શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

દિવાળીના દિવસે શ્રીશ્રીકાલીપૂજાનું આયોજન

સોમવાર, ૨૦ ઑક્ટોબર, દિવાળીના દિવસે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઉત્સાહપૂર્વક શ્રીશ્રીકાલી-પૂજાનું અનુષ્ઠાન કરાયું. સાંજે ૬:૪૫ વાગ્યે સંધ્યા આરતી બાદ આશ્રમ પરિસરમાં દીપ પ્રગટાવવામાં આવ્યા. ૯ વાગ્યાથી આરંભેલ રાતભર ચાલેલી પૂજા દરમિયાન કાલીકીર્તન અને શિવભજનોથી વાતાવરણ ભાવવિભોર બન્યું. વહેલી સવારે શ્રીમંદિરમાં હોમ થયો હતો. દેશભરથી પધારેલ સાધુઓ તથા ભક્તોએ પુષ્પાંજલિ અર્પણ કરી. બીજે દિવસે સાંજે શ્રીશ્રીકાલીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું અને સંધ્યા આરતી પછી શાંતિજળનો કાર્યક્રમ યોજાયો. આ દિવસે દર્શન માટે હજારો દર્શનાર્થીઓ પધાર્યા હતા.

રાજકોટ આશ્રમમાં સ્વયંસેવક સભાનું આયોજન

૧૮ ઑક્ટોબરના રોજ આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓમાં સહયોગી સ્વયંસેવકો માટે એક સભાનું આયોજન થયું હતું. સભાના પ્રારંભે સ્વામી શંકરેશાનંદજીના ભજન બાદ સ્વામી મેધજાનંદજીએ કાર્યક્રમની ભૂમિકા રજૂ કરી. રામકૃષ્ણ મિશન, શ્રીનગરના સચિવ સ્વામી વિનિર્મુક્તાનંદજીએ ‘સંઘરૂપી શ્રીરામકૃષ્ણની સેવારૂપી પૂજા’; રામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજીએ ‘રામકૃષ્ણ સંઘની વિશેષતાઓ’; રામકૃષ્ણ મિશન આશ્રમ, ભોપાલના સચિવ સ્વામી નિત્યજ્ઞાનાનંદજીએ ‘રામકૃષ્ણ સંઘની આધ્યાત્મિક વિભૂતિઓ’; રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ સ્વામી મંત્રેશાનંદજીએ ‘સેવાકાર્યનું મહત્ત્વ’ વિશે પ્રવચનો આપ્યાં. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પ્રાસંગિક સંબોધન તથા સ્વામી દર્પહાનંદજીએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમના અંતે સહુ સ્વયંસેવકોને અભિવાદનરૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની શતાબ્દી તરફનું પ્રયાણ દર્શાવતી છબી તથા પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં તથા ભોજન-પ્રસાદ પીરસવામાં આવ્યો. કાર્યક્રમમાં લગભગ ૨૫૦ જેટલા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ આશ્રમના કર્મનિષ્ઠ કર્મચારીઓ માટે વિશેષ સભાનું આયોજન

તા. ૧૮ ઑક્ટોબરના રોજ આશ્રમના વિવિધ વિભાગોમાં કાર્યરત કર્મચારીઓ માટે એક વિશેષ સભાનું આયોજન થયું હતું. સ્વામી દર્પહાનંદજી તથા સ્વામી ધર્મપાલાનંદજીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યાં.

સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સહુ કર્મચારીઓને સંબોધતાં જણાવ્યું કે તેઓ આશ્રમ પરિવારના જ અનન્ય સભ્યો છે. તેઓ આ મહાન સેવાકીય પ્રકલ્પમાં જોડાયેલા છે એ ખૂબ સૌભાગ્યની વાત છે. તેમણે જણાવ્યું કે આશ્રમનું પ્રત્યેક કાર્ય એ ઈશ્વરની સેવા જ છે. કર્મચારીઓ દ્વારા નિષ્ઠાપૂર્વક કરવામાં આવતી સેવા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અંતમાં તેમણે કર્મચારીઓના અમૂલ્ય યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો અને સહુને પોતાનું કર્તવ્ય પ્રેમ અને સમર્પણ ભાવથી નિભાવવા માટે પ્રેરણા આપી.

અંતે સહુ કર્મચારીઓને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની શતાબ્દી તરફનું પ્રયાણ દર્શાવતી છબી, પુસ્તકો તથા મીઠાઈ ભેટ આપવામાં આવ્યાં. આ દિવસે સહુ કર્મચારીઓએ સાથે ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો.

‘સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ’નું આયોજન

આશ્રમ દ્વારા કચ્છ રેલવે કંપની લિમિટેડના સહયોગથી સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમિયાન ૫ શાળાઓમાં આયોજિત આ કાર્યક્રમમાં સ્વચ્છતા, પોષણ, દાંત અને દૃષ્ટિની સંભાળ તેમજ રોજિંદી જીવનશૈલીમાં સ્વાસ્થ્યપ્રદ આચરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમનો કુલ ૧૦૯૫ બાળકોએ લાભ લીધો.

ભાવિ કાર્યક્રમો

આપને જણાવતાં આનંદ થાય છે કે સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજ ૨૬ માર્ચ, ૨૦૨૬ના રોજ રાજકોટ પધારી રહ્યા છે. પૂજ્ય મહારાજશ્રી ૨૮ માર્ચ, ૨૦૨૬ના રોજ અગાઉથી નોંધાયેલ ભક્તોને મંત્ર-દીક્ષા પ્રદાન કરશે. જેઓ મંત્ર-દીક્ષા ઇચ્છતા હોય, તેઓને નીચે દર્શાવ્યા મુજબનાં પુસ્તકો વાંચીને આશ્રમ કાર્યાલયમાં સંપર્ક કરવા વિનંતી.

મંત્રદીક્ષા માટે વાંચવાનાં જરૂરી પુસ્તકો

૧. શ્રીરામકૃષ્ણદેવનું સંક્ષિપ્ત જીવન

૨. શ્રીમા શારદાદેવીનું સંક્ષિપ્ત જીવન

૩. સ્વામી વિવેકાનંદનું સંક્ષિપ્ત જીવન

૪. મંત્રદીક્ષા એટલે શું?

૫. શ્રીરામકૃષ્ણ કથામૃત (ઓછામાં ઓછો એક ભાગ)

આધ્યાત્મિક શિબિરનું આયોજન

આશ્રમ દ્વારા ૩૦ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ (શુક્રવારથી રવિવાર) દરમિયાન દરરોજ સવારે ૮:૦૦ થી સાંજના ૫:૦૦ દરમિયાન આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરમાં હિન્દી તથા ગુજરાતી ભાષામાં પ્રવચનો, ભજનો, સંકીર્તન, દ્રશ્ય-શ્રાવ્ય કાર્યક્રમ, પ્રશ્નોત્તરી સત્ર વગેરે સમાવિષ્ટ રહેશે. રાજકોટ બહારથી પધારતા ભક્તો માટે આશ્રમમાં રહેવાની (ડૉર્મિટરીમાં) તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવશે.

Total Views: 26

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.