શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

 શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સમર કેમ્પનું આયોજન

દર વર્ષની જેમ આ વર્ષે રાજકોટ આશ્રમ દ્વારા તા. ૩ થી ૧૮ મે દરમિયાન ૮ થી ૧૩ વયજૂથનાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમર કેમ્પમાં કુલ ૨૯૦ બાળકોએ ભાગ લીધો હતો. કેમ્પમાં બાળકોને વેદપાઠ, ગીતાપાઠ, યોગાસન, ભજનો, સ્વામી વિવેકાનંદ દ્વારા શીખવવામાં આવેલ  મૂલ્યો પર ચિંતન, દૃશ્ય-શ્રાવ્ય, ની-યુદ્ધ, આત્મરક્ષા, લાઠીદાવ, આર્ટ અને ક્રાફ્ટ, પેઇન્ટિંગ તથા જ્ઞાન સાથે ગમ્મતની વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી.

તા. ૧૮ મે ના રોજ સમર કેમ્પનો સમાપન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં બાળકોએ વિવિધ નાટકો, ભજનો, લાઠીદાવ, યોગાસન વગેરે પ્રસ્તુત કર્યાં તથા બાળકોનાં માતા-પિતાએ સમર કેમ્પ અંગેનાં પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં. રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પ્રેરણાદાયી વક્તવ્ય પણ આપ્યું. અંતમાં બાળકોને એજ્યુકેશન કીટ તથા સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં.

‘બાળકોના ઘડવૈયા માતા-પિતા’ વિષય પર સેમિનાર

રાજકોટ આશ્રમ દ્વારા રવિવાર, તા. ૧૧ મેના રોજ સમર કેમ્પમાં જોડાયેલ બાળકોના વાલીઓ માટે ‘બાળકોના ઘડવૈયા માતા-પિતા’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં ૩૦૦થી વધુ માતા-પિતાએ ભાગ લીધો હતો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા માતા-પિતાને બાળકોના ચરિત્ર નિર્માણ પર ધ્યાન આપવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારના અંતે તેઓને પણ પુસ્તકો અપાયાં હતાં.

રામકૃષ્ણ મિશન, પોરબંદર

આશ્રમ પરિસરમાં તા. ૧ થી ૧૧ મે, ૨૦૨૫ દરમિયાન સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ સુધી ચાલતા ‘સમર કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં કુલ ૨૦૫ બાળકોની નામનોંધણી થઈ હતી, જેમાંથી લગભગ ૧૨૫ જેટલાં બાળકો ઉપસ્થિત રહેતાં હતાં. આ શિબિરમાં વૈદિક મંત્રોચ્ચાર, યોગ, ગીતાપાઠ, સંગીત, ક્રાફ્ટ, ઇત્યાદિનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. ૧૧ મેના રોજ યોજાયેલા વિદાય સમારંભમાં બાળકોમાં ઇનામ વિતરણ થયું હતું તથા વિશેષ ઉપાહાર અપાયો હતો.

૯મી મેના રોજ યોજાયેલ નિ:શુલ્ક નેત્રયજ્ઞમાં ૧૨ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને ૫ દર્દીઓનાં મોતિયાનાં ઓપરેશન વીરનગરની ‘શિવાનંદ આઈ હોસ્પિટલ’માં કરવામાં આવ્યાં હતાં.

રામકૃષ્ણ મઠ, આદિપુર

૩ એપ્રિલના રોજ રામકૃષ્ણ મઠ, આદિપુર ખાતે યોજાયેલ નેત્રયજ્ઞમાં આંખના ૧૨૫ દર્દીઓની તપાસ બાદ ૧૪ દર્દીઓનાં ઓપરેશન કરાયાં હતાં અને ૫૬ વ્યક્તિઓને સસ્તાદરે ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તે જ દિવસે યોજાયેલ હોમિયોપેથ ચિકિત્સા કેમ્પમાં સારવારનો ૧૦૫ વ્યક્તિઓએ લાભ લીધો હતો.

