રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, વૃંદાવન શતાબ્દિ મહોત્સવ સમાપન સમારોહ
રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, વૃંદાવન શતાબ્દિ મહોત્સવનો પ્રારંભ માર્ચ, ૨૦૦૭ના રોજ થયો હતો. રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ અને જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજની નિશ્રામાં તેમજ સંઘના ૧૮૦ સંન્યાસીઓ અને ૧૫૦૦ ભક્તજનો તેમજ દેશના વિવિધ પ્રદેશોના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ૧૧ થી ૧૬ જાન્યુઆરી, ’૦૮ સુધી શતાબ્દિ મહોત્સવ સમાપન સમારોહ યોજાયો હતો.
આ સમાપન સમારોહનો પ્રારંભ ૧૦૦૦ જેટલા ભક્તજનો અને ૧૦૦ સંન્યાસીઓની ૧૨ કીમી.ની વૃંદાવનની ચોતરફ થયેલી પરિક્રમાથી ૧૧ જાન્યુઆરીના રોજ થયો હતો. સાંજના રામકૃષ્ણ મિશન, બેલઘરિયાના સચિવ સ્વામી એકવ્રતાનંદ અને રામકૃષ્ણ મિશન, મુઝફ્ફરપુરના સ્વામી કૃપાકરાનંદજીએ શ્રીમંદિર અને સભામંડપમાં ભજનસંગીત પીરસ્યું હતું.
૧૨ જાન્યુઆરીના રોજ સવારના ૯.૩૦ કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કર્યું હતું. તે વખતે યોજાયેલી વિશાળ જાહેરસભાને રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસીઓએ તેમજ સુખ્યાત વક્તાઓએ સંબોધી હતી. આ સભામાં શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે ‘શતાબ્દિ સ્મરણિકા’, ‘પવિત્ર વૃંદાવન’ નામના અંગ્રેજી પુસ્તક અને ‘સ્મૃતિચિહ્ન’નું વિમોચન કર્યું હતું. જ્યાં શ્રીમા સારદાદેવી વૃંદાવનની યાત્રા દરમિયાન રહ્યાં હતાં એ કાલાબાબુકુંજ શ્રીમાની સ્મૃતિ રૂપે મઠ-મિશનને મળ્યું છે એવા શુભ સમાચાર સાથે રામકૃષ્ણ મિશન, વૃંદાવનના સચિવે સૌનું અભિવાદન કર્યું હતું.
આ સંસ્થાના શતાબ્દિ મહોત્સવની સ્મૃતિ રૂપે ભારત સરકારના ન્યુ દિલ્હી ખાતેના પોસ્ટખાતાના શ્રીમતી કે.નુરજહાંએ વિશેષ પોસ્ટલ કવરનું વિમોચન કર્યું હતું. આ શતાબ્દિ મહોત્સવ પ્રસંગે વૃંદાવનના બ્ર. રામકેતનજીનું શ્રીમદ્ભાગવતગાન હૈદરાબાદના પ્રો. સુમીતા રોયે વૃંદાવન સેવાશ્રમની આખ્યાયિકાનું ગાન તેમજ પૂણેના પંડિત શ્રીકુમાર મર્દુરે કંઠ્ય શાસ્ત્રીય સંગીત પીરસ્યું હતું.
૧૩ જાન્યુઆરીએ કોલકાતાના શ્રીકુશઈદાસે સિતારના તાર છેડ્યા હતા અને એમને તબલા પર દિલ્હીના શિવશંકર રોયે સંગત આપી હતી. ત્યાર પછી જોધપુરના પ્રો. રાજેન્દ્ર વૈષ્ણવનું ભક્તિસંગીત ભક્તજનો સમક્ષ પીરસાયું હતું. આ શુભ પ્રસંગે ગરીબ વિધવાઓને ધાબળાઓનું વિતરણ થયું હતું.
