શ્રીરામકૃષ્ણ મઠ, નાગપુરના હિરક મહોત્સવ પ્રસંગે વિવેકાનંદ વિદ્યાર્થી ભવનનું મંગલ ઉદ્ઘાટન
૩ જાન્યુઆરી, શનિવારે રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મઠ, મુંબઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ્ હસ્તે નવનિર્મિત વિવેકાનંદ વિદ્યાર્થી ભવનનું મંગલ ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે શ્રીમત્ સ્વામી ભૌમાનંદજી મહારાજ, સ્વામી શ્રીકરાનંદજી મહારાજ, સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ, સ્વામી નિખિલાત્માનંદજી મહારાજ, સ્વામી વિષ્ણુપદાનંદજી મહારાજ, સ્વામી ભદ્રેશાનંદજી મહારાજ, સ્વામી ત્યાગવ્રતાનંદજી મહારાજ, સ્વામી અચિંત્યાનંદજી મહારાજ અને ૧૦૦૦ જેટલા ભાવિક જનો ઉપસ્થિત હતા. રામકૃષ્ણ મઠ, નાગપુરના હિરક મહોત્સવ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના સંક્ષિપ્ત ઇતિહાસની ઝાંખી આપતું ફોટોગ્રાફ અને વિડિયો કવરિંગ ૪ અને ૫ જાન્યુઆરીના રોજ સવારના ૮ થી સાંજના ૮ વાગ્યા સુધી નગરજનો માટે ખુલ્લુ રહ્યું હતું. સાથે ને સાથે વિવેકાનંદ વિદ્યાર્થીભવનનાં ૭૫ વર્ષના ઇતિહાસનું દર્શન પણ એમાં સામેલ હતું.
૧૯૩૨માં વિવેકાનંદ વિદ્યાર્થી ભવનનો પ્રારંભ થયો હતો. એ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા ૪ હતી અને એમને પ્રાર્થના ખંડમાં તેમજ જૂના મંદિરની બાજુના ખંડમાં રખાતા. ૧૯૪૨માં નવા બંધાયેલા મકાનના ૧લા માળે વિદ્યાર્થીઓના રહેવાની વ્યવસ્થા થઈ. ૧૯૪૮માં ફરીથી બંધાયેલાં નવાં મકાનોમાં વિદ્યાર્થીઓને રાખવામાં આવતા અને આ વ્યવસ્થા ૨૦૦૪ સુધી ચાલુ રહી હતી. નવું રામકૃષ્ણ મંદિર બંધાતું હતું ત્યારે બધા વિદ્યાર્થીઓને ‘સારદાધામ’ના નામે ઓળખાતા વિસ્તારેલા લાઈબ્રેરી બિલ્ડીંગમાં રાખવામાં આવ્યા. હવે પછી વિદ્યાર્થીઓ નૂતન ભવનમાં રહેશે.
આ વિદ્યાર્થીભવનનાં ૭૫ વર્ષના ઇતિહાસમાં અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ બહાર પડ્યા છે. પરંતુ ૧૫ જેટલા વિદ્યાર્થીઓ – સ્વામી વ્યોમરૂપાનંદજી મહારાજ, સ્વામી અકામાનંદજી મહારાજ, સ્વામી બલરામાનંદજી મહારાજ, સ્વામી ભાષ્યાનંદજી મહારાજ, સ્વામી શિવવ્રતાનંદજી મહારાજ, સ્વામી વિદાનંદજી મહારાજ, સ્વામી વિશ્વંભરાનંદજી મહારાજ, સ્વામી વ્યોમાનંદજી મહારાજ, સ્વામી આત્માનંદજી મહારાજ, સ્વામી નિખિલાત્માનંદજી મહારાજ, સ્વામી શ્રીકરાનંદજી મહારાજ, સ્વામી ત્યાગવ્રતાનંદજી મહારાજ, સ્વામી યોગાત્માનંદજી મહારાજ, સ્વામી શ્રીકાંતાનંદજી મહારાજ, જેવા સંન્યાસીઓ આ વિદ્યાર્થી મંદિરે આપ્યા છે. આ ઉપરાંત બ્રહ્મચારી ગૌરાંગ ચૈતન્ય પણ આ સંસ્થાના વિદ્યાર્થી હતા.
