શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિક મહોત્સવ

૧૧ મે, થી ૧૪ મે, ૨૦૦૭ એમ ચાર દિવસનો વાર્ષિક મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રાંગણમાં ઉજવાઈ ગયો. ૧૧-૧૨ અને ૧૪ મે, એ ત્રણેય દિવસ મંદિર નીચેના હૉલમાં સવારે ૮ થી ૯ રામકૃષ્ણ મિશન, નારાયણપુર (છત્તીશ ગઢ)ના સચિવ અને રામચરિત માનસના નિષ્ણાત વક્તા શ્રીમત્‌ સ્વામી નિખિલાત્માનંદજી મહારાજનાં ‘રામચરિત માનસ’ પરનાં વ્યાખ્યાનો ભાવિકજનોએ માણ્યાં હતાં.

૧૧ મે, સાંજે ૬.૧૫ કલાકે શ્રીમંદિર નીચેના હૉલમાં ‘સ્વામી વિવેકાનંદનું જીવન અને સંદેશ’ તેમજ ‘વર્તમાન સંદર્ભમાં સ્વામી વિવેકાનંદના કેળવણી વિશેના વિચારો’ વિશે સ્વામી નિખિલાત્માનંદજી અને ભૂજના શ્રીરમેશભાઈ સંઘવીનાં પ્રચવનો ભાવિકજનોએ માણ્યાં હતાં.

૧૨ મેના રોજ મંદિર નીચેના હૉલમાં યોજાયેલી જાહેર સભામાં ‘શ્રીમા શારદાદેવીનું જીવન અને સંદેશ’ એ વિષય પર ઉપસ્થિત ભક્તજનો સમક્ષ શ્રીમત્‌ સ્વામી નિખિલાત્માનંદજી અને રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ શ્રીમત્‌ સ્વામી આદિભવાનંદજી મહારાજે પોતાનાં મનનીય પ્રવચનો આપ્યાં હતાં.

૧૩ મેના રોજ સાંજની જાહેરસભામાં મંદિર નીચેના હૉલમાં ‘શ્રીરામકૃષ્ણનું જીવન અને સંદેશ’ એ વિશે સંન્યાસી ત્રિપુટી શ્રીમત્‌ સ્વામી નિખિલાત્માનંદજી મહારાજ, સ્વામી આદિભવાનંદજી મહારાજ અને રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી અવ્યયાત્માનંદજી મહારાજનાં પ્રવચનો ભક્તજનોએ ભાવપૂર્વક માણ્યાં હતાં.

૧૩મી મે અને રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી ભક્તજનો માટે એક વિશેષ પર્વનું આયોજન થયું હતું. મંદિર નીચેના હૉલમાં યોજાયેલી ભક્તજનોની આધ્યાત્મિક શિબિરમાં સ્વામી નિખિલાત્માનંદજી મહારાજે સરળ-સચોટ અને સુંદર રીતે ધ્યાન વિશે માહિતી અને જ્ઞાન આપ્યાં હતાં. સ્વામી આદિભવાનંદજી અને સ્વામી અવ્યયાત્માનંદજીએ ભક્તજનોના હૃદયને ઢંઢોળતી વાતો કરી હતી. સ્વામી સર્વસ્થાનંદજીએ પૂંથિમાંથી ‘માતૃવંદના’નું ગાન કર્યું હતું. કાર્યક્રમનો મંગલ પ્રારંભ શ્રીજિતુભાઈ અંતાણીનાં ભજન અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસી વૃંદના મંત્રોચ્ચારથી થયો હતો. દરરોજ સાંજે ૭.૪૫ કલાકે વિવેક હૉલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. ૧૧ મેના રોજ વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોટેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટના છાત્રોએ રજૂ કરેલ નાટક ‘અમર વિવેકાનંદ’ ભાવિકોએ માણ્યું હતું. ૧૨મી મેના રોજ જૂનાગઢના શ્રી હરિ ઓમ પંચોળીએ પોતાના શિવતાંડવ નૃત્યથી સૌને રસતરબોળ કરી દીધા હતા. ૧૩મી મેના રોજ એસ.એન.કે. સ્કૂલના નાનાં નાનાં ભૂલકાંએ ‘દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવ અને એમની બોધકથાઓ’ પર આધારિત નાટક જાણે કે આપણે સૌ દક્ષિણેશ્વરના રામકૃષ્ણને નજરે નિહાળતા હોય એવી ભાવસભર રીતે રજૂ કર્યું હતું. દરેકેદરેક બાળકની અભિનય કળા હૃદયસ્પર્શી બની રહી હતી. 

૧૪ મી મેના રોજ ‘ઈ-સ્વરમ્‌ ગ્રુપ’ દ્વારા ભજન સંગીતનો કાર્યક્રમ મનભરીને માણ્યો હતો.

મા શારદા સંસ્કાર શિબિર

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવેક હૉલમાં ૭ મે થી ૩૧ મે સુધી સોમ થી શુક્રવાર સવારના ૮.૩૦ થી ૧૦.૩૦ સુધી ૮ થી ૧૩ વર્ષની ઉંમરનાં બાળકો માટે ‘મા શારદા સંસ્કાર શિબિર’નું આયોજન થયું છે. આ શિબિરમાં ૧૦૦ જેટલાં બાળકોને વિવિધ તાલીમ આપવા ૧૫ શિક્ષક ભાઈ-બહેનો કાર્યરત બન્યાં છે. 

આ શિબિરમાં નાનાં બાળકોમાં રહેલી સુષુપ્ત પ્રતિભાને બહાર લાવવા માટે આધ્યાત્મિક અને રચનાત્મક ભાવનાવાળી ક્રિયાત્મક પ્રવૃત્તિઓ યોજાય છે. આ પ્રવૃત્તિઓમાં પ્રાર્થના, શાંતિમંત્ર, ભગવદ્‌-ગીતા પાઠ, ભજનસંગીત, યોગાસન, અભિનય કલા, હસ્તકલા, ચિત્રકલા, સામાન્યજ્ઞાન, જૂથચર્ચા, વક્તૃત્વ કળા, વગેરેનો સમાવેશ થાય છે. આવી શિબિરો દ્વારા થતી જીવન ઘડતર, ચારિત્ર્ય ઘડતરની આ પ્રવૃત્તિઓ બાળકોમાં આત્મવિશ્વાસ જગાડે છે.

Total Views: 147

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.