શ્રીરામકષ્ણ આશ્રમ, રાજકોટ
સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૧૪ ડિસેમ્બરથી ૨૩ ડિસેમ્બર સુધી રાજકોટ શહેરની વિવિધ શાળાઓનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું.
૨૪ ડિસેમ્બરે ક્રિસમસ ઈવના ઉપલક્ષ્યમાં સાંજના ૭ વાગ્યે શ્રીમંદિરમાં વિશેષ પૂજા, વ્યાખ્યાન તેમજ ક્રિસમસ કેરોલ્સનો કાર્યક્રમ યોજાયો હતો.
૨૬ ડિસેમ્બરે સવારે ૫ વાગ્યે એક વિશેષ જપયજ્ઞ યોજાયો હતો. જેની પૂર્ણાહૂતિ ૨૭ ડિસેમ્બરે સવારે ૭ વાગ્યે થઈ હતી.
શ્રીશ્રીમા સારદાદેવીની ૧૫૮મી પાવનકારી જન્મજયંતીનો મહોત્સવ ૨૭ ડિસેમ્બર, સોમવારે ઉજવાયો હતો. સવારે શ્રીમંદિરમાં મંગલ આરતી, સ્તોત્રપાઠ, ધ્યાન, શ્રીમા સારદાદેવીનાં પુસ્તકમાંથી વાચન તેમજ અંધમહિલા વિકાસ ગૃહની બહેનોનાં સ્તવનભજન, વિશેષ હવન, સંન્યાસીઓનાં ભજનકીર્તનનું આયોજન થયું હતું. બપોરે ભોગ આરતી પછી ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજે શ્રીમાનામસંર્કીતન અને આરતી પછી શ્રીમાના જીવન અને કવન વિશે સંન્યાસીઓના પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો.
૩૧ ડિસેમ્બર, શુક્રવારે સાંજે ૭ કલાકે યોજાયેલી જાહેરસભાને બેલૂર મઠના સ્વામી રઘુનાથાનંદજી; રામકૃષ્ણ મિશન, ઈંદોરના સચિવ સ્વામી રાઘવેન્દ્રાનંદજી અને રામકૃષ્ણ મિશન, પોરબંદરના સ્વામી અવ્યયાત્માનંદજીએ સંબોધી હતી.
૧ જાન્યુઆરીના રોજ ‘કલ્પતરુ દિન’ નિમિત્તે ધ્યાન, વાર્તાલાપ અને ભજનનો કાર્યક્રમ શ્રીમંદિરમાં યોજાયો હતો.
૨ જાન્યુઆરીના રોજ સવારે ૯ થી ૧૧ વચ્ચે નારાયણસેવાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ શહેરમાં આવેલ વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ વગેરે જેવી ૧૨ જેટલી સંસ્થાઓમાંથી આવેલ ૧૨૦૦ જેટલા લોકોમાં નારાયણભાવે પ્રસાદ વિતરણ થયું હતું. એ જ દિવસે સાંજે ૭ વાગ્યે મંદિર નીચેના હોલમાં શ્રી નલીનભાઈ મહેતા, જીતુભાઈ અંતાણી તથા સાથી મિત્રો દ્વારા ‘શક્તિ સ્વરૂપા શ્રીમા સારદા’નું લીલાગાન ભાવિકજનોએ માણ્યું હતું.
૧૨ જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદ જન્મજયંતી અને રાષ્ટ્રિય યુવદિનના ઉપલક્ષ્યમાં રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવાનો કાર્યક્રમ સવારે ૯ વાગ્યે યોજાયો હતો. આ પ્રસંગે રાજકોટના ડે.મેયરશ્રી, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન શ્રી નરેન્દ્ર સોલંકી, સમાજકલ્યાણ સમિતિના ચેરમેનશ્રી, મ્યુ. કોર્પો.ના પદાધિકારીઓ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કે.ડી. બગડા સાહેબ અને રાજકોટના કેળવણીકારો ઉપસ્થિત હતા. જેમાં સિસ્ટર નિવેદિતા અને વિશ્વજ્યોત શાળાના વિદ્યાર્થીઓ અને ભાવિકજનો ઉપસ્થિત હતા. વિદ્યાર્થીઓમાં પ્રસાદનું વિતરણ થયું હતું.
