શ્રીરામકૃષ્ણ આશ્રમ,રાજકોટના વિવિધ કાર્યક્રમો

સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના ઉપલક્ષ્યમાં રાજકોટ શહેરની વિવિધ શાળા-મહાશાળાનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે તા. ૧૪ થી ૨૦ ડિસેમ્બર, ૨૦૦૯ સુધી વિવિધ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં વક્તૃત્વ સ્પર્ધામાં ૩૬૦, હિન્દી મુખપાઠમાં ૬૫૪, અંગ્રેજી મુખપાઠમાં ૬૧૭, સંસ્કૃત મુખપાઠમાં ૫૪૪, ગુજરાતી મુખપાઠમાં ૮૮૭, શીઘ્રચિત્રમાં ૭૭૨ જેટલાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. નાટ્યસ્પર્ધામાં ૨૦ અને દેશભક્તિ સમૂહગાન સ્પર્ધામાં ૫૪ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો.

રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજ આશ્રમની મુલાકાતે ૨૭ ડિસેમ્બરે સવારે પધાર્યા હતા. તે જ દિવસે સવારે એમની નિશ્રામાં મંદિર નીચેના હોલમાં ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી ભક્તજનો માટે એક આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજ ઉપરાંત રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજી અને રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ભક્તજનોને સંબોધ્યા હતા. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદના જીવનમાંથી ઉત્તમ જીવનપાઠ વિશેનાં વ્યાખ્યાનો ભાવિકોએ માણ્યાં હતાં. પ્રશ્નોત્તરીના રસપ્રદ કાર્યક્રમમાં ભક્તજનોએ આધ્યાત્મિક જીવનની મૂંઝવણોનો ઉકેલ માગતા પ્રશ્નો પૂછ્યા હતા અને ભાવિકોને સંતર્પક ઉત્તર સાંપડ્યા હતા. ‘અનંતરૂપિણી’ અને ‘નવદુર્ગારૂપિણી શ્રીમા સારદા’ નામની બે ઓડિયોસીડીનું અનાવરણ શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજે કર્યું હતું.

તે જ દિવસે સાંજના ૪.૩૦ વાગ્યે વિવેક હોલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી કમલેશભાઈ જોશીપુરાના વરદ હસ્તે સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના ઉપલક્ષ્યમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમે આવેલ ૬૦ જેટલાં વિદ્યાર્થી ભાઈ-બહેનોને પારિતોષિકો અપાયાં હતાં. આ પ્રસંગે સ્વામી આદિભવાનંદજી પણ ઉપસ્થિત હતા. દ્વિતીય, તૃતીય અને પ્રોત્સાહન પારિતોષિક પુસ્તકાલયમાંથી વિદ્યાર્થી ભાઈ-બહેનોએ મેળવ્યાં હતાં.

એ જ દિવસે સાંજે ૫ વાગ્યે મંદિર નીચેના હોલમાં શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજના વરદ હસ્તે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ૧૧મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજે મૂળ બંગાળીમાં લખેલ ગ્રંથ ‘યુગનાયક વિવેકાનંદ’ના ગુજરાતી અનુવાદના બે ગ્રંથનું વિમોચન થયું હતું. આ ગ્રંથના પ્રથમ ભાગના અનુવાદક પ્રજ્ઞાબહેન શાહના પતિ ડો. વિનોદચંદ્ર શાહની આર્થિક સહાય મળી છે. બીજા ભાગનો અનુવાદ પ્રો. જ્યોતિબહેન થાનકીએ કર્યો છે. આ ગ્રંથના અનુવાદકાર્યમાં સહાયરૂપ થનાર અને પ્રકાશન માટે સહાય કરનાર ભાવિકજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ડો. કમલેશભાઈ જોશીપુરાએ આ ગ્રંથની આવશ્યકતા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે આ અમૂલ્ય ગ્રંથ વિશે સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સંક્ષેપમાં વાત કરીને આ ગ્રંથની અનન્યતાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. ‘યુગનાયક વિવેકાનંદ’ ગ્રંથનો અનેક પ્રાદેશિક ભાષામાં અનુવાદ થયેલ છે. જેમાં ગુજરાતીમાં પ્રકાશિત થયેલ આ ગ્રંથ વિશિષ્ટ પ્રકારનો બની રહ્યો છે, આ ગ્રંથ ૧૫૬૮ પૃષ્ઠો, ૧૪૫૪ પ્રાસંગિક તસવીરો સાથે સૌથી વિસ્તૃત અને પ્રમાણભૂત ગ્રંથ છે. આ ગ્રંથ દરેક શાળા, કોલેજો અને વિશ્વ વિદ્યાલયોના ગ્રંથાલયોમાં અવશ્ય હોવો જોઈએ. સારા ગ્રંથાલયોમાં આવા ગ્રંથથી વાચનસામગ્રી સમૃદ્ધ બને છે એમ એમણે જણાવ્યું હતું. 