આ ઉપરાંત વિદ્યાર્થીભવનના મુખ્ય પ્રવેશદ્વારના મધ્યમાં આવેલા પ્રાંગણમાં સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ વિદ્યાર્થીભવનમાં ઘર આંગણાની રમત ઉપરાંત અંગ-કસરત, યોગ વગેરેના સાધનસજ્જ ખંડ છે. કોમ્પ્યુટર રૂમ, સીડી લાઈબ્રેરી તેમજ પુસ્તકાલય બીજા માળે આવેલ છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ઉજવાયેલ વિવિધ મહોત્સવો
૧ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ કલ્પતરુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બપોરે ૨.૩૦ વાગ્યે ધ્યાન, ભજન અને વ્યાખ્યાનનું આયોજન થયું હતું.
૪ થી ૬ જાન્યુઆરી સુધી દરરોજ સાંજે ૭ વાગ્યે મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મિશન આશ્રમ, ચંડીગઢના સચિવ શ્રીમત્ સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજનાં ‘પાતંજલ યોગસૂત્ર’ વિશે વ્યાખ્યાનોનો ભાવિકજનોએ લાભ લીધો હતો.
૭ થી ૯ જાન્યુઆરી સુધી દરરોજ સાંજે આરતી પછી મંદિર નીચેના હોલમાં ‘શ્રીરામકૃષ્ણ પુરાણ- શ્રીરામકૃષ્ણ પૂંથિ કથા’નું આયોજન થયું હતું. સૌ ભાવિકોએ કથાનું રસપાન કર્યું હતું. કથાકાર શ્રી નલીનભાઈ કે. શાસ્ત્રીને શ્રી જીતુભાઈ અંતાણીએ સંગીત વાદ્યનો સાથ આપ્યો હતો.
૧૭ જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી પ્રસંગે શ્રીમંદિરમાં વિશેષ પૂજા ભજન-હવન, વાર્તાલાપનું આયોજન થયું હતું. ઘણી મોટી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો હતો.
સાંજે સંધ્યા આરતી પછી રાજકોટના શાસ્ત્રીય સંગીતના સુખ્યાત કલાકાર શ્રી ગજેન્દ્રભાઈ બક્ષીએ ધ્રુપદ ગાયન રજૂ કર્યું હતું. ભક્તજનોએ આ કલાનું રસપૂર્વક પાન કર્યું હતું.
સ્વામી વિવેકાનંદની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૧૮ જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલના દર્દીઓને નારાયણસેવા રૂપે ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તે જ દિવસે સાંજે સંધ્યા આરતી પછી વિવેક હોલમાં યોજાયેલ ભજન સંધ્યામાં અમદાવાદના સુખ્યાત કલાકાર શ્રીમતી શાશ્વતી ભટ્ટાચાર્યનું મધુર ગાન રજૂ કર્યું હતું.
રાષ્ટ્રિય યુવદિન મહોત્સવ
૧૨ જાન્યુઆરી – (સ્વામી વિવેકાનંદ જન્મદિન નિમિત્તે)ને સમગ્ર રાષ્ટ્ર ૧૯૮૫ના વર્ષથી રાષ્ટ્રિય યુવા દિનરૂપે ઉજવે છે. રાજકોટ શહેરમાં કાલાવાડ રોડ પર કોટેચા સર્કલ સામે સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમાને સ્વામી ધ્રુવેશાનંદજી, મેયરશ્રી સંધ્યાબહેન વ્યાસ, અને અન્ય મહાનુભાવોએ પુષ્પહાર અર્પણ કર્યાં હતાં. આ પ્રસંગે સિસ્ટર નિવેદિતા સ્કૂલ અને વિશ્વજ્યોત સ્કૂલનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં અને સ્વામી વિવેકાનંદના સ્વદેશમંત્રને બુલંદ સ્વરે ઝીલ્યો હતો. આ કાર્યક્રમ પછી ૯.૩૦ વાગ્યે શ્રીરામકૃષ્ણ આશ્રમની નજીકમાં આવેલ સ્વામીજીની પ્રતિમાને ઉપર્યુક્ત મહાનુભાવોએ પુષ્પહાર અર્પણ કર્યાં હતાં. સ્વામી વિવેકાનંદના સ્વદેશમંત્રનું ઉચ્ચારણ મુરલીધર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા થયું હતું.
