શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

સમર કૅમ્પનું આયોજન

આશ્રમ દ્વારા તા. ૫ થી ૧૯ મે દરમિયાન ધો. ૧ થી ૮નાં બાળકો માટે સમર કૅમ્પનું આયોજન કરાયું. કૅમ્પનો શુભારંભ આશ્રમના સંન્યાસીઓના વરદ હસ્તે કરવામાં આવ્યો. કૅમ્પમાં બાળકોને વૈદિક મંત્રોચ્ચાર, ગીતા-પાઠ, ભજનો, ધ્યાન, આર્ટ્સ અને ક્રાફ્ટ, પ્રેરણાદાયી વીડિયોનું પ્રદર્શન, મૂલ્યલક્ષી વાર્તાઓનું કથન, વિવિધ રમતો જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી. કૅમ્પ દરમિયાન બાળકો માટે જાદુના ખેલનું આયોજન કરવામાં આવ્યું તથા અમદાવાદ ચેતક કમાન્ડોના ડી.વાય.એસ.પી. શ્રી પી. જી. ધારૈયા સાહેબે બાળકોને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું. આ ઉપરાંત તા. ૧૮ મેના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી.

સમર કૅમ્પમાં ધો. ૧ થી ૪ તથા ૫ થી ૮ એમ બે ગ્રૂપનાં કુલ ૩૧૭ બાળકોએ ભાગ લીધો હતો. કૅમ્પના અંતિમ દિવસે હોમના આયોજનમાં બાળકો સહભાગી બન્યાં હતાં તથા સૌને સ્વામી વિવેકાનંદ સ્ટોરી બૂક તથા સ્ટેશનરી કીટ ભેટ આપવામાં આવી.

‘ઇફેક્ટિવ પેરેન્ટિંગ’ સેમિનારનું આયોજન

આશ્રમ દ્વારા તા. ૧૯ મેના રોજ કૅમ્પમાં સહભાગી બાળકોનાં માતા-પિતા માટે ‘ઇફેક્ટિવ પેરેન્ટિંગ’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સેમિનારમાં લગભગ ૨૦૦ જેટલાં માતા-પિતા જોડાયાં અને બાળકોના ચારિત્ર્ય-ઘડતર અંગે માર્ગદર્શન મેળવ્યું. સેમિનારના અંતે વાલીઓને પેરેન્ટિંગ સંબંધિત તથા સ્વામી વિવેકાનંદનાં પ્રેરણાદાયી પુસ્તકો ભેટ રૂપે આપવામાં આવ્યાં.

નિઃશુલ્ક નેત્રયજ્ઞ

શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર દ્વારા તા. ૧૯ મે અને ૨ જૂનના રોજ અનુક્રમે આનંદનગર અને રૈયાધાર વિસ્તારમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ કૅમ્પમાં કુલ ૨૪૦ લોકોનાં નેત્રોની ચકાસણી કરવામાં આવી તથા ૬૨ લોકોનાં મોતિયાનાં વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યાં.

સેરેબ્રલ પાલ્સીનાં બાળકો માટે સમર કૅમ્પનું આયોજન

૨૪ મે થી ૧ જૂન, ૨૦૨૪ દરમિયાન શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર, રાજકોટના મા શારદા સેરેબ્રલ પાલ્સી રિહેબિલિટેશન વિભાગ દ્વારા વિશેષ જરૂરિયાતવાળાં બાળકો માટે સમર કૅમ્પનું આયોજન કરાયું. કૅમ્પમાં બાળકોને ક્રાફ્ટ આધારિત પ્રવૃત્તિઓ કરાવવામાં આવી તેમજ કમ્પ્યૂટરની તાલીમ પણ આપવામાં આવી. કૅમ્પમાં કુલ ૩૦ બાળકોએ ભાગ લીધો.

ફલહારિણી કાલી પૂજા

તા. ૫ જૂનના રોજ આશ્રમ શ્રીમંદિરમાં ફલહારિણી કાલી પૂજા નિમિત્તે સંધ્યા આરતી પછી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા દરમિયાન કાલી-કીર્તન કરવામાં આવ્યું તથા પૂજાના અંતે ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો.

રામકૃષ્ણ મિશન, પોરબંદર

આશ્રમ પરિસરમાં ૩ થી ૩૦ મે, ૨૦૨૪ દરમિયાન સમર કૅમ્પનું આયોજન કરાયું હતું, જેમાં ૮.૩૦થી ૧૧.૩૦ના સત્રમાં ૨૦૬ બાળકોએ ભાગ લીધો. બાળકોને વૈદિક સ્તોત્ર, ગીતાપાઠ, ભજન, સ્વદેશમંત્ર, હસ્તકલા, નૃત્ય, નાટક, ઇન્ડોર-આઉટડોર ગેમ્સ શીખવાયાં. ૩૦ મેના રોજ વિદાયપ્રસંગે એ બાળકોએ સ્વામીજીના જીવનની વિવિધ ઘટનાઓ પર નાટકો ભજવ્યાં. કાર્યક્રમનાં મુખ્ય અતિથિ પોરબંદર નગર સેવાસદનનાં પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારીએ બાળકો સાથે પ્રેરક વાર્તાલાપ કર્યો. વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, નગરજનો ઇત્યાદિ ઉપસ્થિત હતા.

૧૪ જૂન, ૨૦૨૪ના રોજ કેન્દ્રના પ્રાંગણમાં નિઃશુલ્ક નેત્રચિકિત્સા કૅમ્પનું આયોજન થયું હતું, જેમાં ૫૭ દર્દીઓની નિઃશુલ્ક સારવાર તથા ૪૬ જરૂરિયાતમંદ દર્દીઓનાં ડૉ. કે. એ. ગરેજાની ઓજસ આઇ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યાં.

Total Views: 288

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.