પ્રો. જ્યોતિબહેન થાનકીએ પણ ગ્રંથની સંક્ષિપ્ત માહિતી અને પરિચય આપ્યાં હતાં. સ્વામીજીની બીજી જીવનકથા કરતાં આ ગ્રંથમાં કેટલી વિશેષતા છે એની વિગતવાર છણાવટ શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજીએ કરી હતી. સ્વામી વિવેકાનંદનાં જીવન અને કવન તથા એમાંય વિશેષ કરીને માનવઘડતર અને રાષ્ટ્રિય ઘડતર પર વધુ ને વધુ મનીષીઓ વિશ્લેષણાત્મક દૃષ્ટિએ અભ્યાસ-સંશોધન કરીને એ અંગે વધુ ને વધુ ગ્રંથો બહાર પાડે એવી અભિલાષા વ્યક્ત કરી હતી. એના દ્વારા આપણે સ્વામીજીના અસલ સ્વરૂપને જાણી શકીશું. એમણે કરેલા અમૂલ્ય પ્રદાનને પણ જાણીને, જીવનમાં ઊતારીને સૌનું કલ્યાણ કરી શકીશું. આ આજના યુગની તાતી માગ છે.

૨૮મી ડિસેમ્બર, સોમવારે સવારે ૯.૩૦ થી સાંજના ૫ વાગ્યા સુધી વિવેક હોલમાં ‘સોશ્યલ એન્ટર પ્રિન્યોરશીપ : રુરલ ડેવલપમેન્ટ એન્ડ ઈન્નોવેટિવ ટ્રાન્ફોરમેશન થ્રુ મેન મેકિંગ એન્ડ નેશન બિલ્ડીંગ આઈડિયાઝ ઓફ સ્વામી વિવેકાનંદ’ એ વિશે સ્નાતક અને અનુસ્નાતક વર્ગના વિદ્યાર્થીઓ અને વિદ્યાશાખાના પ્રાધ્યાપકો માટે એક વિશેષ સેમિનારનું આયોજન થયું હતું. આ સેમિનારનું ઉદ્‌ઘાટન શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજે કર્યું હતું. ભારતના લોકોને અને એમાંય વિશેષ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને થોડી વ્યવસાય લક્ષી કેળવણી મળે ને સાથે સાથે આર્થિક સહાય સાંપડે તો એ લોકો પોતપોતાના કૌશલ્યમાં સોળે કળાએ ખીલી ઊઠે તેમ છે. એ લોકો પોતે પગભર બનીને બીજાને પગભર બનાવવાનો પ્રયત્ન કરી શકે, એ દ્વારા સમૃદ્ધ ભારતની રચના કરી શકે તેવી શક્તિ ધરાવે છે. સેમિનારના વિષય વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે કોઈ પણ વ્યવસાય કે ઉદ્યોગધંધામાં માનવીય અભિગમ અને સમાજનું સાર્વત્રિક કલ્યાણ ધ્યાનમાં રહેવું જોઈએ. માત્ર સ્વાર્થ અને નફો રળવાના હેતુથી કરેલ ઉદ્યમ વધુ સમય ટકી શકે નહિ અને બીજા બધાના માટે એ હાનિકારક બનવાના જ છે.

ડો. કલ્યાણ બંદોપાધ્યાય અને ડો. રણેન્દુ ઘોષે ઈસરો દ્વારા સ્પેસ ટેક્નોલોજીની મદદથી ગ્રામ્ય વિસ્તારોમાં કેળવણી અને સાર્વત્રિક ક્ષેત્રોના વિકાસ માટે કરેલા કામની દૃશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા વિષદ રજૂઆત કરી હતી. ગિયાન, અમદાવાદના શ્રી મહેશભાઈ પટેલે પોતાની સંસ્થા ‘નેશનલ ઈનોવેટિવ ફાઉન્ડેશન’ અને ‘સૃષ્ટિ’ જેવી સંસ્થાના સંયુક્ત સહકારથી ‘હનિબિ નેટવર્ક’ દ્વારા કરેલ ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય લોકો દ્વારા થતાં સંશોધનાત્મક કાર્યોમાં સહાય વિશે વિગતવાર રજૂઆત કરી હતી. એમની સાથે આવેલ કાલાવાડના એક સામાન્ય ખેડૂત શ્રી બચુભાઈ ઠેસિયાએ કરેલી અદ્‌ભુત શોધનું રસપ્રદ નિદર્શન કર્યું હતું.

