કોલંબોમાં સ્વામી વિવેકાનંદજીના પ્રત્યાગમનની શતાબ્દી

રામકૃષ્ણ મિશનના કોલંબો કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદજીની કોલંબોમાં પ્રત્યાગમનની શતાબ્દી ૧૫મી જાન્યુઆરીએ ધામધૂમથી ઉજવવામાં આવી. આ નિમિત્તે પોન્નામ્બલવનેશ્વરાર મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવી. આ મંદિરની મુલાકાત સ્વામી વિવેકાનંદજીએ લીધી હતી. એક વિરાટ શોભાયાત્રા આ મંદિરથી વિવેકાનંદ સોસાયટી સુધી યોજાઈ હતી, જેમાં વિભિન્ન ધર્મો અને સાંસ્કૃતિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સંન્યાસીઓ અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ્ હસ્તે વિવેકાનંદ સોસાયટીના પ્રાંગણમાં પ્રસ્થાપિત સ્વામી વિવેકાનંદજીની સાડા નવ ફૂટ ઊંચી વિશાળ કાંસ્ય પ્રતિમાનું અનાવરણ થયું હતું. આ પ્રસંગે એમણે પ્રેરક પ્રવચન પણ આપ્યું હતું. આ પ્રસંગે શ્રીલંકા સરકાર દ્વારા પોસ્ટલ સ્ટૅમ્પ બહાર પાડવામાં આવ્યો હતો, જેનું વિમોચન શ્રીલંકાના પોસ્ટ અને ટૅલિકોમ્યુનિકેશન ખાતાના મંત્રી શ્રી મંગલ સમરાવીરાના હસ્તે થયું હતું. શ્રીલંકા ખાતેના ભારત સરકારના રાજદૂત અને અનેક વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા.

ભારતનાં વિભિન્ન સ્થળોએ રામકૃષ્ણ મિશનની શતાબ્દી અને સ્વામી વિવેકાનંદજીના ભારત પુનરાગમનની શતાબ્દીની ઉજવણીનો પ્રારંભ

મુંબઈ – રામકૃષ્ણ મઠ અને મિશનના મુંબઈ કેન્દ્ર અને ભારતીય વિદ્યા ભવનના સંયુક્ત ઉપક્રમે આ ઉજવણીનો પ્રારંભ ૭મી જાન્યુઆરી ‘૯૭ના રોજ થયો. આ પ્રસંગે સ્વામી રંગનાથાનંદજી મહારાજે અને સુપ્રસિદ્ધ ચિંતક શ્રી નાની પાલખીવાલાએ પ્રેરક પ્રવચનો કર્યાં.

મૈસુર – રામકૃષ્ણ મઠના મૈસૂર કેન્દ્ર દ્વારા આ ઉજવણીનો પ્રારંભ ૧૮મી જાન્યુઆરીએ થયો. સમારોહનું ઉદ્ઘાટન ભારતના નિવૃત ચીફ જસ્ટિસ શ્રી એમ. એન. વેંકેટચેલૈયાના વરદ હસ્તે થયું. આ પ્રસંગે અનેક સુપ્રસિદ્ધ વિદ્વાનોએ પોતાના વક્તવ્યો આપ્યાં.

હૈદરાબાદ – રામકૃષ્ણ મઠ, હૈદરાબાદ દ્વારા ૨૬મી જાન્યુઆરીએ આ ઉજવણીનો પ્રારંભ વિદ્વાનોનાં વક્તવ્યો દ્વારા થયો હતો. સ્વામી રંગનાથાનંદજી મહારાજે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત જનસમુહને સંબોધન કર્યું હતું. આ પછી યુવાનો દ્વારા સ્વામી વિવેકાનંદજીના સંદેશ પર આધારિત નાટક ભજવવામાં આવ્યું હતું,

રાયપુર – રામકૃષ્ણ મિશનના રાયપુર (મ.પ્ર) કેન્દ્ર દ્વારા ‘વિભિન્ન ધર્મોમાં સદ્ભાવના’ વિશે સેમિનાર યોજાયો હતો, જેમાં પાંચ ધર્મોના પ્રતિનિધિઓએ ભાગ લીધો. એક યુવ સંમેલનનું આયોજન પણ થયું હતું, જેમાં લગભગ એક હજાર યુવા ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

દેશના વિભિન્ન ભાગોમાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી

સ્વામી વિવેકાનંદજીનો જન્મ દિન – ૧૨મી જાન્યુઆરી રાષ્ટ્રમાં યુવા દિનરૂપે ઉજવવામાં આવે છે. અનેક સ્થળોએ આ ઉજવણી મોટા પાયે થઈ હતી. તેમાંથી થોડી માહિતી અહીં પ્રસ્તુત છે :

બેલુર મઠ – રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્ય મથક બેલુર મઠમાં આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું, જેમાં વિભિન્ન શાળાઓના ૪,૬૦૦ વિદ્યાર્થી ભાઈ બહેનોએ સ્વામી વિવેકાનંદની છબીઓ, ધ્વજાઓ, સુવાક્યોની તકતીઓ વગેરેની સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સમારંભમાં વક્તૃત્વ સ્પર્ધાઓ, સંગીત, નાટક, યોગાસનનું પ્રદર્શન વગેરે કાર્યક્રમો યોજવામા આવ્યા. સમારંભની અધ્યક્ષતા સ્વામી સ્મરણાનંદજી મહારાજે કરી.