તે જ દિવસે સાંજે શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે વૃંદાવન સેવાશ્રમની ઇસ્પિતાલના રોગીનારાયણની પુષ્પચંદન અને ફળમીઠાઈ સાથે પૂજાનો પ્રારંભ કર્યો હતો અને સંઘના વરિષ્ઠ સંન્યાસીઓએ આ સેવાપૂજા પૂર્ણ કરી હતી.
૧૪મીએ સાંજે ‘ભક્ત મથુર’ વિષય પર લીલાગીતિનું આયોજન થયું હતું. ત્યાર પછી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને મળેલી જાહેર સભામાં સુપ્રિમ કોર્ટના જજ શ્રીતરુણ ચેટર્જી અતિથિવિશેષ સ્થાને ઉપસ્થિત હતા. ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય રાસલીલાના કાર્યક્રમ સાથે આ મહોત્સવ પૂર્ણ થયો હતો.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો
૨ ફેબ્રુઆરી, શનિવારે મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મઠ, પૂણેના સ્વામી સુવિજ્ઞેયાનંદજીએ ‘સ્વામી વિવેકાનંદ : જીવન અને સંદેશ’ એ વિશે ભક્તજનો સમક્ષ પ્રવચન આપ્યું હતું.
૩ ફેબ્રુઆરીના રોજ વિવેક હોલમાં અમદાવાદના સુપ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીત ગાયિકા શ્રી મોનિકાબહેન શાહે પોતાનું કંઠ્ય સંગીત ભાવિકજનો સમક્ષ પીરસ્યું હતું. ભાવિકજનોએ એમના કંઠ્યસંગીતને ભાવપૂર્વક માણ્યું હતું.
તે જ દિવસે સવારે રાજકોટની સિવિલ, જનાના, પદ્મકુંવરબા હોસ્પિટલમાં દર્દીઓને ફળ-બિસ્કીટ આપવામાં આવ્યાં હતાં તેમજ પુષ્પચંદનથી એમની રોગી નારાયણ સેવા થઈ હતી.
૨૭ જાન્યુઆરી, રવિવારે શ્રીરામકૃષ્ણ આશ્રમના ઔષધાલયમાં નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન થયું હતું. આ કેમ્પમાં ૧૮૮ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા. એમાંથી ૬૨ દર્દીઓના ઓપરેશન કરવામાં આવશે.
૧૧ ફેબ્રુઆરી, સોમવારે આશ્રમના શ્રીમંદિરમાં સરસ્વતીપૂજાનું આયોજન થયું હતું.આ પ્રસંગે ભક્તજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
સ્વામી ગીતાનંદજી મહારાજના વરદ હસ્તે ‘ભાગવતકથા’ ગ્રંથનું વિમોચન
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગીતાનંદજી મહારાજે શ્રીમદ્ ભાગવત જેવા ૧૮૦૦૦ શ્લોકમાં નિબદ્ધ સંસ્કૃત ગ્રંથમાંથી સારભૂત શ્લોકોને તારવીને પોતાનાં મંતવ્યો અને વિશ્લેષણ સાથે મૂળ બંગાળીમાં લખેલ ‘ભાગવતકથા’ના ગુજરાતી અનુવાદનો વિમોચનવિધિ એમના પોતાના વરદ હસ્તે ૧૭ ફેબ્રુઆરી, રવિવારે સાંજે ૭.૩૦ કલાકે મંદિર નીચેના હૉલમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે મહારાજશ્રીએ આશીર્વચન સાથે કહ્યું હતું :
‘શ્રીમદ્ ભાગવત કથા’ એ નામે ગુજરાતી અનુવાદનું વિમોચન કરતાં હું ઘણો આનંદ અનુભવું છું. ‘ભાગવતમ્’ વિશે જાણવા ઇચ્છતા ભાવિકો એને સમાદર આપશે. બંગાળીમાં આ પુસ્તકનું નામ ‘ભાગવત કથા’ હતું. ગુજરાતના લોકોની ઉત્કંઠા જોઈને સ્વામી ધ્રુવેશાનંદજીએ આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવાની બધી જવાબદારી લીધી. કોઈ એક વ્યક્તિથી પૂર્ણ ન થઈ શકે તેવી ઉમદા કાર્યની આ જવાબદારી હતી. શ્રી કુસુમબહેન પરમારે પ્રભુની કૃપાથી આ અનુવાદનું કાર્ય સ્વીકાર્યું અને એને માટે પૂરતો સમય ફાળવ્યો.
