સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ યુવસંમેલન

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી અને રાષ્ટ્રિય યુવા દિનના ઉપલક્ષ્યમાં તા. ૧૧/૧/૨૦૦૧ ગુરુવારે સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ સુધી ૧૫૦૦ યુવા ભાઈ-બહેનોની એક યુવવિશિબર યોજાઈ હતી. આ પ્રસંગે શ્રી આર. રાય-આદિવાસી વિકાસ કમિશ્નરશ્રીએ યુવાનોને જણાવ્યું હતું કે, શ્રીરામકૃષ્ણ વિવેકાનંદે ચિંધેલા માર્ગે ચાલવાથી આપણા જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે. તેમણે આત્મશ્રદ્ધા સાથે યુવાનોને આગળ વધવા હાકલ કરી હતી. આ પ્રસંગે રાજકોટ જિલ્લા પોલીસ અધિકારી શ્રી અજયકુમાર તોમરે પણ યુવાનોને સંબોધ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રીકનુભાઈ માવાણીએ પણ યુવાનોને સંબોધન કર્યું હતું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ આત્મશ્રદ્ધા દ્વારા વિશ્વમાં ભારતનું અને પોતાનું નામ રોશન કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આત્મશ્રદ્ધા દ્વારા તમે સમગ્ર વિશ્વને હચમચાવી શકશો. તમારી ભીતર રહેલી શક્તિને ઓળખો અને આત્મશ્રદ્ધા સાથે આગળ ધપો, એટલે વિજય તમારા હાથમાં હશે. બધા માનવીઓમાં પ્રભુ રહેલા છે એ ભાવે એમની સેવા એ જ સાચી પ્રભુ પૂજા છે એમ તેમણે કહ્યું હતું. આ પ્રસંગે પાંચ વિદ્યાર્થી ભાઇ-બહેનોએ સ્વામીજીના વિચારો અને સ્વામીજી વિશેનું વક્તવ્ય ભાવવાહી રીતે રજૂ કરેલ. નાના બાળકોનાં આ વક્તવ્યોએ સૌનાં મનને હરી લીધાં હતાં. કાર્યક્રમનો પ્રારંભ શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓના ભજનથી અને દેવાંશી વ્યાસના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓના પ્રથમ વિજેતાઓને પારિતોષિકો મુખ્ય મહેમાનોના વરદહસ્તે અપાયાં હતાં. શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદના જીવનપ્રસંગ વિશે નાટયાંશની રજૂઆત કરી હતી. કાર્યક્રમના અંતે એસ.એન.કે. સ્કૂલનાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ‘સારે જહાઁ સે અચ્છા હિન્દુસ્તાઁ’ ગીત રજૂ કર્યું હતું.

સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદરમાં યોજાયેલ યુવસંમેલન, શૈક્ષણિક સંમેલન

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી અને રાષ્ટ્રિય યુવા દિનના ઉપલક્ષ્યમાં તા. ૧૨/૧/૨૦૦૧ શુક્રવારે સવારે ૮.૦૦ થી ૧૨.૦૦ સુધી ૪૦૦ યુવા ભાઈ-બહેનોની એક યુશિબિર યોજાઈ હતી. આ પ્રસંગે સ્વામી જિતાત્માનંદજી તથા ગુજરાત રાજ્યના મંત્રીશ્રી બાબુભાઈ બોખીરિયાના વરદહસ્તે વિવિધ સ્પર્ધાઓમાં ૯૦ વિજેતાઓને પારિતોષિક આપવામાં આવ્યાં હતાં. સ્વામી નિખિલેશ્વરાનંદજી અને શ્રી રજનીકાંતભાઈ ભટ્ટે સ્વામી વિવેકાનંદના યુવાનો માટેના સંદેશને નજર સમક્ષ રાખી પોતાનાં પ્રવચનો આપ્યાં હતાં.