૭ એપ્રિલના રોજ જરૂરિયાતમંદ ૨૦ પરિવારોને રેશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

૧૭ એપ્રિલના રોજ ધાણેટીમાં ભક્તગૃહે રામકૃષ્ણ મઠ, ભૂજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજી અને રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ સ્વામી મંત્રેશાનંદજીની ઉપસ્થિતિમાં સત્સંગ અને ભજનનો કાર્યક્રમ યોજાયો હતો.

૧૯ એપ્રિલના રોજ ભીડભંજન હનુમાન મંડળ, અલિયાબાડા (જામનગર) દ્વારા આદિપુર કેન્દ્રમાં સુંદરકાંડના પાઠનું આયોજન થયું હતું, જેમાં ૮૦ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

૨૦ એપ્રિલના રોજ રામકૃષ્ણ સારદા સેવાશ્રમ, અંજારમાં ૧૦૦ ભક્તોની ઉપસ્થિતમાં સત્સંગ તેમજ ભજનસંધ્યાનું આયોજન થયું હતું, જેમાં રાજકોટ આશ્રમના સ્વામી મેધજાનંદ, આદિપુર કેન્દ્રના સ્વામી મંત્રેશાનંદજીએ પોતાની રજૂઆત કરી હતી.

૨૩ થી ૨૮ એપ્રિલ દરમિયાન આદિપુર કેન્દ્ર ખાતે સમર કેમ્પનું આયોજન થયું હતું, જેમાં ૧૨૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ શિબિરમાં વૈદિક મંત્રોચ્ચાર, ગીતાપઠન, કલા, સંગીત, વગેરે શીખવવામાં આવ્યાં હતાં.

૩ મેના રોજ યોજાયેલ નેત્રયજ્ઞમાં આંખના ૧૦૨ દર્દીઓની તપાસ બાદ ૯ દર્દીઓનાં ઓપરેશન કરાયાં હતાં અને ૪૦ વ્યક્તિઓને સસ્તાદરે ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું.  તે જ દિવસે યોજાયેલ હોમિયોપેથ ચિકિત્સા કેમ્પમાં સારવારનો ૮૩ વ્યક્તિઓએ લાભ લીધો હતો.

૫ મેના રોજ જરૂરિયાતમંદ ૨૦ પરિવારોને રેશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મિશન, વડોદરા

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં સ્વામી વિવેકાનંદજીની ત્રિ-દિવસીય સંગીતમય કથાનું તા. ૧૮ થી ૨૦ એપ્રિલ દરમિયાન આયોજન થયું હતું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કથાનું રસપાન કરાવ્યું હતું. તેમણે સ્વામીજીના જન્મ, બાળપણ, તરુણાવસ્થા, યુવાવસ્થા બાદ શ્રીરામકૃષ્ણદેવના સંપર્કમાં આવ્યા પછી ગુરુશિષ્યની પરંપરાને જીવંત કઈ રીતે બનાવી તે દૃષ્ટાંત સાથે સમજાવ્યું હતું.

કથા દરમિયાન ભજનિક ડો. પાર્થ પંડ્યા, કલ્યાણ ગોસ્વામી તેમજ પ્રકાશ ગઢવીએ સ્વામીજી વિષયક ભજનો ભાવિકો સમક્ષ રજૂ કર્યાં હતાં. વડોદરાના સચિવ સ્વામી ઇષ્ટમયાનંદજીએ વડોદરાના દિલારામ બંગલોમાં સ્વામીજીના રોકાણ વિશે રસપ્રદ વાત કરી હતી.

સમર કેમ્પ

દર વર્ષની જેમ આશ્રમ પરિસરમાં ૮ થી ૧૭ મે દરમિયાન ‘સમર કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૭ થી ૧૪ વર્ષની વયના ૧૫૦ વિદ્યાર્થીઓએે ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મંત્રપાઠ, ભજન, ધ્યાન, કલા, સામાન્ય જ્ઞાન પરિચય, સંસ્કૃતિ પરિચય, વીડિયો દર્શન, રમતગમત વગેરે રહ્યાં.

Total Views: 3

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.