શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે યુવ-સંમેલન યોજાયું
૧૯૮૫થી સ્વામી વિવેકાનંદજીના જન્મદિનને ભારત સરકારે રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ નિમિત્તે ૧૨મી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં એક યુવ-સંમેલનનું આયોજન થયું હતું જેમાં લગભગ ૫૦૦ યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. રાજકોટના કલેક્ટર શ્રી એસ. જગદીશનના હસ્તે સંમેલનનું ઉદ્ઘાટન થયું હતું. સ્વામી જ્ઞાનેશાનંદજીએ યુવા ભાઈ-બહેનોને સ્વામી વિવેકાનંદજીના “સ્વદેશ મંત્ર’નું પઠન કરાવ્યું હતું. શ્રી એસ. જગદીશન, સ્વામી જિતાત્માનંદજી તેમજ સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં પ્રવચન બાદ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રસપ્રદ રહ્યો હતો. સ્વામી વિવેકાનંદ પર એક વિડિયો ફિલ્મ પણ દેખાડવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી મનસુખલાલ મહેતાએ કર્યું હતું.
સ્વામી વિવેકાનંદ ભારત-પરિક્રમા શતાબ્દી
સ્વામી વિવેકાનંદ ભારત પરિક્રમા શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મઠના આગરતલા કેન્દ્ર દ્વારા ૭ અને ૮ નવેમ્બરે મહોત્સવ યોજાયો હતો જેમાં ત્રિપુરાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી સુખમય સેનગુપ્ત, રાજ્યના સાત મંત્રીઓ અને ત્રિપુરા યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. જે.બી. ગાંગુલીએ ભાગ લીધો હતો. ૫૦૦ યુવકોએ અગરતલાની એક કિ.મી.ની પરિધિમાંથી ‘વિવેક જ્યોતિ’ મશાલ અને ભગવા ધ્વજ સાથે વિવેક ઉદ્યાન સુધીની ‘રીલે-રેસ’માં ભાગ લીધો. અગરતલા સિવાય ત્રિપુરામાં અન્ય ૧૫ સ્થળોએ પણ આ શતાબ્દી ઉજવાઈ હતી. શાળા-કૉલેજોના વિદ્યાર્થીઓ માટે મુખપાઠ સ્પર્ધા, વક્તૃત્ત્વ સ્પર્ધા, ક્વીઝ સ્પર્ધા વગેરે પણ યોજાયાં હતાં.
રામકૃષ્ણ મિશનના દિલ્હી કેન્દ્ર દ્વારા ૨૦મી નવેમ્બરે આ ઉજવણી એ જ સ્થળમાં થઈ હતી જ્યાં સ્વામી વિવેકાનંદે પોતાના ભારત પરિભ્રમણ દરમ્યાન નિવાસ કર્યો હતો. ત્યારે આ સ્થળ શેઠ શ્યામલ દાસનું હતું. દિલ્હીના લેફટનન્ટ ગવર્નર શ્રી પી.કે. દવેએ સભાની અધ્યક્ષતા કરી હતી અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે માંગલિક પ્રવચન કર્યું હતું. રામકૃષ્ણ મિશનના કોઈમ્બતુર આશ્રમ દ્વારા આ શતાબ્દી ૨૦થી ૨૩ નવેમ્બર સુધી ઉજવાઈ હતી. સ્વામી વિવેકાનંદજીના સંદેશની પ્રાસંગિકતા પર પ્રકાશ ફેંકતો એક શૈક્ષણિક પરિસંવાદ, એક યુવ-સંમેલન (જેમાં ૧૫ કૉલેજોના ૧૫૦ યુવાનોએ ભાગ લીધો), સ્વામી વિવેકાનંદજીના સંદેશના પરિપ્રેક્ષ્યમાં સ્વાસ્થ્ય શિક્ષણ પરનો એક પરિસંવાદ, જાહેર સભા વગેરે કાર્યક્રમો યોજાયા હતા.
રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્ર દ્વારા આ ઉપલક્ષ્યમાં ૧૨મી નવેમ્બરે એક જાહેર સભાનું આયોજન ‘પન્નાસાયર’ (જ્યાં સ્વામીજીનું ૧૮૯૭માં જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું)માં કરવામાં આવ્યું હતું. એ જ દિવસે ખેતડી મ્યુનિસિપાલિટી દ્વારા ખેતડીના એક મહત્ત્વપૂર્ણ માર્ગને ‘વિવેકાનંદ માર્ગ’ નામ આપવામાં આવ્યું હતું.
રામકૃષ્ણ મિશન, સારદાપીઠની સુવર્ણ જયંતી
રામકૃષ્ણ મિશન, સારદાપીઠ (બેલુર)નો સુવર્ણ જયંતી ઉત્સવ ૮થી ૧૩ નવેમ્બર સુધી ઉજવવામાં આવ્યો હતો. ઉત્સવનું ઉદ્ઘાટન રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ્ હસ્તે થયું હતું. શોભાયાત્રા, નાટ્યાભિનયો, ભજન-સંગીત, રમત-ગમત સ્પર્ધા વગેરે અનેક કાર્યક્રમો યોજાયા હતા.
Your Content Goes Here




