પરમ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજનું રાજકોટમાં ભવ્ય સ્વાગત
રાજકોટના આંગણે ૨ ડિસેમ્બરના રોજ પધારેલ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજનું સ્વાગત ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યું. પૂજ્ય મહારાજશ્રીને રથમાં બેસાડીને ડૉ. યાજ્ઞિક રોડ પર સ્થિત સ્વામી વિવેકાનંદ પ્રતિમાથી આશ્રમ સુધી ઢોલ-નગારાં તથા પારંપરિક નૃત્ય સાથે શોભાયાત્રા કાઢવામાં આવી. એમનું સંન્યાસીઓ તથા ભક્તવૃંદ દ્વારા અનેરું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું.
જાહેરસભાનું આયોજન
૩ ડિસેમ્બરના રોજ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજની અધ્યક્ષતા હેઠળ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું. સભામાં ગુજરાતભરનાં કેન્દ્રોના અધ્યક્ષ દ્વારા મહારાજશ્રીનું પુષ્પમાળા દ્વારા સ્વાગત કરાયું. રાજકોટના ઠાકોર સાહેબશ્રી માંધાતાસિંહ જાડેજા પણ સભામાં ઉપસ્થિત હતા. તેઓશ્રીએ પણ પુષ્પમાળા તથા પારંપારિક પાઘડી પહેરાવીને મહારાજશ્રીનું સ્વાગત-સન્માન કર્યું.
સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વાગત-પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજકોટ નિવાસીઓ માટે આ અનેરો ઉત્સવ છે, જ્યારે ૩૩ વર્ષની પ્રતીક્ષા બાદ રામકૃષ્ણ સંઘના કોઈ પરમાધ્યક્ષ મહારાજ રાજકોટના આંગણે પધાર્યા હોય.
મહારાજશ્રીનો પરિચય આપતાં એમણે કહ્યું હતું કે પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજ ૯૬ વર્ષની વયે પણ એક યુવાનની જેમ સ્ફૂર્તિ, ઉત્સાહ અને ઊર્જા ધરાવે છે અને દેશ-વિદેશમાં સતત ભ્રમણ કરે છે.
સભામાં મહારાજશ્રીએ ઉપસ્થિત ભક્તજનોને આશીર્વચન પાઠવ્યાં. મહારાજશ્રીએ સહુને ‘શિવભાવે જીવસેવા’નું સૂત્ર આપતાં કહ્યું કે આમ કરવાથી મનમાં અદભુત શાંતિ આવશે અને માનવજીવન સાર્થક થશે.
સભામાં ૫૦૦થી વધુ ભક્તજનો ઉપસ્થિત રહ્યા. સભા બાદ સહુને ભોજન-પ્રસાદ પીરસાયો.
ત્રણ નૂતન પુસ્તકોનું વિમોચન
જાહેરસભા દરમિયાન મહારાજશ્રીનાં કરકમળ દ્વારા સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ કૃત ‘ધ્યાન અને આધ્યાત્મિક જીવન’, સ્વામી ચેતનાનંદજી કૃત ‘શ્રીરામકૃષ્ણ સમીપે’ તથા ‘શ્રીમા શારદાદેવીની દિવ્ય લીલા’ નામનાં ત્રણ પુસ્તકોનું વિમોચન કરાયું. આ પુસ્તકો હવે વિવેકાનંદ બૂક વર્લ્ડમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.
વિકાસલક્ષી કાર્યો
૪ ડિસે.ના રોજ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજના વરદ હસ્તે આશ્રમના સેવકોના નિવાસ માટે પ્રસ્તાવિત ‘સ્વામી અખંડાનંદ સેવક ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ ઉપરાંત આશ્રમ પાર્કિંગ ગેટની સામેની જમીન પર પ્રસ્તાવિત ‘શ્રીમા શારદા અતિથિ ભવન’ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું.
પૂજ્ય મોરારી બાપુની રાજકોટ આશ્રમની મુલાકાત
રાજકોટના આંગણે રામકથારસ પીરસવા આવેલ લોકપ્રિય કથાકાર પૂજ્ય શ્રી મોરારી બાપુ ૨૮ નવેમ્બરના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પધાર્યા હતા. શ્રીમંદિરમાં દર્શન કર્યા બાદ તેઓશ્રીએ ‘સ્વામી ભૂતેશાનંદ ધ્યાનખંડ’ની પણ મુલાકાત લીધી. આશ્રમના સંન્યાસીઓએ પૂજ્ય બાપુ સાથે તેમની ભૂતપૂર્વ કથા તથા મુલાકાતોને વાગોળી તથા આશ્રમની શતાબ્દી ઉજવણી અંગેની પણ ચર્ચા કરી.
Your Content Goes Here