‘ભાગવતમ્’ના અભ્યાસનો હેતુ ઈશ્વરને ચાહવાનો છે. જો આપણી માતૃભાષામાં એની અભિવ્યક્તિ થાય તો આપણે પ્રભુ પ્રત્યેનો પ્રેમ કે ભાવ વધારે સારી રીતે વ્યક્ત કરી શકીએ. એટલે આ ગ્રંથનો અનુવાદ ગુજરાતીમાં થયો છે. એના વિષય વસ્તુને જાણવું આપણા માટે એક સદ્ભાગ્ય બની રહેશે. ઈશ્વર પ્રત્યે પ્રેમભાવ રાખવાના તેમજ એમને જાણવાની ઇચ્છા ધરાવવાના સંદર્ભમાં હું ‘ભાગવતમ્’નો એક શ્લોક અહીં ઉદ્ધૃત કરું છું.
કિ પ્રમત્તસ્ય બહુભિઃ પરોક્ષૈર્હાયનૈરિહ।
વરં મુહૂર્તં વિદિતં ઘટતે શ્રેયસે યતઃ ॥ (૨.૧.૧૨)
જ્યારે રાજા પરીક્ષિતે ઇશ્વર વિશે જાણવા શુકદેવજીને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું : હે રાજા! તમે સત્ય અને મોક્ષ જાણવાની ઇચ્છા ઉન્નત કરી છે, તે માટે ધન્ય છો! ખરેખર ચિંત્ય વસ્તુઓ વિશે પૂછનારા બહુ વિરલ હોય છે. મોટાભાગના લોકો તો જીવ-જંતુઓ જેવી સુખસુવિધા મેળવવામાં પ્રવૃત્ત રહે છે અને પોતાના માટે તેમજ પોતાના કુટુંબ માટે આવી સુવિધાઓ પૂરી પાડવામાં મુખ્યત્વે પોતાની જીવન ઊર્જા વેડફી નાખે છે. આ દુનિયામાં બધું નશ્વર છે અને ઈશ્વર જ એક માત્ર અનશ્વર અને શાશ્વત એ એક વૈશ્વિક અનુભવ હોવા છતાં પણ એ ભૂલીને લોકો આ ભૌતિક જીવનના સ્વપ્નમાં રાચતા રહે છે. આપણે ઈશ્વરનું જ ચિંતન કરીએ અને એમને જ ભજીએ, આપણા જીવનની એવી પળ ખરેખર ધન્ય છે. બાકીની પળો તો આપણે પ્રમાદમાં ગુમાવીએ છીએ. ઈશ્વરને ચાહવા સિવાયની બીજી બધી વસ્તુઓ નિરર્થક છે.
શ્રી શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજી આપના પર એવા આશીર્વાદ વરસાવે કે જેથી દિવસે દિવસે એમના પ્રત્યેનો ઉત્કટ પ્રેમ વૃદ્ધિ પામતો રહે, એવી હું એમનાં શ્રીચરણકમલમાં પ્રાર્થના કરું છું. આપ સૌનો આભાર.
આ પ્રસંગે રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે ‘શ્રીમદ્ ભાગવત’ના વાચન-મનનનું મહત્ત્વ અને આજના યુગમાં શાંતિ ઝંખતા માનવીઓ માટે શ્રીમદ્ ભાગવત કથાનો ગ્રંથ કેટલો ઉપયોગી છે તેની વિગતે વાત કરી હતી.
Your Content Goes Here




