શ્રીરામકૃષ્ણ મિશન-પોરબંદરનો પ્રથમ વાર્ષિકોત્સવ તા. ૧૯, ૨૦ અને ૨૧મી એપ્રિલના દિવસોએ ઉજવવામાં આવ્યો હતો.
પ્રથમ દિવસના વ્યાખ્યાનમાં ‘એકવીસમી સદી માટે શ્રીરામકૃષ્ણનો સંદેશ’ આ વિશે લીંબડી શ્રીરામકૃષ્ણ મિશનના સૅક્રૅટરી સ્વામી આદિભવાનંદજીએ કહ્યું કે આવનારી સદીમાં જો માનવજાતે ટકી રહેવું હોય તો માનવી માનવી વચ્ચેનું અંતર ઘટાડવું જ પડશે. એ સંદર્ભમાં શ્રીરામકૃષ્ણદેવનો સંદેશ – બધા જ ધર્મો એક જ સત્ય પ્રત્યે લઈ જાય છે, ‘શિવ જ્ઞાને જીવ સેવા’ – અપનાવવો જ પડશે. રાયપુર શ્રીરામકૃષ્ણ મિશનના સચિવ સ્વામી સત્યરૂપાનંદજીએ વીસમી સદીના ત્રણ મહાન વિચારકો કાર્લમાર્ક્સ, યુંગ અને આઈન્સ્ટાઈનના ક્રાન્તિ લાવનારા વિચારોના પરિપ્રેક્ષ્યમાં શ્રીરામકૃષ્ણદેવની સર્વધર્મોની સાધના દ્વારા કરેલા સાક્ષાત્કારનાં સત્યો દ્વારા સર્જાયેલી આધ્યાત્મિક ક્રાન્તિની અને પાશ્ચાત્ય કેળવણી પામેલા બંગાળના નવયુવાનોના આધુનિક માનસના આધ્યાત્મિક પરિવર્તનની વાત, પોતાની સહજ, સરળ અને જ્ઞાનસભર શૈલીમાં કરી હતી. જ્યારે પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વડા સ્વામી જિતાત્માનંદજીએ કહ્યું : ફક્ત આવનારી સદીમાં જ નહીં પણ આવતાં પંદરસો વર્ષ સુધી શ્રીરામકૃષ્ણનો સંદેશપ્રકાશ માનવજાતિને દિવ્યતા પ્રત્યે દોરતો રહેશે.
તા. ૨૦મીના રોજ સવારે આઠ થી બાર વાગ્યા સુધી આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો પ્રારંભ સ્વામી જિતાત્માનંદજીના ધ્યાન-સંગીતથી થયો. તેમણે વેદાંતના જ્ઞાનને સરળ બનાવી રોજિંદા વ્યવહારમાં કેવી રીતે ચરિતાર્થ કરવું તેનું માર્ગદર્શન આપ્યું. શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્યોનાં ઉદાહરણો દ્વારા ગૃહસ્થજનો માટે અધ્યાત્મ સાધનાની વાત કરી હતી.
સ્વામી સત્યરૂપાનંદજીએ આજના તનાવપૂર્ણ, દોડધામભર્યા જીવનમાં શાંતિ, સ્વસ્થતા અને સમતા રાખી કેવી રીતે જીવન જીવવું, તેનું રોજિંદા જીવનનાં દૃષ્ટાંતો દ્વારા સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. સંપૂર્ણશરણાગતિ, શ્રદ્ધા, તપસ્યા, સાધના, જેવી આધ્યાત્મિક બાબતોની તેમણે સરળ સ્પષ્ટ સમજ આપી હતી. કાર્યક્રમને અંતે પ્રશ્નોત્તરીમાં શિબિરાર્થીઓના સાધનાલક્ષી પ્રશ્નોના માર્ગદર્શક ઉત્તરો આપી સાધકોની સમસ્યાઓનું વક્તાઓએ સમાધાન કર્યું હતું. શિબિરનો પ્રતિભાવ આપતાં શ્રી જ્યોતિબહેન થાનકી, રાવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ શિબિર દ્વારા તેઓને જીવન જીવવાની સાચી દૃષ્ટિ, શાંતિ અને સ્થિરતા મેળવવાનો માર્ગ અને જીવનની જટિલ સમસ્યાઓના ઉકેલ માટેનું આધ્યાત્મિક પાથેય – મળ્યાં છે. એ જ દિવસે સાંજનાં વ્યાખ્યાનોમાં સ્વામી આદિભવાનંદજીએ શ્રીમા શારદાદેવીના જીવન-પ્રસંગો દ્વારા શ્રીમાના દૈવીસ્વરૂપનું નિરુપણ કર્યું હતું. સ્વામી સત્યરૂપાનંદજીએ શ્રીમા શારદાદેવીના આધ્યાત્મિક માતૃત્વનું જગજ્જનનીના સ્વરૂપનું દર્શન કરાવ્યું હતું. સ્વામી જિતાત્માનંદજીએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું: આવનારી સદીમાં નારીએ આદર્શ પત્ની, આદર્શમાતા, આદર્શ સંચાલિકા અને આદર્શ ગુરુ-માર્ગદર્શક બનવાનું છે અને તે માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્રીમા શારદાદેવીનું જીવન છે.