આ ક્ષેત્રના નિષ્ણાત અને આ સેમિનારના મુખ્ય મહેમાન મુંબઈના ડો. સ્વપન ગરાંઈએ બંને સત્રમાં વિષયને અનુરૂપ રહીને ભારતમાં બનેલ સફળ પ્રયત્નોની ગાથા રજૂ કરી હતી. કોઈ પણ વ્યવસાય સામાજિક કલ્યાણની સાથે આવક ઊભી કરનાર હોવો જોઈએ તો જ એ સુદીર્ઘકાળ સુધી ટકી શકે અને સૌનું ક્ષેમકલ્યાણ સાધી શકે. સમાજના ધનવાન લોકોની દયામાયા કે સહાય પર જ આધાર રાખતી વ્યવસાયિક સંસ્થાઓનું જીવન લાંબું નથી હોતું. એટલે કે દરેક વ્યવસાયિક સંસ્થાએ સ્વાવલંબી બનવાનો પુરુષાર્થ કરવો જ રહ્યો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો. ભદ્રાયુ વછરાજાનીએ સ્વામી વિવેકાનંદના ગ્રામ્ય વિકાસના આદર્શ અને વિચારોને ધ્યાનમાં રાખીને મનનીય પ્રવચન આપ્યું હતું.

આ સેમિનારના નિષ્ણાત પ્રવક્તાઓનો પરિચય આપતાં સ્વામી સર્વસ્થાનંદજીએ કહ્યું હતું કે આઝાદી પહેલાં જન્મેલ અને સ્વામી વિવેકાનંદના રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયેલ મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, ચિત્તરંજનદાસ જેવા સ્વાતંત્ર્ય વીરોના પ્રત્યક્ષ સંપર્કમાં આવેલ શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી આપણી સાથે છે એ આપણા સૌના સદ્‌ભાગ્યની વાત છે. એમણે રામકૃષ્ણ મઠ-મિશનની સુખ્યાત શૈક્ષણિક વિદ્યાપીઠોની સાથે ગાઢ સંપર્કમાં રહીને, એમાં પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવીને ફાજલ રહેતા સમયમાં એમણે સ્વામીજીના આદર્શ – માનવ ઘડતર અને રાષ્ટ્રઘડતર- ને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય પ્રજાના સાર્વત્રિક વિકાસ અને વિકાસની દૃષ્ટિએ ઘણા પછાત ગણાય એવા લોકોના કલ્યાણ માટે અથાક્‌ પ્રયત્ન કર્યા છે અને એમને માટે તેમણે સતત ચિંતા સેવી છે.

આ સેમિનારમાં ૫૫૦ જેટલા એમ.બી.એ.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત જે તે મહાશાળાના અધ્યાપકો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોએ પણ ભાગ લીધો હતો.

૧લી જાન્યુઆરી, શુક્રવારે કલ્પતરુ દિન નિમિત્તે શ્રીમંદિરમાં સવારે વિશેષ પૂજા, હવન અને જપધ્યાનનું આયોજન થયું હતું. આ પર્વ નિમિત્તે સ્વામી સર્વસ્થાનંદજીનું વિશેષ પ્રવચન ભાવિકોએ માણ્યું હતું.

૬ જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની ૧૪૮મી જન્મજયંતીના ઉપક્રમે શ્રીમંદિરમાં સવારે મંગલ આરતી, વેદપાઠ, ધ્યાન, વિશેષ નૈવેદ્યાર્પણ, પૂજા, ચંડીપાઠ, કઠોપનિષદમાંથી વાચન, હવન અને ભજન વગેરેનું આયોજન થયું હતું. બપોરે ૧૨ વાગ્યા પછી …. ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાંજે ૫.૩૦ વાગ્યે શિવનામ સંકીર્તનનું આયોજન થયું હતું. સંધ્યા આરતી પછી રામકૃષ્ણ મઠ, બેલૂરથી પધારેલ સ્વામી વિશ્વાત્માનંદજી મહારાજે પ્રવચન આપ્યું હતું.

