પરિવર્તનની શક્તિ ધરાવતાં સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચવા વિદ્યાર્થીઓ પ્રેરાય તે માટે આ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

રાજ્ય સ્તરે તથા જિલ્લા સ્તરે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિજેતાઓને પુરસ્કૃત કરવા માટે ૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ પુરસ્કાર વિતરણ સમારંભનું આયોજન થયું હતું, જેમાં રાજ્ય કક્ષાએ વડોદરાની શબરી વિદ્યાલયની વિદ્યાર્થિની ખ્વાઈશ પટેલ પ્રથમ વિજેતા, મહેસાણાની શ્રી જે. એમ. ચૌધરી સાર્વજનિક વિદ્યાલયના પ્રિયમ શાહ દ્વિતીય વિજેતા તેમજ તપોવન વિદ્યાલય, સુરતની હિર કાનપરિયા, શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ, ગોઝારીયા, મહેસાણાની ક્રિતિકા રાજપૂત તેમજ શ્રી જે.આર.શાહ બ્રાઇટ ડે સ્કૂલ, વડોદરાની યશવી પહિલવાની તૃતીય વિજેતા હતાં.

સ્પર્ધામાં જિલ્લા સ્તરે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર ૧૦૩ વિદ્યાર્થોઓને પણ પુરસ્કૃત કરાયા હતા. આ સમારંભમાં ફાલ્કન પમ્પ્સ પ્રા. લિ., રાજકોટના ડાયરેક્ટરશ્રી જગદીશભાઈ કોટડીયા, દુહી ગ્રૂપ ઑફ કંપનીઝ, રાજકોટના સંસ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટરશ્રી મયુરભાઈ પટેલ તથા સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના વરદ હસ્તે વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરાયા હતા. શ્રી જગદીશભાઈએ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ આધ્યાત્મિકતા અને આધુનિકતાનો સંગમ કરવાની જરૂર છે. શ્રી મયુરભાઈએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

વિશેષમાં જે શાળાઓએ ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા તેવી ૧૫ શાળાઓના આચાર્યો, યોગદાન આપનાર ૨૦ જિલ્લા કોઓર્ડિનેટર્સ તથા સ્વયં-સેવકોને આ સમારંભમાં બિરદાવવામાં આવ્યા હતા. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આવનારાં વર્ષોમાં શાળાઓ અને વિદ્યાર્થીઓને વધુ અને વધુ સંખ્યામાં જોડાવા માટે પ્રેરણા આપી અને આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Total Views: 324

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.