આ વર્ષે આ પ્રસંગે મુખ્ય મથક દ્વારા સ્વામી વિવેકાનંદજીના પૈતૃક નિવાસે પણ આ ઉજવણી મોટા પાયે કરવામાં આવી. વિશાળ શોભાયાત્રામાં કલકત્તાની વિભિન્ન શાળાઓનાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ સ્વામીજીના પૈતૃક નિવાસ સુધી પ્રયાણ કર્યું. સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ સમારંભના અધ્યક્ષ હતા.

ભુવનેશ્વર (ઓરિસ્સા) – રામકૃષ્ણ મઠના ભુવનેશ્વર કેન્દ્ર દ્વારા આ ઉજવણીના ભાગ રૂપે ૧૨ થી ૧૮ જાન્યુઆરી સુધી શોભાયાત્રા, જાહેરસભા, નિબંધ પ્રતિયોગિતાઓ, વાદ-વિવાદ પ્રતિયોગિતાઓ, કવીઝ વગેરે વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બે હજાર યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો. સમારોહનું ઉદ્ઘાટન ઓરિસ્સા હાઈકૉર્ટના ચીફ જસ્ટિસ શ્રી ઍસ. ઍન. ફૂંકનના વરદ્ હસ્તે થયું.

બૅંગ્લોર – રામકૃષ્ણ મઠના બૅંગ્લોર કેન્દ્ર દ્વારા યોજાયેલ શિબિરમાં ૭૧૯ યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો.

અગરતલા – રામકૃષ્ણ મઠ, અગરતલા (ત્રિપુરા) કેન્દ્ર અને ત્રિપુરા સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સમારંભમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવા વર્ગને ત્રિપુરાના શિક્ષણ મંત્રી શ્રી અનિલ સરકાર અને અન્ય વિદ્વાનોએ સંબોધન કર્યું.

હૈદરાબાદ – રામકૃષ્ણ મઠ હૈદરાબાદ દ્વારા આ ઉજવણીનો પ્રારંભ આંધ્રપ્રદેશના મુખ્ય મંત્રી શ્રી ચંદ્રબાબુ નાયડુના હસ્તે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને માલ્યાર્પણ દ્વારા થયું. જાહેર સભામાં ઉપસ્થિત ૨૦૦૦ યુવા ભાઈ બહેનોને મુખ્ય મંત્રીશ્રી અને અન્ય વિદ્વાનોએ સંબોધન કર્યું. સાંજે યોજાયેલ યુવસંમેલનમાં એક હજાર યુવા ભાઈ બહેનોએ ભાગ લીધો.

લીંબડીમાં વિશાળ શોભાયાત્રા આયોજિત

રામકૃષ્ણ મિશનના લીંબડી કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદજીના જન્મદિન નિમિત્તે ૧૭મી જાન્યુઆરીએ એક વિશાળ શોભાયાત્રાનું આયોજન થયું હતું, જેમાં ત્રણ હજાર વિદ્યાર્થી ભાઈ – બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

રામકૃષ્ણ મિશન દ્વારા રાહત કાર્યો

દર વર્ષની જેમ મકરસંક્રાંતિના ગંગા સાગર મેળામાં ૧૦થી ૧૫ જાન્યુઆરી દરમ્યાન રાહત કાર્ય કરવામાં આવ્યું. ૪,૧૧૨ રોગીઓના ઉપચાર કરવામાં આવ્યા. ધાબળા અને વસ્ત્રોનું વિતરણ ગરીબ યાત્રીઓની વચ્ચે કરવામાં આવ્યું.

આંધ્રપ્રદેશમાં વાવાઝોડાગ્રસ્ત વિસ્તારમાં રાહત કાર્ય મોટા પાયે કરવામાં આવ્યું છે. વાવાઝોડાગ્રસ્ત લોકોના પુનર્વસવાટ માટે મકાનોના બાંધકામની યોજના હાથ ધરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં લાતુર જિલ્લામાં ધરતીકંપથી પીડિત લોકો માટેનાં રાહતકાર્યો મોટા પાયે થયાં છે. ગ્રામોના સર્વાંગીણ વિકાસની યોજના – ‘વિવેકાનંદ ગ્રામ વિકાસ પ્રકલ્પના’ નામથી પ્રારંભ કારવામાં આવી છે.

Total Views: 162

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.