ત્રીજા દિવસે ‘વર્તમાન ભારત માટે સ્વામી વિવેકાનંદના સંદેશ’ વિષય પર પોરબંદર શ્રીરામકૃષ્ણ મિશનના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કહ્યું હતું કે સ્વાધીન ભારત સ્વામી વિવેકાનંદના સંદેશને ભૂલી ગયું, તેને કારણે વર્તમાન સમસ્યાઓ સર્જાઈ છે. તે માટે સ્વામી વિવેકાનંદે પ્રબોધેલી ચારિત્ર્ય નિર્માણ કરનારી કેળવણી જ એકમાત્ર અસરકારક ઉપાય છે. સ્વામી આદિભવાનંદજીએ જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદના અનન્ય રાષ્ટ્રપ્રેમની વાતો રજૂ કરી હતી. સ્વામી સત્યરૂપાનંદજીએ પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં હિંદને નવસો વર્ષ સુધી ગુલામીમાં રાખનાર વિવિધ જાતિઓની વિશિષ્ટતાઓની ચર્ચા કરી હતી. સ્વામી વિવેકાનંદે ભારતની લુપ્ત થયેલી અસ્મિતાના પુનર્જાગરણનું કાર્ય કર્યું છે. સ્વાતંત્ર્ય ભારતમાં કર્તવ્યને બદલે અધિકાર, ત્યાગને બદલે ભોગ, નિ:સ્વાર્થ બદલે સ્વાર્થને લીધે ભારત વર્તમાન સમસ્યાઓથી ઘેરાઈ ગયું છે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદના સંદેશને સમગ્ર ભારતવર્ષમાં જાગૃત કરવા અને ધર્મની શક્તિ અને ચારિત્ર્યબળ દ્વારા રાષ્ટ્રોદ્ધાર શક્ય છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧-૨-૩,મેના રોજ યોજાયેલ ત્રિદિવસીય વાર્ષિક મહોત્સવ
૧લી-૨જી મેના રોજ સવારના ૮.૧૫થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી ૪૦૦ ભક્તજનો સાથેની સ્વામી જિતાત્માનંદજી, સ્વામી વામનાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી આદિભવાનંદજી અને સ્વામી ત્યાગાત્માનંદજીની નિશ્રામાં આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા, સર્વધર્મ સમન્વય, ગૃહસ્થ જીવનમાં રહીને આધ્યાત્મિક ઉન્નતિના પથે આગળ વધવા વિશે વિશેષ માર્ગદર્શક પ્રવચનો, વૈદિક મંત્રોચ્ચાર, ધ્યાન અને ભજન-સંગીત, રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાંથી વાંચન તેમજ ભક્તજનો માટે પ્રશ્નોત્તરી અને પ્રતિભાવો જેવા ભક્તિભાવપૂર્ણ કાર્યક્રમોને ભક્તજનોએ આનંદભાવ સાથે માણ્યા હતા.
વાર્ષિકમહોત્સવ જાહેરસભા
તા. ૧લી મેના રોજ ‘શ્રીરામકૃષ્ણદેવ અને ૨૧મી સદીમાં ભારત’ એ વિશે સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી ત્યાગાત્માનંદજી અને સ્વામી જિતાત્માનંદજીનાં મનનીય પ્રવચનો રાતના ૮ થી ૯.૧૫ સુધી ભક્તજનોએ માણ્યાં હતાં. ૨જી મેના રોજ રાતના ૭.૪૫ થી ૯.૦૦ વાગ્યા સુધી યોજાયેલી જાહેરસભામાં ‘સ્વામી વિવેકાનંદ અને મહત્તર ભવ્ય ભારતનો ઉદય’ એ વિષય પર ઉપર્યુક્ત સંન્યાસીઓએ પ્રવચનો આપ્યાં હતાં. ૩જી મેના રોજ યોજોયેલ ત્રીજાદિવસની જાહેરસભાના વક્તાઓ સ્વામી વામનાનંદજી, સ્વામી જિતાત્માનંદજી અને પ્રો. જ્યોતિબહેન થાનકીએ ‘૨૧મી સદીમાં સ્ત્રીઓનું પ્રદાન અને શ્રીમા શારદાદેવી’એ વિશે મનનીય પ્રવચનો આપ્યાં હતાં.