એ જ રીતે રામકૃષ્ણ આશ્રમની નજીક ડો. યાજ્ઞિક રોડ પર આવેલ સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમાને રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ અને ભક્તજનોએ પુષ્પહાર અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જી.ટી. શેઠ સ્કૂલની વિદ્યાર્થિનીઓમાં પ્રસાદનું વિતરણ થયું હતું.
વી.વી.પી. ઈજનેરી કોલેજમાં ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને રાષ્ટ્રિય યુવદિનના ઉપલક્ષ્યમાં સ્વામી સર્વસ્થાનંદજીએ સવારના ૭.૩૦ વાગ્યે ઉદ્બોધન કર્યું હતું. સ્વામીજીના જીવનસંદેશના ઘટના પ્રસંગો વિદ્યાર્થીઓએ માણ્યા હતા.
સવારે ૧૦.૩૦ વાગ્યે વિવેક હોલમાં મુરલીધર અને જી.ટી.સ્કૂલના વિદ્યાર્થી ભાઈ-બહેનોને ડો. ભદ્રાયુ વછરાજાની અને સ્વામી સર્વસ્થાનંદજીએ સંબોધન કર્યું હતું. વિદ્યાર્થીઓને પ્રસાદ અપાયો હતો.
આ જ સમયે મંદિર નીચેના હોલમાં એસ. એન. કે. સ્કૂલના ૨૫૦ વિદ્યાર્થીઓને ડો. ભદ્રાયુ વછરાજાનીએ અને સ્વામી ભુપાલાનંદજીએ સંબોધન કર્યું હતું. સભાને અંતે વિદ્યાર્થીઓમાં પ્રસાદનું વિતરણ થયું હતું. સાંજના શ્રીકાંતા સ્ત્રી વિકાસ ગૃહની ૫૦૦ જેટલી બહેનોને સ્વામી પ્રભુસેવાનંદજી મહારાજે સંબોધન કર્યું હતું.
રાજકોટની જિલ્લા જેલમાં બપોરે ૪ કલાકે કેદીઓને સ્વામી ભુપાલાનંદજીએ સંબોધન કર્યું હતું.
રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ, રમેશભાઈ એમ. છાંયા, દિવ્યતેજ વિદ્યાલયના વિદ્યાર્થીઓને સ્વામી મંત્રેશાનંદજીએ સંબોધન કર્યું હતું.
વિવેકાનંદ હોટેલ મેનેજમેન્ટ કોલેજમાં રાષ્ટ્રિય યુવદિન નિમિત્તે રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું.
સાંજે જામનગરની આયુર્વેદિક કોલેજમાં તેમજ જામનગર જિલ્લા જેલમાં સ્વામી સર્વસ્થાનંદજીએ પોતાનાં પ્રવચનો આપ્યાં હતાં.
૯ જાન્યુઆરી, રવિવારે સવારે ૯ થી ૧૨ સુધીમાં જયઅંબે ઉદ્યોગનગરમાં નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને જરૂરતમંદ દર્દીઓનાં વિનામૂલ્યે આશ્રમના વિવેકાનંદ આઈ-કેર-સેન્ટરમાં મોતીયાનાં ઓપરેશન થયાં હતાં.
૧૬ જાન્યુઆરી, રવિવારના રોજ મંદિર નીચેના હોલમાં ભજનસંધ્યાનું આયોજન થયું હતું. રામકૃષ્ણ મઠ, બેલૂરના સ્વામી કૃપાકરાનંદજી મહારાજે ભક્તિસભર ભજનોથી ભાવિકજનોને ભાવવિભોર કરી દીધા હતા.
સ્વામી વિવેકાનંદ સાર્ધશતાબ્દીના ઉપલક્ષ્યમાં રાજકોટના ભાવનગર રોડ પરના ગંજીવાડા – થોરાળાના અતિ પછાત અને ગરીબ લોકો માટે ‘ગદાધર પ્રકલ્પ અન્વયે’ ૧૨ જાન્યુઆરીથી સોમ થી શનિ સુધી દરરોજ બે કલાક મૂલ્યલક્ષી કેળવણી અને જીવન; તેમજ બાળકોના અભ્યાસક્રમને લગતું માર્ગદર્શન આપવામાં આવે છે. તેઓને દૂધ, બિસ્કીટ, ફળ વગેરે અપાય છે.