શૈક્ષણિક સંસ્થાઓમાં સંબોધન
૧૨ જાન્યુઆરી, રાષ્ટ્રિય યુવદિનના ઉપલક્ષ્યમાં ૭મી જાન્યુઆરીએ સવારે ૮ થી ૯.૩૦ રાજકોટની કેન્દ્રિય વિદ્યાલયના ૩૦૦ વિદ્યાર્થીઓને સ્વામી સર્વસ્થાનંદજીએ સંબોધ્યા હતા.
૧૧મી જાન્યુઆરીએ સાંજના સુરેન્દ્રનગરની શાળાઓના ૪૦૦ જેટલા ડોક્ટર, વકીલ, ઈજનેર, લાયન્સ રોટરીના પ્રબુદ્ધજનોને સ્વામી સર્વસ્થાનંદજીએ આધુનિક માનવની વિવિધ વર્તમાન સમસ્યાઓ અને સ્વામી વિવેકાનંદનો સંદેશ વિશે પ્રવચન આપ્યું હતું. મૈત્રી વિદ્યાપીઠ સંકુલના સ્થાપક અને બાળકોની કેળવણી સાથે સંકળાયેલા કેળવણીકાર શ્રીનાગજીભાઈ દેસાઈ પ્રમુખ સ્થાને હતા. આર.પી.પી. સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મીનાક્ષીબહેન શાહ અતિથિવિશેષ સ્થાને હતાં. ૧૧ અને ૧૨ જાન્યુઆરી બંને દિવસ સુરેન્દ્રનગરની આર.પી.પી. સ્કૂલના મધ્યસ્થ ખંડમાં સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ વિશેનું પ્રદર્શન સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ શાળાના આચાર્યો અને શિક્ષકોએ નિહાળ્યું હતું. વિદ્યાર્થીઓ અને નાગરિકોએ પણ આ પ્રદર્શનનો લાભ લીધો હતો.
સ્થાનિક ‘નવકાર’ સાપ્તાહિકે રાષ્ટ્રિય યુવદિનના ઉપલક્ષ્યમાં સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ વિશે એક વિશેષ અંક બહાર પાડ્યો હતો.
૧૨મી જાન્યુઆરીએ રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં ૧૨.૩૦ થી ૧.૩૦ વાગ્યા સુધી ૧૭૦૦ વિદ્યાર્થીઓ; ૩.૩૦ થી ૪.૩૦ સૌરાષ્ટ્ર યુનિ.ના ૧૦૦ વિદ્યાર્થીઓને સ્વામી સર્વસ્થાનંદજીએ સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ વિશે પ્રેરક પ્રવચન આપ્યું હતું.
કસ્તુરબા હાઈસ્કૂલનાં ૬૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોને સવારે ૮.૦૦ વાગ્યે સ્વામી માયાતીતાનંદજીએ સંબોધ્યાં હતાં.
સિસ્ટર નિવેદિતા સ્કૂલના ૨૫૦ વિદ્યાર્થીઓને સવારે ૮.૦૦ વાગ્યે સ્વામી મંત્રેશાનંદજીએ સંબોધન કર્યું હતું.
બહુચર વિદ્યાલયના ૩૦૦ વિદ્યાર્થીઓને ૧૧ થી ૧૨ વાગ્યા સુધી સ્વામી ઈષ્ટમયાનંદજી અને સ્વામી મંત્રેશાનંદજીએ સંબોધ્યા હતા.
જી.ટી. ગર્લ્સ સ્કૂલની ૬૦૦ વિદ્યાર્થિનીઓને વિવેક હોલમાં સવારે ૮ થી ૯.૧૫ વાગ્યા સુધી; મુરલીધર હાઈસ્કૂલના ૬૦૦ વિદ્યાર્થીઓને સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી – સ્વામી વિનિર્મુક્તાનંદજી, સ્વામી સર્વસ્થાનંદજીએ સંબોધન કર્યું હતું.