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ, ગુજરાતનું સંમેલન
તા. ૩જી મેના રોજ સવારના ૮.૩૦ થી સાંજના ૭.૪૫ સુધી શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ, ગુજરાતનું સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતભરની ૧૧ પરિષદોના સભ્યોએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં સૌનું સ્વાગત કરતાં સ્વામી જિતાત્માનંદજીએ કહ્યું હતું કે આજના વિશ્વને શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામીજીના સંદેશની સૌથી વધારે આવશ્યકતા છે. આ કાર્યમાં ગુજરાતનાં પરિષદ-કેન્દ્રોની વિવિધ પ્રવૃત્તિઓની તેમણે પ્રશંસા કરી હતી. ગૃહસ્થો આ મહાન સંદેશને ફેલાવવા મોટો ફાળો આપી શકે તેમ છે. જુનાગઢ, ધરમપુર, વલસાડ, વડોદરાનાં કેન્દ્રો તેમજ અંકલેશ્વર અને સુરતના ભક્તજનોએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાઓ જાહેરસ્થળે ઊભી કરીને એમના સંદેશનો પ્રચાર-પ્રસાર કરવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. અમદાવાદ કેન્દ્રે પોતાની પ્રવૃત્તિઓ માટે એક ફ્લેટની ખરીદી કરી છે. ભૂજ કેન્દ્રે શ્રીરામકૃષ્ણ મંદિર, કાર્યાલય અને આશ્રમ સંકુલનું બાંધકામ કરીને પ્રશંસનીય કાર્ય કર્યું છે. ધાણેટીના ભક્તજનોએ બાંધેલી સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ RVBPPના સમગ્ર ભારતમાં થતાં સેવાકાર્યોની યાદ અપાવીને ગુજરાતમાં પણ હજુ વધુ જોમ-જુસ્સાથી આવી મહાન સેવાપ્રવૃત્તિઓ હાથ ધરાય તે માટે સૌ ગૃહસ્થ ભક્તોએ આગળ આવવું જોઈએ. દરવર્ષે RVBPP ગુજરાતનું નિયમિત મિલન યોજાતું રહે તેવું સૂચન કર્યું હતું. સ્વામી આદિભવાનંદજીએ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના સાચા પ્રચાર માટે એમના સાહિત્યનો બહોળો પ્રચાર-પ્રસાર સમાજમાં, ખાસ કરીને શાળા કોલેજોના વિદ્યાર્થીઓમાં થાય તો ભારતના નવોત્થાનના કાર્યમાં ધાર્યું પરિણામ લાવી શકાય. ભાવપરિષદના પ્રતિનિધિઓએ દરેક કેન્દ્રનો વિગતવાર અહેવાલ પ્રસિદ્ધ થાય અને એ પુસ્તિકાના રૂપે પ્રાપ્ય બને એવું સૂચન કર્યું હતું. સ્વામી જિતાત્માનંદજીએ આ વિચારને આવકાર્યો હતો. ભૂજના શ્રી કે.કે. ગોરની આ RVBPP ગુજરાતના કન્વિનર તરીકે અને બરોડા કેન્દ્રના શ્રી પ્રકાશભાઈ જોષીની સહ કન્વિનર તરીકે પસંદગી કરવામાં આવી હતી. હવે પછીનું RVBPP ગુજરાતનું સંમેલન ભૂજમાં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા રાહતકાર્ય
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર દ્વારા જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના કિલેશ્વર, ચિપિયાનેસ, ખતારિયા નેસ, અને બાલાનેસના ૭૧ પરિવારોના વાવાઝોડાથી ક્ષતિગ્રસ્ત થયેલા તેઓના મકાનોના સમારકામ માટે બાવીસ હજાર નળિયાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Your Content Goes Here