૧૩મી જાન્યુઆરીએ સવારના ૮ થી ૧૨ સુધીના શૈક્ષણિક સેમિનારમાં વિશ્વના અને ભારતના જાણીતા કેળવણીના તજ્જ્ઞ શ્રીરવીન્દ્ર દવેએ કહ્યું : ‘જીવનમૂલ્યોનું સંવર્ધન કરનારું શિક્ષણ નહિ હોય તો માનવને મહાત્માને બદલે દુરાત્મા બનાવશે.’ શ્રીચંદ્રકાંત પાઠક તેમજ પ્રાચાર્યશ્રી ડૉ. ગજાનન ઠાકર તેમજ દેવેન્દ્રભાઈ આચાર્યે અને નયનભાઈ શુક્લે પોતાના પ્રવચનો આપ્યા હતા. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સમારંભનું સમાપન કર્યું હતું. પ્રૉ. જ્યોતિબહેન થાનકીએ આચાર્તો વતી પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીમાં યોજાયેલ કાર્યક્રમો

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી અને રાષ્ટ્રિય યુવા દિનના ઉપલક્ષ્યમાં યોજાયેલ વક્તૃત્વ, મુખપાઠ, સંગીત, વેશભૂષા, ચિત્ર, નિબંધ અને ફ્લોટ સ્પર્ધાઓમાં વિવિધ શાળાના ૨૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૧૨ જાન્યુ. ૨૦૦૧ શુક્રવારે સવારે ૯.૦૦ વાગ્યે ટાવર બંગલાથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. ૧૦.૦૦ વાગ્યે લીંબડીના કેળવણીપ્રેમી શ્રી અનિરુદ્ધસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને ઈનામ વિતરણ સમારંભ યોજાયો હતો. રાજકોટ રેન્જના આઈ.જી.પી. શ્રી પી.એલ. જાની સાહેબ અતિથિ વિશેષ સ્થાને રહ્યા હતા. બંને વક્તાઓએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. સંસ્થાનો ટૂંકો અહેવાલ શ્રી ભીખુભાઈ પટેલે આપ્યો હતો. શોભાયાત્રાની કામગીરી શ્રી નરેન્દ્રસિંહ જાડેજા અને શ્રી ગણપતસિંહે સંભાળી. કાયક્રમનું સંચાલન શ્રી ઘનશ્યામભાઈ દવેએ કર્યું હતું.

શ્રીરામકૃષ્ણ મિશન, હૉમ ઑફ સર્વિસ, વારાણસીનો શતાબ્દી મહોત્સવ

૧૦ થી ૧૪ નવેમ્બર સુધી હૉસ્પિટલના દર્દીઓની નારાયણપૂજાથી પ્રારંભ કરીને આ શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો. ૫ દિવસના ઉત્સવમાં બે જાહેર સભાઓનું આયોજન થયું હતું, ૨૫૦૦ વિદ્યાર્થીની સમૂહ કવાયત તેમજ સ્વામીજીના જીવન પર ‘નિવેદિતા શિક્ષણ સદન’ના વિદ્યાર્થીઓનું નાટક તેમજ કોલકત્તાની ટૂકડી દ્વા૨ા યાત્રા-ભવાઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન જુદા જુદા દિવસોએ થયું હતું. રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે સુચિત ઓ.પી.ડી.ના મકાનનો શિલારોપણ વિધિ ૧૦મી નવેમ્બરની સવારે સંપન્ન થયો. ૧૦મી નવેમ્બરની પહેલી જાહેર સભામાં સંસ્થાના સચિવ સ્વામી શુદ્ધવ્રતાનંદજીએ મહેમાનોનું સ્વાગત કરીને સો વરસ પહેલાં સેવાશ્રમનો પ્રારંભ કેવી રીતે થયો તેની વાત કરી હતી. ઉત્તરપ્રદેશના રાજ્યપાલશ્રી સુરજભાણે આ સંસ્થાની શતાબ્દી નિમિત્તે ૧૦૦ દીવા પ્રગટાવ્યા હતા. શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે આ પ્રસંગે બહાર પડેલી સ્મરણિકાનું વિમોચન કર્યું હતું. રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે, દિલ્હી આશ્રમના વડા સ્વામી ગોકુલાનંદજીએ, રાયપુર આશ્રમના વડા સ્વામી સત્યરૂપાનંદજીએ, ઉદ્‌બોધન પત્રિકાના તંત્રી સ્વામી પૂર્ણાત્માનંદજીએ સભાને સંબોધન કરતાં સ્વામી વિવેકાનંદના સેવાના આદર્શ ૫૨ વિશેષ ભાર મૂક્યો હતો. ડૉ. બી.આર. ઠકરાલની ૫૦ વરસની સતત અને નિષ્ઠા ભરેલી સેવાની કદરદાની રૂપે શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે તેમનું વિશેષ સન્માન કર્યું હતું.