આ ઉપરાંત વિવેક હોલમાં સાંજના ૪ થી ૫ વચ્ચે રમેશભાઈ છાયા સ્કૂલ, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય અને કાંતાસ્ત્રી વિકાસગૃહનાં ૩૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોને સ્વામી વિનિર્મુક્તાનંદજી અને સ્વામી મંત્રેશાનંદજીએ સંબોધન કર્યું હતું.
સાંજના ૬ થી ૭.૩૦ વાગ્યા સુધી દિવ્યતેજ ક્લાસીસનાં વિદ્યાર્થી ભાઈ-બહેનોને સ્વામી સર્વસ્થાનંદજીએ સંબોધન કર્યું હતું.
૧૩ જાન્યુઆરીએ એસ.એન.કે. સ્કૂલનાં ૨૫૦ શિક્ષક ભાઈ-બહેનોને ૮.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી મંદિર નીચેના હોલમાં સ્વામી સર્વસ્થાનંદજીએ સંબોધ્યાં હતાં.
રામકૃષ્ણ મિશન – વડોદરામાં સ્વામી વિવેકાનંદની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ
૧૨મી જાન્યુઆરી, રાષ્ટ્રીય યુવાદિનના ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ મિશન, વડોદરાના પ્રાંગણમાં સ્વામી વિવેકાનંદની ૭.૫ ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ ગુજરાત રાજ્યના સન્માનનીય રાજ્યપાલશ્રી નવકિશોર શર્માના વરદ્હસ્તે થયું હતું. તેમણે રાષ્ટ્રીય યુવાદિન પ્રસંગે ‘વિવેક રથ’ મોબાઈલ એજ્યુકેશન વાનને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે યુવ-સંમેલનનું પણ આયોજન થયું હતું. આ બંને પ્રસંગો રામકૃષ્ણ મિશનના આસિ. સેક્રેટરી શ્રીમત્ સ્વામી શ્રીકરાનંદજી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયા હતા.
એમ. એસ. યુનિવર્સિટીના કુલપતિ શ્રીમતી ડો. મૃણાલિનીદેવી પવાર અને સરકારી અધિકારીઓ તેમજ અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. માનનીય રાજ્યપાલશ્રીના વરદહસ્તે સુવર્ણ ચંદ્રક મેળવનાર વિદ્યાર્થીઓ, કાંસ્ય પ્રતિમાના નિર્માતા અને દાતાઓ તેમજ સ્વયંસેવકોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. ‘વિવેક રથ’ માટેનું દાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મળ્યું છે.
રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં ઔષધાલય અને પુસ્તકાલયનું મંગલ ઉદ્ઘાટન
૧૪ ડિસેમ્બરના રોજ સાંજે ૪ વાગ્યે રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના વિવેક ભવનના પ્રાંગણમાં નવનિર્મિત ઔષધાલયનું મંગલ ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના સન્માનનીય રાજ્યપાલશ્રી નવલકિશોર શર્માના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પુસ્તકાલયનું મંગલ ઉદ્ઘાટન રામકૃષ્ણ મઠ, ચેન્નઈના અધ્યક્ષ સ્વામી ગૌતમાનંદજીના વરદ હસ્તે થયું હતું.
આ પ્રસંગે સન્માનીય રાજ્યપાલશ્રીએ પોરબંદરની સુદામાની કર્મભૂમિ અને ગાંધીજીની જન્મભૂમિની મહત્તાની વાત કરી હતી. સાથે ને સાથે તેમણે જણાવ્યું હતું કે ધર્મ-સંસ્કૃતિનાં સારાં પુસ્તકોનું વાચન લોકોને ગુણવાન અને ચારિત્ર્યવાન બનાવે છે. અહીંના ઔષધાલયમાં નિ:શૂલ્ક સારવાર મળે છે એ માટે રામકૃષ્ણ મિશનને અભિનંદન પાઠવ્યા હતા. અહીં ફિઝિયોથેરપિનું સેન્ટર શરૂ થાય તો દરિયા કાંઠે વસતા લોકોને થતાં સંધિવાના દર્દીઓને ઘણી રાહત મળશે એવું સૂચન પણ કર્યું હતું.
શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજે રામકૃષ્ણ મઠ અને મિશનનાં ઉદ્દેશો અને કાર્યો વિશે વાત કરી હતી. જીવનના ચાર પુરુષાર્થો વિશે વાત કરીને નવ યુવાનો વિવેકજ્ઞાન મેળવીને લોકકલ્યાણ માટે કાર્ય કરે એવો અનુરોધ પણ કર્યો હતો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદે સૌરાષ્ટ્રની પુણ્યભૂમિની મહત્તાની વાત કરી હતી. અહીં જ્ઞાનદાન અને વિદ્યાદાન તેમજ અન્નદાનની પ્રવૃત્તિઓ ચાલતી રહે છે. રામકૃષ્ણ મિશનની અનેકવિધ સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની ઝલક પણ એમણે આપી હતી. રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી અવ્યયાત્માનંદજીએ સન્માનનીય રાજ્યપાલશ્રીનું અભિવાદન કરીને આ સંસ્થાની પ્રવૃત્તિઓનો સંક્ષિપ્ત ઇતિહાસ રજૂ કર્યો હતો.
ઔષધાલય અને પુસ્તકાલયના નવનિર્માણમાં યોગદાન આપનાર ૮ સેવાસહાયકોને રાજ્યપાલશ્રીના વરદ હસ્તે સ્મૃતિચિહ્નો આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવડિયા, જિલ્લા કલેક્ટર શ્રી પરમાર, નાયબ કલેક્ટર શ્રી ઉદય ચૌધરી અને રાજેશ તન્ના, શહેરની શાળા-કોલજના આચાર્યો-શિક્ષકો અને પોરબંદરના અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આભારદર્શન આ સંસ્થાના મેનેજિંગ કમિટિના અધ્યક્ષ અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી ધીરેન્દ્રભાઈ મહેતાએ કર્યું હતું. સમારંભના અંતે રાષ્ટ્રગીતનું ગાન થયું હતું.
શેખર સેન પોતાના અનન્ય અભિનયથી પ્રેક્ષકોને જાણે કે સ્વામીજીના સમયમાં દોરી ગયા
આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા, પ્રતિભાસંપન્ન ગાયક, સંગીત નિર્દેશક અને નાટ્યકાર શ્રી શેખર સેન દ્વારા સૌના હૃદયને સ્પર્શી જાય એવા, ‘સ્વામી વિવેકાનંદ- એકપાત્રીય સંગીતમય નાટક’નો અભિનવ અને અનન્ય પ્રયોગ રાજકોટના આંગણે ૨૭ અને ૨૮મી ડિસેમ્બરે ભાવિક પ્રજાજનોએ માણ્યો. જેણે જેણે સ્વામી વિવેકાનંદને વાંચ્યા છે, એમના જીવનપ્રસંગોથી પરિચિત છે એવા મર્મજ્ઞો માટે પણ આ અનન્ય રસપ્રવાહમાં નહાવાની તક મળી હતી. એમના માટે આ સંગીતમય નાટક જાણે કે અનન્ય દિવ્ય આનંદ માણવાનો એક સ્વર્ણીમ અવસર બની રહ્યો. જેમણે આ નાટ્યાભિનય માણ્યો એમણે જાણે કે સ્વામીજીના સંગાથે ત્રણ કલાક સુધી રહેવાની અમૂલ્ય તક મેળવી એ વાત ચોક્કસ છે.
સ્વામી વિવેકાનંદના બાળપણથી માંડીને તરુણ અને યુવાવસ્થા સુધીના શિક્ષણ, બ્રાહ્મોસમાજ સાથેનો એમનો સંપર્ક, વાચન અને સંગીતની તાલીમ, જેવાં પ્રભાવક પરિબળોને આવરીને પછી અધ્યાત્મ અને કર્મના પ્રેરણાપાન કરાવનાર પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પરમહંસ સાથેની મુલાકાતોનો હૃદયસ્પર્શી અભિનય ભાવિકજનોએ માણ્યો.
સ્વામી વિવેકાનંદના ભારત પરિભ્રમણમાંથી વીણેલા અને હૃદયસ્પર્શી ઘટનાપ્રસંગો, શિકાગોના વક્તવ્ય અને તે પછી સમગ્ર અમેરિકામાં આપેલાં વ્યાખ્યાનોનો સંક્ષિપ્ત ચિતાર પ્રેક્ષકો સમક્ષ રજૂ થયો હતો.