૯ જાન્યુઆરીના રોજ મંદિર નીચેના હોલમાં સાંજના ૭ વાગ્યા પછી એક જાહેર સભાનું આયોજન થયું હતું. આ સભાના અધ્યક્ષસ્થાને બેલૂર મઠના સ્વામી વિશ્વાત્માનંદજી, રામકૃષ્ણ મિશન, પોરબંદરના સ્વામી અવ્યયાત્માનંદજી, સિંગાપુરના સ્વામી સમચિત્તાનંદજી મહારાજના સ્વામીજીનાં જીવન અને કવન વિશેનાં પ્રવચનોનો લાભ ભક્તજનોએ લીધો હતો.

૧૦ જાન્યુઆરીના રોજ નારાયણ સેવાના ઉપક્રમે રાજકોટમાં ગાંધીગ્રામ અને આસપાસમાં આવેલ ગરીબ લોકોમાં ફૂડપેકેટનું વિતરણ થયું હતું.

તે જ દિવસે સાંજના વિવેક હોલમાં મુંબઈના સુખ્યાત ગાયિકા શ્રીમતી સીતા એસ. દેસાઈનાં ભજનો ભાવિકોએ મનભરીને માણ્યાં હતાં.

૧૨ જાન્યુઆરી, રાષ્ટ્રિય યુવદિનના ઉપલક્ષ્યમાં કાલાવાડ રોડ અને યાજ્ઞિક રોડ પરની સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમાને પુષ્પહાર તથા પુષ્પાંજલિ આશ્રમના સ્વામીજીએ તથા રાજકોટના મેયર શ્રી સંધ્યાબહેન વ્યાસ અને મ્યુનિ. કમિશ્નર શ્રી દિનેશભાઈ બ્રહ્મભટ્ટના વરદ હસ્તે થયા હતા. આ બંને સ્થળે શાળાના વિદ્યાર્થી ભાઈ-બહેનોની બહોળી ઉપસ્થિતિ રહી હતી.

૨૦ જાન્યુઆરી, વસંતપંચમીના રોજ શ્રીમંદિરમાં સવારના ૭.૩૦ થી શ્રીશ્રી સરસ્વતીપૂજાનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં વિશેષ પૂજા, ભજન, હવન યોજાયાં હતાં. 

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદ,તામીલનાડુ

આ પરિષદના સંમેલનનું ઉદ્‌ઘાટન ૭ નવેમ્બર, શનિવારે રામકૃષ્ણ મઠ, ચેન્નઈના અધ્યક્ષ સ્વામી ગૌતમાનંદજીના વરદ હસ્તે થયું હતું. ૭ અને ૮ નવેમ્બરના રોજ યોજાયેલ કાર્યક્રમમાં ભાવપ્રચાર પરિષદના ઉપાધ્યક્ષ સ્વામી આત્મઘનાનંદ; રામકૃષ્ણ મઠ, ચેન્નઈના સ્વામી અભિરામાનંદજીએ પોતાનાં પ્રવચનો આપ્યાં હતાં. સ્વામી ગૌતમાનંદજીએ પોતાનું અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત શ્રીરામકૃષ્ણ એજ્યુકેશન સોસાયટી, વિલ્લુપુરમ્‌ના સચિવ શ્રી પાલાનિવેલ; રામકૃષ્ણ વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટી, તાંજાવુરના સચિવ શ્રી ઈંદિરાનાં પ્રવચનો રહ્યાં હતાં. બપોરના સત્રમાં ત્યાગરાજ સંતના જીવન પર આધારિત નાટકની વિડિયો કેસેટ તેમજ રામકૃષ્ણ સારદા આશ્રમ, ઉલંદરપેટની આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓની વિડિયો કેસેટ બતાવવામાં આવી હતી. રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા નિર્ધારિત કરેલ ભાવ પરિષદ માટેના દસ મુદ્દાની પણ ચર્ચા વિગતે થઈ હતી. તામીલનાડુમાં અત્યારે ભાવ પ્રચાર પરિષદના ૨૧૨ જેટલાં કેન્દ્રો શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદના નામે ચાલી રહ્યાં છે.

Total Views: 121

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.