૧૩મી નવેમ્બરની જાહે૨સભામાં બનારસ હિન્દી યુનિ.ના ઉપકુલપતિશ્રી ડૉ. વાય.સી.સિંહાદ્રી અતિથિ વિશેષ સ્થાને હતા અને ચંદીગઢ આશ્રમના વડા, સ્વામી પિતાંબરાનંદજી અધ્યક્ષ સ્થાને હતા. આ સભામાં ‘વેદાંત કેસરી’ના તંત્રી સ્વામી બ્રહ્મેશાનંદજી લખનૌ આશ્રમના વડા સ્વામી મુક્તિનાથાનંદજી તેમજ સુખ્યાત વિદ્વાન વક્તા શ્રીકૃષ્ણ ગોપાલે પોતપોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. બધા કાર્યક્રમોમાં અનેક ભાવિકજનોએ ભાગ લીધો હતો. ૧૧મી નવેમ્બરે અસહાય વિધવાઓને સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ હસ્તે ધાબળા, ભોજનસામગ્રી અને રોકડ સહાયનું વિતરણ થયું હતું. ૧૨મી નવેમ્બરના રોજ ૨૫૦૦ ભાવિકોને ભોજન-પ્રસાદ આપીને નારાયણ સેવા કરવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં વિવિધ કેન્દ્રોના ૫૦ સંન્યાસીઓ અને ૧૫૦૦ જેટલા ભક્તો અને ભાવિકજનોએ ભાગ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં સેવાકાર્યો

કલકત્તાના બાગબજાર મઠ દ્વારા કોઆલપાડા વિસ્તારના આગથી પીડિત ૨૫૦ કુટુંબોમાં ૧૨૫૦ વાંસ, ૨૫૦ ધાબળા તેમજ ચાર દિવસ સુધી રાંધેલી ખીચડીનું વિતરણકાર્ય થયું છે.

ઓરિસ્સા વાવાઝોડા પુનર્વસવાટકાર્ય : જગતસિંઘપુર જિલ્લાના એરસામા તાલુકાના કાનાગુલી ગામમાં વાવાઝોડાથી આરક્ષણ મળી રહે તેવાં સો નવાં બંધાયેલાં મકાનો લાભાર્થીઓને ૭મી ડિસેમ્બરના રોજ સ્વામી શિવમયાનંદજી, સ્વામી શ્રીકરાનંદજી અને જિલ્લા કલેક્ટર શ્રી સર્વેશ્વર મોહંતીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યાં.

રામકૃષ્ણ મઠ, પુરી : પુરી જિલ્લાના કોટંગ ગામમાં પ્રાથમિક શાળા અને વાવાઝોડા આશ્રયકેન્દ્ર, મિડલ સ્કૂલ અને વાવાઝોડા આશ્રયકેન્દ્ર, હાઈસ્કૂલ અને વાવાઝોડા આશ્રયકેન્દ્રનાં નવાં બંધાયેલાં મકાનોનો ઉદ્‌ઘાટન વિધિ ૬ ડિસે.ના રોજ શ્રી સુરેન્દ્રનાથ નાયક ઓરિસ્સાના પંચાયત રાજના પ્રધાનશ્રી, સ્વામી શિવમયાનંદજી અને સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ હસ્તે સંપન્ન થયો. આ પ્રસંગે યોજાયેલી જાહેરસભામાં ભક્તજનો, સરકારી અધિકારીઓ અને ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા. રમતગમત અને વક્તૃત્વ સ્પર્ધાના વિજેતા યુવાનોને પારિતોષિકો આપવામાં આવ્યાં હતાં અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ થયું હતું. ૪૦૦૦ જેટલા ગ્રામ્યજનોને ભોજન આપવામાં આવ્યું હતું તેમજ આજુબાજુનાં ૭ ગામડાંના વાવાઝોડાગ્રસ્ત લોકોને ૭૫૦ ધાબળા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૯ બોરવેલ તૈયાર છે.

Total Views: 183

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.