રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં પારિતોષિક વિતરણ સમારંભ
રાષ્ટ્રિય યુવાદિનના ઉપલક્ષ્યમાં પોરબંદરની શાળા-કોલેજનાં ભાઈ-બહેનો માટે વક્તૃત્વ, નિબંધ સ્પર્ધા, વિચાર-પ્રચાર પરીક્ષા અને ધો. ૪ થી ૭નાં બાળકો માટે મુખપાઠ સ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધાઓમાં ૧૦૦૭ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. એમાંથી ૧૦૭ વિજેતા ભાઈ-બહેનોને ૧૨મી જાન્યુઆરી, રાષ્ટ્રિય યુવાદિન અને સ્વામી વિવેકાનંદ જન્મદિવસે સાંજે પાંચ વાગ્યે સ્વામીનારાયણ ગુરુકુળ, પોરબંદરના અધ્યક્ષ સ્વામી હરિપ્રકાશ શાસ્ત્રીજી મહારાજના વરદહસ્તે પારિતોષિક અને પ્રમાણપત્ર અપાયાં હતાં. આ પ્રસંગે એમણે નિરભિમાની બનીને વર્ષે વર્ષે વધુ ને વધુ પરિશ્રમ કરીને ઉત્તરોત્તર પ્રગતિ સાધવા માટે વિદ્યાર્થીઓને પ્રેર્યા હતા. વિનમ્રતા, ધ્યેયનિષ્ઠા, વ્યસનમુક્તિ અને સખત પરિશ્રમ એ જીવનને મહાન બનાવવાની ચાવી છે. સ્વામી વિવેકાનંદે આપેલ આ ઉપદેશ – ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત – ને જીવનમાં અપનાવવા વિદ્યાર્થીઓને હાકલ કરી હતી. પારિતોષિક રૂપે મોમેન્ટો, સ્વામી વિવેકાનંદનાં પ્રેરણાદાયી પુસ્તકો અને પ્રમાણપત્રો અપાયાં હતાં. આભારદર્શન સ્વામી અવ્યયાત્માનંદજીએ કર્યું હતું.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ ઉત્સવો
૨૪ જાન્યુઆરી, શનિવારે સાંજના ૭.૩૦ વાગ્યે મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મઠ, પૂણેના સ્વામી સુવિજ્ઞેયાનંદજીનું પ્રવચન ભાવિકજનોએ માણ્યું હતું.
૨૫ જાન્યુઆરી, રવિવારે સાંજના ૪.૩૦ વાગ્યે વિવેક હોલમાં રામકૃષ્ણ વિવેકાનંદ આશ્રમ, શ્યામલાતલના અધ્યક્ષ સ્વામી તન્મયાનંદજી અને સ્વામી સુવિજ્ઞેયાનંદજી મહારાજના વરદ હસ્તે સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં રાજકોટ શહેરની શાળા-મહાશાળાઓનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થી ભાઈ-બહેનોને પ્રમાણપત્ર અને પારિતોષિકો અર્પણ કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં આ બંને મહાનુભાવોએ વિદ્યાર્થીઓના જીવનને ઉન્નત બનાવીને સારા માનવ બનવાની પ્રેરણા આપી હતી.
સ્વામી તન્મયાનંદજી, સ્વામી આદિભવાનંદજી અને સ્વામી સુવિજ્ઞેયાનંદજી મહારાજની નિશ્રામાં મંદિર નીચેના હોલમાં તા. ૨૫ જાન્યુઆરીના રોજ ભાવિકજનો માટે સવારના ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તજનો પોતાના જીવનને શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામીજીના જીવનસંદેશને ધ્યાનમાં રાખીને કેવી રીતે ઉચ્ચતર અને વધુ ઉચ્ચતર કક્ષાએ લઈ જઈ શકે તેનું માર્ગદર્શન આ સંન્યાસીઓએ આપ્યું હતું.
વસંતપંચમીના પાવનકારી દિવસે ૩૧ જાન્યુઆરી, શનિવારે શ્રીમા સરસ્વતીદેવીની પૂજાનું આયોજન શ્રીરામકૃષ્ણ મંદિરમાં થયું હતું. આ પ્રસંગે વિશેષ પૂજા, ભજન, હવનનું આયોજન થયું હતું. કાર્યક્રમના અંતે ભાવિકજનોએ પ્રસાદનો લાભ લીધો હતો.
રામકૃષ્ણ-વિવકાનંદ કેન્દ્ર, જામનગરના ‘અખંડાનંદ ભવન’નું ઉદ્ઘાટન
રામકૃષ્ણ મિશન આશ્રમ, ચંદીગઢના અધ્યક્ષ સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજના વરદ હસ્તે રામકૃષ્ણ-વિવકાનંદ કેન્દ્ર, જામનગરના કાર્યાલય ભવનનું ઉદ્ઘાટન થયું હતું. એમણે આ ભવનનું નામ ‘અખંડાનંદ ભવન’ આપવા સૂચન કર્યું હતું. આ પ્રસંગે શ્રીદુષ્યંતભાઈ પંડ્યા અને સાથી મિત્રો, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી, રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજી અને રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી ઉપસ્થિત હતા.
Your Content Goes Here