તે પછી સ્વામીજીની લંડનની મુલાકાત અને મિસ માર્ગારેટ નોબેલને ભગિની નિવેદિતા સુધી લઈ જઈને ભારતની નારીઓના સાર્વત્રિક કલ્યાણયજ્ઞમાં દોરી જનાર પ્રસંગોનો અભિનય ખરેખર હૃદયસ્પર્શી બની ગયો. આ વખતે તો એવું લાગ્યું કે જાણે સમગ્ર પ્રેક્ષકસમૂહ સ્વામીજી સન્મુખ જ બેઠો છે અને સ્વામીજીની અમરવાણીને તેઓ કાન દઈને સાંભળે છે. આવી હતી અનન્ય અભિનયકલા શ્રી શેખરસેનની!
વેદાંતદર્શનનો સાર્વત્રિક સ્વીકાર થાય એવો પ્રચાર-પ્રસાર કરવાની સ્વામીજીની અદ્ભુત વાક્છટા અને આધ્યાત્મિક પ્રતિભાની વાત પણ એમણે પોતાના અભિનય દ્વારા રજૂ કરી હતી.
વસુધૈવ કુટુંબકમ્ સાથે ‘જીવસેવા એ જ શિવસેવા’ના મહામંત્રને એમણે ભારતમાં અને વિશ્વમાં કેવી રીતે ગાજતો કરી દીધો એ અભિનય પણ દાદ માગી લે તેવો હતો.
એમના ૩૯ વર્ષના ટૂંકા જીવનનો અંતકાળ આવે તે પહેલાં ‘શિવજ્ઞાને જીવસેવા’ના શ્રીરામકૃષ્ણદેવના આદર્શને આગળ અને આગળ ધપાવવા, ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ – ‘આત્માની મુક્તિ અને જગતના ઉદ્ધાર’ના સંયુક્ત બેવડા આદર્શને વરીને સ્વામી વિવેકાનંદે કરેલી રામકૃષ્ણ મિશનની સ્થાપના એ એમનું અમર સ્મૃતિચિહ્ન બની ગયું છે.
છેલ્લે સ્વામી વિવેકાનંદના મહાપ્રયાણની પળોની નાટ્યાભિનય સાથે કરેલી રજૂઆત સૌના હૃદયને હચમચાવી મૂકે તેવી બની રહી.
વચ્ચે વચ્ચે આવતાં શાસ્ત્રીય રાગો પર આધારિત ગીત-સંગીતમાં રજૂ થયેલાં ભજનોથી શ્રોતાજનો મંત્રમુગ્ધ બની ગયા હતા. ગ્વાલિયર ઘરાનાના એમના પિતા ડો. અનીલકુમાર સેન અને માતા ડો. અનિતા સેન પાસેથી પોતાના બાળપણથી મેળવેલી તાલીમનો પરિચય એમણે પોતાની સંગીતશૈલી દ્વારા સૌ કોઈને કરાવ્યો હતો.
શ્રીશેખર સેનના આ સ્વામી વિવેકાનંદનાં જીવન સંદેશ વિશેના નાટ્યાભિનયમાં એમણે પોતાના મધુર કંઠે ગાયેલાં ભજન અને ગીત, જાણે કે સોનામાં સુગંધ ભળી હોય એવાં લાગ્યાં.
તેઓશ્રી સંગીતમય નાટ્યાભિનયના એકપાત્રીય પ્રસ્તુતિમાં, દેશ વિદેશમાં સ્વામી વિવેકાનંદના ૧૪૬ જેટલા આવા અભિનય પ્રયોગો રજૂ કરી ચૂક્યા છે; સાથે ને સાથે તુલસીદાસ અને સંત કબીર વિશે ૫૦૦ થી પણ વધુ આવા જ પ્રેરણાદાયી નાટ્યાભિનય એમણે રજૂ કર્યાં છે.
સ્વામી વિવેકાનંદ જેવી મહાન વિભૂતિને આ અનન્ય કલાકારે આપેલી આવી ભાવાંજલિ ભવિષ્યમાં પણ રાજકોટ તેમજ ગુજરાતમાં એમના દ્વારા માણવા મળશે એ અપેક્ષા પણ સૌ ભાવિકોનાં મનમાં રહેશે.
Your Content Goes Here