રામકૃષ્ણ મિશન, લીંબડી
રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૧૭ ડિસેમ્બર, શુક્રવારે નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. તેમાં ૮૩ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા અને ૨૩ દર્દીઓનાં વિનામૂલ્યે સૌરાષ્ટ્ર આઈ-સેન્ટર, વીરનગરમાં મોતીયાનાં ઓપરેશન થયાં હતાં.
રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, ભાવનગર
રાષ્ટ્રિય યુવદિન નિમિત્તે ભાવનગર જેલમાં કેદીઓ સમક્ષ સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ વિશે શ્રીસુરમ્યભાઈ મહેતાએ વક્તવ્ય આપ્યું હતું.
રામકૃષ્ણ આશ્રમ, કડપ્પા
આ કેન્દ્રમાં ૮ થી ૧૦ જાન્યુઆરી, ૨૦૧૧ સુધી ત્રણ દિવસ સુધી ‘કડપ્પામાં રામકૃષ્ણ ભાવધારા’ના ઉપલક્ષ્યમાં એક ભક્તસંમેલનનું આયોજન થયું હતું. ૩૦૦૦ જેટલા ભક્તો અને જુદાં જુદાં કેન્દ્રના સંન્યાસીઓએ ભાગ લીધો હતો. વ્યાખ્યાન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ‘હનુમત્ વિલાસં’ પર પપેટ-શો, સ્વામી વિવેકાનંદના જીવન પર નાટ્યકથાનકો તેમજ વક્રોક્તિના અભિનયો રજૂ થયા હતા. રાષ્ટ્રિય યુવા દિને રામકૃષ્ણ મિશનના પ્રાંગણમાં સ્વામીજીની મૂર્તિને પુષ્પહાર અર્પણ કર્યા હતા અને ‘રિમ્સ’ હોસ્પિટલમાં નારાયણસેવામાં ૫૦૦ દર્દીઓને મીઠાઈ અને બિસ્કીટ આપયાં હતાં.
રામકૃષ્ણ મઠ, મદુરાઈ રાષ્ટ્રિય યુવા દિન – પારિતોષિક વિતરણ:
૩ થી ૫ ડિસેમ્બર સુધી મદુરાઈ શહેરના વિદ્યાર્થીઓ માટે શ્રીરામકૃષ્ણ, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ વિશે એક નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. એમાં ત્રણ વિભાગો હતા. માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજ. મદુરાઈ જિલ્લાની ૭૮ શૈક્ષણિક સંસ્થાઓના કુલ ૮૩૧૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
પારિતોષિક વિતરણ સમારંભનો પ્રારંભ પ્રાર્થના, સ્વામી કમલાત્માનંદજીના સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન સાથે થયો હતો. આ પ્રસંગે ચિદ્ભવાનંદ આશ્રમ, થેનીના સ્વામી ૐકારાનંદજીએ મુખ્ય પ્રવચન આપ્યું હતું. ચિન્મય મિશન, મદુરાઈના સ્વામી શિવયોગાનંદ અને વિવેકાનંદ કેન્દ્ર, મદુરાઈના જી. કૃષ્ણ સ્વામીએ પણ પ્રવચનો આપ્યાં હતાં.
૭૮ શૈક્ષણિક સંસ્થાઓને તમિલ ભાષામાં ૪૬૨ પાનાંની શ્રીશ્રીમા સારદાદેવીની જીવનકથા ઘટાડેલા દરે આપવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા સંચયન પણ દરેક શાળાને ઘટાડેલા દરે અપાઈ હતી. ૮૩૧૨ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના યુવાનો માટેનાં પ્રેરણાદાયી વચનોનાં પુસ્તકો ભેટ અપાયાં હતાં. ૧૮ વિદ્યાર્થીઓને રોકડ ઈનામ રૂપે ૩૭૫૦૦ રૂપિયા અપાયા હતા. ૧૮ વિદ્યાર્થીઓને શિલ્ડ અપાયાં હતાં. ૧૮ વિદ્યાર્થીઓને એક પુસ્તક સેટ પણ અપાયો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર દરેકેદરેક સ્પર્ધકને ૧૦૫૦૦ રૂપિયાની કીમતનાં પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યાં હતાં. આ સ્પર્ધાઓનાં પારિતોષિક પાછળ કુલ ૧,૧૦,૬૮૮ રૂપિયાનો ખર્ચ થયો છે.
Your Content Goes Here




